🎧 ચાતુર્માસ ઓડિયો પ્લેયર - દિવસ-63
પ્રમુખપ્રસંગમ
કુલ ઓડિયો :
2
🆕 આજનો નવો ઓડિયો -25-09-2026
દિવસ -63▶ હાલમાં સાંભળી રહ્યા છો
દિવસ -63▶ તમે છેલ્લે સાંભળ્યું હતું
દિવસ -1
00:00
© Know My Guru
પ્રમુખપ્રસંગમ
દિવસ -1
00:00
સંવત ૧૮૭૬ના ફાગણ વદિ ૭ સપ્તમીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવ નારાયણના મંદિર આગળ આથમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને ધોળું હીરકોરનું ધોતિયું માથે બાંધ્યું હતું ને કંઠને વિષે શ્વેત પુષ્પના હાર વિરાજમાન હતા અને પાઘને વિષે ગુલાબનાં પુષ્પના તોરા વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી નૃસિંહાનંદ સ્વામીએ પૂછ્યું જે, “ભગવાનના નિશ્ચયમાં કસર હોય તેને કેવા સંકલ્પ થાય?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને નિશ્ચયમાં કસર હોય તેને જ્યારે ભગવાનમાં કાંઈ સામર્થી દેખાય ત્યારે અતિ આનંદ થાય અને જ્યારે સામર્થી ન દેખાય ત્યારે અંતર ઝાંખું થઈ જાય. અને પોતાના હૃદયમાં ભૂંડા સંકલ્પ થતા હોય ને તેને ટાળે તોય પણ ટળે નહીં, ત્યારે ભગવાનમાં અવગુણ પરઠે જે, ‘હું આટલા દહાડાથી સત્સંગ કરી કરીને મરી ગયો તોય પણ ભગવાન મારા ભૂંડા ઘાટ ટાળતા નથી,’ એવી રીતે ભગવાનમાં દોષ પરઠે. અને જે પદાર્થમાં પોતાને હેત હોય અને કોઈ પ્રકારે તે પદાર્થમાંથી મન પાછું ન વળતું હોય ત્યારે તેવો ને તેવો દોષ ભગવાનને વિષે પરઠે જે, ‘જેમ મારે વિષે કામાદિક દોષ છે તેમ ભગવાનને વિષે પણ છે, પણ એ ભગવાન છે તે મોટા કહેવાય છે.’ એવી રીતના જેને અંતરમાં ઘાટ થતા હોય તેને નિશ્ચયમાં કસર જાણવી. એનો પરિપક્વ નિશ્ચય ન કહેવાય.”
પછી પરમચૈતન્યાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ! જેને ભગવાનનો પરિપક્વ નિશ્ચય હોય તેને કેવી જાતના ઘાટ થાય?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને પરિપક્વ નિશ્ચય હોય તેને તો મનમાં એમ રહે જે, ‘મારે સર્વે પ્રાપ્તિ થઈ રહી છે અને જ્યાં પ્રત્યક્ષ ભગવાન રહ્યા છે ત્યાં જ પરમધામ છે અને આ સંત સર્વે તે નારદ-સનકાદિક જેવા છે અને સત્સંગી સર્વે તે તો જેવા ઉદ્ધવ, અક્રૂર, વિદુર, સુદામા અને વૃંદાવનના ગોપ તેવા છે અને જે બાઈઓ હરિભક્ત છે તે તો જેવી ગોપીઓ તથા દ્રૌપદી, કુંતાજી, સીતા, રુક્મિણી, લક્ષ્મી, પાર્વતી એવી છે અને હવે મારે કાંઈ કરવું રહ્યું નથી અને ગોલોક, વૈકુંઠ, બ્રહ્મપુર તેને હું પામી રહ્યો છું;’ એવી રીતના ઘાટ થાય અને પોતાના હૃદયમાં અતિ આનંદ વર્તે. એવી રીતે જેના અંતરમાં વર્તતું હોય તેને પરિપક્વ નિશ્ચય જાણવો.”
એમ કહીને પછી શ્રીજીમહારાજ એમ બોલ્યા જે, “તત્ત્વે કરીને ભગવાનનું સ્વરૂપ જાણ્યા પછી એને કાંઈ જાણવું રહેતું નથી. તે તત્ત્વે કરીને જાણ્યાની રીત કહીએ તે સાંભળો, જે સાંભળીને પરમેશ્વરના સ્વરૂપનો અડગ નિશ્ચય થાય છે જે, પ્રથમ તો એને ભગવાનની મોટાઈ જાણવી જોઈએ. જેમ કોઈક મોટો રાજા હોય, તેનાં જે ગોલા અને ગોલીઓ હોય તેને પણ સાત ભૂમિની તો હવેલીઓ રહેવાની હોય અને બાગબગીચા ને ઘોડા, વેલ્યો, ઘરેણાં એ આદિક જે સામગ્રીઓ તેણે કરીને દેવલોક સરખાં તેનાં ઘર જણાય, ત્યારે તે રાજાનો જે દરબાર તથા તેમાં જે સામગ્રીઓ તે તો અતિ શોભાયમાન હોય. તેમ શ્રીપુરુષોત્તમ ભગવાનની આજ્ઞામાં વર્તતા એવા જે બ્રહ્માંડના અધિપતિ બ્રહ્માદિક તેના જે લોક અને તે લોકના વૈભવ તેનો પાર પમાતો નથી, તો જેના નાભિકમળમાંથી બ્રહ્મા ઉત્પન્ન થયા એવા જે વિરાટપુરુષ તેના વૈભવનો પાર તો ક્યાંથી પમાય? અને એવા અનંત કોટિ જે વિરાટપુરુષ તેમના સ્વામી જે પુરુષોત્તમ ભગવાન તેનું ધામ જે અક્ષર, જેને વિષે એવાં અનંત કોટિ બ્રહ્માંડ તે એક એક રોમ પ્રત્યે અણુની પેઠે ઊડતાં ફરે છે એવું એ ભગવાનનું ધામ છે, અને તે ધામને વિષે પુરુષોત્તમ ભગવાન પોતે દિવ્યરૂપે કરીને સદા વિરાજમાન છે, અને તે ધામમાં અપાર દિવ્ય સામગ્રી છે, તે ભગવાનની મોટ્યપનો પાર તો આવે જ કેમ? એવી રીતે ભગવાનની મોટ્યપ સમજે. અને જે જે થકી મોટો હોય તે તે થકી સૂક્ષ્મ હોય અને તે તેનું કારણ પણ હોય. જેમ પૃથ્વી થકી જળ મોટું છે અને તે પૃથ્વીનું કારણ છે અને તે થકી સૂક્ષ્મ પણ છે, અને જળ થકી તેજ મોટું છે, અને તેજ થકી વાયુ મોટો છે, અને વાયુ થકી આકાશ મોટો છે, એવી રીતે અહંકાર, મહત્તત્ત્વ, પ્રધાનપુરુષ, પ્રકૃતિપુરુષ અને અક્ષર એ સર્વે એકબીજાંથી મોટાં છે અને એકબીજાંથી સૂક્ષ્મ છે ને કારણ છે અને એ સર્વે મૂર્તિમાન છે; પણ ભગવાનનું જે અક્ષરધામ છે તે તો અત્યંત મોટું છે, જેના એક એક રોમને વિષે અનંત કોટિ બ્રહ્માંડ અણુની પેઠે ઊડતાં જ ફરે છે. જેમ કોઈ મોટો હસ્તી હોય તેના શરીર ઉપર કીડી ચાલી જતી હોય તે કશી ગણતીમાં આવે નહીં, તેમ તે અક્ષરની મોટાઈ આગળ બીજું કોઈ કાંઈ ગણતીમાં આવતું નથી. જેમ ઝીણાં મચ્છર હોય તેને મધ્યે કીડી હોય તે મોટી દેખાય અને કીડીને મધ્યે વીંછી હોય તે મોટો દેખાય અને વીંછીને મધ્યે સાપ હોય તે મોટો દેખાય અને સાપને મધ્યે સમળા હોય તે મોટી દેખાય ને સમળાને મધ્યે પાડો હોય તે મોટો દેખાય ને પાડાને મધ્યે હાથી હોય તે મોટો દેખાય ને હાથીને મધ્યે ગિરનાર સરખો પર્વત હોય તે મોટો દેખાય અને તે પર્વતને મધ્યે મેરુ પર્વત મોટો દેખાય અને તે મેરુ જેવા પર્વતને મધ્યે લોકાલોક પર્વત તે અતિ મોટો જણાય અને લોકાલોક પર્વત થકી પૃથ્વી અતિ મોટી જણાય. અને પૃથ્વીનું કારણ જે જળ તે તે થકી મોટું પણ છે અને સૂક્ષ્મ પણ છે, એવી રીતે જળનું કારણ તે તેજ છે, તેજનું કારણ વાયુ છે, વાયુનું કારણ આકાશ છે, આકાશનું કારણ અહંકાર છે, અહંકારનું કારણ મહત્તત્ત્વ છે, મહત્તત્ત્વનું કારણ પ્રધાન ને પુરુષ છે, અને પ્રધાન ને પુરુષનું કારણ મૂળ પ્રકૃતિ ને બ્રહ્મ છે, અને એ સર્વેનું કારણ અક્ષરબ્રહ્મ છે. અને તે અક્ષર તો પુરુષોત્તમ ભગવાનનું ધામ છે. અને એ અક્ષરની સંકોચ ને વિકાસ અવસ્થા થતી નથી, સદાય એકરૂપે રહે છે. અને તે અક્ષર મૂર્તિમાન છે પણ અતિ મોટા છે, માટે કોઈની નજરે અક્ષરનું રૂપ આવતું નથી. જેમ ચોવીસ તત્ત્વનું કાર્ય જે બ્રહ્માંડ તે પુરુષાવતાર કહેવાય છે અને તે વિરાટપુરુષ જે તે કરચરણાદિકે કરીને યુક્ત છે, પણ તેની મૂર્તિ અતિશય મોટી છે માટે નજરે આવતી નથી; અને તેની નાભિમાંથી થયું જે કમળ તેના નાળમાં બ્રહ્મા સો વર્ષ લગી ચાલ્યા પણ તેનો અંત ન આવ્યો અને જો કમળનો જ અંત ન આવ્યો તો વિરાટપુરુષનો પાર કેમ આવે? માટે તે વિરાટનું રૂપ નજરે આવતું નથી. તેમ અક્ષરધામ પણ મૂર્તિમાન છે, પણ કોઈને નજરે આવે નહીં. તે શા માટે જે, એવાં એવાં બ્રહ્માંડ એક એક રોમમાં અસંખ્યાત ઊડતાં જ ફરે છે; એવડા મોટા છે. તે અક્ષરધામને વિષે પુરુષોત્તમ ભગવાન પોતે સદાય વિરાજમાન છે, અને પોતાની અંતર્યામી શક્તિએ કરીને અક્ષરધામ અને અનંત કોટિ બ્રહ્માંડ અને તે બ્રહ્માંડના જે ઈશ્વર તે સર્વેને વિષે અન્વયપણે રહ્યા છે. અને તે અક્ષરધામને વિષે પોતાના સાધર્મ્યપણાને પામ્યા એવા જે અનંત કોટિ મુક્ત તે એ ભગવાનની સેવાને વિષે રહે છે. અને તે ભગવાનના સેવકના એક એક રોમને વિષે કોટિ કોટિ સૂર્યના જેવો પ્રકાશ છે; માટે જેના સેવક એવા છે તો એમના સ્વામી જે પુરુષોત્તમ ભગવાન તેનો મહિમા તો કેમ કહેવાય? એવા અતિ સમર્થ જે ભગવાન તે પોતે અક્ષરમાં પ્રવેશ કરીને અક્ષરરૂપે થાય છે અને પછી મૂળ પ્રકૃતિપુરુષરૂપે થાય છે અને પછી પ્રધાનપુરુષરૂપે થાય છે અને પછી પ્રધાનમાંથી થયાં જે ચોવીસ તત્ત્વ તેને વિષે પ્રવેશ કરીને તે રૂપે થાય છે અને પછી તે તત્ત્વે કરીને સરજાણા જે વિરાટપુરુષ તેને વિષે પ્રવેશ કરીને તે રૂપે થાય છે અને પછી બ્રહ્મા, વિષ્ણુ, શિવમાં પ્રવેશ કરીને તે તે રૂપે થાય છે. એવી રીતે અતિ સમર્થ અને અતિ પ્રકાશે યુક્ત અને અતિ મોટા જે એ ભગવાન તે પોતાનું જે આવું ઐશ્વર્ય અને તેજ તેને પોતામાં સમાવીને જીવના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા થાય છે, અને મનુષ્ય દર્શન કરી શકે તથા સેવા-અર્ચનાદિક કરી શકે એવું રૂપ ધારણ કરે છે. જેમ કીડીના પગમાં ઝીણો કાંટો વાગ્યો હોય તેને બરછી તથા નરેણીએ કરીને કાઢે તો નીસરે નહીં, તે તો અતિશય ઝીણું લોઢું હોય તેણે કરીને નીસરે; તેમ ભગવાન પણ પોતાની મોટાઈને પોતામાં સમાવીને અતિશય અલ્પ રૂપનું ધારણ કરે છે. જેમ અગ્નિ પોતાનો પ્રકાશ અને જ્વાળા તેને સમાવીને મનુષ્ય જેવા થાય, તેમ ભગવાન પણ પોતાની સામર્થી છપાવીને જીવના કલ્યાણને અર્થે મનુષ્યની પેઠે વર્તે છે. અને જે મૂર્ખ હોય તે તો એમ જાણે જે, ‘ભગવાન કાંઈ સામર્થી કેમ પ્રકટ કરતા નથી?’ પણ ભગવાન તો મૂળગી જીવના કલ્યાણને અર્થે પોતાની સામર્થી ઢાંકીને વર્તે છે. અને જો પોતાની મોટ્યપ પ્રકટ કરે તો બ્રહ્માંડ પણ નજરમાં ન આવે તો જીવની શી ગણના? એવી રીતે મહિમાએ સહિત જે ભગવાનનો નિશ્ચય તે જેને હૃદયમાં દૃઢપણે થયો હોય તેને કાળ, કર્મ, માયા કોઈ બંધન કરવા સમર્થ નથી. માટે એવી રીતે તત્ત્વે કરીને જે ભગવાનને જાણે તેને કાંઈ કરવું રહ્યું નથી.”
પછી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું જે, “એવી રીતે અનુક્રમે કરીને ભગવાન મનુષ્યાકૃતિ ધરે છે કે અનુક્રમ વિના પણ મનુષ્યાકૃતિ ધરે છે?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “અનુક્રમનો કાંઈ મેળ નથી. ત્યાં દૃષ્ટાંત: જેમ કોઈ પુરુષ હોય તે તળાવને વિષે ડબકી ખાય, તે ડબકી ખાઈને ગમે તો ત્યાં ને ત્યાં નીસરે અથવા કાંઠે નીસરે અથવા આસપાસ નીસરે; તેમ પુરુષોત્તમ ભગવાન છે તે અક્ષરરૂપ ધામને વિષે ડબકી ખાઈને ગમે તો ત્યાંથી પાધરા જ મનુષ્યાકૃતિને ધરે છે અને ગમે તો એવી રીતે અનુક્રમે કરીને મનુષ્યાકૃતિને ધરે છે.”
એમ વાર્તા કરીને પછી વળી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને અતિ દૃઢ નિશ્ચય હોય તેનું થોડાકમાં લક્ષણ કહું તે સાંભળો જે, જેને પરિપક્વ નિશ્ચય હોય અને તે પોતે અત્યંત ત્યાગી હોય તોય પણ તે પાસે ગમે તેવી પ્રવૃત્તિમાર્ગની ક્રિયા કરાવીએ તો તે કરે, પણ તેમાંથી પાછો હઠે નહીં અને કચવાઈને પણ કરે નહીં, રાજી થકો કરે. અને બીજું એ લક્ષણ જે, ગમે તેવો પોતામાં કોઈક સ્વભાવ હોય અને તે કોટિ ઉપાય કરે તોય પણ ટળે એવો ન હોય ને જો તે સ્વભાવને મુકાવ્યાનો પરમેશ્વરનો આગ્રહ દેખે તો તે સ્વભાવને તત્કાળ મૂકે. અને ત્રીજું એ લક્ષણ જે, પોતામાં કાંઈક અવગુણ હોય તો પણ પરમેશ્વરની કથા, કીર્તન તથા ભગવાનના સંત તે વિના ઘડીમાત્ર રહેવાય નહીં, અને પોતાનો અવગુણ લે ને સંતનો ગુણ ગ્રહણ કરે, અને ભગવાનની કથા-કીર્તન અને ભગવાનના સંતનો અતિ મહિમા સમજે. એવું જેને વર્તતું હોય તેને પરિપક્વ નિશ્ચય જાણવો. એવા નિશ્ચયવાળાને કોઈક દિવસ કોઈક પ્રારબ્ધયોગે કરીને કાંઈક વર્તવામાં ફેર પડી જાય તોય પણ તેનું અકલ્યાણ ન થાય. અને એવો નિશ્ચય ન હોય ને તે ગમે તેવો ત્યાગી હોય તોય પણ તેના કલ્યાણમાં ફેર છે.”
પ્રમુખપ્રસંગમ
દિવસ -1
00:00
સંવત ૧૮૭૬ના ફાગણ વદિ ૪ ચોથને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ચોક વચ્ચે ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો અને ધોળી ચાદર ઓઢી હતી અને માથે શ્વેત પાઘ વિરાજમાન હતી અને તે પાઘને વિષે શ્વેત પુષ્પના હાર તથા શ્વેત પુષ્પના તોરા વિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પૂછ્યું જે, “શ્રીમદ્ભાગવતમાં કહ્યું છે જે,
સત્યં શૌચં દયા ક્ષાન્તિસ્ત્યાગઃ સન્તોષ આર્જવમ્।“એ જે ઓગણચાળીસ કલ્યાણકારી ગુણ તે ભગવાનના સ્વરૂપને વિષે નિરંતર રહે છે. તે એ ગુણ સંતને વિષે કેવી રીતે આવે છે?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ ગુણ સંતમાં આવ્યાનું કારણ તો એ છે જે, એને ભગવાનના સ્વરૂપનો યથાર્થ નિશ્ચય થાય તો એ કલ્યાણકારી ગુણ ભગવાનના છે તે સંતમાં આવે છે. તે નિશ્ચય કેવો હોય? તો જે, ભગવાનને કાળ જેવા ન જાણે, કર્મ જેવા ન જાણે, સ્વભાવ જેવા ન જાણે, માયા જેવા ન જાણે, પુરુષ જેવા ન જાણે, અને સર્વ થકી ભગવાનને જુદા જાણે અને એ સર્વના નિયંતા જાણે ને સર્વના કર્તા જાણે, અને એ સર્વને કર્તા થકા પણ એ નિર્લેપ છે એમ ભગવાનને જાણે; અને એવી રીતે જે પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપનો નિશ્ચય કર્યો છે તે કોઈ રીતે કરીને ડગે નહીં, તે ગમે તેવાં તરેતરેનાં શાસ્ત્ર સાંભળે અને ગમે તેવા મતવાદીની વાત સાંભળે અને ગમે તેવા પોતાનું અંતઃકરણ કુતર્ક કરે પણ કોઈ રીતે કરીને ભગવાનના સ્વરૂપમાં ડગમગાટ થાય નહીં; એવી જાતનો જેને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય હોય તેને ભગવાનનો સંબંધ થયો કહેવાય. માટે જેને જે સંગાથે સંબંધ હોય તેના ગુણ તેમાં સહજે આવે. જેમ આપણાં નેત્ર છે તેને જ્યારે દીવા સંગાથે સંબંધ થાય છે ત્યારે તે દીવાનો પ્રકાશ નેત્રમાં આવે છે, તેણે કરીને નેત્ર આગળ અંધારું હોય તેનો નાશ થઈ જાય છે; તેમ જેને ભગવાનના સ્વરૂપનો દૃઢ નિશ્ચયે કરીને સંબંધ થાય છે તેને વિષે ભગવાનના કલ્યાણકારી ગુણ આવે છે. પછી જેમ ભગવાન સર્વ પ્રકારે નિર્બંધ છે અને જે ચહાય તે કરવાને સમર્થ છે, તેમ એ ભક્ત પણ અતિશય સમર્થ થાય છે અને નિર્બંધ થાય છે.”
પછી નિર્વિકારાનંદ સ્વામીએ પૂછ્યું જે, “નિશ્ચય હોય તોય પણ રૂડા ગુણ તો આવતા નથી અને માન ને ઈર્ષ્યા તો દિવસે દિવસે વધતાં જાય છે તેનું શું કારણ હશે?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાન પાસે એક અમૃત લાવીએ અને શિંગડીયો વછનાગ લાવીએ, અને દૂધપાક ને સાકર લાવીએ અને અફીણ લાવીએ, અને તે સર્વેને ભગવાનના થાળમાં ધરીએ, તો પણ જેનો જેવો ગુણ હોય તેનો તેવો ને તેવો જ રહે પણ પલટાઈ જાય નહીં. તેમ જે જીવ આસુરી અને અતિ કુપાત્ર હોય તે ભગવાનને સમીપે આવે તોય પણ પોતાના સ્વભાવને મૂકે નહીં. પછી એ કોઈક ગરીબ હરિભક્તનો દ્રોહ કરે તેણે કરીને એનું ભૂંડું થાય; શા માટે જે, ભગવાન સર્વમાં અંતર્યામીરૂપે કરીને રહ્યા છે, તે પોતાની ઇચ્છા આવે ત્યાં તેટલી સામર્થી જણવે છે. માટે તે ભક્તને અપમાને કરીને તે ભગવાનનું અપમાન થાય છે, ત્યારે તે અપમાનના કરનારાનું અતિશય ભૂંડું થઈ જાય છે. જેમ હિરણ્યકશિપુ હતો તેણે ત્રિલોકી પોતાને વશ કરી રાખી હતી એવો બળવાન હતો, તો પણ તેણે જો પ્રહ્લાદજીનો દ્રોહ કર્યો તો ભગવાને સ્તંભમાંથી નૃસિંહરૂપે પ્રકટ થઈને તે હિરણ્યકશિપુનો નાશ કરી નાખ્યો. એમ વિચારીને ભગવાનના ભક્ત હોય તેને અતિશય ગરીબપણું પકડવું પણ કોઈનું અપમાન કરવું નહીં; કાં જે, ભગવાન તો ગરીબના અંતરને વિષે પણ વિરાજમાન રહ્યા છે તે એ ગરીબના અપમાનના કરતલનું ભૂંડું કરી નાંખે છે, એવું જાણીને કોઈ અલ્પ જીવને પણ દુખવવો નહીં. અને જો અહંકારને વશ થઈને જેને તેને દુખવતો ફરે તો ગર્વગંજન એવા જે ભગવાન તે અંતર્યામીરૂપે સર્વમાં વ્યાપક છે તે ખમી શકે નહીં, પછી ગમે તે દ્વારે પ્રકટ થઈને એ અભિમાની પુરુષના અભિમાનને સારી પેઠે નાશ કરે છે. તે માટે તે ભગવાનથી ડરીને જે સાધુ હોય તેને લેશમાત્ર અભિમાન રાખવું નહીં અને એક કીડી જેવા જીવને પણ દુખવવો નહીં, એ જ નિર્માની સાધુનો ધર્મ છે.”
પ્રમુખપ્રસંગમ
દિવસ -1
00:00
સંવત ૧૮૭૬ના ફાગણ વદિ ૩ ત્રીજને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવ નારાયણના મંદિરની આગળ લીંબડાના વૃક્ષને હેઠે ઓટાને વિષે ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને હીરકોરનું શ્વેત ધોતિયું મસ્તકે બાંધ્યું હતું અને શ્વેત પછેડી ઓઢી હતી ને શ્વેત ખેસ પહેર્યો હતો ને કંઠમાં શ્વેત પુષ્પના હાર ધારણ કર્યા હતા ને શ્વેત પુષ્પના તોરા પાઘમાં ડાબી કોરે લટકતા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “કામ, ક્રોધ, લોભ તથા ભય એમને યોગે કરીને પણ ધીરજ ડગે નહીં તેનો શો ઉપાય છે?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “‘હું દેહ નહીં, હું તો દેહથી નોખો ને સર્વેનો જાણનારો એવો જે આત્મા તે છું,’ એવી જે આત્મનિષ્ઠા તે જ્યારે અતિશય દૃઢ થાય ત્યારે કોઈ રીતે કરીને ધીરજ ડગે નહીં અને આત્મનિષ્ઠા વિના બીજા અનેક ઉપાય કરે તો પણ ધીરજ રહે નહીં.”
પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું જે, “જે આત્મનિષ્ઠા હોય તે અંત સમે કેટલી સહાય કરે છે?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેમ નદી તરવી હોય ત્યાં તો જેને તરતાં આવડતું હોય તે તરી જાય ને જેને તરતાં ન આવડતું હોય તે તો ઊભો થઈ રહે; પણ જ્યારે સમુદ્ર તરવો હોય ત્યારે તો તે બેયને વહાણનું કામ પડે છે. તેમ ટાઢ, તડકો, ભૂખ, તરસ, માન, અપમાન, સુખ, દુઃખ તે રૂપી જે નદી તેને તો આત્મનિષ્ઠાવાળો હોય તે તરી જાય; પણ મૃત્યુસમય તો સમુદ્ર જેવો છે, માટે ત્યાં તો આત્મનિષ્ઠાવાળો હોય તથા વગર આત્મનિષ્ઠાવાળો હોય એ બેયને ભગવાનની ઉપાસનારૂપી વહાણનું કામ પડે છે. માટે અંતકાળે તો ભગવાનનો દૃઢ આશરો હોય તે જ કામમાં આવે છે પણ અંત સમે આત્મનિષ્ઠા કાંઈ કામમાં આવતી નથી. તે સારુ ભગવાનની ઉપાસનાને દૃઢ કરીને રાખવી.”
પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “ભગવાનનો ભક્ત હોય તેને સિદ્ધિઓ આડી આવે છે, તે જેને ભગવાનના નિશ્ચયમાં ડગમગાટ હોય તેને જ આવે છે કે નિશ્ચયવાળાને આવે છે?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “સિદ્ધિઓ તો જેને પરિપક્વ ભગવાનનો નિશ્ચય હોય તેને જ આવે છે અને બીજાને તો સિદ્ધિઓ ઘણી દુર્લભ છે. અને એ સિદ્ધિઓને પણ એ ભક્તની પરીક્ષા લેવા સારુ ભગવાન જ પ્રેરે છે જે, ‘એને મારી ઉપર ઘણું હેત છે કે સિદ્ધિઓ ઉપર ઘણું હેત છે?’ એવી રીતે ભગવાન પોતાના ભક્તની પરીક્ષા જુએ છે. પછી જો એ પાકો ભક્ત હોય ને ભગવાન વિના બીજું કાંઈ ન ઇચ્છે ને નિર્વાસનિક એવો એકાંતિક ભક્ત હોય તો ભગવાન પોતે તે ભક્તને વશ થઈ જાય છે. જેમ વામનજીએ બળિરાજાનું ત્રિલોકીનું રાજ્ય લઈ લીધું અને ચૌદ લોકનાં બે પગલાં કર્યાં અને ત્રીજા પગલા સારુ તે બળિરાજાએ પોતાનું શરીર આપ્યું, એવી રીતે શ્રદ્ધા સહિત ભગવાનને સર્વસ્વ આપ્યું તોય ભગવાને એને વગર વાંકે બાંધ્યો, તો પણ ભક્તિ થકી પડ્યો નહીં; ત્યારે એવી પોતાની અનન્ય ભક્તિ જોઈને પોતે ભગવાન તે બળિના બંધનમાં આવતા હવા. અને ભગવાને તો બળિરાજાને ક્ષણમાત્ર બાંધ્યો હતો અને ભગવાન તો એની ભક્તિરૂપી દોરીએ કરીને બંધાયા છે તે આજ દિવસ સુધી પણ અખંડ ભગવાન બળિને દરવાજે ઊભા છે અને બળિરાજાની દૃષ્ટિ થકી પળમાત્ર પણ ભગવાન છેટે થતા નથી. એવી રીતે આપણે પણ બીજી સર્વ વાસના ટાળીને અને ભગવાનને સર્વસ્વ અર્પણ કરીને ભગવાનના દાસ થઈ રહેશું, અને એમ કરતાંય ભગવાન આપણને વધુ દુઃખ દેશે તો ભગવાન પણ પોતે આપણે વશ થઈ જશે; શા માટે જે, પોતે ભક્તવત્સલ છે અને કૃપાસિંધુ છે, તે જેની પોતાને વિષે અતિ દૃઢ ભક્તિ દેખે તેને પોતે આધીન થઈ જાય છે. પછી તે પ્રેમભક્તિએ યુક્ત જે ભક્તનું મન તે મનરૂપી દોરીએ કરીને બંધનમાં આવે છે, પછી છૂટવાને સમર્થ થતા નથી. માટે જેમ જેમ ભગવાન આપણને કસણીમાં રાખે તેમ તેમ વધુ રાજી થવું જોઈએ જે, ‘ભગવાન જેમ જેમ મને વધુ દુઃખ દેશે તેમ તેમ વધુ મારે વશ થશે અને પલમાત્ર મારાથી છેટે નહીં રહે,’ એવું સમજીને જેમ જેમ ભગવાન અતિ કસણી દેતા જાય તેમ તેમ અતિ રાજી થવું, પણ કોઈ રીતે દુઃખ દેખીને અથવા દેહના સુખ સારુ પાછો પગ ભરવો નહીં.”
🎧 ચાતુર્માસ ઓડિયો પ્લેયર - દિવસ-63 પ્રમુખપ્રસંગમ કુલ ઓડિયો : 2 🆕 આજનો નવો ઓડિયો -25-09-2026 ...
Designed by OddThemes | Distributed by Gooyaabi Templates