🎧 ચાતુર્માસ ઓડિયો પ્લેયર - દિવસ-85
પ્રમુખપ્રસંગમ
કુલ ઓડિયો :
2
🆕 આજનો નવો ઓડિયો -17-10-2026
દિવસ -85▶ હાલમાં સાંભળી રહ્યા છો
દિવસ -85▶ તમે છેલ્લે સાંભળ્યું હતું
દિવસ -1
00:00
© Know My Guru
પ્રમુખપ્રસંગમ
દિવસ -1
00:00
સંવત ૧૮૭૭ના શ્રાવણ વદિ ૧૧ એકાદશીને દિવસ રાત્રિને સમે શ્રીજીમહારાજ ગામ શ્રીસારંગપુર મધ્યે જીવાખાચરના દરબારમાં ઉત્તરાદે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
અને શ્રીજીમહારાજે શ્રીમદ્ભાગવત પુરાણના પ્રથમ સ્કંધની કથા વંચાવવાનો આરંભ કરાવ્યો હતો. ત્યારે તેમાં એમ વાર્તા આવી જે, “જ્યાં મનોમય ચક્રની ધારા કુંઠિત થાય ત્યાં નૈમિષારણ્ય ક્ષેત્ર જાણવું.” એ વાર્તાને સાંભળીને મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ! એ મનોમય ચક્ર તે શું છે ને એની ધારા તે શી સમજવી?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “મનોમય ચક્ર તે મનને જાણવું અને એની ધારા તે દશ ઇન્દ્રિયો છે એમ જાણવું. અને તે ઇન્દ્રિયોરૂપ જે મનની ધારા તે જે ઠેકાણે ઘસાઈને બૂઠી થઈ જાય તેને નૈમિષારણ્ય ક્ષેત્ર જાણવું. તે ઠેકાણે જપ, તપ, વ્રત, ધ્યાન, પૂજા એ આદિક જે સુકૃત તેનો જે આરંભ કરે તે દિન-દિન પ્રત્યે વૃદ્ધિ પામે. એવું જે નૈમિષારણ્ય ક્ષેત્ર તે જે ઠેકાણે ભગવાનના એકાંતિક સાધુ રહેતા હોય તે ઠેકાણે જાણવું. અને જ્યારે મનોમય ચક્રની ઇન્દ્રિયોરૂપ જે ધારા તે બૂઠી થઈ જાય ત્યારે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પંચવિષયને વિષે ક્યાંઈ પ્રીતિ રહે નહીં અને જ્યારે કોઈ રૂપવાન સ્ત્રી દેખાય અથવા વસ્ત્ર-અલંકારાદિક અતિ સુંદર પદાર્થ દેખાય ત્યારે મૂળગો તેના મનમાં અતિશય અભાવ આવે, પણ તેમાં ઇન્દ્રિયોની વૃત્તિ જઈને ચોંટે નહીં. જેમ અતિ તીખી અણીવાળું બાણ હોય, તે જે પદાર્થમાં ચોંટાડે તે પદાર્થને વીંધીને માંહી પ્રવેશ કરી જાય છે અને પાછું કાઢ્યું પણ નીસરે નહીં; અને તેના તે બાણમાંથી ફળ કાઢી લીધું હોય ને પછી થોથું રહ્યું હોય તેનો ભીંતમાં ઘા કરે તો ત્યાંથી ઉથડકીને પાછું પડે છે, પણ જેમ ફળ સોતું ભીંતને વિષે ચોંટી જાય છે તેમ ચોંટે નહીં. તેમ જ્યારે મનોમય ચક્રની ધારા જે ઇન્દ્રિયો તે બૂઠિયો થઈ જાય ત્યારે ગમે તેવો શ્રેષ્ઠ વિષય હોય તેમાં પણ ઇન્દ્રિયોની વૃત્તિ ચોંટે નહીં અને થોથાની પેઠે ઇન્દ્રિયોની વૃત્તિઓ પાછી હઠે; એવું વર્તાય ત્યારે જાણીએ જે, મનોમય ચક્રની ધારા કુંઠિત થઈ ગઈ. એવું સંતના સમાગમરૂપી નૈમિષારણ્ય ક્ષેત્ર જ્યાં દેખાય ત્યાં કલ્યાણને ઇચ્છવું અને ત્યાં અતિ દૃઢ મન કરીને રહેવું.”
પ્રમુખપ્રસંગમ
દિવસ -1
00:00
સંવત ૧૮૭૭ના શ્રાવણ વદિ ૧૦ દશમીને દિવસ શ્રીજીમહારાજ ગામ શ્રીસારંગપુર મધ્યે જીવાખાચરના દરબારમાં ઉત્તરાદે દ્વાર ઓરડાની ઓસરીયે ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “એક એક અવસ્થા વિષે બીજી બે બે અવસ્થાઓ કેમ રહી છે?” પછી શ્રીજીમહારાજ બોલ્યા, “આ જીવાત્મા જે તે જેને વિષે રહીને વિષયભોગને ભોગવે છે તેને અવસ્થા કહીએ; તે અવસ્થા જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ પ્રકારની છે. તેમાં જે જાગ્રત અવસ્થા છે તે વૈરાજપુરુષની જે સ્થિતિ અવસ્થા તેનું કાર્ય છે ને સત્ત્વગુણાત્મક છે ને નેત્ર સ્થાનકને વિષે રહી છે. એવી જે જાગ્રત અવસ્થા તેને વિષે વિશ્વાભિમાની નામે જે આ જીવાત્મા તે જે તે સ્થૂળ દેહના અભિમાને સહિત થકો દસ ઇન્દ્રિયો ને ચાર અંતઃકરણે કરીને વિવેકે સહિત યથાર્થપણે પોતાનાં પૂર્વકર્મને અનુસારે બાહ્ય શબ્દાદિક પંચવિષયના ભોગને ભોગવે છે, તેને સત્ત્વગુણપ્રધાન એવી જાગ્રત અવસ્થા કહીએ. અને એ જાગ્રતને વિષે જો એ જીવાત્મા ભ્રાંતિએ કરીને અયથાર્થપણે બાહ્ય વિષયભોગને ભોગવે છે, તો તેને જાગ્રતને વિષે સ્વપ્ન કહીએ. અને એ જીવાત્મા જે તે જાગ્રતને વિષે શોક તથા શ્રમાદિકે કરીને વિવેકે રહિત થકો જો બાહ્ય વિષયભોગને ભોગવે છે, તો તેને જાગ્રતને વિષે સુષુપ્તિ કહીએ. અને જે સ્વપ્ન અવસ્થા છે તે હિરણ્યગર્ભની જે ઉત્પત્તિ અવસ્થા તેનું કાર્ય છે ને રજોગુણાત્મક છે ને કંઠ સ્થાનકને વિષે રહી છે. એવી જે સ્વપ્ન અવસ્થા તેને વિષે તૈજસાભિમાની નામે જે જીવાત્મા તે સૂક્ષ્મ દેહના અભિમાને સહિત રહ્યો થકો ઇન્દ્રિયો-અંતઃકરણે કરીને પૂર્વકર્મને અનુસારે સુખ-દુઃખરૂપ વાસનામય ભોગને ભોગવે છે, તેને રજોગુણપ્રધાન સ્વપ્ન અવસ્થા કહીએ. અને એ સ્વપ્નને વિષે એ જીવાત્મા જે તે જ્યારે જાગ્રતની પેઠે જ વિવેકે કરીને જાણતો થકો વાસનામય ભોગને ભોગવે છે, ત્યારે તેને સ્વપ્નને વિષે જાગ્રત અવસ્થા કહીએ. અને એ સ્વપ્નને વિષે જણાણા જે વાસનામય ભોગ તેમને એ જીવાત્મા જે તે ભોગવતો થકો પણ જો જડપણે કરીને ન જાણે તો તેને સ્વપ્નને વિષે સુષુપ્તિ કહીએ. અને જે સુષુપ્તિ અવસ્થા છે તે ઈશ્વરની જે પ્રલય અવસ્થા તેનું કાર્ય છે ને તમોગુણાત્મક છે ને હૃદય સ્થાનકને વિષે રહી છે. એવી જે સુષુપ્તિ અવસ્થા તે જ્યારે એ જીવને આવે છે ત્યારે ઇન્દ્રિયો-અંતઃકરણની જે વૃત્તિઓ તથા વિષયભોગની વાસના તથા જ્ઞાતાપણું ને કર્તાપણું એ સર્વે કારણ દેહને વિષે લીન થઈ જાય છે અને તે કારણ દેહનો અભિમાની જે પ્રાજ્ઞ નામે જીવાત્મા તેનું પ્રધાનપુરુષરૂપ સગુણબ્રહ્મના સુખલેશને વિષે અતિશય લીનપણું થઈ જાય છે, તેને તમોગુણપ્રધાન સુષુપ્તિ અવસ્થા કહીએ. અને એ સુષુપ્તિને વિષે કર્મસંસ્કારે કરીને કર્તાવૃત્તિનું જે ઉત્પન્ન થવું તેને સુષુપ્તિને વિષે સ્વપ્ન કહીએ અને જાગ્રત ને સ્વપ્નને વિષે જે પીડા તેના તાપ થકી વળી તે સુષુપ્તિના સુખને વિષે પ્રવેશ કરતી જે કર્તાવૃત્તિ તેના પ્રતિલોમપણાનું જે જ્ઞાન તેને સુષુપ્તિને વિષે જાગ્રત કહીએ. એવી રીતે એક એક અવસ્થાને વિષે બીજી બે બે અવસ્થાઓ રહી છે. અને એ જ અવસ્થાના ભેદ તેનું જે જ્ઞાન તે જીવાત્માને જે વતે થાય છે અને વળી તે તે અવસ્થાને વિષે એ જીવને કર્માનુસારે જે ફળના પમાડનારા છે તેને તુર્યપદ કહે છે, અંતર્યામી કહે છે, દૃષ્ટા કહે છે, બ્રહ્મ કહે છે, પરબ્રહ્મ કહે છે.”
પછી વળી નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “પરા, પશ્યંતી, મધ્યમા અને વૈખરી એ જે ચાર વાણી તેને કેમ સમજવી?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ વાર્તા તો બહુ મોટી છે ને અતિશય સૂક્ષ્મ છે અને શ્રીમદ્ભાગવતના એકાદશ સ્કંધને વિષે શ્રીકૃષ્ણ ભગવાને ઉદ્ધવજી પ્રત્યે કહી છે. તેને સંક્ષેપે કરીને કહીએ તે સાંભળો જે, પ્રથમ ઉત્પત્તિકાળને વિષે પુરુષોત્તમ ભગવાન જે તે વૈરાજપુરુષના મસ્તકને વિષે રહ્યું છે જે સહસ્રદળનું કમળ તેને વિષે પ્રવેશ કરીને અક્ષરબ્રહ્માત્મક એવો જે નાદ તેને કરતા હવા. પછી તે નાદ જે તે સુષુમ્ણા માર્ગે કરીને તે વિરાટપુરુષના નાભિકંદ પ્રત્યે વ્યાપીને મહાપ્રાણે સહિત થકો ત્યાં ઊંચો વૃદ્ધિને પામતો હવો. તેણે કરીને તે વિરાટપુરુષનું જે નાભિપદ્મ તે અધોમુખ હતું તે ઊર્ધ્વમુખ થતું હવું. એવી રીતે તે વિરાટપુરુષના જે નાભિકંદને વિષે જે નાદ થયો તેને પરા વાણી કહીએ. અને તે પરા વાણી જે તે વેદની ઉત્પત્તિને અર્થે પોતે ભગવાને બીજરૂપે કરીને પ્રકાશી છે, ને તેજના પ્રવાહરૂપ છે, ને અર્ધમાત્રારૂપ છે. પછી તે પરા વાણી જે તે ત્યાં થકી તે વિરાટના હૃદયાકાશને પામીને પશ્યંતી નામે થતી હવી ને ત્યાં થકી કંઠ દેશને પામીને મધ્યમા નામે થતી હવી ને ત્યાં તે વિરાટના મુખને પામીને વૈખરી સંજ્ઞાને પામતી હવી; અને અકાર, ઉકાર ને મકાર એ ત્રણ વર્ણરૂપે થઈને પ્રણવરૂપે થતી હવી ને પછી બાવન અક્ષરરૂપે થઈને ચાર વેદરૂપે થતી હવી; એવી રીતે વિરાટપુરુષને વિષે પરા, પશ્યંતી, મધ્યમા અને વૈખરી એ ચાર વાણી સમજવી.
“હવે આ જીવના દેહને વિષે પણ ચાર વાણી કહીએ તે સાંભળો જે, એના એ પુરુષોત્તમ ભગવાન તે જીવને વિષે અંતર્યામીરૂપે કરીને રહ્યા છે ને એ જીવની જે ત્રણ અવસ્થા તેને વિષે સ્વતંત્ર થકા અનુસ્યૂત છે, એવા જે ભગવાન તે જ જીવના કલ્યાણને અર્થે પૃથ્વીને વિષે અવતાર ધારે છે ત્યારે એ જીવ જે તે, તે ભગવાનના સ્વરૂપનું જે પ્રતિપાદન કરે તથા તે ભગવાનનાં જે ધામ, ગુણ અને ઐશ્વર્ય તેનું પ્રતિપાદન કરે તથા તેના ચરિત્રનું વર્ણન કરે તથા આત્મા-અનાત્માનો વિવેક કરી દેખાડે તથા જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ, પરબ્રહ્મ તેના ભેદને પૃથક્ પૃથક્ કહી દેખાડે, એવી જે વાણી તેને પરા વાણી કહીએ. અને જે માયિક પદાર્થ તથા વિષય તેમને વિવેકે સહિત યથાર્થપણે કહી દેખાડે, તેને વૈખરી વાણી કહીએ. અને પદાર્થને ને વિષયને ભ્રાંતિએ સહિત અયથાર્થપણે કહી દેખાડે, તેને મધ્યમા વાણી કહીએ. અને એ પદાર્થને ને વિષયને અંધધંધ સરખું કહી દેખાડે ને કાંઈ સમજ્યામાં ન આવે, તેને પશ્યંતી વાણી કહીએ. એવી રીતે જીવની જાગ્રત અવસ્થાને વિષે એ ચાર વાણીનું રૂપ સમજ્યામાં આવે છે અને સ્વપ્ન ને સુષુપ્તિને વિષે તો કોઈક સમાધિવાળાને એ ચાર વાણીનાં રૂપ સમજ્યામાં આવે, પણ બીજાને સમજ્યામાં આવતાં નથી.”
પ્રમુખપ્રસંગમ
દિવસ -1
00:00
સંવત ૧૮૭૭ના શ્રાવણ વદિ ૯ નવમીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ ગામ શ્રીસારંગપુર મધ્યે જીવાખાચરના દરબારમાં ઉત્તરાદે દ્વાર ઓરડાની ઓસરીયે ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “વાસનાની નિવૃત્તિ થયાનો એવો શો જબરો ઉપાય છે જે એક ઉપાયને વિષે સર્વે સાધન આવી જાય?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને શ્રદ્ધા તથા હરિ અને હરિજનનાં વચનને વિષે વિશ્વાસ તથા ભગવાનને વિષે પ્રીતિ તથા ભગવાનના સ્વરૂપનું માહાત્મ્ય એ ચાર વાનાં જેના હૃદયમાં હોય તેની વાસના નિવૃત્ત થઈ જાય છે. તેમાં પણ જો એક માહાત્મ્ય અતિશય દૃઢ હોય, તો શ્રદ્ધા તથા વિશ્વાસ તથા પ્રીતિ એ ત્રણ દૂબળાં હોય તો પણ મહાબળવાન થાય છે; અને માહાત્મ્ય વિનાની ભક્તિ જો ઝાઝી જણાતી હોય તો પણ અંતે નાશ થઈ જાય છે. જેમ દસ-બાર વર્ષની કન્યા હોય ને તેને ક્ષયરોગ થાય, પછી તે કન્યા યુવાન થયા મોર જ મરી જાય પણ યુવાન થાય નહીં; તેમ જેને માહાત્મ્ય વિનાની ભક્તિ હોય તે પણ પરિપક્વ થતી થતી નાશ થઈ જાય છે. અને જેના હૃદયમાં માહાત્મ્યે સહિત ભગવાનની ભક્તિ હોય તો બીજા કલ્યાણકારી ગુણ ન હોય તો પણ તેના હૃદયમાં સર્વે આવે છે. અને જો માહાત્મ્યે સહિત ભક્તિ જેના હૃદયમાં નથી, તો શમ-દમાદિક જે કલ્યાણકારી રૂડા ગુણ તે તેના હૃદયમાં છે તોય પણ નહીં જેવા જ છે; કેમ જે, અંતે નાશ પામી જશે. માટે એક માહાત્મ્યે સહિત ભક્તિ હોય તો તેની વાસના પણ નિવૃત્ત થઈ જાય અને કલ્યાણકારી જે ગુણ તે સર્વે આવીને હૃદયને વિષે નિવાસ કરીને રહે. તે માટે માહાત્મ્યે સહિત ભગવાનની ભક્તિ એ જ વાસના ટાળ્યાનું મહામોટું અચળ સાધન છે.”
પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “જીવ અન્વયપણે કેમ છે ને વ્યતિરેકપણે કેમ છે? અને ઈશ્વર અન્વયપણે કેમ છે ને વ્યતિરેકપણે કેમ છે? અક્ષરબ્રહ્મ અન્વયપણે કેમ છે ને વ્યતિરેકપણે કેમ છે? અને પુરુષોત્તમ ભગવાનને અન્વયપણે કેમ જાણવા ને વ્યતિરેકપણે કેમ જાણવા?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જન્મ-મરણનું ભોક્તા એવું જે જીવનું સ્વરૂપ તે અન્વય જાણવું; અને અછેદ્ય, અભેદ્ય, અવિનાશી એવું જે જીવનું સ્વરૂપ તે વ્યતિરેક જાણવું. અને વિરાટ, સૂત્રાત્મા અને અવ્યાકૃત એ ત્રણ શરીરમાં એકરસપણે વર્તે એ ઈશ્વરનું અન્વય સ્વરૂપ જાણવું; અને પિંડ-બ્રહ્માંડથી પર સચ્ચિદાનંદપણે કરીને જે નિરૂપણ કર્યું છે તે ઈશ્વરનું વ્યતિરેક સ્વરૂપ જાણવું. અને પ્રકૃતિપુરુષ તથા સૂર્ય-ચંદ્રાદિક સર્વે દેવતા તેનું જે પ્રેરક તે અક્ષરનું અન્વય સ્વરૂપ જાણવું; અને જે સ્વરૂપને વિષે પુરુષપ્રકૃતિ આદ્યે કાંઈ ઉપાધિ રહેતી નથી, એક પુરુષોત્તમ ભગવાન જ રહે છે, એ અક્ષરનું વ્યતિરેક સ્વરૂપ છે. અને બદ્ધ જીવ તથા મુક્ત જીવ એ બેના હૃદયમાં સાક્ષીરૂપ થકા રહ્યા છે અને બદ્ધપણું ને મુક્તપણું જેને અડતું નથી, તેમ જ ઈશ્વરના ને અક્ષરના હૃદયમાં સાક્ષીરૂપે રહ્યા છે અને તે તે ઉપાધિ થકી રહિત છે, એ પુરુષોત્તમનું અન્વય સ્વરૂપ છે; અને જીવ, ઈશ્વર ને અક્ષર તે થકી પર જે અક્ષરાતીત સ્વરૂપ એ પુરુષોત્તમનું વ્યતિરેક સ્વરૂપ જાણવું. એવી રીતે અન્વય-વ્યતિરેકપણું છે.”
પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “ભગવાનનાં દર્શનનો જે મહિમા તથા ભગવાનના નામ-સ્મરણનો જે મહિમા તથા ભગવાનના સ્પર્શનો જે મહિમા તે ભગવાનના ભક્તને અર્થે છે કે સર્વે જીવને સારુ છે?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “દર્શનાદિકનો તો ભેદ જુદો જ છે. તે કહીએ તે સાંભળો જે, જ્યારે એ દર્શનનો કરનારો ભગવાનનાં દર્શન કરે છે ત્યારે એનું મન છે તે દૃષ્ટિ દ્વારે આવીને તે સહિત દૃષ્ટિ જો દર્શન કરે તો તે દર્શન એવું થાય છે જે, વિસારે તોય પણ વીસરે નહીં. એવી રીતે મને સહવર્તમાન ત્વચા સ્પર્શ કરે તો તે સ્પર્શ પણ વીસરે નહીં. જેમ ગોપાંગનાઓનાં ભગવાન પ્રત્યે ભાગવતમાં વચન છે જે, ‘હે ભગવન્! જે દિવસથી તમારાં ચરણનો સ્પર્શ થયો છે તે દિવસ થકી તમ વિના જે જે સંસારનાં સુખ છે તે અમને વિષ જેવાં લાગે છે.’ એવી રીતે સર્વે જ્ઞાન-ઇન્દ્રિયે કરીને મને સહવર્તમાન જે દર્શન-સ્પર્શ-શ્રવણાદિક થાય છે તે કોઈ કાળે વીસરી જતાં નથી. જેમ અજ્ઞાની જીવ હોય તેણે મને સહવર્તમાન જે પંચ જ્ઞાન-ઇન્દ્રિયો તેણે કરીને જે જે વિષય ભોગવ્યા હોય, તે વિસારે તો પણ વીસરે નહીં; એવી રીતે ભગવાનનું પણ મને સહવર્તમાન જે દર્શનાદિક કરે છે તેને જ દર્શનાદિક જાણવું. અને બીજાને તો દર્શન થયું છે તોય પણ ન થયા જેવું છે; કાં જે, જે સમે એણે દર્શન કર્યાં તે સમે તેનું મન તો ક્યાંઈયે ફરતું હતું. માટે એ દર્શન એને કાં તો એક દિવસમાં વીસરી જશે અથવા પાંચ દિવસમાં અથવા પચાસ દિવસમાં અથવા છ મહિનામાં અથવા વર્ષમાં અથવા પાંચ વર્ષમાં જરૂર વીસરી જશે, પણ અંતે રહેશે નહીં. માટે જે માહાત્મ્ય જાણીને, અતિશય પ્રીતિએ કરીને, મને સહિત દૃષ્ટિ આદિક જ્ઞાન-ઇન્દ્રિયે કરીને દર્શન-સ્પર્શાદિક કરે છે, તેને જ તેમનું ફળ છે. અને બીજાને તો જે પરમેશ્વરનાં દર્શનાદિક થાય છે તેનું બીજબળ થાય છે અને યથાર્થ મહિમા તો જે મને સહવર્તમાન દર્શનાદિક કરે છે તેને અર્થે છે.”
🎧 ચાતુર્માસ ઓડિયો પ્લેયર - દિવસ-85 પ્રમુખપ્રસંગમ કુલ ઓડિયો : 2 🆕 આજનો નવો ઓડિયો -17-10-2026 ...
Designed by OddThemes | Distributed by Gooyaabi Templates