સત્સંગદીક્ષા- ગુજરાતી

 શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

સત્સંગદીક્ષા ॥

સ્વામિનારાયણ ભગવાન એટલે કે સાક્ષાત્ અક્ષરપુરુષોત્તમ મહારાજ સર્વને પરમ શાંતિ, આનંદ અને સુખ અર્પે. (૧)

આ દેહ મુક્તિનું સાધન છેકેવળ ભોગનું સાધન નથી. દુર્લભ અને નાશવંત એવો આ દેહ વારંવાર મળતો નથી. (૨)

લૌકિક વ્યવહાર તો દેહના નિર્વાહ માટે છે. તે આ મનુષ્ય જન્મનું પરમ લક્ષ્ય નથી. (૩)

સર્વ દોષોને ટાળવાબ્રહ્મસ્થિતિને પામવા અને ભગવાનની ભક્તિ કરવા આ દેહ મળ્યો છે. આ બધું સત્સંગ કરવાથી અવશ્ય પ્રાપ્ત થાય છે. આથી મુમુક્ષુઓએ સદાય સત્સંગ કરવો. (૪-૫)

તેથી પરબ્રહ્મ સ્વામિનારાયણે આ લોકમાં સાક્ષાત્ અવતરીને આ દિવ્ય સત્સંગની સ્થાપના કરી. (૬)

આ સત્સંગનું જ્ઞાન મુમુક્ષુઓને થાય એવા શુભ આશયથી ‘સત્સંગદીક્ષા’ એ નામનું શાસ્ત્ર રચવામાં આવે છે. (૭)

સત્ય એવા આત્માનો સંગ કરવોસત્ય એવા પરમાત્માનો સંગ કરવો, સત્ય એવા ગુરુનો સંગ કરવો અને સચ્છાસ્ત્રનો સંગ કરવો એ સત્સંગનું સાચું લક્ષણ જાણવું. આવો દિવ્ય સત્સંગ કરનાર મનુષ્ય સુખી થાય છે. (૮-૯)

દીક્ષા એટલે દૃઢ સંકલ્પ, શ્રદ્ધાએ સહિત એવો અચળ નિશ્ચય, સમ્યક્ સમર્પણ, પ્રીતિપૂર્વક નિષ્ઠા, વ્રત અને દૃઢ આશરો. (૧૦)

આ શાસ્ત્રમાં પરબ્રહ્મ સહજાનંદ પરમાત્માએ દર્શાવેલ આજ્ઞા તથા ઉપાસનાની પદ્ધતિને સ્પષ્ટ રીતે જણાવી છે. (૧૧)

પુરુષો તથા સ્ત્રીઓ સર્વે સત્સંગના અધિકારી છે, સર્વે સુખના અધિકારી છે અને સર્વે બ્રહ્મવિદ્યાના અધિકારી છે. (૧૨)

સત્સંગમાં લિંગભેદથી ન્યૂનાધિકપણું ન જ સમજવું. બધા પોતપોતાની મર્યાદામાં રહી ભક્તિ વડે મુક્તિને પામી શકે છે. (૧૩)

સર્વ વર્ણના સર્વ સ્ત્રીઓ તથા સર્વ પુરુષો સદાય સત્સંગ, બ્રહ્મવિદ્યા અને મોક્ષના અધિકારી છે. વર્ણના આધારે ક્યારેય ન્યૂનાધિકભાવ ન કરવો. સર્વ જનોએ પોતાના વર્ણનું માન ત્યજીને પરસ્પર સેવા કરવી. જાતિએ કરીને કોઈ મહાન નથી અને કોઈ ન્યૂન પણ નથી. તેથી નાત-જાતને લઈને ક્લેશ ન કરવો ને સુખે સત્સંગ કરવો. (૧૪-૧૬)

ગૃહસ્થ તથા ત્યાગી સર્વે મોક્ષના અધિકારી છે. તેમાં ન્યૂનાધિકભાવ નથી, કારણ કે ગૃહસ્થ કે ત્યાગી બધા ભગવાનના ભક્તો છે. (૧૭)

સ્વામિનારાયણ ભગવાનને વિષે અનન્ય, દૃઢ અને પરમ ભક્તિ માટે આશ્રયદીક્ષામંત્ર ગ્રહણ કરી સત્સંગ પ્રાપ્ત કરવો. (૧૮)

ધન્યોસ્મિ પૂર્ણકામોસ્મિ નિષ્પાપો નિર્ભયઃ સુખી।

અક્ષરગુરુયોગેન સ્વામિનારાયણાશ્રયાત્॥ (૧૯)

મંત્ર ઉપર લખ્યા પ્રમાણે જ બોલવો. મંત્રનો તાત્પર્યાર્થ આ પ્રમાણે છે: અક્ષરબ્રહ્મ ગુરુના યોગે સ્વામિનારાયણ ભગવાનનો આશરો કરવાથી હું ધન્ય છું, પૂર્ણકામ છું, નિષ્પાપ, નિર્ભય અને સુખી છું.

મુમુક્ષુ પોતાના આત્માની મુક્તિ માટે સહજાનંદ શ્રીહરિ તથા અક્ષરબ્રહ્મ સ્વરૂપ ગુણાતીત ગુરુનો પ્રીતિએ કરીને આશરો કરે. (૨૦)

સત્સંગનો આશરો કરી સદાય કંઠને વિષે કાષ્ઠની બેવડી માળા ધારણ કરવી તથા સત્સંગના નિયમો ધારણ કરવા. (૨૧)

આ સંસારમાં બ્રહ્મસ્વરૂપ ગુરુ વિના જીવનમાં બ્રહ્મવિદ્યાનો તત્ત્વે કરીને સાક્ષાત્કાર ન થઈ શકે. (૨૨)

અક્ષરબ્રહ્મ ગુરુ વિના પરમાત્માનો ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય ન થઈ શકે તથા પોતાના આત્માને વિષે બ્રહ્મભાવ પણ પ્રાપ્ત ન થઈ શકે. (૨૩)

બ્રહ્મસ્વરૂપ ગુરુ વિના યથાર્થ ભક્તિ પણ ન થઈ શકે, પરમ આનંદની પ્રાપ્તિ ન થાય અને ત્રિવિધ તાપનો નાશ પણ ન થાય. (૨૪)

આથી સર્વ અર્થની સિદ્ધિ કરે તથા પરમાત્માનો અનુભવ કરાવે તેવા પ્રત્યક્ષ અક્ષરબ્રહ્મ ગુરુનો આશરો સદાય કરવો. (૨૫)

સર્વ સત્સંગીઓએ સર્વે દુર્વ્યસનોનો સદાય ત્યાગ કરવો. કારણ કે વ્યસન અનેક રોગોનું તથા દુઃખોનું કારણ બને છે. (૨૬)

સુરા, ભાંગ તથા તમાકુ ઇત્યાદિ જે જે પદાર્થો માદક હોય તે ક્યારેય ખાવા કે પીવા નહીં તથા ધૂમ્રપાનનો પણ ત્યાગ કરવો. (૨૭)

સર્વે સ્ત્રી તથા પુરુષોએ સર્વ પ્રકારના જુગારનો તથા વ્યભિચારનો ત્યાગ કરવો. (૨૮)

સત્સંગી જનોએ ક્યારેય માંસ, માછલી, ઈંડાં તથા ડુંગળી, લસણ, હિંગ ન ખાવાં. (૨૯)

પાણી તથા દૂધ ઇત્યાદિ પેય પદાર્થો ગાળેલા ગ્રહણ કરવા. જે ખાદ્ય વસ્તુ તથા પીણાં અશુદ્ધ હોય તે ક્યારેય ગ્રહણ ન કરવાં. (૩૦)

સત્સંગીઓએ ચોરી ક્યારેય ન કરવી. ધર્મને અર્થે પણ ચોરી ક્યારેય ન કરવી. (૩૧)

પુષ્પ, ફળો જેવી વસ્તુ પણ તેના ધણીની પરવાનગી વગર ન લેવી. પરવાનગી વગર લેવું તે સૂક્ષ્મ ચોરી કહેવાય છે. (૩૨)

ક્યારેય મનુષ્ય, પશુપક્ષી, તથા માંકડ આદિક કોઈ પણ જીવજંતુઓની હિંસા ન કરવી. અહિંસા પરમ ધર્મ છે, હિંસા અધર્મ છે એમ શ્રુતિ-સ્મૃત્યાદિ શાસ્ત્રોમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે. (૩૩-૩૪)

સત્સંગીઓએ યજ્ઞને અર્થે પણ બકરાં વગેરે નિર્દોષ પ્રાણીઓની હિંસા ક્યારેય ન જ કરવી. (૩૫)

યાગાદિ કરવાના થાય ત્યારે સંપ્રદાયના સિદ્ધાંતને અનુસરીને હિંસારહિત જ કરવા. (૩૬)

યજ્ઞનો શેષ ગણીને કે પછી દેવતાના નૈવેદ્ય રૂપે પણ સત્સંગીઓએ ક્યારેય માંસ ન જ ખાવું. (૩૭)

કોઈનું તાડન ક્યારેય ન કરવું. અપશબ્દો કહેવા, અપમાન કરવું ઇત્યાદિ કોઈપણ પ્રકારે સૂક્ષ્મ હિંસા પણ ન કરવી. (૩૮)

ધન, સત્તાકીર્તિ, સ્ત્રી, પુરુષ ઇત્યાદિની પ્રાપ્તિને અર્થે તથા માન, ઈર્ષ્યા કે ક્રોધે કરીને પણ હિંસા ન કરવી. (૩૯)

મને કરીનેવચને કરીને કે કર્મે કરીને હિંસા કરવાથી તેનામાં રહેલા સ્વામિનારાયણ ભગવાન દુઃખાય છે. (૪૦)

આત્મહત્યા કરવી તે પણ હિંસા જ છે. આથી પડતું મૂકવું, ગળે ટૂંપો ખાવો, ઝેર ખાવું ઇત્યાદિ કોઈ રીતે આત્મહત્યા ક્યારેય ન કરવી. (૪૧)

દુઃખ, લજ્જાભય, ક્રોધ તથા રોગ ઇત્યાદિ આપત્તિને કારણે, કે પછી ધર્મને અર્થે પણ કોઈએ પોતાની કે અન્યની હત્યા ન કરવી. (૪૨)

મુમુક્ષુએ તીર્થને વિષે પણ આત્મહત્યા ન જ કરવી. મોક્ષ કે પુણ્ય પામવાની ભાવનાથી પણ તીર્થને વિષે આપઘાત ન જ કરવો. (૪૩)

ભગવાન સર્વકર્તા છે, દયાળુ છે, સર્વનું રક્ષણ કરનારા છે અને એ જ સદા મારાં સર્વે સંકટોના ટાળનારા છે. (૪૪)

ભગવાન જે કરે તે સદાય સારા માટે હોય. તેમની ઇચ્છા એ જ મારું પ્રારબ્ધ છે. તેઓ જ મારા તારક છે. (૪૫)

મારાં વિઘ્નોપાપ, દોષ તથા દુર્ગુણો અવશ્ય નાશ પામશે. હું અવશ્ય શાંતિ, પરમ આનંદ અને સુખ પામીશ. (૪૬)

કારણ કે મને સાક્ષાત્ અક્ષરપુરુષોત્તમ મહારાજ મળ્યા છે. તેમના બળે હું જરૂર દુઃખને તરી જઈશ. (૪૭)

આ રીતે વિચારનું બળ રાખી આશ્રિત ભક્ત ક્યારેય હિંમત ન હારે અને ભગવાનના બળે આનંદમાં રહે. (૪૮)

શાસ્ત્રમાં તથા લોકમાં નિષેધ કર્યો હોય તેવાં સ્થાનોને વિષે ક્યારેય થૂંકવું નહીં તથા મળ-મૂત્રાદિ ન કરવું. (૪૯)

બાહ્ય અને આંતરિક એમ સર્વ પ્રકારની શુદ્ધિનું પાલન કરવું. શ્રીહરિને શુદ્ધિ પ્રિય છે અને શુદ્ધિવાળા મનુષ્યની ઉપર તેઓ પ્રસન્ન થાય છે. (૫૦)

સત્સંગીઓએ સદા સૂર્ય ઊગ્યા પૂર્વે જાગવું. ત્યાર બાદ સ્નાનાદિક કરી શુદ્ધ વસ્ત્રો ધારણ કરવાં. (૫૧)

ત્યાર બાદ પૂર્વ દિશામાં અથવા ઉત્તર દિશામાં મુખ રાખી, શુદ્ધ આસન ઉપર બેસી નિત્યપૂજા કરવી. (૫૨)

સ્વામિનારાયણ મંત્રનો જાપ કરતાં તથા ગુરુનું સ્મરણ કરતાં કરતાં ભાલને વિષે ભગવાનની પૂજાથી પ્રસાદીભૂત થયેલ ચંદન વડે ઊર્ધ્વપુંડ્ર તિલક કરવું અને કુંકુમ વડે ચાંદલો કરવો તથા છાતી અને બંને ભુજાઓ પર ચંદનથી તિલક-ચાંદલો કરવો. (૫૩-૫૪)

સ્ત્રીઓએ ભગવાન તથા ગુરુનું સ્મરણ કરતાં ભાલને વિષે કેવળ કુંકુમનો ચાંદલો કરવો. તિલક ન કરવું. (૫૫)

ત્યાર બાદ સત્સંગને આશ્રિત ભક્તે પૂજાના અધિકાર માટે ભગવાનના પ્રતાપનું ચિંતવન કરતાં કરતાં આત્મવિચાર કરવો. પ્રસન્ન ચિત્તે અને ભક્તિભાવપૂર્વક ‘અક્ષરમ્ અહં પુરુષોત્તમદાસોસ્મિ’ એ પવિત્ર મંત્રનું ઉચ્ચારણ કરવું. પોતાના આત્માને વિષે અક્ષરબ્રહ્મની વિભાવના કરવી અને શાંત થઈ, એકાગ્ર ચિત્તે માનસી પૂજા કરવી. (પ૬-૫૮)

ભગવાન અને બ્રહ્મસ્વરૂપ ગુરુ જ મોક્ષદાતા છે. તેમનાં જ ધ્યાન તથા માનસી પૂજા કરવાં. (૫૯)

ત્યાર બાદ પવિત્ર વસ્ત્ર ઉપર ચિત્રપ્રતિમાઓનું સારી રીતે દર્શન થાય તેમ ભક્તિભાવપૂર્વક સ્થાપન કરવું. (૬૦)

તેમાં મધ્યમાં અક્ષર તથા પુરુષોત્તમની મૂર્તિ પધરાવવી એટલે કે ગુણાતીતાનંદ સ્વામી તથા તેમનાથી પર એવા મહારાજને પધરાવવા. (૬૧)

ત્યાર બાદ પ્રમુખસ્વામી મહારાજ પર્યંત પ્રત્યેક ગુરુઓની મૂર્તિઓ પધરાવવી તથા પોતે પ્રત્યક્ષ સેવ્યા હોય તે ગુરુઓની મૂર્તિઓ પધરાવવી. (૬૨)

ત્યાર બાદ આહ્વાન શ્લોક બોલીને મહારાજ તથા ગુરુઓનું આહ્વાન કરવું. બે હાથ જોડી દાસભાવે નમસ્કાર કરવા. (૬૩)

આહ્વાન મંત્ર આ પ્રમાણે છે:

ઉત્તિષ્ઠ સહજાનંદ શ્રીહરે પુરુષોત્તમ।

ગુણાતીતાક્ષર બ્રહ્મન્ ઉત્તિષ્ઠ કૃપયા ગુરો॥

આગમ્યતાં હિ પૂજાર્થમ્ આગમ્યતાં મદાત્મતઃ।

સાન્નિધ્યાદ્ દર્શનાદ્ દિવ્યાત્ સૌભાગ્યં વર્ધતે મમ॥ (૬૪-૬૫)

ત્યાર બાદ સ્થિર ચિત્તે તથા મહિમા સાથે મૂર્તિઓનાં દર્શન કરતાં કરતાં સ્વામિનારાયણ મંત્રનો જાપ કરતાં માળા ફેરવવી. ત્યાર બાદ એક પગે ઊભા રહી, હાથ ઊંચા રાખી મૂર્તિઓનાં દર્શન કરતાં તપની માળા ફેરવવી. (૬૬-૬૭)

ત્યાર બાદ સર્વના કેન્દ્ર સમાન અને વ્યાપક એવા અક્ષરપુરુષોત્તમ મહારાજને સંભારતાં પ્રતિમાઓની પ્રદક્ષિણા કરવી. (૬૮)

ત્યાર બાદ દાસભાવે પુરુષોએ સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરવા અને સ્ત્રીઓએ બેસીને પંચાંગ પ્રણામ કરવા. (૬૯)

કોઈ ભક્તનો દ્રોહ થયો હોય તેના નિવારણને અર્થે ક્ષમાયાચનાપૂર્વક પ્રતિદિન એક દંડવત્ પ્રણામ અધિક કરવો. (૭૦)

ત્યાર બાદ સ્વામિનારાયણ મંત્રનો જપ કરતાં શુભ સંકલ્પોની પૂર્તિ માટે દિવ્યભાવ અને ભક્તિએ સહિત પ્રાર્થના (ધૂન) કરવી. (૭૧)

આ રીતે ભક્તિભાવે પૂજા કરીને પુનરાગમન મંત્રથી અક્ષરપુરુષોત્તમ મહારાજને પોતાના આત્માને વિષે પધરાવવા. (૭૨)

પુનરાગમન મંત્ર આ પ્રમાણે છે:

ભક્ત્યૈવ દિવ્યભાવેન પૂજા તે સમનુષ્ઠિતા।

ગચ્છાથ ત્વં મદાત્માનમ્ અક્ષરપુરુષોત્તમ॥ (૭૩)

ત્યાર બાદ સત્સંગની દૃઢતા માટે જેમાં શ્રીહરિ તથા ગુરુના ઉપદેશો અને આદેશો સમાયા હોય તેવા શાસ્ત્રનું રોજ વાંચન કરવું. (૭૪)

ત્યાર બાદ આદર અને નમ્રભાવે ભક્તોને પ્રણામ કરવા. આ રીતે પૂજા કરીને પછી જ પોતાના વ્યવહારનું કાર્ય કરવું. (૭૫)

પૂજા કર્યા વિના જમવું નહીં ને પાણી વગેરે પણ ન પીવું. પ્રવાસે ગયા હોઈએ તો પણ પૂજાનો ત્યાગ ન કરવો. (૭૬)

વૃદ્ધાવસ્થા, રોગાદિ તથા અન્ય આપત્તિને લીધે પોતે પૂજા કરવા અસમર્થ હોય તેણે અન્ય પાસે તે પૂજા કરાવવી. (૭૭)

ઘરમાં પ્રત્યેક સત્સંગીએ પોતાની સ્વતંત્ર પૂજા રાખવી. વળી પુત્ર કે પુત્રીનો જન્મ થાય તે દિવસથી જ સંતાન માટે પૂજા લઈ લેવી. (૭૮)

નિત્ય પ્રત્યે ભક્તિપ્રાર્થના તથા સત્સંગ માટે સર્વે સત્સંગીઓએ ઘરમાં સુંદર મંદિર સ્થાપવું. તેમાં ભક્તિભાવે વિધિવત્ અક્ષર-પુરુષોત્તમ તથા પરંપરામાં આવેલ ગુણાતીત ગુરુઓ પધરાવવા. (૭૯-૮૦)

સર્વે સત્સંગી જનોએ પ્રાતઃકાળે તથા સાંજે ઘરમંદિરમાં પ્રતિદિન આરતી કરવી ને સાથે સ્તુતિનું ગાન કરવું. (૮૧)

આરતી સમયે ચિત્તને સ્થિર કરી ભક્તિએ સહિત, તાલી વગાડતાં અને ઉચ્ચ સ્વરે ‘જય સ્વામિનારાયણ જય અક્ષરપુરુષોત્તમ...’ એમ આરતીનું ગાન કરવું. (૮૨)

જે રસોઈ બનાવી હોય તે મંદિરમાં ધરાવવી અને પ્રસાદીભૂત થયેલ ભોજન ભક્તિભાવપૂર્વક પ્રાર્થના બોલીને પછી જમવું. (૮૩)

ભગવાનને અર્પણ કર્યા વગર અન્ન, ફળ કે જલાદિ ગ્રહણ ન કરવું. જેની શુદ્ધિને વિષે શંકા હોય તેવાં અન્નાદિ ભગવાનને ન ધરાવવાં અને ન જમવાં. (૮૪)

ઘરમંદિરમાં બેસીને ભાવે કરીને સ્થિર ચિત્તે કીર્તન, જપ કે સ્મૃતિ વગેરે પોતાની રુચિ અનુસાર કરવું. (૮૫)

ઘરના સભ્યોએ ભેગા થઈ રોજ ઘરસભા કરવી અને તેમાં ભજન, ગોષ્ઠિ તથા શાસ્ત્રોનું વાંચન ઇત્યાદિ કરવું. (૮૬)

શ્રીહરિએ શુદ્ધ ઉપાસના-ભક્તિનાં પોષણ અને રક્ષણ માટે મંદિર નિર્માણરૂપ ભક્તિનું પ્રવર્તન કર્યું. અને ભગવાનની જેમ જ તેમના ઉત્તમ ભક્ત એવા અક્ષરબ્રહ્મની ભગવાનની સાથે સેવા કરવા માટે આજ્ઞા કરી. (૮૭-૮૮)

શ્રીહરિએ શુદ્ધ ઉપાસના-ભક્તિનાં પોષણ અને રક્ષણ માટે મંદિર નિર્માણરૂપ ભક્તિનું પ્રવર્તન કર્યું. અને ભગવાનની જેમ જ તેમના ઉત્તમ ભક્ત એવા અક્ષરબ્રહ્મની ભગવાનની સાથે સેવા કરવા માટે આજ્ઞા કરી. (૮૭-૮૮)

અક્ષરબ્રહ્મ ભગવાનના ઉત્તમ ભક્ત છે, કારણ કે તેઓ નિત્ય માયાપર છે અને નિત્ય ભગવાનની સેવામાં રમમાણ હોય છે. (૮૯)

તે આજ્ઞાને અનુસરીને સર્વનું કલ્યાણ થાય તે હેતુથી દિવ્ય મંદિરોનું નિર્માણ ભક્તિભાવથી કરવામાં આવે છે અને તેના મધ્યખંડમાં પુરુષોત્તમ ભગવાનની મૂર્તિની સાથે અક્ષરબ્રહ્મની મૂર્તિ પણ વિધિવત્ સ્થાપવામાં આવે છે. (૯૦-૯૧)

એ જ રીતે ઘર આદિ સ્થળોને વિષે કરેલ મંદિરોમાં પણ મધ્યમાં હંમેશાં અક્ષરબ્રહ્મ સહિત પુરુષોત્તમ ભગવાનને પ્રસ્થાપિત કરવામાં આવે છે. (૯૨)

સર્વે સત્સંગીઓએ સવારેસાંજે અથવા પોતાના અનુકૂળ સમયે પ્રતિદિન ભક્તિએ કરીને સમીપે આવેલ મંદિરે દર્શને જવું. (૯૩)

સર્વે સત્સંગી નર-નારીઓએ સદાય જે રીતે પોતાના ધર્મની રક્ષા થાય તે જ રીતે વસ્ત્રો ધારવાં. (૯૪)

સત્સંગની દૃઢતા માટે દર અઠવાડિયે સમીપ આવેલ મંદિરમાં કે મંડળમાં સભા ભરવા જવું. (૯૫)

અક્ષરાધિપતિ સ્વામિનારાયણ ભગવાન સાક્ષાત્ પરમાત્મા પરબ્રહ્મ પુરુષોત્તમ હરિ છે. (૯૬)

એ એક જ આપણા સદા પરમ ઉપાસ્ય ઇષ્ટદેવ છે. તેમની જ અનન્ય ભાવે સદા ભક્તિ કરવી. (૯૭)

ગુણાતીતાનંદ સ્વામી સાક્ષાત્ સનાતન અક્ષરબ્રહ્મ છે. એ અક્ષરબ્રહ્મની પરંપરા આજે પણ વિરાજમાન છે. (૯૮)

સંપ્રદાયમાં ગુણાતીતાનંદ સ્વામીથી આરંભાયેલ ગુરુપરંપરામાં આવેલ પ્રગટ અક્ષરબ્રહ્મ એ એક જ આપણા ગુરુ છે. (૯૯)

આપણા ઇષ્ટદેવ એક જ છે, ગુરુ એક જ છે અને સિદ્ધાંત પણ એક જ છે એમ આપણી સદા એકતા છે. (૧૦૦)

બ્રહ્મવિદ્યારૂપવૈદિક અને સનાતન એવા દિવ્ય અક્ષરપુરુષોત્તમ સિદ્ધાંતને જાણવો. (૧૦૧)

જીવ, ઈશ્વરમાયા, અક્ષરબ્રહ્મ તથા પરબ્રહ્મ એ પાંચ તત્ત્વો સદાય ભિન્ન છે, નિત્ય છે, સત્ય છે એમ મુમુક્ષુઓએ જાણવું - એમ સ્વયં સ્વામિનારાયણ ભગવાને સ્પષ્ટ સિદ્ધાંત કર્યો છે. (૧૦૨-૧૦૩)

તેમાં અક્ષર અને પુરુષોત્તમ એ બે સદાય માયાથી પર છે અને જીવો તથા ઈશ્વરોની મુક્તિ તેમના યોગથી થાય છે. (૧૦૪)

પરમાત્મા પરબ્રહ્મ સદા અક્ષરબ્રહ્મથી પર છે અને અક્ષરબ્રહ્મ પણ તે પરમાત્માની નિત્ય દાસભાવે સેવા કરે છે. (૧૦૫)

ભગવાન સદાય સર્વકર્તાસાકાર, સર્વોપરી છે અને મુમુક્ષુઓની મુક્તિ માટે હંમેશાં પ્રગટ રહે છે. (૧૦૬)

અક્ષરબ્રહ્મસ્વરૂપ ગુરુ દ્વારા ભગવાન પોતાનાં સકળ ઐશ્વર્યો સહિત, પરમાનંદ અર્પતાં થકાં સદાય પ્રગટ રહે છે. (૧૦૭)

અક્ષરબ્રહ્મ ગુરુને વિષે દૃઢ પ્રીતિ અને આત્મબુદ્ધિ કરવી. તેમને વિષે પ્રત્યક્ષ ભગવાનનો ભાવ લાવીને ભક્તિએ કરીને તેમની સેવા તથા ધ્યાન કરવાં. (૧૦૮)

સ્વામિનારાયણ મંત્ર દિવ્યઅલૌકિક અને શુભ મંત્ર છે. સ્વયં શ્રીહરિએ આ મંત્ર આપ્યો છે. સર્વ ભક્તોએ તેનો જપ કરવો. આ મંત્રમાં ‘સ્વામિ’ શબ્દથી અક્ષરબ્રહ્મને સમજવા અને ‘નારાયણ’ શબ્દથી તે અક્ષરબ્રહ્મથી પર એવા પુરુષોત્તમને સમજવા. (૧૦૯-૧૧૦)

આ સિદ્ધાંત ભગવાન સ્વામિનારાયણે આ લોકમાં પ્રબોધ્યો. ગુણાતીત ગુરુઓએ તેનું દિગંતમાં પ્રવર્તન કર્યું. શાસ્ત્રીજી મહારાજે તેને મૂર્તિમાન કર્યો. ગુરુઓના જીવનચરિત્ર-ગ્રંથોમાં તેની પુનઃ દૃઢતા કરાવવામાં આવી. આ સિદ્ધાંતને ગુરુહરિ પ્રમુખસ્વામી મહારાજે પોતાના હસ્તાક્ષરથી લખી સ્થિર કર્યો. સાક્ષાત્ ગુરુહરિના પ્રસંગથી આ સિદ્ધાંત જીવનમાં પ્રાપ્ત કરી શકાય છે. તે આ સનાતન મુક્તિપ્રદ સિદ્ધાંતને જ દિવ્ય ‘અક્ષરપુરુષોત્તમ દર્શન’ કહેવામાં આવે છે. (૧૧૧-૧૧૪)

આવા પરમ દિવ્ય સિદ્ધાંતનું ચિંતવન કરતાં કરતાં નિષ્ઠાથી અને આનંદ-ઉત્સાહપૂર્વક સત્સંગ કરવો. (૧૧૫)

ત્રણ દેહથી વિલક્ષણ એવા પોતાના આત્માને વિષે બ્રહ્મરૂપની વિભાવના કરી સદૈવ પરબ્રહ્મની ઉપાસના કરવી. (૧૧૬)

અક્ષરાધિપતિ પરમાત્માની ભક્તિ સદા ધર્મે સહિત કરવી. ક્યારેય ધર્મે રહિત ભક્તિ ન કરવી. (૧૧૭)

ભક્તિનું કે જ્ઞાનનું આલંબન લઈને કે કોઈ પર્વનું આલંબન લઈને પણ મનુષ્યએ અધર્મનું આચરણ ન કરવું. (૧૧૮)

પર્વને વિષે પણ ભાંગ, દારૂ વગેરેનું પાન કરવું, જુગાર વગેરે રમવું, ગાળો બોલવી ઇત્યાદિ ન કરવું. (૧૧૯)

પરબ્રહ્મ તથા અક્ષરબ્રહ્મ સિવાય અન્યત્ર પ્રીતિ ન હોવી તે વૈરાગ્ય છે. તે ભક્તિનું સહાયક અંગ છે. (૧૨૦)

નિંદા, લજ્જાભય કે મુશ્કેલીઓને લીધે ક્યારેય સત્સંગ, સ્વામિનારાયણ ભગવાન, તેમની ભક્તિ અને ગુરુનો ત્યાગ ન કરવો. (૧૨૧)

ભગવાન અને ભક્તોની સેવા શુદ્ધભાવે, મારાં મોટાં ભાગ્ય છે એમ માનીને પોતાના મોક્ષ માટે કરવી. (૧૨૨)

સત્સંગ અને ભજન વિના વ્યર્થ કાળ નિર્ગમવો નહીં. આળસ તથા પ્રમાદ વગેરેનો હંમેશાં પરિત્યાગ કરવો. (૧૨૩)

ભજન કરતાં કરતાં ક્રિયા કરવી. આજ્ઞા અનુસારે કરવી. આમ કરવાથી ક્રિયાનું બંધન ન થાય, ક્રિયાનો ભાર ન લાગે અને ક્રિયાનું માન ન આવે. (૧૨૪)

સેવા, કથા, સ્મરણધ્યાન, પઠનાદિ તથા ભગવત્કીર્તન વગેરેથી સમયને સુફળ કરવો. (૧૨૫)

સત્સંગનો આશરો પોતાના દુર્ગુણોને ટાળવા, સદ્‌ગુણોને પ્રાપ્ત કરવા અને પોતાના પરમ કલ્યાણ માટે કરવો. (૧૨૬)

સ્વામિનારાયણ ભગવાન તથા ગુણાતીત ગુરુઓની પ્રસન્નતા પ્રાપ્ત કરવા સદા સત્સંગનો આશરો કરવો. (૧૨૭)

અહો! આપણને અક્ષર અને પુરુષોત્તમ બંને અહીં જ મળ્યા છે. તેમની પ્રાપ્તિના કેફથી સત્સંગના આનંદને સદાય માણવો. (૧૨૮)

સેવા, ભક્તિ, કથાધ્યાન, તપ તથા યાત્રા ઇત્યાદિ સાધન કરીએ તે માને કરીને, દંભે કરીને, ઈર્ષ્યાએ કરીને, સ્પર્ધાએ કરીને, દ્વેષે કરીને કે પછી લૌકિક ફળની ઇચ્છાથી ન જ કરવું. પરંતુ શ્રદ્ધાએ સહિત, શુદ્ધભાવથી અને ભગવાનને રાજી કરવાની ભાવનાથી કરવું. (૧૨૯-૧૩૦)

ભગવાન તથા ગુરુને વિષે મનુષ્યભાવ ન જોવો. કારણ કે અક્ષર અને પુરુષોત્તમ બંને માયાથી પર છે, દિવ્ય છે. (૧૩૧)

ભગવાન તથા ગુરુને વિષે વિશ્વાસ દૃઢ કરવો, નિર્બળતાનો ત્યાગ કરવો, ધીરજ રાખવી તથા ભગવાનનું બળ રાખવું. (૧૩૨)

સ્વામિનારાયણ ભગવાનનાં લીલાચરિત્રોનું શ્રવણ, કથન, વાંચન, મનન તથા નિદિધ્યાસન કરવું. (૧૩૩)

મુમુક્ષુઓએ પ્રત્યક્ષ અક્ષરબ્રહ્મ ગુરુનો પ્રસંગ સદા પરમ પ્રીતિ અને દિવ્યભાવથી કરવો. (૧૩૪)

અક્ષરબ્રહ્મસ્વરૂપ ગુરુને વિષે દૃઢ પ્રીતિ એ જ બ્રાહ્મી સ્થિતિ તથા ભગવાનના સાક્ષાત્કારને પામવાનું સાધન છે. (૧૩૫)

અક્ષરબ્રહ્મ ગુરુના ગુણો આત્મસાત્ કરવા માટે તથા પરબ્રહ્મની અનુભૂતિ માટે અક્ષરબ્રહ્મ ગુરુના પ્રસંગોનું સદાય મનન કરવું. (૧૩૬)

મન-કર્મ-વચને ગુરુહરિનું સદા સેવન કરવું અને તેમને વિષે પ્રત્યક્ષ નારાયણસ્વરૂપની ભાવના કરવી. (૧૩૭)

સત્સંગીએ ક્યારેય બળરહિત વાત સાંભળવી નહીં અને કરવી પણ નહીં. હંમેશાં બળ ભરેલી વાતો કરવી. (૧૩૮)

પ્રેમે કરીને તથા આદર થકી બ્રહ્મ અને પરબ્રહ્મના મહિમાની તથા તેમના સંબંધવાળાના મહિમાની વાતો નિરંતર કરવી. (૧૩૯)

મુમુક્ષુએ સત્સંગીઓને વિષે સુહૃદ્‌ભાવ, દિવ્યભાવ તથા બ્રહ્મભાવ રાખવા. (૧૪૦)

પરમાત્મા પરબ્રહ્મ સ્વામિનારાયણ ભગવાન, અક્ષરબ્રહ્મસ્વરૂપ ગુણાતીત ગુરુ, તેમણે આપેલ દિવ્ય સિદ્ધાંત તથા તેમના આશ્રિત ભક્તોનો વિવેકે કરીને સદાય પક્ષ રાખવો. (૧૪૧-૧૪૨)

ભગવાન અને બ્રહ્મસ્વરૂપ ગુરુની આજ્ઞાનું સદાય પાલન કરવું. તેમની અનુવૃત્તિ જાણીને તેને દૃઢપણે અનુસરવું. તેમની આજ્ઞા આળસ વગેરે મૂકીને પાળવી, તરત પાળવી; સદા આનંદ, ઉત્સાહ અને મહિમા સાથે તેમને રાજી કરવાના ભાવથી પાળવી. (૧૪૩-૧૪૪)

પ્રતિદિન સ્થિર ચિત્તે અંતર્દૃષ્ટિ કરવી કે હું આ લોકમાં શું કરવા આવ્યો છું? અને શું કરી રહ્યો છું? (૧૪૫)

અક્ષરરૂપ થઈને હું પુરુષોત્તમની ભક્તિ કરું’ એમ પોતાના લક્ષ્યનું ચિંતન આળસ રાખ્યા વગર રોજ કરવું. (૧૪૬)

આ સ્વામિનારાયણ ભગવાન સર્વકર્તાહર્તા છે, સર્વોપરી છે, નિયામક છે. તેઓ મને અહીં પ્રત્યક્ષ મળ્યા છે. આથી જ હું ધન્ય છું, પરમ ભાગ્યશાળી છું, કૃતાર્થ છું, નિઃશંક છું, નિશ્ચિંત છું અને સદા સુખી છું. (૧૪૭-૧૪૮)

આ રીતે પરમાત્માની દિવ્ય પ્રાપ્તિનું, મહિમાનું તથા તેમની પ્રસન્નતાનું ચિંતન દરરોજ સ્થિર ચિત્તે કરવું. (૧૪૯)

પોતાના આત્માને ત્રણ દેહ, ત્રણ અવસ્થા તથા ત્રણ ગુણથી જુદો સમજી તેની અક્ષરબ્રહ્મ સાથે એકતાની વિભાવના પ્રતિદિન કરવી. (૧૫૦)

દરરોજ જગતના નાશવંતપણાનું અનુસંધાન કરવું અને પોતાના આત્માની નિત્યતા તથા સચ્ચિદાનંદપણાનું ચિંતવન કરવું. (૧૫૧)

જે થઈ ગયું છેથઈ રહ્યું છે અને જે કાંઈ આગળ થશે તે બધું જ સ્વામિનારાયણ ભગવાનની ઇચ્છાથી મારા હિત માટે જ થયું છે એમ માનવું. (૧૫૨)

સ્વામિનારાયણ ભગવાન તથા બ્રહ્મસ્વરૂપ ગુરુને પ્રતિદિન વિશ્વાસ અને ભક્તિભાવથી પ્રાર્થના કરવી. (૧૫૩)

માન, ઈર્ષ્યા, કામક્રોધ ઇત્યાદિ દોષોનો આવેગ આવે ત્યારે ‘હું અક્ષર છું, પુરુષોત્તમનો દાસ છું’ એમ શાંત મને ચિંતવન કરવું. (૧૫૪)

અને સર્વ દોષોનું નિવારણ કરનારા સાક્ષાત્ સ્વામિનારાયણ ભગવાન સદૈવ મારી સાથે છે એમ બળ રાખવું. (૧૫૫)

સ્વધર્મનું સદા પાલન કરવું. પરધર્મનો ત્યાગ કરવો. ભગવાન અને ગુરુની આજ્ઞાનું પાલન કરવું તે સ્વધર્મ છે. તેમની આજ્ઞાનો ત્યાગ કરી પોતાના મનનું ધાર્યું કરવામાં આવે તેને વિવેકી મુમુક્ષુએ પરધર્મ જાણવો. (૧૫૬-૧૫૭)

જે કર્મ ફળ આપે તેવું હોય તેમ છતાં ભક્તિમાં બાધ કરતું હોય, સત્સંગના નિયમથી વિરુદ્ધ હોય તથા જે આચરવાથી ધર્મનો લોપ થતો હોય તેવા કર્મનું આચરણ ન કરવું. (૧૫૮)

વયે કરીને, જ્ઞાને કરીને કે ગુણે કરીને જે મોટા હોય તેમનું આદર થકી પ્રણામ તથા મધુરવચનાદિકે કરીને યથોચિત સન્માન કરવું. (૧૫૯)

વિદ્વાનો, વડીલો તથા અધ્યાપકોને સદા આદર આપવો. સારાં વચન આદિ ક્રિયાઓ દ્વારા પોતાની શક્તિ પ્રમાણે તેમનો સત્કાર કરવો. (૧૬૦)

વ્યક્તિના ગુણ તથા કાર્ય આદિને અનુસારે તેનું સંબોધન કરવું. યથાશક્તિ તેને સારાં કાર્યોમાં પ્રોત્સાહન આપવું. (૧૬૧)

સત્ય, હિત અને પ્રિય વાણી બોલવી. કોઈ મનુષ્યની ઉપર ક્યારેય મિથ્યા અપવાદનું આરોપણ ન કરવું. (૧૬૨)

અપશબ્દોથી યુક્તસાંભળનારને દુઃખ કરે તેવી, નિંદ્ય, કઠોર અને દ્વેષ ભરેલી કુત્સિત વાણી ન બોલવી. (૧૬૩)

અસત્ય ક્યારેય ન બોલવું. હિત કરે તેવું સત્ય બોલવું. અન્યનું અહિત કરે તેવું સત્ય પણ ન બોલવું. (૧૬૪)

ક્યારેય કોઈના અવગુણ કે દોષની વાત ન કરવી. એમ કરવાથી અશાંતિ થાય અને ભગવાન તથા ગુરુનો કુરાજીપો થાય. (૧૬૫)

અત્યંત આવશ્યક હોય તો પરિશુદ્ધ ભાવનાથી અધિકૃત વ્યક્તિને સત્ય કહેવામાં દોષ નથી. (૧૬૬)

જેણે કરીને અન્યનું અહિત થાય, તેને દુઃખ થાય કે ક્લેશ વધે તેવા આચાર કે વિચાર ક્યારેય ન કરવા. (૧૬૭)

સુહૃદયભાવ રાખી ભક્તોના શુભ ગુણોને સંભારવા. તેમનો અવગુણ ન લેવો અને કોઈ રીતે દ્રોહ ન કરવો. (૧૬૮)

સુખમાં છકી ન જવું અને દુઃખમાં ઉદ્વેગ ન પામવો. કારણ કે બધું સ્વામિનારાયણ ભગવાનની ઇચ્છાથી પ્રવર્તે છે. (૧૬૯)

ક્યારેય પણ કોઈની સાથે વિવાદ કે કલહ ન જ કરવો. હંમેશાં વિવેકથી વર્તવું અને શાંતિ રાખવી. (૧૭૦)

કોઈ પણ મનુષ્યે પોતાનાં વચનવર્તન, વિચાર તથા લખાણમાં કઠોરતા ક્યારેય ન રાખવી. (૧૭૧)

ગૃહસ્થ સત્સંગીએ માતા-પિતાની સેવા કરવી. પ્રતિદિન તેમનાં ચરણોમાં નમસ્કાર કરવા. (૧૭૨)

વહુએ સસરાની સેવા પિતાતુલ્ય ગણી અને સાસુની સેવા માતાતુલ્ય ગણી કરવી. સાસુ-સસરાએ પણ પુત્રવધૂનું પોતાની પુત્રીની જેમ પાલન કરવું. (૧૭૩)

ગૃહસ્થોએ દીકરા-દીકરીઓનું સત્સંગ, શિક્ષણ વગેરેથી સારી રીતે પોષણ કરવું. અન્ય સંબંધીઓની પોતાની શક્તિ પ્રમાણે ભાવથી સેવા કરવી. (૧૭૪)

ઘરમાં મધુર વાણી બોલવી. કડવી વાણીનો ત્યાગ કરવો અને મલિન આશયથી કોઈને પીડા ન પહોંચાડવી. (૧૭૫)

ગૃહસ્થોએ પોતાના ઘરમાં ભેગા મળી આનંદે ભોજન કરવું અને ઘરે પધારેલા અતિથિની પોતાની શક્તિ પ્રમાણે સંભાવના કરવી. (૧૭૬)

મરણ આદિ પ્રસંગોમાં વિશેષ ભજન-કીર્તન કરવું, કથા કરવી, અક્ષરપુરુષોત્તમ મહારાજનું સ્મરણ કરવું. (૧૭૭)

દીકરી કે દીકરા એવાં પોતાનાં સંતાનોને સત્સંગના દિવ્ય સિદ્ધાંતો, સારાં આચરણો અને સદ્‌ગુણો વડે સદા સંસ્કાર આપવા. (૧૭૮)

સંતાન જ્યારે ગર્ભમાં હોય ત્યારથી જ તેને સત્સંગ સંબંધી શાસ્ત્રોનું વાંચન વગેરે કરીને સંસ્કાર આપવા અને અક્ષરપુરુષોત્તમ મહારાજને વિષે નિષ્ઠા પૂરવી. (૧૭૯)

પુરુષો ક્યારેય કુદૃષ્ટિએ કરીને સ્ત્રીઓને ન જુએ. તે જ રીતે સ્ત્રીઓ પણ કુદૃષ્ટિએ કરીને પુરુષોને ન જુએ. (૧૮૦)

ગૃહસ્થાશ્રમમાં રહ્યા એવા પુરુષોએ પોતાની પત્ની સિવાય અન્ય સ્ત્રીઓ સાથે આપત્કાળ વિના ક્યાંય પણ એકાંતમાં ન રહેવું. (૧૮૧)

તે જ રીતે સ્ત્રીઓએ પણ પોતાના પતિ સિવાય અન્ય પુરુષો સાથે આપત્કાળ વિના એકાંતમાં ન રહેવું. (૧૮૨)

પુરુષે સમીપ સંબંધ વિનાની સ્ત્રીનો સ્પર્શ ન કરવો. તે જ રીતે સ્ત્રીએ પોતાને સમીપ સંબંધ વિનાના અન્ય પુરુષનો સ્પર્શ ન કરવો. (૧૮૩)

આપત્કાળ પ્રાપ્ત થતાં અન્યની રક્ષા માટે સ્પર્શ કરવામાં દોષ નથી. પરંતુ જો આપત્કાળ ન હોય તો સદાય નિયમોનું પાલન કરવું. (૧૮૪)

ધર્મ અને સંસ્કારોનો નાશ કરે એવાં અશ્લીલ દૃશ્યો જેમાં આવતાં હોય તેવાં નાટકો કે ચલચિત્રો વગેરે ક્યારેય ન જોવાં. (૧૮૫)

સત્સંગીજનોએ જે મનુષ્ય વ્યસનીનિર્લજ્જ તથા વ્યભિચારી હોય તેનો સંગ ન કરવો. (૧૮૬)

સ્ત્રીઓએ પોતાના ધર્મની રક્ષા માટે ચારિત્ર્યહીન સ્ત્રીનો સંગ ન કરવો અને દૃઢપણે નિયમોનું પાલન કરવું. (૧૮૭)

જેણે કરીને કામવાસના વૃદ્ધિ પામે તેવી વાતો કે ગીતો ન સાંભળવાં, પુસ્તકો ન વાંચવાં તથા તેવાં દૃશ્યો ન જોવાં. (૧૮૮)

ધન, દ્રવ્ય તથા જમીન આદિના લેણ-દેણમાં હંમેશાં લિખિત કરવું, સાક્ષીએ સહિત કરવું ઇત્યાદિ નિયમો અવશ્યપણે પાળવા. (૧૮૯)

સર્વ આશ્રિત જનોએ પોતાના સંબંધીઓ સાથે પણ વ્યવહાર પ્રસંગે લિખિત કરવું ઇત્યાદિ નિયમો પાળવા. (૧૯૦)

સત્સંગીઓએ ક્યારેય દુર્જન સાથે વ્યવહાર ન કરવો અને દીનજનને વિષે દયાવાન થવું. (૧૯૧)

લૌકિક કાર્ય ક્યારેય વિચાર્યા વગર તત્કાળ ન કરવું પરંતુ ફળ વગેરેનો વિચાર કરીને વિવેકપૂર્વક કરવું. (૧૯૨)

કોઈ પણ મનુષ્યે ક્યારેય લાંચ ન લેવી. ધનનો વ્યર્થ વ્યય ન કરવો. પોતાની આવકને અનુસારે ધનનો વ્યય કરવો. (૧૯૩)

પ્રશાસનના નિયમોને અનુસરી હંમેશાં પોતાનાં આવક અને ખર્ચની નોંધ વ્યવસ્થિત કરવી. (૧૯૪)

પોતાને પ્રાપ્ત થતી આવકમાંથી પોતાની શક્તિ પ્રમાણે દશમો કે વીશમો ભાગ સ્વામિનારાયણ ભગવાનની સેવા-પ્રસન્નતા માટે અર્પણ કરવો. (૧૯૫)

ગૃહસ્થ પોતાના ઉપયોગને અનુસારે તથા સમય-શક્તિ અનુસાર અનાજ, દ્રવ્ય કે ધનાદિનો સંગ્રહ કરે. (૧૯૬)

પાળેલાં પશુ-પક્ષી વગેરેની અન્ન, ફળ, જળ ઇત્યાદિ વડે યથાશક્તિ ઉચિત સંભાવના કરવી. (૧૯૭)

ધન, દ્રવ્ય કે ભૂમિ વગેરેની લેણ-દેણમાં વિશ્વાસઘાત તથા કપટ ન કરવાં. (૧૯૮)

કર્મચારીઓને જેટલું ધન આદિ આપવાનું વચન આપ્યું હોય તે વચન પ્રમાણે તે ધન આદિ આપવું પણ ક્યારેય ઓછું ન આપવું. (૧૯૯)

સત્સંગીએ વિશ્વાસઘાત ન કરવો. આપેલું વચન પાળવું. પ્રતિજ્ઞાનું ઉલ્લંઘન ન કરવું. (૨૦૦)

સુશાસન માટે અવશ્યપણે જોઈએ તે ધર્મોને પ્રશાસકે પાળવા. લોકોનું ભરણ-પોષણ કરવું. સંસ્કારોની રક્ષા કરવી. સર્વેનો અભ્યુદય થાય તે માટે સ્વાસ્થ્ય, શિક્ષણ, સંરક્ષણ, વીજળી, અનાજ, જળ વગેરે દ્વારા સારી રીતે વ્યવસ્થા કરવી. (૨૦૧-૨૦૨)

કોઈ પણ મનુષ્યના ગુણસામર્થ્ય, રુચિ વગેરે જાણીને; વિચાર કરી તેના માટે ઉચિત એવાં કાર્યોમાં તેને જોડવો. (૨૦૩)

જે દેશને વિષે ભગવાનની ભક્તિ થઈ શકે તથા પોતાના ધર્મનું પાલન થઈ શકે તેવા દેશને વિષે સુખે નિવાસ કરવો. (૨૦૪)

વિદ્યા, ધન આદિની પ્રાપ્તિ માટે દેશાંતરમાં જાય ત્યારે ત્યાં પણ આદરથી સત્સંગ કરવો અને નિયમોનું પાલન કરવું. (૨૦૫)

જે દેશમાં પોતે રહેતા હોય તે દેશના પ્રશાસનને સંમત નિયમોનું સર્વ રીતે પાલન કરવું. (૨૦૬)

જ્યારે દેશકાળાદિનું વિપરીતપણું થઈ આવે ત્યારે ધીરજ રાખી અક્ષરપુરુષોત્તમ મહારાજનું આનંદ સાથે અંતરમાં ભજન કરવું. (૨૦૭)

પોતે જે સ્થાનમાં રહેતા હોય તે સ્થળે આપત્કાળ આવી પડે ત્યારે તે દેશનો ત્યાગ કરી અન્ય દેશને વિષે સુખે નિવાસ કરવો. (૨૦૮)

નાના બાળકો તથા બાલિકાઓએ બાળપણથી જ વિદ્યા પ્રાપ્ત કરવી. દુરાચાર, કુસંગ અને વ્યસનોનો ત્યાગ કરવો. (૨૦૯)

વિદ્યાર્થીએ પોતાનો અભ્યાસ સ્થિર ચિત્તે, ઉત્સાહથી અને આદર થકી કરવો. સમયને વ્યર્થ કર્મોમાં બગાડવો નહીં. (૨૧૦)

બાળપણથી જ સેવાવિનમ્રતા વગેરે દૃઢ કરવાં. ક્યારેય નિર્બળ ન થવું અને ભય ન પામવો. (૨૧૧)

બાળપણથી જ સત્સંગભક્તિ અને પ્રાર્થના કરવાં. પ્રતિદિન પૂજા કરવી તથા માતા-પિતાને પંચાંગ પ્રણામ કરવા. (૨૧૨)

કુમાર તથા યુવાન અવસ્થામાં વિશેષ સંયમ પાળવો. શક્તિનો નાશ કરે એવા અયોગ્ય સ્પર્શ, દૃશ્ય વગેરેનો ત્યાગ કરવો. (૨૧૩)

સારા ફળને આપે તેવું, ઉન્નતિ કરે તેવું અને ઉચિત હોય તેવું જ સાહસ કરવું. જે કેવળ પોતાના મનનું અને લોકોનું રંજન કરે તેવું સાહસ ન કરવું. (૨૧૪)

પોતાને અવશ્ય કરવાના ઉદ્યમને વિષે ક્યારેય આળસ ન કરવી. ભગવાનને વિષે શ્રદ્ધા અને પ્રીતિ કરવી. પ્રતિદિન પૂજા કરવી અને સત્સંગ કરવો. (૨૧૫)

આ લોકમાં સંગ બળવાન છે. જેવો સંગ હોય તેવું જીવન બને. આથી સારા મનુષ્યોનો સંગ કરવો. કુસંગનો સર્વથા ત્યાગ કરવો. (૨૧૬)

જે મનુષ્ય કામાસક્તકૃતઘ્ની, લોકોને છેતરનાર, પાખંડી તથા કપટી હોય તેનો સંગ ત્યજવો. (૨૧૭)

જે મનુષ્ય ભગવાન અને તેમના અવતારોનું ખંડન કરતો હોય, પરમાત્માની ઉપાસનાનું ખંડન કરતો હોય અને સાકાર ભગવાનને નિરાકાર માનતો હોય તેનો સંગ ન કરવો. તેવા ગ્રંથો ન વાંચવા. (૨૧૮-૨૧૯)

જે મનુષ્ય મંદિર અને ભગવાનની મૂર્તિઓનું ખંડન કરતો હોય, સત્ય-અહિંસા આદિ ધર્મોનું ખંડન કરતો હોય તેના સંગનો ત્યાગ કરવો. (૨૨૦)

જે મનુષ્ય ગુરુશરણાગતિનો વિરોધ કરતો હોય, વૈદિક શાસ્ત્રોનું ખંડન કરતો હોય, ભક્તિમાર્ગનો વિરોધ કરતો હોય તેનો સંગ ન કરવો. (૨૨૧)

કોઈ મનુષ્ય લોકમાં વ્યાવહારિક કાર્યોમાં બુદ્ધિવાળો હોય અથવા શાસ્ત્રોમાં પારંગત પણ હોય, તેમ છતાં પણ જો તે ભક્તિએ રહિત હોય તો તેનો સંગ ન કરવો. (૨૨૨)

આધ્યાત્મિક વિષયોમાં શ્રદ્ધાનો જ તિરસ્કાર કરી જે મનુષ્ય કેવળ તર્કને જ આગળ કરતો હોય તેનો સંગ ન કરવો. (૨૨૩)

મુમુક્ષુ હરિભક્તોએ સત્સંગમાં રહેલ કુસંગને પણ જાણવો અને ક્યારેય તેનો સંગ ન કરવો. (૨૨૪)

જે મનુષ્ય પ્રત્યક્ષ ભગવાનમાં અને ગુરુમાં મનુષ્યભાવ જોતો હોય અને નિયમ પાળવામાં શિથિલ હોય તેનો સંગ ન કરવો. (૨૨૫)

જે મનુષ્ય ભક્તોમાં દોષ જોનાર, અવગુણની જ વાતો કરનાર, મનસ્વી અને ગુરુદ્રોહી હોય તેનો સંગ ન કરવો. (૨૨૬)

જે મનુષ્ય સત્કાર્યસચ્છાસ્ત્ર તથા સત્સંગની નિંદા કરતો હોય તેનો સંગ ન કરવો. (૨૨૭)

જેની વાતો સાંભળવાથી ભગવાન, ગુરુ તથા સત્સંગને વિષે નિષ્ઠા ટળતી હોય તેનો સંગ ત્યજવો. (૨૨૮)

જેને અક્ષરપુરુષોત્તમને વિષે દૃઢ નિષ્ઠા હોય, દૃઢ ભક્તિ હોય અને જે વિવેકી હોય તેનો સંગ આદર થકી કરવો. (૨૨૯)

ભગવાન તથા ગુરુનાં વાક્યોમાં જેને સંશય ન હોય, જે વિશ્વાસુ હોય, બુદ્ધિમાન હોય તેનો સંગ આદર થકી કરવો. (૨૩૦)

આજ્ઞા પાળવામાં જે સદાય ઉત્સાહ સાથે તત્પર હોય, દૃઢ હોય; જે નિર્માની તથા સરળ હોય તેનો સંગ આદર થકી કરવો. (૨૩૧)

ભગવાન અને ગુરુના દિવ્ય તથા મનુષ્ય ચરિત્રોમાં જે સ્નેહપૂર્વક દિવ્યતાનું દર્શન કરતો હોય તેનો સંગ આદર થકી કરવો. (૨૩૨)

સત્સંગમાં જે મનુષ્ય અન્યના ગુણો ગ્રહણ કરવામાં તત્પર હોય, દુર્ગુણોની વાત ન કરતો હોય, સુહૃદભાવવાળો હોય તેનો સંગ આદર થકી કરવો. (૨૩૩)

જેના આચાર તથા વિચારને વિષે ગુરુહરિને રાજી કરવાનું એકમાત્ર લક્ષ્ય હોય તેનો સંગ આદર થકી કરવો. (૨૩૪)

પોતાની શક્તિ અને રુચિ પ્રમાણે સંસ્કૃત તથા પ્રાકૃત ભાષામાં પોતાના સંપ્રદાયના ગ્રંથોનું પઠન-પાઠન કરવું. (૨૩૫)

વચનામૃત, સ્વામીની વાતો તથા ગુણાતીત ગુરુઓનાં જીવનચરિત્રો નિત્યે ભાવથી વાંચવાં. (૨૩૬)

સ્વામિનારાયણ ભગવાન તથા ગુણાતીત ગુરુઓનાં ઉપદેશો અને ચરિત્રો સત્સંગીઓનું જીવન છે. તેથી સત્સંગીએ તેનું શાંત ચિત્તે શ્રવણ, મનન તથા નિદિધ્યાસન મહિમાએ સહિત, શ્રદ્ધાપૂર્વક તથા ભક્તિથી રોજ કરવું. (૨૩૭-ર૩૮)

સંપ્રદાયના સિદ્ધાંતોમાં બાધ કરે તથા સંશય ઉત્પન્ન કરે તેવાં વચનો વાંચવાં, સાંભળવાં કે માનવાં નહીં. (૨૩૯)

સ્વામિનારાયણ ભગવાનને વિષે હૃદયમાં પરાભક્તિ દૃઢ કરવા ગુરુહરિના આદેશથી ચાતુર્માસમાં વ્રત કરવું. (૨૪૦)

તેમાં ચાંદ્રાયણ, ઉપવાસ વગેરે તથા મંત્રજપ, પ્રદક્ષિણા, કથાશ્રવણ, અધિક દંડવત્ પ્રણામ કરવા ઇત્યાદિરૂપે શ્રદ્ધાએ કરીને, પ્રીતિપૂર્વક અને ભગવાનનો રાજીપો પ્રાપ્ત કરવા વિશેષ ભક્તિનું આચરણ કરવું. (૨૪૧-૨૪૨)

ત્યારે પોતાની રુચિ તથા શક્તિ પ્રમાણે સંપ્રદાયનાં શાસ્ત્રોનું નિયમપૂર્વક પઠન-પાઠન કરવું. (૨૪૩)

ભગવાનને વિષે પ્રીતિ વધારવા સારુ સર્વે સત્સંગીઓએ હર્ષ અને ઉલ્લાસથી ભક્તિભાવે ઉત્સવો કરવા. (૨૪૪)

ભગવાન સ્વામિનારાયણ તથા અક્ષરબ્રહ્મ ગુરુઓના જન્મમહોત્સવો ભક્તિભાવથી હંમેશાં ઉજવવા. (૨૪૫)

સત્સંગી જનોએ શ્રીહરિ તથા ગુરુના વિશિષ્ટ પ્રસંગોને દિવસે યથાશક્તિ પર્વોત્સવો કરવાં. (૨૪૬)

પર્વોત્સવોને વિષે ભક્તિએ કરીને સવાદ્ય કીર્તન કરવું અને વિશેષ કરીને મહિમાની વાતો કરવી. (૨૪૭)

ચૈત્ર સુદ નોમને દિવસે રામચંદ્ર ભગવાનનું પૂજન કરવું. શ્રાવણ વદ આઠમને દિવસે કૃષ્ણ ભગવાનનું પૂજન કરવું. (૨૪૮)

શિવરાત્રિને વિષે શંકર ભગવાનનું પૂજન કરવું. ભાદરવા સુદ ચોથને દિવસે ગણપતિનું પૂજન કરવું. (૨૪૯)

આસો વદ ચૌદશને દિવસ હનુમાનજીનું પૂજન કરવું. માર્ગે જતાં કોઈ મંદિર આવે તો તે દેવને ભાવથી પ્રણામ કરવા. (૨૫૦)

વિષ્ણુ, શંકરપાર્વતી, ગણપતિ તથા સૂર્ય એ પાંચ દેવતા પૂજ્યપણે માનવા. (૨૫૧)

અક્ષરપુરુષોત્તમ મહારાજને વિષે દૃઢ નિષ્ઠા રાખવી. તેમ છતાં કોઈ પણ અન્ય દેવોની નિંદા ન કરવી. (૨૫૨)

અન્ય ધર્મો, સંપ્રદાયો કે તેમના અનુયાયીઓને વિષે દ્વેષ ન કરવો. તેમની નિંદા ન કરવી. તેમને સદા આદર આપવો. (૨૫૩)

મંદિરો, શાસ્ત્રો અને સંતોની ક્યારેય નિંદા ન કરવી. પોતાની શક્તિ પ્રમાણે તેમનો યથોચિત સત્કાર કરવો. (૨૫૪)

સંયમ, ઉપવાસ ઇત્યાદિ જે જે તપનું આચરણ કરવું તે તો કેવળ ભગવાનને રાજી કરવા તથા ભક્તિ માટે જ કરવું. (૨૫૫)

એકાદશીનું વ્રત સદાય પરમ આદર થકી કરવું. તે દિવસે નિષિદ્ધ વસ્તુ ક્યારેય ન જમવી. (૨૫૬)

ઉપવાસને વિષે દિવસની નિદ્રાનો પ્રયત્નપૂર્વક ત્યાગ કરવો. દિવસે લીધેલી નિદ્રાથી ઉપવાસરૂપી તપ નાશ પામે છે. (૨૫૭)

ભગવાન સ્વામિનારાયણે પોતે જે સ્થાનોને પ્રસાદીભૂત કર્યાં છે, અક્ષરબ્રહ્મસ્વરૂપ ગુરુઓએ જે સ્થાનોને પ્રસાદીભૂત કર્યાં છે, તે સ્થાનોની યાત્રા કરવાની ઇચ્છા હોય તેણે પોતાની શક્તિ અને રુચિ પ્રમાણે કરવી. (૨૫૮-૨૫૯)

અયોધ્યા, મથુરાકાશી, કેદારનાથ, બદરીનાથ તથા રામેશ્વર ઇત્યાદિ તીર્થોની યાત્રાએ પોતાની શક્તિ અને રુચિ પ્રમાણે જવું. (૨૬૦)

મંદિરમાં આવેલ સૌ કોઈએ મર્યાદાનું પાલન અવશ્ય કરવું. મંદિરને વિષે આવેલ પુરુષોએ સ્ત્રીનો સ્પર્શ ન કરવો તથા સ્ત્રીઓએ પુરુષનો સ્પર્શ ન કરવો. (૨૬૧)

સ્ત્રીઓ તથા પુરુષોએ હંમેશાં સત્સંગના નિયમ અનુસાર મંદિરને વિષે વસ્ત્રો પહેરવાં. (૨૬૨)

ભક્તજને ભગવાન કે ગુરુનાં દર્શને ક્યારેય ખાલી હાથે ન જવું. (૨૬૩)

સર્વે સત્સંગીઓએ સૂર્ય કે ચન્દ્રના ગ્રહણ કાળે સર્વ ક્રિયાઓનો ત્યાગ કરી ભગવાનનું ભજન કરવું. તે સમયે નિદ્રા તથા ભોજનનો ત્યાગ કરીને એક સ્થળે બેસીને ગ્રહણ પૂર્ણ થાય ત્યાં સુધી ભગવત્કીર્તનાદિ કરવું. (૨૬૪-૨૬૫)

ગ્રહણની મુક્તિ થયે સર્વ જનોએ સવસ્ત્ર સ્નાન કરવું. ત્યાગીઓએ ભગવાનની પૂજા કરવી અને ગૃહસ્થોએ દાન કરવું. (૨૬૬)

જન્મ-મરણની સૂતક તથા શ્રાદ્ધ વગેરે વિધિઓ સત્સંગની રીતને અનુસરી પાળવી. (૨૬૭)

કોઈ અયોગ્ય આચરણ થઈ જાય ત્યારે ભગવાનને રાજી કરવા શુદ્ધ ભાવે પ્રાયશ્ચિત્ત કરવું. (૨૬૮)

આપત્કાળમાં જ આપદ્ધર્મ આચરવો. અલ્પ આપત્તિને મોટી આપત્તિ માની લઈ ધર્મનો ત્યાગ ન કરવો. (૨૬૯)

કષ્ટ આપે તેવી આપત્તિ આવી પડે ત્યારે ભગવાનનું બળ રાખી જે રીતે પોતાની તથા અન્યની રક્ષા થાય તેમ કરવું. (૨૭૦)

વિવેકી મનુષ્યે પ્રાણનો નાશ થાય તેવી આપત્તિ આવી પડે ત્યારે ગુરુના આદેશોને અનુસરીને પ્રાણની રક્ષા કરવી અને સુખે રહેવું. (૨૭૧)

સર્વે સત્સંગી જનોએ સત્સંગની રીત પ્રમાણે, ગુરુના આદેશ અનુસાર, પરિશુદ્ધ ભાવથી દેશ, કાળ, અવસ્થા તથા પોતાની શક્તિ પ્રમાણે આચાર, વ્યવહાર અને પ્રાયશ્ચિત કરવાં. (૨૭૨-૨૭૩)

ધર્મ-નિયમ પાળવાથી જીવન ઉન્નત થાય છે અને અન્યને પણ સદાચાર પાળવાની પ્રેરણા મળે છે. (૨૭૪)

ભગવાનના ભક્તે ક્યારેય ભૂતપ્રેત, પિશાચ આદિની બીક ન રાખવી. આવી આશંકાઓનો ત્યાગ કરીને સુખે રહેવું. (૨૭૫)

શુભ તથા અશુભ પ્રસંગોને વિષે મહિમાએ સહિત પવિત્ર સહજાનંદ નામાવલીનો પાઠ કરવો. (૨૭૬)

જેઓને સત્સંગનો આશ્રય થયો છે તેમનું કાળ, કર્મ કે માયા ક્યારેય અનિષ્ટ કરવા સમર્થ થતાં જ નથી. (૨૭૭)

સત્સંગીઓએ અયોગ્ય વિષયોવ્યસનો તથા વહેમનો સદાય ત્યાગ કરવો. (૨૭૮)

કાળ, કર્મ આદિનું કર્તાપણું ન માનવું. અક્ષરપુરુષોત્તમ મહારાજને સર્વકર્તા માનવા. (૨૭૯)

વિપત્તિ આવે ત્યારે ધીરજ રાખવી, પ્રાર્થના કરવી, પ્રયત્ન કરવો અને અક્ષરપુરુષોત્તમ મહારાજને વિષે દૃઢ વિશ્વાસ રાખવો. (૨૮૦)

ત્યાગાશ્રમ ગ્રહણ કરવાની ઇચ્છા હોય તેમણે અક્ષરબ્રહ્મસ્વરૂપ ગુરુ પાસે દીક્ષા ગ્રહણ કરવી. સર્વે ત્યાગીઓએ સદા અષ્ટપ્રકારે બ્રહ્મચર્ય પાળવું. (૨૮૧)

ત્યાગીઓએ ધનનો ત્યાગ કરવો અને પોતાનું કરીને રાખવું નહીં. ધનનો સ્પર્શ પણ ન જ કરવો. (૨૮૨)

ત્યાગીઓએ અક્ષરપુરુષોત્તમ મહારાજને વિષે પ્રીતિ વધારવા સારુ સદા નિષ્કામપણું, નિર્લોભપણું, નિઃસ્વાદપણું, નિઃસ્નેહપણું, નિર્માનપણું તથા ત્યાગીના અન્ય ગુણો ધારણ કરવા. (૨૮૩-૨૮૪)

ત્યાગીઓએ પોતાના આત્માની બ્રહ્મ સંગાથે એકતા પ્રાપ્ત કરીને દિવ્યભાવે સદાય સ્વામિનારાયણ ભગવાનને ભજવા. (૨૮૫)

ત્યાગ એ કેવળ ત્યાગ જ નથી પરંતુ આ ત્યાગ તો ભક્તિમય છે. આ ત્યાગ અક્ષરપુરુષોત્તમ મહારાજને પામવા માટે છે. (૨૮૬)

આજ્ઞા-ઉપાસના સંબંધી આ સિદ્ધાંતો સર્વજીવહિતાવહ છે, દુઃખવિનાશક છે અને પરમસુખદાયક છે. (૨૮૭)

આ શાસ્ત્રને અનુસરીને જે જન શ્રદ્ધા અને પ્રીતિથી પોતાના જીવનમાં આજ્ઞા-ઉપાસનાની દૃઢતા કરે, તે ભગવાનનો રાજીપો પ્રાપ્ત કરી તેમની કૃપાનું પાત્ર થાય છે. શાસ્ત્રોમાં કહેલ બ્રાહ્મી સ્થિતિને તે જીવતાં છતાં જ પ્રાપ્ત કરે છે. એકાંતિક ધર્મ સિદ્ધ કરે છે. ભગવાનના શાશ્વત, દિવ્ય એવા અક્ષરધામને પામે છે, આત્યંતિક મુક્તિ મેળવે છે અને સુખ પ્રાપ્ત કરે છે. (૨૮૮-૨૯૦)

અક્ષરબ્રહ્મનું સાધર્મ્ય પ્રાપ્ત કરી પુરુષોત્તમની દાસભાવે ભક્તિ કરવી એ મુક્તિ માનવામાં આવી છે. (૨૯૧)

આ રીતે સંક્ષેપે કરીને અહીં આજ્ઞા તથા ઉપાસનાનું વર્ણન કર્યું. તેનો વિસ્તાર સંપ્રદાયના શાસ્ત્રો થકી જાણવો. (૨૯૨)

સત્સંગી જનોએ પ્રતિદિન આ ‘સત્સંગદીક્ષા’ શાસ્ત્રનો એકાગ્ર ચિત્તે પાઠ કરવો. પાઠ કરવા અસમર્થ હોય તેમણે પ્રીતિપૂર્વક તેનું શ્રવણ કરવું. અને શ્રદ્ધાથી તે રીતે આચરવા પ્રયત્ન કરવો. (૨૯૩-૨૯૪)

પરમાત્મા પરબ્રહ્મ સ્વામિનારાયણ ભગવાને અક્ષરપુરુષોત્તમ સિદ્ધાંતની સ્થાપના કરી અને ગુણાતીત ગુરુઓએ તેનું પ્રવર્તન કર્યું. તે સિદ્ધાંત અનુસાર આ શાસ્ત્ર રચ્યું છે. (૨૯૫-૨૯૬)

પરબ્રહ્મ દયાળુ સ્વામિનારાયણ ભગવાન કૃપાએ કરીને જ મુમુક્ષુઓના મોક્ષ માટે આ લોકમાં અવતર્યા. સકળ આશ્રિત ભક્તોનાં યોગક્ષેમનું વહન કર્યું અને આ લોક તથા પરલોક એમ બંને પ્રકારનું એમણે કલ્યાણ કર્યું. (૨૯૭-૨૯૮)

સર્વત્ર પરમાત્મા પરબ્રહ્મ સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય કૃપાશિષ સદા વરસે. (૨૯૯)

સર્વેનાં સર્વ દુઃખોત્રણ તાપ, ઉપદ્રવો, ક્લેશો, અજ્ઞાન, સંશયો તથા ભય વિનાશ પામે. (૩૦૦)

ભગવાનની કૃપાથી સર્વે નિરામય સ્વાસ્થ્ય, સુખ, પરમ શાંતિ તથા પરમ કલ્યાણ પામો. (૩૦૧)

કોઈ મનુષ્ય કોઈનો દ્રોહ તથા દ્વેષ ન કરે. સર્વે સદાય પરસ્પર આદર સેવે. (૩૦૨)

અક્ષરપુરુષોત્તમને વિષે સર્વને દૃઢ પ્રીતિનિષ્ઠા, નિશ્ચય થાય અને વિશ્વાસ સદાય વૃદ્ધિ પામે. (૩૦૩)

સર્વે ભક્તો ધર્મ પાળવામાં બળિયા થાય અને સહજાનંદ પરમાત્માની પ્રસન્નતા પ્રાપ્ત કરે. (૩૦૪)

સંસાર પ્રશાંતધર્મવાન, સાધનાશીલ તથા અધ્યાત્મમાર્ગે ચાલનારા મનુષ્યોથી યુક્ત થાય. (૩૦૫)

સર્વ મનુષ્યોમાં પરસ્પર એકતા, સુહૃદ્‌ભાવ, મૈત્રી, કરુણા, સહનશીલતા તથા સ્નેહ વૃદ્ધિ પામે. (૩૦૬)

બ્રહ્મ તથા પરબ્રહ્મના દિવ્ય સંબંધે કરીને સત્સંગને વિષે સર્વને નિર્દોષભાવ તથા દિવ્યભાવની દૃઢતા થાય. (૩૦૭)

સર્વ જનો પોતાના આત્માને વિષે અક્ષરરૂપતા પ્રાપ્ત કરી પુરુષોત્તમ સહજાનંદની ભક્તિ પ્રાપ્ત કરે. (૩૦૮)

વિક્રમ સંવત્ ૨૦૭૬ના માઘ શુક્લ પંચમીએ આ શાસ્ત્ર લખવાનો આરંભ કર્યો અને ચૈત્ર સુદ નવમીએ સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય જન્મમહોત્સવે તે સંપૂર્ણ થયું. (૩૦૯-૩૧૦)

ઉપાસ્ય પરબ્રહ્મ સહજાનંદ શ્રીહરિ તથા મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી, સાક્ષાદ્ જ્ઞાનમૂર્તિ સમા ભગતજી મહારાજ, સત્ય સિદ્ધાંતના રક્ષક એવા યજ્ઞપુરુષદાસજી (શાસ્ત્રીજી મહારાજ), સદાય વાત્સલ્યભીના અને આનંદમય બ્રહ્મ એવા યોગીજી મહારાજ તથા વિશ્વવંદ્ય અને વિનમ્ર એવા ગુરુ પ્રમુખસ્વામી મહારાજને આ શાસ્ત્રરૂપી અંજલિ પ્રમુખસ્વામી મહારાજના જન્મ શતાબ્દી પર્વે સાનંદ ભક્તિભાવે અર્પણ કરવામાં આવે છે. (૩૧૧-૩૧૪)

સ્વામિનારાયણ ભગવાન એટલે કે સાક્ષાત્ અક્ષરપુરુષોત્તમ મહારાજ સકળ વિશ્વમાં પરમ આનંદ-મંગળને વિસ્તારે. (૩૧૫)

इति परब्रह्मस्वामिनारायण-प्रबोधिताऽऽज्ञोपासन-सिद्धान्तनिरूपकं

प्रकटब्रह्मस्वरूपश्रीमहन्तस्वामिमहाराजैः स्वहस्ताऽक्षरैर्गुर्जरभाषया

लिखितं महामहोपाध्यायेन साधुभद्रेशदासेन च संस्कृतश्लोकेषु

निबद्धं सत्सङ्गदीक्षेति शास्त्रं सम्पूर्णम् ।

 

0 comments

પરિચય પરીક્ષા - નિબંધ -3 - બાળવયે સત્સંગમય શાંતિલાલ (સ્વામિનારાયણ પ્રકાશ : જાન્યુઆરી -2022, પા.નં. 14-15)

 બાળવયે શાંતિલાલ સૌથી નોખા તરી આવતા હતા, તેનું એક સૌથી મોટું કારણ હતું - બાળપણથી જ સેવામય, ભક્તિમય, સરળ, સુહૃદયી સ્વભાવ. શાંતિલાલને પિતાજીની...