પ્રાજ્ઞ -3 નિબંધ -2 ઐતહાસિક પ્રસંગોનું સાક્ષી નડિયાદ શહેર (સ્વામિનારાયણ પ્રકાશ : ફેબ્રુઆરી -2024, પા.નં.5-7)
નટપુર તરીકે ઓળખાતું આજનું નડિયાદ એટલે ગુજરાતની એક એવી વિરલ સાક્ષર ભૂમિ જ્યાં ૨૭૦ કરતાં વધુ પ્રસિદ્ધ સાક્ષરોએ જ્ઞાનની જ્યોત પ્રગટાવી છે.
નડિયાદ એટલે મહાપુરુષોની ભૂમિ. જ્યાં પૂજ્ય શ્રી સંતરામ મહારાજ, અને પૂજ્ય શ્રીમદ્ રાજચંદ્રથી લઈને અખંડ ભારતના ઘડવૈયા શ્રી સરદાર પટેલ જેવા મહાપુરુષોએ અધ્યાત્મ અને લોકસેવાની ધૂણી ધખાવી હતી.
પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણ અને ગુણાતીત ગુરુવર્યોની ચરણરજથી પાવન થયેલું ચરોતર પ્રાંતનું નડિયાદ શહેર સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક એતિહાસિક પ્રસંગોનું એક અવિસ્મરણીય પુષ્પ રહ્યું છે.
આ એ જ શહેર છે, જ્યાં ઇંગ્લેન્ડથી કંઈક અરમાનો લઈને આવેલા ખ્રિસ્તી ધર્મગુરુ શ્રી બિશપ રેજિનાલ્ડ હિબરની ભગવાન શ્રી સ્વામિનારાયણ સાથે તા. ૨૫-૩-૧૮૨ર૬ના રોજ એતિહાસિક મુલાકાત થઈ હતી. ભગવાન સ્વામિનારાયણના પ્રભાવથી બિશપને સમજાઈ ગયું હતું કે હિન્દુઓનું ધર્માંતરણ કરાવવાનું અહીં શક્ય નથી.
એ જ શહેર છે, જ્યાં અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી અને તેમના અનુગામી બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજે સત્સંગ લાભ આપ્યો છે. ભગતજી મહારાજના સત્સંગથી આજથી લગભગ સવા સો વર્ષે પહેલાં આ શહેરમાં અક્ષરપુરુષોત્તમ ઉપાસનાનાં બીજ વવાયાં હતાં. શ્રી ઝવેરીલાલ મહેતા જેવા એ સમયના આદિ હરિભક્ત ભગતજી મહારાજના કૃપાપાત્ર હતા.
આ એ જ શહેર છે, જ્યાં ભગવાન સ્વામિનારાયણના તૃતીય અનુગામી બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે અનેકવાર સત્સંગની અમૃતવર્ષા કરી છે. આ જ ભૂમિ પર ગુજરાતના પ્રસિદ્ધ સાક્ષર અને વડતાલ કમિટીના સભ્ય શ્રી દોલતરામ કુપારામ પંડ્યાએ, શાસ્ત્રીજી મહારાજને સંબોધીને અહીં શબ્દો ઉચ્ચાર્યા હતા : “સ્વામી, જે કાર્ય કરવા શ્રીજીમહારાજને અવતાર ધરી ફરી આવવું પડે તે શુદ્ધ ઉપાસનાનું કાર્ય આપે ક્યું છે. આપની મહત્તા અપાર છે. આજે તો આપે મહારાજ અને સ્વામીની મૂર્તિઓ પધરાવી છે પણ ભવિષ્યમાં આપના શિષ્યો આપની સુવર્ણની મૂર્તિઓ પધરાવશે એટલી આપની મોટપ વધી જશે.'
આજથી લગભગ સો વર્ષ પહેલાં શાસ્ત્રીજી મહારાજ અને સદગુરુ નિર્ગુણદાસ સ્વામીના કૃપાપાત્ર હરિભક્તો શ્રી રામચંદ્ર મયારામ ઠાકર અને તેમના બંધુઓ તથા પરિવારજનો, શ્રી વિઠ્ઠવભાઈ બારોટ, શ્રી છોટાભાઈ માસ્તર, ડો. શ્રી ગોરધનભાઈ, શ્રી બકોરભાઈ બ્રહ્મભટ્ટ, શ્રી ઘનશ્યામભાઈ, શ્રી વલ્લભભાઈ દેસાઈ, શ્રી રાવજીભાઈ, શ્રી જયદેવભાઈ વગેરેએ અક્ષરપુરુષોત્તમ ઉપાસનાના પ્રવર્તન માટે શાસ્ત્રીજી મહારાજનો ખૂબ પક્ષ રાખ્યો હતો.
આ એ જ ભૂમિ છે જ્યાં, યોગીજી મહારાજે ખૂબ આધ્યાત્મિક સુખ આપ્યું છે. શ્રી મહાદેવભાઈ દેસાઈ, શ્રી જમનાદાસ અમીન (બાપુજી), શ્રી કૃષ્ણાલાલ પટેલ જેવા શૂરવીર ભક્તરાજે સત્સંગનો ખૂબ ફેલાવો કર્યો અને સંસ્થાની અનેકવિધ સેવામાં મંડળને સક્રિય કયું. ગોંડલ અને બીજા મંદિરોમાં અન્નકૂટ, શ્રમયજ્ઞ, અનાજ સાફસૂફી વગેરે સેવાયજ્ઞમાં નડિયાદ મંડળનું પ્રદાન હોય જ હોય. બાળ-યુવક પ્રવૃત્તિઓ, અધિવેશનો, મહોત્સવો હોય કે પછી મોટા સમૈયા હોય તેમાં નડિયાદ મંડળ મોખરે જ હોય. સત્સંગના આ ઉત્સાહભર્યા રંગથી યોગીજી મહારાજની ૭૭મી જન્મજયંતી શ્રી ઈશ્વરભાઈ દેસાઈને ત્યાં ઉજવાઈ. શ્રી ગોવિંદભાઈ (નીગોઝ) તથા ભાઈઓએ દવે પોળમાં જ ચાર માળનું મકાન વગેરે મિલકત અર્પણ કરી, જે મહિલા મંડળના મંદિર તરીકે ઉપયોગમાં આવ્યું.
આ શહેરની કેટલીક અદ્ભુત સત્સંગસ્મૃતિઓ આ રહીઃ
સન ૧૯૫૯માં દેસાઈ વગામાં યોગીજી મહારાજે ભવ્ય પારાયણ કરી સત્સંગની પુષ્ટિ કરી.
સન ૧૯૪૩માં સંતરામ મંદિરના વિશાળ ચોગાનમાં બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ અને સંતોના સાંનિધ્યમાં
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે શ્રી સત્સંગિજીવનના ત્રીજા પ્રકરણ તથા સ્વામીની વાતું અને ભાગવતધર્મ ઉપર અદ્ભુત પારાયણ કરીને સૌને બ્રહ્મજ્ઞાન પીરસ્યું હતું.
સન ૧૯૬૮માં બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના સાંનિધ્યમાં શ્રી હરિલીલાકલ્પતરુનું પારાયણ યોજાયું\ હતું. બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે કથામૃતનું સૌને પાન કરાવ્યું હતું. આ પ્રસંગે લબ્ધપ્રતિષ્ઠ ભાગવત કથાકાર પૂજ્ય શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રીજીએ પણ કથામૃતનો લાભ આપીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
સન ૧૯૬૮ના રોજ નડિયાદ ખાતે બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજની ૭૭મી જન્મજયંતી ધામધૂમથી ઊજવાઈ હતી. ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રીમન્નારાયણે તથા મંત્રીશ્રી બાબુભાઈ જશભાઈ પટેલે કહ્યું, “પરમ પૂજ્ય યોગીજી મહારાજે ભગવાન સ્વામિનારાયણનો આધ્યાત્મિક વારસો જીવંત રાખ્યો છે.' આ પ્રસંગે પ્રસિદ્ધ લોકસેવક શ્રી રવિશંકર મહારાજે પરમ પૂજ્ય સ્વામીશ્રીનો ખૂબ મહિમા કહ્યો હતો.
આ એ જ ભૂમિ છે જ્યાં, અનેક વખત પધારીને બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે અહીં લોક્સેવાઓ અને સત્સંગની અભિવૃદ્ધિ કરી છે. શ્રી નગીનભાઈ દેસાઈ તથા તેમના પુત્રોએ નડિયાદમાં કોલેજ રોડ ઉપર અર્પણ કરેલી ભૂમિ પર તા. ૨૭-૧-૧૯૮રના રોજ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે સ્થાપેલું સુંદર શિખરયુક્ત મંદિર અને સન ૧૯૯૧માં સંસ્કારયુક્ત શિક્ષણ માટે સ્થાપેલું બી.એ.પી.એસ. સ્વામિનારાયણ છાત્રાલય નડિયાદમાં સંસ્કારયુક્ત શિક્ષણ સાથે સતત આધ્યાત્મિક સ્પંદનો પ્રસરાવતા રહ્યાં છે.
ત્યારબાદ વર્ષા વર્ષ પ્રમુખસ્વામી મહારાજ તેમજ મહંત સ્વામી મહારાજ અને સદ્ગુરુ સંતોએ અહીં પધારીને અહીંના સત્સંગવિકાસમાં ખૂબ મહત્ત્વનું યોગદાન આપ્યું. પ્રમુખસ્વામી મહારાજે અહીં ઊજવેલા અનેક ઉત્સવોમાં સન ૨૦૦૪માં ઊજવેલો ઉત્સવ અવિસ્મરણીય બની રહ્યો. તા. ૨૭-૩-૨૦૦૪ થી ૩૦-૩-૨૦૦૪ દરમ્યાન પ્રમુખસ્વામી મહારાજે, જ્યાં ભગવાન સ્વામિનારાયણ અને બિશપ રેજિનાલ્ડ હિબરની એતિહાસિક મુલાકાત યોજાઈ હતી તે સ્થળે સ્મૃતિમંદિર રચીને એ મુલાકાતને ચિરંજીવ બનાવી હતી. એ નિમિત્તે વિશ્વશાંતિ મહાયજ્ઞ, શોભાયાત્રા, નવયુવાનોનો ત્યાગાશ્રમ-દીક્ષા સમારોહ, ભગવાન સ્વામિનારાયણનો પ્રાગટ્યોત્સવ વગેરે અનેકવિધ ભવ્ય કાર્યક્રમો દ્વારા સ્વામીશ્રીએ નડિયાદના આંગણે ભાવિ ક્લામંડિત શિખરબદ્ધ મંદિરનાં બીજ રોપી દીધાં હતાં. નડિયાદમાં નૃતન શિખરબદ્ધ મંદિરનાં મંડાણ
ચરોતર એટલે ભક્તિ અને સમર્પણનું અનોખું કેન્દ્ર. ચરોતરનું એવું એક અનોખું ઉદાહરણ એટલે નડિયાદ, જ્યાંથી સમર્પણ અને સેવા-ભક્તિની સરિતા સતત વહેતી રહી છે. અહીંના ભક્તોની ભક્તિ અને સેવાની લગનીથી પ્રસન્ન થઈને સન ૨૦૦૪માં પ્રમુખસ્વામી મહારાજે સંકલ્પ હતો કે અહીં એક વિશાળ પરિસર સાથે ભવ્ય શિખરબદ્ધ મંદિરનું નિર્માણ કરવું છે. પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના અત્યંત પુરુષાર્થ તેમજ પૃજ્ય સર્વમંગલદાસ સ્વામી, પૂજ્ય જનમંગલદાસ સ્વામી વગેરે સંતોના સતત વિચરણથી નડિયાદ અને આજુબાજુનાં ગામોમાં પ્રતિદિન અભિવૃદ્ધિ પામી રહેલા આ સત્સંગની જરૂરિયાતને પોષવા માટે પ્રમુખસ્વામી મહારાજે આ કલાત્મક શિખરબદ્ધ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર રચવાનો સંકલ્પ કર્યો હતો. આથી, એ સમયમાં જ નડિયાદ- પીપલગ માર્ગ પર જમીન મેળવવાનું કાર્ય આરંભાયું. પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણા અને આશીર્વાદથી નડિયાદમાં પીપલગ માર્ગ પર પીપલગના સંનિષ્ઠ ભક્તરાજ શ્રી મનુભાઈ ઉમેદભાઈ પટેલે ભૂમિદાન કયું, ઉપરાંત પ્રવીણભાઈ શાહ (મ્વાન્ઝા), નિબોધભાઈ શાદલભાઈ પટેલ વગેરેએ મંદિરની આર્થિક-સેવામાં અનન્ય સહયોગ આપ્યો. સૌના સહિયારા પુરુષાર્થથી અહીં અન્ય ભૂમિ પણ સંપાદિત કરવામાં આવી. '“યોગીફાર્મ'ની આ વિશાળ ભૂમિ પર શિલાન્યાસવિધિના ઉપક્રમે ગતમાં પધરાવવામાં આવનાર શિલાઓ તથા નિધિકુંભનું પૂજન સારંગપુર ખાતે બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજનાં કરકમળો દ્વારા તા. ૨૨-૧૦- ૨૦૧૫ના રોજ થયું હતું.
તા. ૧૩-૧૨-૨૦૧૫ના રોજ સવારે પૂજ્ય મહંત સ્વામી, પૂજ્ય ડોક્ટર સ્વામી, પૂજ્ય ત્યાગવલ્લભદાસ સ્વામી, પૂજ્ય ભક્તિપ્રિયદાસ સ્વામી, પૂજ્ય ઇશ્વરચરણદાસ સ્વામી તથા પૂજ્ય ઘનશ્યામચરણદાસ સ્વામી વગેરે વરિષ્ઠ સંતોની ઉપસ્થિતિમાં શિખરબદ્ધ મંદિરનો વેદોક્ત શિલાન્યાસવિધિ થયો હતો. આ સાથે જ નડિયાદ, ડભાણ, ઉત્તરસંડા, મહુધા, અલિન્દ્રા, મહેમદાવાદ, ઘોડાસર વગેરે ક્ષેત્રોના હરિભક્તો મંદિર નિર્માણકાર્યની સેવામાં અનન્ય ઉત્સાહ અને ભક્તિભાવથી જોડાઈ ગયા.
પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીવાદ અને પૂજ્ય ઈશ્વરચરણદાસ સ્વામીના માર્ગદર્શન હેઠળ અમદાવાદ પ્લાનિંગ સેલ અને પૂજ્ય અક્ષયમુનિદાસ સ્વામી, સંજયભાઈ પરીખ, અને દેવદત્ત સોમપુરાએ જહેમત ઉઠાવી અને તેમના માર્ગદર્શન મુજબ મંદિરનાં એક પછી એક સોપાનો રચાતાં ગયાં. દિન-પ્રતિદિન આકાર લઈ રહેલા આ મંદિરના સેવાકાર્યમાં જયંતીભાઈ પટેલ, ડૉ. નીલભાઈ શાહ વગેરેએ ખૂબ સેવા કરી. મંદિરનિર્માણની સાથે સાથે મુખ્ય પ્રવેશદ્વાર, ક્ષેત્રિય કાર્યાલય, સંતનિવાસ, સભાગૃહ, ભોજનાલય, બુકસ્ટોલ, બાગ-બગીચા, શૌચાલયો વગેરેનું નિર્માણકાર્ય પણ માસ્ટર પ્લાન મુજબ થતું રહ્યું. અને સૌના સહિયારા પુરુષાર્થથી આઠ વર્ષમાં ૪પ એકરમાં ફેલાયેલા કલાત્મક બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના વિશાળ પરિસરનું નિર્માણ સંપન્ન થયું.
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના સંકલ્પથી અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી નડિયાદ ખાતે નિર્માણ પામેલું શિખરબદ્ધ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર ૨૪૦ ફૂટ લંબાઈ, ૧૩૧ ફટ પહોળાઈ અને ૭૯ ફૂટ ઊંચાઈ ધરાવે છે. વષોથી અહીં સત્સંગનો કાર્યભાર સંભાળી રહેલા પૂજ્ય સર્વમંગલદાસ સ્વામીની આગેવાનીમાં સંતો-હરિભક્તોએ કરેલા સેવા-સમર્પણભાવથી આ મંદિર એક લાખ ઘનફૂટ રાજસ્થાનના ગુલાબી પથ્થરમાંથી મહોરી ઊઠ્યું છે. આ મંદિર પ કલાત્મક કોતરણીયુક્ત શિખર, ૧ ઘુમ્મટ, ૧૧ ઘુમ્મટી, ૧૨ ઝરૂખા, ૩૨૪ આકર્ષક સ્તંભો, ૨૫૪ કલાત્મક તોરણો, ૩૬ અક્ષરદેરીની પ્રતિકૃતિ, ૧૩ ચતુષ્કોણીય સામરણ અને ૧૨૧૦ ફૂટ લંબાઈનો પ્રદક્ષિણા પથ ધરાવે છે.
ઉત્તર દિશાના આ મંદિરમાં ભગવાન શ્રીરામ પરિવાર તથા ભગવાન શ્રી શિવ પરિવારના ગભંગૃહોના મંડોવરો ભક્તોની મૂર્તિઓથી શોભે છે. મુખ્ય શિખરમાં અને ઝરૂખામાં ભગવાન શ્રીગણેશજીની અલગ અલગ મુદ્રામાં મૂર્તિઓ છે. મંદિરના ઘુમ્મટમાં ભગવાન સ્વામિનારાયણના સમકાલીન સંતો-ભક્તોની મૂર્તિ કંડારવામાં આવી છે.
આમ, એક સવાંગ સુંદર મંદિર તેના વિવિધ કાર્યકલાપો સાથે શોભી રહ્યું છે. વિશાળ સેવા-સત્સંગપ્રવૃત્તિઓ વચ્ચે ખીલેલું આ મંદિર એક ઉદાહરણ રૂપ તીર્થ બની રહ્યું છે.
પ્રાચીન શાસ્ત્રોમાં વર્ણવેલા પરંપરાગત મંદિર સ્થાપત્ય શાસ્ત્ર અનુસાર નિર્મિત આ કલાત્મક બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર નડિયાદની ધરોહર બનીને હજારો વર્ષો સુધી અહીં દિવ્ય આધ્યાત્મિક્તાનો ઉજાસ પ્રસરાવતું રહેશે. આવો, આ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની એક ઝલક મેળવીએ
0 comments