પ્રાજ્ઞ- ૧ પેપર -૨ - સ્વામીની વાતો - 3-1,3,5,7,8
ધોરાજીમાં લાલવડ હેઠે મહારાજે એકાદશીનો મહોત્સવ કર્યો તે સમયને વિષે મહારાજે પોતાનો
પ્રતાપ સૌને જણાવીને પોતાનો સર્વોપરી નિશ્ચય કરાવ્યો. પછી આત્માનંદ સ્વામીએ મહારાજને કહ્યું જે, “સત્સંગ બહુ થયો.” ત્યારે મહારાજે કહ્યું જે, “હજી ક્યાં સત્સંગ થયો છે?” એમ કહીને બોલ્યા જે, “એક એક સાધુ વાંસે લાખો મનુષ્ય ફરે ત્યારે સત્સંગ થયો એમ જાણવું.” એમ કહીને કહ્યું જે, “અમે સો કરોડ મનવારો લઈને આવ્યા છીએ એટલા જીવનો ઉદ્ધાર કરવો છે. તે પ્રથમ ચિંતામણિયું ભરશું, પછી પારસમણિયું ભરશું, પછી હીરા, પછી મોતી, પછી દાગીના, પછી સોનામહોરો, પછી રાળ, પછી રૂપિયા ને કોરિયું ને પછી છેલી બાકી ગારો, એ પ્રકારે પૂરણી કરવી છે;” એવી રીતે મુક્તના અનંત પ્રકારના ભેદ છે, ને કલ્યાણ પણ અનંત પ્રકારનાં છે. એવી રીતે બહુ વાર્તા કરી. (૩/૧)
મહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું જે, “અમે જે જે ધામમાં જાઈએ છીએ ત્યાં તે તે ધામમાં તમારાં વખાણ થાય છે; તે તમમાં એવી શી મોટપ છે જે, સર્વે તમારાં વખાણ કરે છે?” એમ કહીને બોલ્યા જે, “આ તુંબડી ફૂટી જાય તો સાજી કરતાં આવડે?” ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, “ના, મહારાજ!” ત્યારે મહારાજે કહ્યું જે, “તમે તમારી મોટપને જાણતા નથી.” એમ કહીને બોલ્યા જે, “લ્યો અમે જ કહીએ.” એમ કહીને કહ્યું જે, “આ પચાસ કરોડ જોજન પૃથ્વી છે ને તેથી દસ ગણું જળ છે ને તેથી દસ ગણું તેજ છે ને તેથી દસ ગણો વાયુ છે ને તેથી દસ ગણો આકાશ છે ને તેથી દસ ગણો અહંકાર છે ને તેથી દસ ગણું મહત્તત્ત્વ છે ને તેથી દસ ગણા પ્રધાનપુરુષ છે ને તેથી અનંતગણા પ્રકૃતિપુરુષ છે ને તે પ્રકૃતિપુરુષ થકી પર અક્ષરધામ છે; ને તે ધામમાંથી લાખ મણ લોઢાનો ગોળો પડતો મૂકીએ, તો વાને લેરખે ઘસાતો ઘસાતો પૃથ્વી ઉપર આવે ત્યારે રજ ભેળો રજ થઈ જાય, એટલું છેટું છે; પણ જો આંહીં અલ્પ જેવો જીવ હોય ને તેને તમે એમ ધારો જે, ‘આ જીવ આઠ આવરણ પાર અક્ષરધામમાં જાય,’ તો તત્કાળ જાય. જેમ જંતરડામાં ઘાલીને પાણો ફગાવી નાખે૧ એવું તમારા કાંડાને વિષે બળ છે પણ તેને તમે જાણતા નથી.“ એમ કહીને કહ્યું જે, “એવી મોટપ તમમાં આવી છે તેનું કારણ કહું તે તમે સાંભળો જે, સર્વ થકી પર જે અક્ષરધામ, તેને વિષે બિરાજમાન એવા જે ભગવાન તેનો તમારે સાક્ષાત્કાર સંબંધ થયો છે.” એવી રીતે ઘણી વાર્તા કરી. (૩/૩)
વાદી, ફૂલવાદી ને ગારડી;૧ તેમાં વાદી હોય તે તો ગરીબ સાપ હોય તેને ઝાલે, ને ફૂલવાદી હોય તે તો હાથ આવે તો ઝાલે, નહિ તો લૂગડાના છેડાને વળ દઈને મારી નાખે, ને ગારડી હોય તેની આગળ તો ગમે તેવો મણિધર હોય તે પણ ડોલે. એ તો દૃષ્ટાંત છે ને એનું સિદ્ધાંત તો એ છે જે, દત્તાત્રેય, કપિલ તે તો વાદીને ઠેકાણે છે, તે તો મુમુક્ષુ હોય તેનું કલ્યાણ કરે; ને રામચંદ્ર ને શ્રીકૃષ્ણ તે તો ફૂલવાદીને ઠેકાણે છે, તે તો પોતાનું વચન માને તેનું કલ્યાણ કરે ને ન માને તો તરવારે સમાધાન કરીને કલ્યાણ કરે; ને મહારાજ તો ગારડીને ઠેકાણે છે ને તેમની આગળ તો જીવ, ઈશ્વર, પુરુષ ને અક્ષરાદિક તે સર્વે હાથ જોડીને ઊભા છે.(૩/૫)
મહારાજે આનંદ સ્વામીને તથા મુક્તાનંદ સ્વામીને તથા સ્વરૂપાનંદ સ્વામીને એ ત્રણેને પૂછ્યું જે, “અમે તમને જે જે આજ્ઞા કરીએ જે આ પ્રવૃત્તિની ક્રિયાને તમે કરો, ત્યારે કેમ કરો?” ત્યારે પ્રથમ આનંદ સ્વામીએ કહ્યું જે, “જેમ તમે કહો તેમ કરીએ.” ત્યાર પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, “હૃદયમાંથી એક વેંત વૃત્તિ બહાર કાઢું ત્યારે ક્રિયા થાય ને તે વૃત્તિ એક વેંત બહાર કાઢી હોય તેને પાછી હાથ વૃત્તિ પાછી વાળું ત્યારે સુખ થાય.” પછી સ્વરૂપાનંદ સ્વામીને કહ્યું જે, “તમે કેમ કરો?” ત્યારે એ બોલ્યા જે, “ક્રિયા કરવાને જોવા જાઉં તો તે પદાર્થ ટળી જાય ને તમારી મૂર્તિ જ દેખાય.” ત્યારે મહારાજે પૂછ્યું જે, “પદાર્થ ટળી જાય ને મૂર્તિ દેખાય એ સર્વેને માન્યામાં આવતું નથી.” ત્યારે સ્વરૂપાનંદ સ્વામી બોલ્યા જે, “જેમ તીરમાં લીંબુ ખોસ્યું હોય ને તે તીરને જેમનો કરીએ ને તીરમાં જેમ લીંબુ દેખાય, તેમ વૃત્તિમાં ભગવાન રહ્યા છે એટલે તે વૃત્તિ જેમની કરીએ તેમની કોરે ભગવાન દેખાય છે.” પછી શ્રીજીમહારાજે કહ્યું જે, “ત્રણેનાં અંગ જુદાં જુદાં જણાય છે, માટે આનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીનો સમાગમ કરવો ને મુક્તાનંદ સ્વામીએ સ્વરૂપાનંદ સ્વામીનો સમાગમ કરવો. એમ કરે તો એકબીજાની કસર ટળે.” એમ ઉત્તમ, મધ્યમ ને કનિષ્ટ ભેદ છે.૩/૭
એક દિવસ સ્વરૂપાનંદ સ્વામી દેશ ફરીને આવ્યા; તેને મહારાજે પૂછ્યું જે, “દેશમાં મનુષ્ય કેવા છે?” ત્યારે સ્વરૂપાનંદ સ્વામી ધીરા રહીને બોલ્યા જે, “હે મહારાજ! મનુષ્ય તો લીંબડી કે નીચે દેખ્યા હે૧ ને બીજે મનુષ્ય તો નહિ હે.” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “દેશ ફરીને આવ્યા ને મનુષ્ય તો દીઠા જ નહિ.” ત્યારે સર્વે સંતે પૂછ્યું જે, “કલ્યાણ કેનાં કર્યાં હશે?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “બીજા તો નિયમ ધરાવીને વર્તમાન પળાવે ત્યારે કલ્યાણ થાય ને સ્વરૂપાનંદ સ્વામીને તો દર્શને કરીને કલ્યાણ થાય.” ૩/૮
0 comments