પ્રાજ્ઞ- 2 પેપર -૨ - સ્વામીની વાતો - 34,36,37,38,43
એક દિવસ સ્વામી નાના નાના સાધુ, પાળા ને બ્રહ્મચારી સામું જોઈને બોલ્યા જે,
“દેશ દેશાંતર બ્હોત ફિર્યા, મનુષ્યકા બ્હોત સુકાળ;
જાકું દેખે છાતી ઠરે, વાકા પડ્યા દુકાળ.”
એમ કહીને બોલ્યા જે, “જેમ મહારાજને જોઈને સમાધિ થઈ જાય ને જીવ સુખિયો થઈ જાય છે, તેમ નિરંજનાનંદ સ્વામીને દર્શને કરીને સમાધિ જેવું સુખ વરત્યા કરે, એવાના દુકાળ છે.” ત્યારે પૂછ્યું જે, “જેને દર્શને કરીને છાતી ઠરે છે એવો એમાં શો ગુણ હોય જે આગલ્યાને જોઈને પોતાની છાતીમાં ઠરે?” ત્યારે સ્વામી બોલ્યા જે, “જેની સામું જોઈએ ને વૃત્તિ પાછી વળી આવે ત્યારે છાતી ઠરે છે ને જેની સામું જોઈએ ને વૃત્તિ ચળાયમાન થાય તો તેને દેખીને છાતી ઠરે નહિ.” ત્યારે પૂછ્યું જે, “જેને દેખીને આગલ્યાની છાતી ઠરે છે એવા ગુણ આવ્યાનું શું કારણ છે?” પછી સ્વામી બોલ્યા જે, “એવા ગુણ તો ન જ આવે; તે ગમે તો ભેળો રહે કે સેવા કરે ને ગમે તો કહે તેમ કરે, તો પણ મોટાના ગુણ તો આવે જ નહિ.” ત્યારે વળી હાથ જોડીને પૂછ્યું જે, “હે મહારાજ! શો ઉપાય કરે ત્યારે એવા ગુણ આવે? ને વચનામૃતમાં તો બહુ ઠેકાણે કહ્યું છે જે, સત્પુરુષના ગુણ તો મુમુક્ષુમાં આવે છે.” ત્યારે સ્વામી બોલ્યા જે, “સત્પુરુષના ગુણ તો, તો આવે, જો એવાને નિર્દોષ સમજે ને સર્વજ્ઞ જાણે ને એવા છે તેની સાથે કોઈ પ્રકારે અંતરાય રાખે નહિ, તો સત્પુરુષના ગુણ એ મુમુક્ષુમાં આવે છે પણ તે વિના તો આવે જ નહિ.” - ૩/૩૪
એક દિવસ સ્વામી સૂતા હતા તે બેઠા થઈને પ્રશ્ન પૂછ્યો જે, “સારામાં સારું તે શું છે ને ભૂંડામાં ભૂંડું તે શું છે?” ત્યારે કોઈ બોલ્યા નહિ. ત્યારે સ્વામી બોલ્યા જે, “સારામાં સારું તો આ ભગવાન ને આ સાધુનો સંબંધ થયો છે તેથી કાંઈ સારું નથી ને તેથી કાંઈ સારું સમજવાનું નથી ને ભૂંડામાં ભૂંડું શું છે? તો આ સાધુને વિષે મનુષ્યભાવ આવે છે તેથી બીજું કાંઈ ભૂંડું નથી. અને તે મનુષ્યભાવ તે શેણે કરીને આવે છે તો લોક, ભોગ, દેહ ને ચોથો પક્ષપાત તેણે કરીને મનુષ્યભાવ આવે છે. તેમાં જેવું પક્ષપાતે કરીને જીવનું ભૂંડું થાય છે તેવું તો પંચવિષયે કરીને પણ નથી થાતું. તે પક્ષે કરીને તો ગોપાળાનંદ સ્વામીને માથે પાણા નાખ્યા ને ઝોળીમાં દેવતા નાખ્યા,૧ તે દેવતાના કાઢનાર આંહીં બેઠા છે.” એમ કહીને વળી બોલ્યા જે, “એવો સંસ્કાર તો અમારે માથે ઘણો થયો છે! તે મુખ થકી કહેવાય નહિ; ને એવા અવળા પક્ષે કરીને મોટા સાધુના અવગુણ લીધા છે તેણે કરીને તો ભૂતની યોનિને પામ્યા છે અને વળી કોઈ હશે તે પણ પામશે ને તે પાપે કરીને ખાવી વિષ્ટા ને પીવી લઘુશંકા એવા દુઃખને ભોગવે છે પણ સુખ તો ક્યાંઈ થાય નહિ. - ૩/૩૬
એક દિવસ સ્વામીએ અરધી રાત્રિએ ઊઠીને એમ વાત કરી જે, “કેટલાક એમ જાણે છે જે, સ્વામી અમારી કોર છે ને કેટલાક એમ જાણે છે કે સ્વામી અમારી કોર છે; પણ અમારો અભિપ્રાય તો મોટા મોટા સદ્ગુરુ પણ જાણી શક્યા નથી, તો આજ તમે શું જાણશો?” ત્યારે પૂછ્યું જે, “બહુ મોટા હોય તેનો અભિપ્રાય નાનો હોય તે જાણે કે ન જાણે?” ત્યારે સ્વામી બોલ્યા જે, “શું ધૂડ્ય જાણે? અને જે પતંગિયો હોય તે સૂર્યનો અભિપ્રાય જાણે છે? નથી જાણતો; તેમ મોટાનો અભિપ્રાય તો જણાય જ નહિ, એ સિદ્ધાંત વાત છે.” - ૩/૩૭
“મોરે તો મહારાજનો અનેક પ્રકારનો રાજીપો હતો અને પ્રથમના પ્રકરણમાં ધ્યાન કરવું, ત્યાગ રાખવો, સત્સંગ કરાવવો, મંદિર કરવાં ને ભણાવવા ઇત્યાદિ અનેક પ્રકારનો રાજીપો હતો અને આ વર્તમાનકાળે ભગવાનનો શેમાં રાજીપો છે? તો નટની માયાના વચનામૃતમાં ભગવાનનું સ્વરૂપ નિર્દોષ કહ્યું છે તેવી રીતે મહારાજનું સ્વરૂપ સમજવું ને તેવી રીતે જ આ સંતનું સ્વરૂપ પણ સમજવું ને ભગવાનની આજ્ઞા પાળવી ને રૂડા સાધુનો સંગ રાખવો; તો તેની ઉપર મહારાજ રાજી રાજી ને રાજી જ છે.” એમ કહીને મસ્તક ઉપર કળાઈ૧ મૂકીને તકિયા ઉપર ઢળી ગયા. ને વળી એમ બોલ્યા જે, “બીજું અધિક કાંઈ સમજવાનું નથી ને એટલું જ સમજવાનું છે જે, મહારાજને પુરુષોત્તમ જાણવા ને આ સાધુને અક્ષર જાણવા ને આ બધાય અક્ષર૨ છે અને ઓલ્યા૩ મૂળ અક્ષર છે, તે પણ આંહીં દેહ ધરીને આવ્યા છે, એ બે વાત પ્રથમના એકોતેરના વચનામૃતમાં કહી છે. ને એ બે વાતને તો નથી સમજ્યો ને તે વિના તો
પીંગળ પુરાણ શીખ્યો ગાતાં વાતાં શીખ્યો શીખ્યો સર્વે સૂરમેં;
એક રામ નામ બોલવા ન શીખ્યો તો શીખ્યો સર્વે ગયો ધૂરમેં.”
એ વાત અમદાવાદના સાધુની આગળ કહી ને ગાદી ઉપર હાથ નાખ્યો. - ૩/૩૮
ગોપાળાનંદ સ્વામીએ સર્વે સાધુને કહ્યું જે, “કેવી રીતે ધ્યાન ને માનસી કરો છો?” ત્યારે સર્વેએ કહ્યું જે, “જ્યાં મહારાજ બેસતા તે ઠેકાણે ધ્યાન કરીએ છીએ ને જ્યાં બેસીને જમતા તે ઠેકાણે માનસી પૂજામાં જમાડીએ છીએ.” ત્યારે સ્વામીએ કહ્યું જે, “કોઈ એવું ધ્યાન શીખ્યા છો જે, ત્રણ દેહને જીતીને ધ્યાન કરવું?” ત્યારે સર્વેએ કહ્યું જે, “કેવી રીતે ત્રણ દેહ જીતવા?” એ પ્રશ્નનો ઉત્તર કર્યો જે, “ધ્યાન કરવા બેસીએ ત્યારે જીવજંતુ કરડે તો પણ સ્થૂળ દેહને હલવા દેવું નહિ એટલે સ્થૂળ દેહ જિતાણું જાણવું, ને ઘાટ-સંકલ્પ બંધ કરીને ધ્યાન કરવું એટલે સૂક્ષ્મ દેહ જિતાણું જાણવું, ને નિદ્રા ને આળસ આવવા ન દેવી એટલે કારણ દેહ જિતાણું જાણવું. એવી રીતે ત્રણ દેહને જીતીને ધ્યાન કરવું.” ત્યારે સિદ્ધાનંદ સ્વામી કહે જે, “કારણ શરીર તો કાળા પર્વત જેવું કઠણ છે તે બહુ દાખડો કરીએ ત્યારે જિતાય, તે જેમ કૂવામાંથી છીપરને કાપવી હોય તેને ટાંકણું-હથોડો લઈને ખોદીએ ત્યારે સાંજે ટોપલી ગાળ નીકળે એવું કઠણ છે.” ત્યારે સ્વામી બોલ્યા જે, “અમે સુરંગું દઈએ છીએ ને બસેં-બસેં ગાડાં પાણા નીસરે છે, તે શું? તો, વાતરૂપી સાંગડીએ૨ કરીને દાર દઈએ છીએ ને ભગવાનના નિશ્ચયરૂપી દારૂ ભરીએ છીએ ને ભગવાન ને ભગવાનના સાધુનો મહિમા તે રૂપી અગ્નિ મૂકીએ છીએ, તેણે કરીને કારણ શરીરરૂપ જે અજ્ઞાન, તે રૂપી જે કાળો પર્વત, તેને તોડીને બ્રહ્મરૂપ કરીને અક્ષરધામમાં મહારાજની સેવામાં રાખીએ છીએ, તે કાંઈ કઠણ નથી.” - ૩/૪૩
0 comments