પ્રવેશ - શાસ્ત્રીજી મહારાજ પ્રકરણ 36 થી 40 - સમરી

૩૬. સારંગપુરની શોભા | ૩૭. ગંગા-સાગરના સંગમ | ૩૮. સ્વામીશ્રીની મહત્તા | ૩૯. “ગુણાતીત માટે મૂંડાવ્યું છે” | ૪૦. સારંગપુર મંદિરમાં મૂર્તિપ્રતિષ્ઠા

૩૬. સારંગપુરની શોભા

સ્વામીશ્રીએ બોચાસણમાં જોતજોતાંમાં મંદિર કરી દીધું. ગઢડાના ભીમજીભાઈને તો પહેલેથી જ સ્વામીશ્રી પ્રત્યે હષ હતો. તેમણે વરતાલમાં કોઠારી ગોરધનભાઈ ઉપર પત્ર લખ્યો કે 'ગુજરાતના દાળભાતખાઉ તમારા જેવા વાણિયાની નજર સામે યજ્ઞપુરુષદાસે ગુજરાતમાં મંદિર કર્યું, પણ જો સાબરમતીની આ બાજુ એટલે કાઠિયાવાડમાં કરી જુએ તો ખબર પડે.'
તેમને ક્યાં ખબર હતી કે મંદિરો તો સ્વામીશ્રીમાં રહીને શ્રીજીમહારાજ કરતા હતા. સ્વામીશ્રી પણ તેમને માત કરવા નહીં, પણ શ્રીજીમહારાજના કોલ પૂરા કરવા મંદિરો કરતા હતા.
સારંગપુરના હરિભક્તોના આગ્રહથી સ્વામીશ્રી સારંગપુર પધાર્યા. અહીંના હરિભક્તોને તો સ્વામીશ્રી પ્રાણથી પ્યારા હતા.
એક દિવસ સ્વામીશ્રી શ્રીજીમહારાજના પ્રસાદીના મોટા કુંડે નાહવા જતા હતા. રસ્તામાં હાલ જ્યાં મંદિર છે ત્યાં ઊભા રહ્યા અને સાથે આવેલા મોતીભાઈને સ્વામીશ્રીએ કહ્યું: “મોતીભાઈ ! શ્રીજીમહારાજે આ જગ્યાએ મંદિર કરવાનો સંકલ્પ કર્યા હતો અને મંદિર થશે તેવું વચન આપ્યું હતું. માટે અહીં મંદિર જરૂર થશે.”
નાહીને આવ્યા પછી સ્વામીશ્રીએ મોતીભાઈને કહ્યું: “આપણે સારંગપુરમાં મંદિર કરવું છે, તો તેનું કીર્તન બનાવો.” મોતીભાઈ તો વિચારમાં પડી ગયા: “હજુ બોચાસણમાં મંદિર અધૂરું છે, કોઠારમાં પૈસા નથી અને વળી સ્વામીશ્રી આવા સંકલ્પ કરે છે !”
તેમની તો મતિ મૂંઝાઈ ગઈ. સ્વામીશ્રીએ તેમની સામે જોયું તેવામાં તો તેમને આશ્ચર્ય દેખાયું. નજર સામે ત્રણ શિખરનું ભવ્ય મંદિર સોનાના કળશ સહિત, ધામ, ધામી અને મુક્તની પ્રતિમા અને સિંહાસન સહિત દેખાયું. અત્યારે છે તેવું જ સુંદર અને ભવ્ય મંદિર જોઈ મોતીભાઈ તો આશ્ચર્યમાં પડી ગયા.

અગત્યના અવતરણો

“મોતીભાઈ ! શ્રીજીમહારાજે આ જગ્યાએ મંદિર કરવાનો સંકલ્પ કર્યા હતો અને મંદિર થશે તેવું વચન આપ્યું હતું. માટે અહીં મંદિર જરૂર થશે.”
“આપણે સારંગપુરમાં મંદિર કરવું છે, તો તેનું કીર્તન બનાવો.”
“શ્રી સારંગપુરની શોભા સજી અતિ સારી જોઈ અલૌકિક અદ્‍ભુત ધામ અવિકારી”

મોતીભાઈનો અલૌકિક પ્રસંગ

સ્વામીશ્રીના શબ્દો સાંભળીને મોતીભાઈ મૂંઝાઈ ગયા, કારણ કે બોચાસણનું મંદિર હજી અધૂરું હતું અને કોઠારમાં પૈસા પણ નહોતા.
પરંતુ સ્વામીશ્રીએ તેમની સામે જોયું ત્યારે મોતીભાઈને નજર સામે ત્રણ શિખરનું ભવ્ય મંદિર, સોનાના કળશ, ધામ, ધામી અને મુક્તની પ્રતિમા અને સિંહાસન સહિત દેખાયું.
તેમના મુખમાંથી તરત જ કીર્તનની કડીઓનો પ્રવાહ વહેવા લાગ્યો અને અંતરમાંથી બધી શંકા દૂર થઈ ગઈ. તેમને સમજાઈ ગયું કે આ સ્વામી અનેક મંદિરો કરવા શક્તિશાળી છે.
બોચાસણમાં મંદિર થયું શ્રીજીમહારાજનો સંકલ્પ સારંગપુરમાં હતો “અહીં મંદિર જરૂર થશે” મોતીભાઈને ત્રણ શિખરનું ભવ્ય મંદિર દેખાયું શંકા દૂર થઈ ગઈ સ્વામીશ્રી અનેક મંદિરો કરવા શક્તિશાળી છે

૩૭. ગંગા-સાગરના સંગમ

સારંગપુરથી સ્વામીશ્રી, અદાના આમંત્રણથી રાજકોટ પધાર્યા. કૃષ્ણચરણદાસ સ્વામીના મંડળના ભગત ઝીણા ભક્તના સંકલ્પથી અદાશ્રીએ સ્વામીશ્રીને રાજકોટ તેડાવ્યા હતા. કૃષ્ણચરણદાસ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામીના કૃપાપાત્ર શિષ્ય સદગુરુ માધવચરણદાસ સ્વામીના શિષ્ય હતા. તેમના મંડળના સાધુઓ સાધુતાના ગુણે યુક્ત હતા. તેમાં પણ ઝીણા ભગત તો જુદા જ તરી આવતા હતા. તેમણે કૃષ્ણજી અદાની પાસે તથા બીજાની પાસે સ્વામીશ્રીનો મહિમા અને તેમનાં કાર્યા વિષે ઘણું સાંભળ્યું હતું. આવા અલૌકિક સંતનાં દર્શન કરવાની તેમને તાલાવેલી જાગી હતી.

સ્વામીશ્રી રાજકોટ પધાર્યા. તેથી તેમની દર્શનની તીવ્ર ઇચ્છા પૂરી થઈ. પ્રથમ દર્શને જ તેમને સ્વામીશ્રી પ્રત્યે અપાર ખેંચાણ થયું. તેમના સ્વરૂપમાં લગની લાગી ગઈ. તેમનાં દર્શનથી તેમણે ઘણી જ તૃપ્તિ અનુભવી.

રાજકોટથી સ્વામીશ્રી સારંગપુર આવ્યા. અહીંના હરિભક્તોએ સ્વામીશ્રીને મંદિર કરવા પ્રાર્થના કરી. દયાળુ સ્વામીશ્રીએ તે પ્રાર્થના સાંભળી. પીઠાખાચરના ઓરડા વેચાતા લીધા. આ સમાચાર સાંભળી ભીમજીભાઈ કોઠારીની આંખો ફાટી: “ઓરડા લીધે મંદિર ઓછું થવાનું છે?” એમ વિચારી તેઓ શાંત રહ્યા.

સ્વામીશ્રી હવે સારંગપુરની આજુબાજુનાં ગામોમાં તથા ઝાલાવાડમાં ફરી અક્ષરપુરુષોત્તમની વાત કરવા લાગ્યા. સ્વામીએ ઓરડા લીધા છે તેની લીમડીના દોવાન શ્રી ઝવેરભાઈને ખબર પડી, ત્યારે તેમણે કહ્યું કે “સ્વામી ! સારંગપુરમાં મંદિર કરો તો ઠાકોર સાહેબને કહીને જમીન અપાવું.” સ્વામીશ્રીએ કહ્યું: “અમારી પાસે નાણાં નથી. વળી, બોચાસણનું કામ પણ અધૂરું છે. છતાં તમે જમીન અપાવો છો તો નાનું મંદિર કરીએ.”

દીવાન સાહેબ તો જાણતા જ હતા કે સ્વામીશ્રીનું કામ ઓછી જમીનથી નહીં થાય. તેમણે કહ્યું કે “સ્વામી ! તમે વધુ જમીન માગો, હું અપાવી દઈશ.” સ્વામીશ્રીએ ચોવીસ એકર જમીન માગી, જે દીવાન સાહેબે લીમડી દરબાર પાસેથી અપાવી અને બાકીની જમીન ધોળકાના શેરમિયાં પાસેથી લીધી.

જમીન તો લીધી પણ મંદિર કરવું કાંઈ સહેલું ન હતું. પાસે પૈસા નહીં, પૂરા માણસો નહીં અને ચારે બાજુ વિરોધ — “આ બંડિયા છે, તેમને કોઈ ખાવા ન આપશો, મંદિરમાં આવે તો કાઢી મૂક્જો. આ સાધુઓએ આચાર્ય અને મંદિર વિરુદ્ધ બંડ ક્યું છે, તેથી તેમને સાથ ન આપવો.” આવો જોરદાર પ્રચાર વિરોધીઓ ગામોગામ ફરીને કરતા. અજ્ઞાની અને ભોળા લોકોને ભોળવતા. કેટલાક બીકના માર્યા સ્વામીશ્રી પાસે આવતા નહીં. આમ છતાં કેટલાય શૂરવીર ભક્તો હતા, જેમણે અનેક વિરોધ છતાં સ્વામીશ્રીનો માથા સાટે પક્ષ રાખ્યો હતો.

અગત્યના અવતરણો

“સ્વામી ! સારંગપુરમાં મંદિર કરો તો ઠાકોર સાહેબને કહીને જમીન અપાવું.”

“અમારી પાસે નાણાં નથી. વળી, બોચાસણનું કામ પણ અધૂરું છે. છતાં તમે જમીન અપાવો છો તો નાનું મંદિર કરીએ.”

“સ્વામી ! તમે વધુ જમીન માગો, હું અપાવી દઈશ.”

ઝીણા ભગત અને સંતમંડળનો પ્રસંગ

સ્વામીશ્રીના સંતો પણ એવા જ બળિયા હતા. ગમે તેટલાં કષ્ટ પડે પણ તેમાં મૂંઝાય નહીં. સદા હસતા અને આનંદમાં રહેતા. વાસણોના અભાવે ઘાસલેટના ડબ્બામાં ખીચડી રાંધી જમતા. કેટલીક વખત ખાટી છાશ પણ મળતી નહીં. પાંચ-છ ગાઉ દૂર જાય ત્યારે ભિક્ષા મળતી. કોઠારમાં પૈસા નહીં, ઉપરાંત ઉત્સાહ ભંગ થાય તેવાં વચનો વિરોધીઓ કહે, છતાં તેઓ ડગતા નહીં. વિરોધીઓ કહે કે “આ શું મંદિર કરશે? અહીં તો ઠાકોરદ્રારો થશે.” આવું સાંભળવા છતાં આ સાધુઓ આનંદમાં રહેતા.

રાત-દિવસ મંદિરની સેવા કરવા શરીર તોડીને મહેનત કરવી પડે, ક્યારેક પૂરું ખાવાનું પણ ન મળે, તોપણ અક્ષરપુરુષોત્તમની નિષ્ઠા અને સ્વામીશ્રી પ્રત્યે અપાર હેતને લીધે આ સાધુઓ હંમેશાં ઉમંગમાં રહેતા.

ત્યારપછી જૂનાગઢના સ્વામી કૃષ્ણચરણદાસજીના મંડળના તપસ્વી અને વૈરાગ્યવાન સંત સ્વામી જ્ઞાનજીવનદાસ તથા તેમના મંડળના બીજા સાધુઓ શ્રી કૃષ્ણજી અદાની પ્રેરણાથી જૂનાગઢથી બોચાસણ જવા નીકળ્યા. નીકળતી વખતે સ્વામી જ્ઞાનજીવનદાસજી, મંદિરના ભંડારમાંથી અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની પૂજેલી, પોતાને અતિ વહાલી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ લઈ આવ્યા. જૂનાગઢથી નીકળી તેઓ રાજકોટ ગયા. અદાને ત્યાં રહ્યા. શાસ્ત્રીજી મહારાજને અદાશ્રીએ રાજકોટ તેડાવ્યા. સ્વામીશ્રી રાજકોટ પધાર્યા. આ સાધુઓને સ્વામીશ્રીનાં દર્શનથી અપાર શાંતિ થઈ ગઈ. એ પછી બધા સંતો તેમની સાથે સારંગપુર ગયા.

રાજકોટમાં પ્રથમ દર્શને અપાર ખેંચાણ સારંગપુરમાં મંદિરનો સંકલ્પ આગળ વધ્યો ચોવીસ એકર જમીન મળી ચારે બાજુ વિરોધ છતાં નિષ્ઠા અડગ રહી સંતો કષ્ટમાં પણ આનંદમાં રહ્યા જ્ઞાનજીવનદાસ તથા અન્ય સંતો સ્વામીશ્રી સાથે સારંગપુર ગયા

૩૮. સ્વામીશ્રીની મહત્તા

પછી સ્વામીશ્રી નડિયાદ પધાર્યા. નડિયાદના હરિભક્ત દોલતરામભાઈએ સ્વામીશ્રીને પોતાને ઘેર જમવા તેડાવ્યા. સ્વામીશ્રી વરતાલ હતા તે સમયથી દોલતરામભાઈ સ્વામીશ્રીને ઓળખતા હતા. સ્વામીશ્રી પ્રત્યે તેમને અપાર માન હતું. તેઓ ગુજરાતી અને સંસ્કૃત સાહિત્યના પ્રખર વિદ્વાન હતા. વળી, વરતાલ કમિટીના સભ્ય પણ હતા.

સ્વામીશ્રી અક્ષરપુરુષોત્તમની શુદ્ધ ઉપાસના પ્રવર્તાવવા વરતાલથી નીકળી ગયા તે તેઓ જાણતા હતા; પણ અક્ષરપુરુષોત્તમ શું છે તે કદી જાણ્યું ન હતું. છતાં, “સ્વામીશ્રી જે કરે છે તે શાસ્ત્ર પ્રમાણે જ હશે” તેવો તેમને વિશ્વાસ હતો. સ્વામીશ્રીનો આ સિદ્ધાંત સમજવાની તેમને ઈચ્છા હતી અને આ વાત દોલતરામભાઈને સમજાય તેવી સ્વામીશ્રીને પણ ઇચ્છા હતી.

દસ વર્ષે સ્વામી ભેગા થયા તેથી તેમને આનંદ થયો. તેમણે પૂછયું : “સ્વામી ! તમારે વરતાલની ભેળા થવાનો વિચાર છે ?” સ્વામીશ્રીએ કહ્યું: “જો તેઓ ગઢડા મધ્ય પ્રકરણનું ૨૧મું વચનામૃત કબૂલ રાખે તો છે.”

દોલતરામભાઈએ પૂછ્યું: “એવું શું એ વચનામૃતમાં છે જે કબૂલ રખાવવાનો તમે આગ્રહ રાખો છો?” આ સાંભળી સ્વામીશ્રીએ ભક્ત અને ભગવાનના મહિમાની ઘણી વાતો, ઘણાં વચનામૃતો અને દષ્ટાંતોને આધારે કરી. પ્રત્યક્ષ ભગવાન અને પ્રત્યક્ષ સંતનો નિશ્ચય થાય તો જ કલ્યાણનો મુદ્દો હાથ આવ્યો કહેવાય એ સમજાવ્યું.

સ્વામીશ્રીની સચોટ નિરૂપણશક્તિથી તેઓ તો ડોલી ઊઠ્યા. “ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે તથા અક્ષર સહિત પુરુષોત્તમની નિષ્ઠા અને એ બંને સ્વરૂપો શાસ્ત્રી યજ્ઞપુરુષદાસ દ્વારા પ્રગટ જ છે” એ વાત તેમના જીવમાં ઠસી ગઈ.

તેઓ બોલી ઊઠ્યા: “સ્વામી ! જે કાર્ય કરવા શ્રીજીમહારાજને અવતાર ધરી ફરી આવવું પડે તે શુદ્ધ ઉપાસનાનું કાર્ય આપે કયું છે. આપની મહત્તા અપાર છે. આજે તો આપે મહારાજ અને સ્વામીની મૂર્તિઓ પધરાવી છે, પણ ભવિષ્યમાં આપના શિષ્યો આપની સુવર્ણની મૂર્તિ પધરાવશે, એટલી આપની મોટપ વધી જશે.”

અગત્યના અવતરણો

“સ્વામીશ્રી જે કરે છે તે શાસ્ત્ર પ્રમાણે જ હશે.”

“જો તેઓ ગઢડા મધ્ય પ્રકરણનું ૨૧મું વચનામૃત કબૂલ રાખે તો છે.”

“પ્રત્યક્ષ ભગવાન અને પ્રત્યક્ષ સંતનો નિશ્ચય થાય તો જ કલ્યાણનો મુદ્દો હાથ આવ્યો કહેવાય.”

“આપની મહત્તા અપાર છે.”

“ભવિષ્યમાં આપના શિષ્યો આપની સુવર્ણની મૂર્તિ પધરાવશે.”

દોલતરામભાઈનો પ્રસંગ

દોલતરામભાઈ વિદ્વાન હતા અને સ્વામીશ્રી પ્રત્યે અપાર માન ધરાવતા હતા. અક્ષરપુરુષોત્તમના સિદ્ધાંતને સમજવાની તેમની આંતરિક ઈચ્છા હતી. સ્વામીશ્રીએ યોગ્ય અવસરે તેમને વચનામૃત અને દષ્ટાંતોના આધારથી ભક્ત અને ભગવાનના મહિમાની વાતો કરી.

તે વાતોથી દોલતરામભાઈના અંતરમાં નિશ્ચય દઢ થયો કે ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે અને અક્ષર સહિત પુરુષોત્તમની નિષ્ઠા શાસ્ત્રી યજ્ઞપુરુષદાસ દ્વારા પ્રગટ છે. તેમણે સ્વામીશ્રીની મહત્તા સ્વીકારી અને તેમના ભવિષ્યના મહિમાનો આગાહ પણ કર્યો.

એક વખત સ્વામીશ્રી મૂર્તિઓ જોવા વડોદરા પધાર્યા. ત્યારે વડોદરાના હરિભક્તો ખૂબ આગ્રહ કરીને સ્વામીશ્રીને કમાટીબાગ લઈ ગયા અને સ્વામીશ્રીની અનિચ્છા છતાં તેમનો પ્રથમ ફોટો પડાવ્યો. સ્વામીશ્રીએ એ ફોટો બહાર ન પાડવાની કડક આજ્ઞા કરીને કહ્યું કે “બહાર પાડશો તો હું ફાડીને ફેકી દઈશ.”

દોલતરામભાઈ વિદ્વાન અને માનવાળા હતા અક્ષરપુરુષોત્તમનો સિદ્ધાંત સમજવાની ઇચ્છા હતી ગઢડા મધ્ય પ્રકરણ ૨૧ના વચનામૃતનો આગ્રહ થયો પ્રત્યક્ષ ભગવાન અને પ્રત્યક્ષ સંતનો નિશ્ચય સમજાવ્યો ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે — નિશ્ચય થયો “આપની મહત્તા અપાર છે” — સ્વીકાર થયો વડોદરામાં પ્રથમ ફોટો પડાવ્યો ફોટો બહાર ન પાડવાની કડક આજ્ઞા કરી

૩૯. “ગુણાતીત માટે મૂંડાવ્યું છે”

સારંગપુર મંદિરનું કામ અટકાવવા સૌએ વિઘ્નો તો ઘણાં નાખ્યાં હતાં પણ મંદિર તો ચાલુ જ રહ્યું. “ઠાકોરદ્વારો થશે” અને “કંટાળીને આ લોકો ભાગી જશે” એમ કહેનારા આંખો ફાડીને જોઈ રહ્યા.

મૂર્તિપ્રતિષ્ઠાનો દિવસ નજીક આવતો ગયો. “હવે આ અટકાવવું શી રીતે?” તે સૌ વિચારવા લાગ્યા. “લીમડીના ઠાકોર સાહેબ જેવાને કંઈ ઊંધું-ચત્તું સમજાવીએ તો તેમના દ્વારા આ કામ અટકે,” તેમ વિચારી, ઠાકોર સાહેબને જૂના મંદિરના સંતોએ કહ્યું કે “ઠાકોર સાહેબ ! આ શાસ્ત્રી તો તેમના ગુરુ જાગા અને પ્રાગાની મૂર્તિઓ પધરાવશે.”

ઠાકોર સાહેબને આ વાત ગળે ઊતરી. તેઓ સ્વામીશ્રીનાં દર્શન કરવા નવા મંદિરમાં આવ્યા. સ્વામીશ્રીએ તેમનું સન્માન કર્યું. તેમણે પૂછયું : “આ જૂના મંદિરમાં ગોપાળાનંદ સ્વામીની ચમત્કારી લાકડી ભૂતને ભગાડી મૂકે તેવી છે, તેવી કોઈ ચમત્કારી વસ્તુ તમારી પાસે છે?”

આ સાંભળી બોટાદના નગરશેઠ હિંમતલાલભાઈએ કહ્યું : “બાપુ ! આ સ્વામી તો નવી લાકડી કરે એવા સમર્થ છે. તેમનો પ્રતાપ સત્સંગમાં ચારે બાજુ ફેલાઈ રહ્યો છે.” એટલે ઠાકોર સાહેબે કહ્યું: “મને પણ સ્વામીશ્રીના પ્રતાપનો અનુભવ થયો છે.”

તે પછી ઠાકોર સાહેબે મૂર્તિઓ કેવી પધરાવશો તે પૂછ્યું, ત્યારે સારંગપુરની જમીન અપાવનાર તથા અનેક પ્રસંગે અનેક પ્રકારની મદદ કરનાર આ સત્તાધારી ઠાકોર સાહેબની શેહમાં દબાયા વગર સ્વામીશ્રીએ તો નિધડકપણે તેમને કહી દીધું: “અમે જે કષ્ટ સહન કર્યા છે તે ઇષ્ટદેવ મહાપ્રભુ સહજાનંદ સ્વામી તથા ગુણાતીતાનંદ સ્વામી માટે જ અને આ મૂંડાવ્યું પણ તેમના માટે જ છે.”

“માટે મધ્ય મંદિરમાં તો ગુણાતીતાનંદ સ્વામી અને શ્રીજીમહારાજની જ મૂર્તિઓ બેસશે. રાધાકૃષ્ણની મૂર્તિઓ પ્રથમ ખંડમાં પધરાવીશું.” સ્વામીશ્રીની આવી નીડર અને સત્તાવાહી સ્પષ્ટ વાત સાંભળી બાપુએ પોતાનો આગ્રહ પડતો મૂક્યો અને સ્વામીશ્રીને કહ્યું કે “આપને યોગ્ય લાગે તેમ કરો. અમારા બોલ્યા સામું ન જોશો.” સ્વામીશ્રી તેમનો ભાવ જોઈ રાજી થયા. વિરોધીઓનો આ પાસો પણ પાર ન પડ્યો.

અગત્યના અવતરણો

“બાપુ ! આ સ્વામી તો નવી લાકડી કરે એવા સમર્થ છે.”

“મને પણ સ્વામીશ્રીના પ્રતાપનો અનુભવ થયો છે.”

“અમે જે કષ્ટ સહન કર્યા છે તે ઇષ્ટદેવ મહાપ્રભુ સહજાનંદ સ્વામી તથા ગુણાતીતાનંદ સ્વામી માટે જ અને આ મૂંડાવ્યું પણ તેમના માટે જ છે.”

“મધ્ય મંદિરમાં તો ગુણાતીતાનંદ સ્વામી અને શ્રીજીમહારાજની જ મૂર્તિઓ બેસશે.”

ઠાકોર સાહેબનો પ્રસંગ

વિરોધીઓએ ઠાકોર સાહેબને ખોટું સમજાવી મંદિરનું કાર્ય અટકાવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ સ્વામીશ્રીને મળીને તેમણે સ્વામીશ્રીનો પ્રતાપ અને નિડરતા અનુભવી.

મૂર્તિપ્રતિષ્ઠા વિષે પૂછતાં સ્વામીશ્રીએ નિર્ભયતાથી જાહેર કર્યું કે મધ્ય મંદિરમાં ગુણાતીતાનંદ સ્વામી અને શ્રીજીમહારાજની જ મૂર્તિઓ બેસશે. આ સ્પષ્ટતા સાંભળી ઠાકોર સાહેબે પોતાનો આગ્રહ છોડી સ્વામીશ્રીને સંપૂર્ણ સ્વતંત્રતા આપી.

સારંગપુર મંદિરનું કામ વિરોધ વચ્ચે પણ ચાલુ રહ્યું મૂર્તિપ્રતિષ્ઠા અટકાવવાનો પ્રયત્ન થયો ઠાકોર સાહેબને ખોટું સમજાવવામાં આવ્યા સ્વામીશ્રી પ્રતાપી અને સમર્થ છે — સ્વીકાર થયો “ગુણાતીત માટે મૂંડાવ્યું છે” — નિડર ઘોષણા થઈ મધ્ય મંદિરમાં ગુણાતીતાનંદ સ્વામી અને શ્રીજીમહારાજની મૂર્તિઓ બેસશે વિરોધીઓનો આ પ્રયત્ન પણ નિષ્ફળ ગયો

૪૦. સારંગપુર મંદિરમાં મૂર્તિપ્રતિષ્ઠા

મંદિરનું કામકાજ પુરજોશમાં ચાલતું હતું. સૌ સંતો અને હરિભક્તો દેહને ગણકાર્યા સિવાય તનતોડ સેવા કરી રહ્યા હતા.

એક વખત જૂનાગઢના સદ્‌ગુરુ બાલમુકુંદ સ્વામી નારાયણકુંડ તરફ નાહવા જતા હતા. મંદિર આગળ આવ્યા ત્યારે કોઠારી શંકર ભગતને બોલાવીને સેવા કરનાર સૌ સંતોની સેવાથી રાજી થઈને બોલ્યા કે “મહારાજ અને સ્વામીની જે સેવા પાંચસો પરમહંસોને ન મળી તે તમને મળી છે. આ બળ તમારું નથી પણ અક્ષરના મુક્તો તમારામાં રહીને કામ કરે છે. માટે તમારાં મોટાં ભાગ્ય છે.”

આ સાંભળી સૌ ઉત્સાહમાં આવી ગયા અને બેવડા વેગથી સેવા કરવા લાગ્યા. જોતજોતાંમાં તો મંદિર તૈયાર થઈ ગયું. સંવત ૧૯૭૨ના વૈશાખ સુદ છઠના દિવસે મૂર્તિપ્રતિષ્ઠાનું મુહૂર્ત નક્કી થયું.

સ્વામીશ્રી તથા નિર્ગુણદાસ સ્વામીએ સમૈયાની બધી જ વ્યવસ્થા સુંદર કરી. હજારો હરિભક્તો આવે તેવી ધારણા હતી. તેથી સ્વામીશ્રીએ ચારસો મણ સોજીનો શીરો કરવા આજ્ઞા કરી. સતત પાંચ દિવસ શીરો બનાવ્યા પછી સુખડિયા થાક્યા અને શીરો બનાવવાની ના કહી દીધી. અઢીસો મણનો જ શીરો તૈયાર થયો હતો. છતાં સ્વામીશ્રીએ કહ્યું : “ભગવાનની દયાથી પૂરું થઈ જશે, કાંઈ ખૂટશે નહીં. માટે ચિંતા કરશો નહીં.”

પ્રતિષ્ઠાને દિવસે સ્વામીશ્રીએ હરિલીલામૃત વંચાવી, શ્રીજીમહારાજે જીવાખાચરને મંદિર કરવા કોલ આપ્યો હતો તે વાત કરી. યજ્ઞ થયા પછી સ્વામીશ્રીના શુભ હસ્તે પ્રતિષ્ઠા થઈ અને મૂર્તિઓની સામે ધરવામાં આવેલો કાચ ફૂટ્યો.

આરતી થયા પછી ભોજનની પંક્તિ થઈ. “ખૂટે તો બંડિયાઓની લાજ જાય” - એ ગણતરીથી કેટલાય માણસો ભોજનશાળામાં ઘૂસી ગયા અને શીરાના ટોપલા ભરી અડધા હોજ તો ખાલી કરી નાખ્યા. પંગતમાં પીરસાયું નોતું અને શીરો ક્યાં ઊપડી ગયો તે કોઈને ખબર રહી નહીં.

સૌ દોડતાં સ્વામીશ્રી પાસે આવ્યા અને કહેવા લાગ્યાઃ “આટલા શીરામાં કેમ પૂરું થશે ?” સ્વામીશ્રીએ વાડી ખાલી કરાવી. તેને ફરતા વાંસ બંધાવી દીધા. વાડીમાં સૌ હરિભક્તોને જમવા બેસાડ્યા અને પોતે જે હરિભક્તને વાંસામાં કંકુના થાપા મારી આપે તેમને જ પીરસવા માટે શીરાના ટોપલા ઉપાડવા દેવાની સૂચના કરી.

આ પ્રમાણે પાકી વ્યવસ્થા કરીને શીરાના હોજ ઢંકાવી દીધા. ત્યાં ઠાકોરજીની મૂર્તિ પધરાવી, દોવો કર્યો. સવારથી રાતના બાર સુધી શીરો પીરસ્યા જ કર્યા. ત્રણ લાખ જેટલા હરિભક્તો જમ્યા. આખું ગામ જમ્યું છતાં શીરો ખૂટ્યો નહીં. આઠ દિવસ સુધી આખા ગામને જમાડ્યું, છતાં શીરો ખૂટ્યો નહીં પણ એટલો જ સુગંધીદાર રહ્યો ! છેવટે આજુબાજુનાં ગામોની ગૌશાળામાં મોકલ્યો. આ પ્રમાણે સ્વામીશ્રીએ પ્રતાપ બતાવ્યો, જે જોઈ સૌ આનંદ પામ્યા.

સ્વામીશ્રીનો પ્રતાપ જોઈ સૌ કોઈ સ્વામીશ્રીને પોતાને ગામ તેડાવતા, પધરામણી કરાવતા અને તેમના સત્સંગનો લાભ લેતા. મોજીદડના હરિભક્તોના આગ્રહથી સ્વામીશ્રી મોજીદડ પધાર્યા.

મોજીદડના પ્રેમી-હરિભક્તોએ સ્વામીશ્રીના સ્વાગતની તૈયારી કરી સામૈયું કાઢવાનો વિચાર કર્યો હતો, પણ સ્વામીશ્રીએ તેમને કહ્યું કે “સાધુને સામૈયું શોભે નહીં.” એમ કહી ત્યાંના એક હરિભક્ત ગુરુ ગણેશ ભક્ત તરફ ફરીને કહેઃ “કેમ ગણેશ ભક્ત ! સાધુનાં સામૈયાં હોય ?”

ગણેશ ભક્તને આ જ સંકલ્પ થતો હતો. તે જાણીને તેમનો સંકલ્પ પકડીને સ્વામીશ્રીએ વાત કરી તેથી તે અચરજ પામ્યા અને તેમને ખાતરી થઈ કે “આ સામાન્ય સાધુ નથી, આ તો શ્રીજીમહારાજના પરમ કૃપાપાત્ર અતિ મોટાપુરુષ છે.”

અગત્યના અવતરણો

“મહારાજ અને સ્વામીની જે સેવા પાંચસો પરમહંસોને ન મળી તે તમને મળી છે.”

“આ બળ તમારું નથી પણ અક્ષરના મુક્તો તમારામાં રહીને કામ કરે છે.”

“ભગવાનની દયાથી પૂરું થઈ જશે, કાંઈ ખૂટશે નહીં. માટે ચિંતા કરશો નહીં.”

“સાધુને સામૈયું શોભે નહીં.”

“આ સામાન્ય સાધુ નથી, આ તો શ્રીજીમહારાજના પરમ કૃપાપાત્ર અતિ મોટાપુરુષ છે.”

શીરો અને પ્રતાપનો પ્રસંગ

અઢીસો મણનો જ શીરો તૈયાર હતો, છતાં સ્વામીશ્રીએ અડગ વિશ્વાસથી કહ્યું કે કશી ખોટ નહીં પડે. પછી પાકી વ્યવસ્થા કરીને, કંકુના થાપા મારેલા હરિભક્તોને જ શીરો પીરસવા દીધો.

ત્રણ લાખ જેટલા હરિભક્તો જમ્યા, આખું ગામ જમ્યું, આઠ દિવસ સુધી જમાડ્યું, છતાં શીરો ખૂટ્યો નહીં. આથી સૌએ સ્વામીશ્રીનો પ્રતાપ અનુભવો અને આનંદ પામ્યા.

મોજીદડમાં સ્વાગત માટે સામૈયું કાઢવાનો સંકલ્પ હતો, પરંતુ સ્વામીશ્રીએ “સાધુને સામૈયું શોભે નહીં” કહી તેને અટકાવ્યો. ગણેશ ભક્તનો સંકલ્પ જાણી વાત કરતાં તેમને સ્વામીશ્રીની મહાનતા સમજાઈ ગઈ.

સારંગપુર મંદિરનું કામ પુરજોશમાં ચાલ્યું સદ્‌ગુરુ બાલમુકુંદ સ્વામીએ સેવા કરનાર સંતોને મોટાં ભાગ્યવાળા કહ્યા વૈશાખ સુદ છઠે મૂર્તિપ્રતિષ્ઠાનું મુહૂર્ત થયું અઢીસો મણનો શીરો હતો, પણ ખૂટ્યો નહીં ત્રણ લાખ જેટલા હરિભક્તો જમ્યા આઠ દિવસ સુધી શીરો ચાલ્યો સ્વામીશ્રીનો પ્રતાપ સૌએ જોયો મોજીદડમાં “સાધુને સામૈયું શોભે નહીં” કહી વિનમ્રતા બતાવી ગણેશ ભક્તને સ્વામીશ્રીની મહાનતા સમજાઈ

0 comments

પ્રવેશ - શાસ્ત્રીજી મહારાજ પ્રકરણ 36 થી 40 - સમરી

૩૬. સારંગપુરની શોભા | ૩૭. ગંગા-સાગરના સંગમ | ૩૮. સ્વામીશ્રીની મહત્તા | ૩૯. “ગુણાતીત માટે મૂંડાવ્યું છે” | ૪૦. સારંગપુર મંદિરમાં મૂર્તિપ...