૧૯૦૫-૦૭: ભગવાન સ્વામિનારાયણે પ્રબોધેલા વૈદિક અક્ષરપુરુષોત્તમ ઉપાસના સિદ્ધાંતના પ્રવર્તન માટે બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાની સ્થાપના કરી.
આરંભના દિવસોથી જ સંસ્થાના પાયામાં આધ્યાત્મિક મૂલ્યો સાથે કાર્યકરો અને સ્વયંસેવકોએ સમર્પણ કરીને શાસ્ત્રીજી મહારાજના એક યુગકાર્યને વહાવવામાં યોગદાન આપ્યું.
૧૯૦૭-૧૯૫૧: સંસ્થાની સ્થાપનાથી લઈ ૧૯૫૧ સુધી બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના પ્રચંડ પુરુષાર્થ અને સાધુતાથી પાંચ શિખરબદ્ધ મંદિરોના નિર્માણમાં હજારો સ્વયંસેવકો અને કાર્યકરોએ યોગદાન આપ્યું.
૧૯૫૦માં શાસ્ત્રીજી મહારાજે પ્રમુખસ્વામી મહારાજને સંસ્થાના પ્રમુખ પદે સ્થાપીને કાર્યકરોને ભાવિ સુકાની આપ્યા.
૧૯走૧માં શાસ્ત્રીજી મહારાજે દેહલીલા સંકેલી અને યોગીજી મહારાજે ગુરુપદ સંભાળ્યું.
૧૯૫૨-૫૪: યોગીજી મહારાજે ગામડે ગામડે વિચરણ કરીને સત્સંગ મંડળો સ્થાપ્યાં, અઠવાડિક સત્સંગ સભાઓ શરૂ કરાવી.
૧૯૫૨માં યુવક મંડળ અને ૧૯૫૪માં બાળ મંડળની મુંબઈ અને ત્યારબાદ અન્યત્ર વિધિવત્ સ્થાપના કરી, તેના સંચાલન માટે કાર્યકરો નિયુક્ત કર્યા.
યુવાનોને પોતાની સાથે વિચરણમાં જોડીને ભાવિ કાર્યકરોની સેના તૈયાર કરી.
જાતે પોસ્ટ કાર્ડ લખીને ગામડે ગામડે સત્સંગ સભાના સંચાલનનું માર્ગદર્શન આપ્યું.
૧૯૫૫-૫૬: યોગીજી મહારાજે પ્રથમ આફ્રિકાયાત્રા કરીને શાસ્ત્રીજી મહારાજ અને નિર્ગુણદાસ સ્વામીના પ્રયાસોથી સ્થપાયેલા બી.એ.પી.એસ. સત્સંગને નવો વેગ આપ્યો.
મોમ્બાસામાં પ્રથમ મંદિરની પ્રતિષ્ઠા કરી. કાર્યકરોને તૈયાર કરી સત્સંગના વિકાસમાં જોડયા. ૧૯૫૫-૫૬માં ઠેર ઠેર અધિવેશનો યોજ્યાં.
આફ્રિકાથી લઈને અટલાદરા સુધી અધિવેશનોની પ્રવૃત્તિ દ્વારા નવો આયામ મળ્યો.
૧૯૫૯-૭૦: ૧૯૫૯-૬૦માં પુનઃ આફ્રિકાયાત્રા કરીને યોગીજી મહારાજે વિદેશમાં નૂતન મંદિરો દ્વારા કાર્યકરોની પ્રવૃત્તિને નવો વેગ આપ્યો.
૧૯૬૧માં એક સાથે ૫૧ યુવાનોને દીક્ષા આપીને સંસ્થાના વિકાસના સ્તંભ તૈયાર કર્યા.
૧૯૭૦માં લંડનમાં ચર્ચમાં પ્રથમ હિન્દુ મંદિર સ્થાપી ઇંગ્લેન્ડમાં કાર્યકરોનું સંગઠિત માળખું રચ્યું.
૧૯૬૧થી ૧૯૭૦ દરમ્યાન ઠેર ઠેર વિચરણ કરી સત્સંગ મંડળોના સંચાલનમાં કાર્યકરો તૈયાર કર્યા.
૧૯૬૯: બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજે બાળ-યુવા પ્રવૃત્તિને વિશેષ પુષ્ટિ આપવા, ભાવિ કાર્યકરોનું બીજારોપણ કરવા માટે અખિલ ભારતીય બાળ-યુવા અધિવેશન યોજ્યું.
તા. ૮-૫-૧૯૬૯ના રોજ અટલાદરા ખાતે આ પ્રથમ બાળ-યુવા અધિવેશન યોજાયું હતું, જેમાં ૩૫૦ બાળકો-યુવાનોએ ભાગ લીધો હતો.
આ અધિવેશન દ્વારા બાળકો-યુવકોએ વધુ આધ્યાત્મિક ઊંડાણ પ્રાપ્ત કર્યું હતું.
૧૯૭૧: બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે બી.એ.પી.એસ. સત્સંગ પ્રવૃત્તિના સુવ્યવસ્થિત સંચાલન માટે કાર્યકરોનું માળખું રચ્યું.
સ્વામીશ્રીના માર્ગદર્શન મુજબ મુંબઈ ખાતે તા. ૮-૧૧-૧૯૭૧ના રોજ મહંત સ્વામી, ડૉક્ટર સ્વામી, ભક્તિપ્રિયદાસ સ્વામી, ઈશ્વરચરણદાસ સ્વામી વગેરેએ મધ્યસ્થ કાર્યાલયનો પ્રારંભ કર્યો.
ગોંડલ ખાતે દ્વિતીય અધિવેશન યોજાયું, ૧૨૦૦ યુવકોએ ભાગ લીધો.
૧૯૭૨: પ્રમુખસ્વામી મહારાજે બી.એ.પી.એસ. સંસ્થાની વિવિધ સેવા પ્રવૃત્તિઓના સુવ્યવસ્થિત સંચાલન અને વિકાસ માટે મુંબઈમાં દાદર ખાતે કાર્યકરોના સંગઠિત દળ અને કાર્યાલયનો પ્રારંભ કર્યો.
તેઓએ સત્સંગ પ્રવૃત્તિનાં પાંચ વહીવટી ક્ષેત્રો બનાવ્યાં - ગુજરાત, ભારત, આફ્રિકા, ઇંગ્લેન્ડ અને અમેરિકા. નિરીક્ષક અને સહાયક નિરીક્ષકોની નિમણૂક કરાઈ.
ઈશ્વરચરણદાસ સ્વામીએ તેનું સંયોજન-સૂત્ર સંભાળ્યું.
ગુજરાતમાં બાળ-યુવા પ્રવૃત્તિ, સ્વયંસેવક દળ, નિરીક્ષક દળ, સંમેલન, સત્સંગ શિક્ષણ પરીક્ષા અને પ્રકાશનની પ્રવૃત્તિને વેગ આપવા માટે ૧૪ સભ્યોની કેન્દ્રીય સમિતિની રચના કરવામાં આવી.
તા. ૬, ૭ મે, ૧૯૭૨ના રોજ ગાના ખાતે યુવક સ્નેહ સંમેલન યોજાયું.
આ સંમેલનમાં ૭૫ કેન્દ્રોમાંથી આવેલા ૧૦૦૦થી વધુ યુવાનોને પ્રમુખસ્વામી મહારાજે વિશેષ પ્રેરણા આપી.
૧૯૭૨-૭૪: સ્વામિનારાયણીય સત્સંગ, સનાતન ધર્મ અને સંસ્કૃતિના પ્રશિક્ષણ માટે પ્રમુખસ્વામી મહારાજે સત્સંગ શિક્ષણ પરીક્ષાના અભ્યાસક્રમનો આરંભ કર્યો.
તા. ૭-૭-૧૯૭૨ના રોજ વલ્લભીપુર, ભાવનગરમાં તેઓએ પ્રથમ પરીક્ષાનું ઉદ્ઘાટન કર્યું. પ્રથમ વર્ષે કુલ ૬૩ કેન્દ્રોમાં ૨,૫૬૫થી વધુ ભક્તોએ સત્સંગ શિક્ષણ પરીક્ષા આપી હતી.
૧૯૭૪માં સ્વામીશ્રીએ ન્યૂયોર્કમાં પ્રથમ મંદિર કરીને અમેરિકાના કાર્યકરોનું માળખું રચ્યું.
૧૯૭૫: મુંબઈ ખાતે અક્ષરભુવનનું પુનઃસર્જન થતું હોવાથી મુંબઈમાં ચાલતી સંસ્થાની પ્રકાશન પ્રવૃત્તિ સાથે સત્સંગ પ્રવૃત્તિ મધ્યસ્થ કાર્યાલય પ્રથમ વડોદરા અને ત્યારબાદ મણિભાઈ બ્રહ્મભટ્ટ, રસિકભાઈ પટેલ વગેરેની વિનંતીથી અમદાવાદમાં સ્થળાંતરિત થયું.
ઈશ્વરચરણદાસ સ્વામી, સત્યપ્રિયદાસ સ્વામી સાથે નિર્મળસિંહ રાણા, ધીરેન્દ્રભાઈ વીંછી, રાવજીભાઈ પટેલ વગેરે કાર્યકરો સેવામાં જોડાયા.
૧૯૭૬: જાન્યુઆરીમાં મહંત સ્વામી, ડૉક્ટર સ્વામી, ઈશ્વરચરણ સ્વામી સહિત વડીલ સંતોની હાજરીમાં અમદાવાદમાં નિરીક્ષકોનું સંમેલન યોજાયું.
ઈશ્વરચરણદાસ સ્વામીએ ૧૯૮૧માં યોજાનાર ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ ઉપક્રમે સંસ્થા દ્વારા યોજાનાર પંચવર્ષીય કાર્યક્રમોમાં કટિબદ્ધ થવા હાકલ કરી.
વલ્લભવિદ્યાનગરમાં તૃતીય બાળ-યુવા મહોત્સવ યોજાયો.
૧૯૭૭: કાર્યકરોને માર્ગદર્શન આપવા માટે માસિક 'નીલકંઠ' સામયિક શરૂ થયું. (૧૯૯૮માં તેનું નામકરણ 'સહજાનંદ સુધા' કરાયું.)
પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી કાર્યકરોની પુષ્ટિ માટે ડિસેમ્બર માસમાં સારંગપુર ખાતે ‘યુવા નેતૃત્વ તાલીમ શિબિર' યોજાઈ.
આ શિબિરમાં વરિષ્ઠ સંતો દ્વારા કાર્યકરોને કાર્ય અંગે પ્રેરણા-માર્ગદર્શન અપાયાં. ત્યારથી પ્રતિ વર્ષે આ તાલીમ શિબિર યોજાવા લાગી.
૧૯૭૮-૭૯-૮૦: પ્રમુખસ્વામી મહારાજની આજ્ઞાથી છ ઝોનની દેખરેખ માટે છ નિર્દેશકોની નિમણૂક કરાઈ.
આંતરરાષ્ટ્રીય બાળ અધિવેશન વિદ્યાનગરમાં યોજાયું, જેમાં ૩,૦૦૦ બાળકોએ ભાગ લીધો.
ઠેર ઠેર ‘ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી'ના ઉદ્ઘોષ માટે કાર્યકરો દ્વારા જનજાગૃતિ અને વ્યસનમુક્તિ કાર્યક્રમો યોજાયા. યુ.કે. અને આફ્રિકામાં યોજાયા બાળ-યુવા મહોત્સવો.
૧૯૮૧: પ્રમુખસ્વામી મહારાજની નિશ્રામાં ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી અંતર્ગત સતત પાંચ વર્ષ દરમ્યાન વિવિધ કાર્યક્રમોમાં કાર્યકરો અવિરત સેવારત રહ્યા.
અમદાવાદ ખાતે ભવ્યાતિભવ્ય રીતે ઊજવાયેલા ૩૭ દિવસીય દ્વિશતાબ્દી મહોત્સવમાં કાર્યકરોએ સેવા-સમર્પણની ભાગીરથી વહાવી.
બી.એ.પી.એસ. બાળપ્રવૃત્તિના કાર્યકરોના માર્ગદર્શન માટે અમદાવાદમાં બાલપ્રવૃત્તિ મધ્યસ્થ કાર્યાલય સ્થપાયું.
૧૯૮૩-૮૪: અમદાવાદમાં પંચમ આંતરરાષ્ટ્રીય યુવા મહોત્સવ યોજાયો. ૩૦૦૦ યુવકોએ ભાગ લીધો.
ગુણાતીતાનંદ સ્વામી દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે કાર્યકરો દ્વારા ઠેર ઠેર જનજાગૃતિના કાર્યક્રમો યોજાયા. અમેરિકામાં કાર્યકર તાલીમ શિબિરો આરંભાઈ.
અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના દ્વિશતાબ્દી મહોત્સવના વિવિધ વિભાગોની સેવામાં એક વર્ષ અગાઉથી જોડાઈને કાર્યકરોએ સેવા-સમર્પણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું.
૧૯૮૫: પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી ઇંગ્લેન્ડની ધરતી પર લંડનમાં યોજાયેલા અભૂતપૂર્વ ‘કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા' મહોત્સવને ભવ્ય સફળતા અપાવવામાં કાર્યકરોએ કરી અદ્ભુત સેવા.
અમદાવાદમાં ગુણાતીતાનંદ સ્વામી દ્વિશતાબ્દીના ૫૯ દિવસીય ભવ્ય મહોત્સવમાં ૧૦,૦૦૦ કાર્યકરોનું અભૂતપૂર્વ સમર્પણ. સેવા દ્વારા કાર્યકરોએ અનન્ય ઉદાહરણ પૂરું પાડયું.
૧૯૮૭-૮૮: બી.એ.પી.એસ. બાળપ્રવૃત્તિના કાર્યકરો માટે 'બાળ ઘનશ્યામ' મુખપત્રની શરૂઆત થઈ. કાર્યકરોના સંયોજન માટે ૧૧ સંયોજકો નિમાયા.
૮૭-૮૮ના વર્ષમાં કાર્યકરોએ વિરાટ પાયે દુષ્કાળ રાહતકાર્યમાં ખૂબ જહેમત ઉઠાવી.
ગુજરાત સરકારે બી.એ.પી.એસ. બાળપ્રવૃત્તિને ‘શ્રેષ્ઠ ચિલ્ડ્રન એક્ટિવિટીઝ એવોર્ડ'થી સન્માનિત કરી.
વિદ્યાનગરમાં ૧૫,૦૦૦ બાળકોની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય બાળ અધિવેશન યોજાયું.
૧૯૯૦-૯૩: સંસ્થા દ્વારા યોજાયેલા નર્મદા સમર્થન અભિયાન અને સાક્ષરતા અભિયાનમાં કાર્યકરોએ જનજાગૃતિમાં મોટું યોગદાન આપ્યું.
વિદ્યાનગરમાં “આંતરરાષ્ટ્રીય યુવા અધિવેશન' યોજાયું, ૨૧,૦૦૦ યુવાઓએ ભાગ લીધો.
कार्यકરોએ વાલી જાગૃતિ અભિયાન અંતર્ગત બાળસંસ્કારનો સંદેશ વહેતો કર્યો. રાષ્ટ્રપતિ શ્રી શંકરદયાલ શર્માએ ‘બાળકલ્યાણના રાષ્ટ્રીય પુરસ્કાર'થી સંસ્થાને સન્માનિત કરી.
૧૯૯૧-૯૨: અમેરિકામાં પ્રમુખસ્વામી મહારાજે ૨૬૦૦ સમર્પિત કાર્યકરો-સ્વયંસેવકોની સેવા દ્વારા અભૂતપૂર્વ ‘કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા' ઊજવીને સંસ્કૃતિનો ડંકો માર્યો.
ગાંધીનગર ખાતે અક્ષરધામનું ઉદ્ઘાટન અને બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના શતાબ્દી મહોત્સવનો ઉદ્ઘોષ કરીને પ્રમુખસ્વામી મહારાજે અનેકવિધ લોકસેવાનાં સોપાનો સાથે કાર્યકરોની સેવાનો પ્રભાવ વિશ્વ સમક્ષ દર્શાવ્યો.
૧૯૯૪: સંસ્કૃતિના સંદેશને જન જન સુધી પહોંચાડવાની નેમ ધરાવતા કાર્યકરોના ખમીરને જાગ્રત કરતું ‘આંતરરાષ્ટ્રીય યુવા કાર્યકર અધિવેશન' વિદ્યાનગર ખાતે યોજાયું, જેમાં ૫,૦૦૦ કાર્યકરોએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો.
મહિલાપાંખના બાળ, યુવા અને સંયુક્ત મંડળના કાર્યકરોએ પણ ઉત્સાહપૂર્વક વિવિધ સ્પર્ધામાં ભાગ લઈને કૌશલ્યનું કૌવત દાખવ્યું.
૧૯૯૫: મુંબઈ ખાતે યોજાયેલા પ્રમુખસ્વામી મહારાજના અમૃત મહોત્સવમાં હજારો સ્વયંસેવકો-કાર્યકરોનો અવિરત સેવાયજ્ઞ.
યુ.કે. અને યુરોપમાં બાળ-કિશોર-યુવક-સંયુક્ત સત્સંગ પ્રવૃત્તિઓ માટે રાષ્ટ્રીય સત્સંગ પ્રવૃત્તિ કાર્યાલયની સ્થાપના લંડનમાં થઈ.
એશિયા-પેસેફિક દેશોમાં કાર્યકરોના ઉત્સાહથી બાળસભાની શરૂઆત થઈ.
ઇંગ્લેન્ડમાં સ્વયંસેવકો-કાર્યકરોની સેવા-સમર્પણનિષ્ઠાથી રચાયું લંડન મંદિર.
૧૯૯૬-૯૭: ઇંગ્લેન્ડમાં સત્સંગ પ્રવૃત્તિને વેગવંતી બનાવવા કાર્યકરો માટે મુખપત્ર ઘનશ્યામ(બાલ-બાલિકા), નીલકંઠ(કિશોર-કિશોરી), આદર્શ(યુવક-યુવતી), સુવાસિની(મહિલા)ની શરૂઆત થઈ.
અહીં કાર્યકર અધિવેશનની શરૂઆત થઈ. ગુજરાતમાં મહિલા પ્રવૃત્તિનાં કાર્યકરો માટે સુવાસિની મુખપત્રની શરૂઆત થઈ.
ઑસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડમાં બાળ અને કિશોર સત્સંગપ્રવૃત્તિની શરૂઆત થઈ.
૧૯૯૮-૯૯: નોર્થ અમેરિકામાં બાલ-બાલિકા અને કિશોર-કિશોરી સત્સંગપ્રવૃત્તિ અંતર્ગત નેશનલ સત્સંગ વિકાસ સમિતિની સ્થાપના કરાઈ.
નોર્થ અમેરિકામાં બાળ-બાલિકા અને કિશોર-કિશોરી કાર્યકર સંમેલન યોજાયું.
બાળપ્રવૃત્તિ અંતર્ગત બાળ-બાલિકા મંડળના સંચાલન માટે વિગતવાર સૂચિ૫ત્રો બહાર પાડવાની શરૂઆત થઈ.
આ સૂચિપત્રો દ્વારા સૌને વિશેષ માર્ગદર્શન પ્રાપ્ત થયું.
૨૦૦૦-૦૧: બાળપ્રવૃત્તિ દ્વારા ઠેર ઠેર ૪ થી ૭ વર્ષના બાળકો માટે અલગ શિશુ સભાની શરૂઆત થઈ.
બાળપ્રવૃત્તિ દ્વારા યોજાયું વ્યસનમુક્તિ અભિયાન. પ્રમુખવરણી સુવર્ણજયંતી મહોત્સવની સેવામાં જોડાયા કાર્યકરો.
ગુજરાતમાં ભીષણ દુષ્કાળમાં સ્વયંસેવકો-કાર્યકરો દ્વારા સેવાયજ્ઞ.
કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપ રાહતકાર્યમાં સ્વામીશ્રીની આજ્ઞાથી હજારો સ્વયંસેવકો અસરગ્રસ્તોની સેવામાં જોડાયા.
૨૦૦૨-૦૪: બાળપ્રવૃત્તિ મધ્યસ્થ કાર્યાલય દ્વારા ગુજરાતીમાં બાળપ્રકાશ સામયિક અને અંગ્રેજી દ્વિ-માસિક બાળપ્રકાશ સામયિકની શરૂઆત થઈ.
ગાંધીનગરમાં યોજાયેલા 'બાળપ્રવૃત્તિ સુવર્ણ મહોત્સવ'માં રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામે કાર્યકરોને બિરદાવ્યા.
ઇંગ્લેન્ડમાં “બાળપ્રવૃત્તિ સુવર્ણ મહોત્સવની ઉજવણીમાં ૩૦૦ કાર્યકરોની સેવા સરાહનીય રહી.
૨૦૦૫: પ્રમુખસ્વામી મહારાજના પુરુષાર્થ અને સંકલ્પે પાંચ વર્ષોની મહેનતના પરિણામ સ્વરૂપે દિલ્હી ખાતે ભવ્ય 'સ્વામિનારાયણ અક્ષરધામ' નિર્માણ પામ્યું.
મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવમાં સ્વામીશ્રીએ કાર્યકર સભાને સંબોધીને સૌની સેવાને ખૂબ બિરદાવી. આ વર્ષે ૯,૬૦૦ કાર્યકરોનું અધિવેશન યોજાયું.
ગઢડા અને વિદ્યાનગરમાં અગ્રેસર કાર્યકરોનાં દિવ્ય સંનિધિ પર્વો યોજાંયા.
૨૦૦૬: આફ્રિકામાં ગતિમાન સત્સંગ-મંડળોના કાર્યકરોની તાલીમ શિબિર નૈરોબીમાં યોજાઈ.
દેશ-વિદેશમાં બી.એ.પી.એસ. શતાબ્દી મહોત્સવના ઉપક્રમે કાર્યકરોએ વિશેષ કાર્યક્રમો યોજ્યા.
અમેરિકામાં રાષ્ટ્રીય સત્સંગ પ્રવૃત્તિ કાર્યકર સંમેલન યોજાયું. ત્યારપછી નિયમિત સમયાંતરે તે યોજાતું રહ્યું.
આફ્રિકાના કાર્યકરોના ઉત્સાહથી રવાન્ડા અને બુરુન્ડીમાં સત્સંગસભાની શરૂઆત થઈ.
૨૦૦૭: ભારતમાં યુવા પ્રવૃત્તિના કાર્યકરો માટે ‘નીલકંઠ' મુખપત્રની શરૂઆત થઈ.
બાળકાર્યકરો દ્વારા ગુજરાતમાં વ્યસનમુક્તિ અભિયાન ચલાવાયું, જેમાં ૬,૩૦,૦૦૦થી વધુ લોકોને વ્યસનમુક્ત થવાની પ્રેરણા મળી.
તત્કાલીન રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામે રાષ્ટ્રપતિ ભવનમાં આ બાળકો-કાર્યકરોનું સન્માન કર્યું.
પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી ‘યુવા તાલીમ કેન્દ્ર'ની શરૂઆત થઈ.
બાલિકા-કાર્યકરો દ્વારા પ્રાર્થનાયજ્ઞો યોજાયા.
પ્રમુખસ્વામી મહારાજના સાંનિધ્યમાં આફ્રિકા, યુ.કે.-યુરોપ, નોર્થ અમેરિકા વગેરે દેશોમાં અને છેલ્લે ચરમસીમા રૂપે અમદાવાદમાં બી.એ.પી.એસ. સંસ્થાનો શતાબ્દી મહોત્સવ ભવ્યાતિભવ્ય રીતે ઊજવાયો.
કાર્યકરોએ તન, મન અને ધન સમર્પિત કરીને મહોત્સવ દીપાવ્યો. કાર્યકરોની સેવાને સ્વામીશ્રીએ ખૂબ બિરદાવી.


0 comments