નરેન્દ્ર મોદી અને મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં થનારા આજના ઉદ્ઘાટન સમારોહ અંગેની સંપૂર્ણ માહિતી
પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવનો આજથી એટલે કે 14 ડિસેમ્બરથી અમદાવાદના ઓગણજ ખાતે પ્રારંભ થઈ રહ્યો છે. આ મહોત્સવ માટે સાયન્સસિટી- ઓગણજ વચ્ચે સરદાર પટેલ રિંગ રોડના કિનારે 600 એકર જમીન પર એક વિશાળ પ્રમુખસ્વામીનગર ઊભું કરવામાં આવ્યું છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના હસ્તે પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવનું ઉદઘાટન થશે. સાંજના 5થી 7.30 વાગ્યા સુધી ઉદઘાટન સમારોહ ચાલશે.
પીએમ મોદી અને મહંતસ્વામીની નિશ્રામાં શાસ્ત્રોતક વિધિ દ્વાર પૂજાપાઠ અને વિધિ કરીને રિબીન કાપીને મહોત્સવની શરૂઆત કરવામાં આવશે. પૂજ્ય મહંતસ્વામી મહારાજ સહિતના સંતો અને નવા મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ હાજર રહશે. દેશ-વિદેશના હરિભક્તો અને મહેમાનનું સ્વાગત કરવામાં આવશે તેવું આયોજન કરવામાં આવ્યું છે.
ત્રણ હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવશે
600 એકરમાં ફેલાયેલા આ શતાબ્દી મહોત્સવનું વડાપ્રધાન મોદી બુધવારે ઉદઘાટન કર્યા બાદ આખા નગર પર હેલિકોપ્ટર મારફતે ગુલાબોથી પુષ્પ વર્ષા કરવામાં આવશે, જેના માટે BAPS દ્વારા ત્રણ હેલિકોપ્ટર બુક કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત આકાશમાં કલરિંગ ફોર્મેશન પણ કરવામાં આવશે.

0 comments