IIM ઉદયપુરથી લઈને મેલબોર્ન યુનિ.ના ડીગ્રીધારકોએ દીક્ષા લીધી
શતાબ્દી મહોત્સવમાં જે 46 યુવાનોએ દીક્ષા લીધી છે10 યુવાનો - વિદેશના
4 યુવાનો - અનુસ્નાતક
22 યુવાનો - સ્નાતક
18 યુવાનો- એન્જિનિયરિંગ
1 યુવાન - શિક્ષક
1 યુવાન - ફાર્માસિસ્ટ
કેવી રીતે આપવામાં આવે છે આ સંતો ને દીક્ષા?જાણો રોમાંચક માહિતી.
હું બાળપણથી જ BAPS સંસ્થા દ્વારા ચાલતી સંસ્કાર પ્રવૃત્તિ, બાળપ્રવૃત્તિમાં જતો હતો. એ પછી વધુ અભ્યાસ માટે વિદ્યાનગરમાં જવાનું થયું, જ્યાં BVM એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ શરૂ કર્યો. આ દરમિયાન BAPS છાત્રાલયમાં 4 વર્ષ જેટલો સમય વિતાવ્યો ત્યારે લાગ્યું કે અભ્યાસની સાથે સાથે માનવીય મૂલ્યો હોવા અને વેલ્યુબેઝ્ડ એજ્યુકેશન હોવું ખૂબ જ જરૂરી છે, એટલે ત્યારથી જ સમાજમાં મૂલ્યોની શું જરૂર છે એની ખબર પડી. જેમ જેમ સમય આગળ વધતો ગયો એમ એમ ખ્યાલ આવતો ગયો કે ચારિત્રનિષ્ઠ સમાજ બનાવવો એ સમાજની મોટામાં મોટી સેવા છે.
હું મારાં માતા-પિતાનો એકમાત્ર પુત્ર છું. જ્યારે મેં મારા પરિવારને સાધુનું જીવન જીવવા અંગેની વાત કરી ત્યારે તેમને થોડો આંચકો લાગ્યો હતો, પરંતુ એ વાતને તેમણે પોઝિટિવ લીધી. એ પછી તેમણે વિચાર્યું કે અત્યારે તો આ દીકરો અમારો છે, પણ જો સાધુ બનશે તો એ અમારો મટીને દુનિયાનો થઈ જશે. માતા-પિતા કહેતા કે જો તું તેમની સાથે રહેત તો માત્ર મારા પરિવારના ત્રણ-ચાર લોકોનું સારું કરી શકીશ, પણ જો તું અહીં જઈશ તો દુનિયાના અનેક લોકોનું ભલું કરી શકીશ, આ પહેલી વાત તેમનાં મનમાં હતી. જ્યારે બીજી વાત એ હતી કે મારાં માતા-પિતાને પૂર્વાશ્રમનાં માતાએ એક વાત કરી હતી કે દુનિયામાં જેટલી પણ વસતિ છે એમાંથી 4 અબજ મહિલા અને 4 અબજ સ્રીઓની વસતિ છે એવું માની લઈએ તો... જેમાં 4 અબજ મહિલામાંથી પણ 2 અબજ એવી મહિલા હોય છે, જે માતા હોય છે, પરંતુ એવી કેટલી માતા હોય છે, જેને પોતાના દીકરાને ભગવાનનાં ચરણોમાં મૂકી દેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે? ખૂબ જ જૂજ માતાઓને આ સૌભાગ્ય પ્રાપ્ત થતું હોય છે. એટલે તેઓ પોતે એવું માનતા હતા કે ભગવાને મને આ માટે સેવા માટે પસંદ કર્યો એ તેમનું મોટું ભાગ્ય છે. જ્યારે મારી ઉંમર 15 વર્ષની હતી અને હું 10માં ધોરણમાં અભ્યાસ કરતો હતો ત્યારે મારામાં આ વિચાર પરિપક્વ થયો હતો.એવી જ રીતે મોટું ભાગ્ય માનીને મારાં માતા-પિતાએ રાજીખુશીથી મને રજા આપી છે, જેથી તેમનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું.
આ શબ્દો છે IIM ઉદયપુરમાંથી અભ્યાસ કરનાર અને શતાબ્દી મહોત્સવમાં પાર્ષદી દીક્ષા લેનાર નિશ્ચલ ભગતના છે.
વ્યોમેશ ભગતે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હું અમેરિકામાં જ નાનપણથી મોટો થયો છું. આ દરમિયાન જ્યારે નાનો હતો એ સમયે ત્યાં સંતો આવતા હતા. ત્યારે નાનપણથી જ સાધુનું જીવન જીવવાની ઈચ્છા હતી, પરંતુ સાળંગપુરમાં 2013માં પ્રમુખસ્વામી મહારાજ અને અન્ય સંતો સાથે મુલાકાત થઈ, પછી આ નિશ્ચય વધુ દૃઢ થયો ને બાપાના શતાબ્દી મહોત્સવમાં મેં દીક્ષા લીધી. જો હું પરિવાર સાથે રહ્યો હોત તો માત્ર મારા પરિવારનું સારું કરી શકત, પરંતુ હવે મહંત સ્વામી મહારાજના ત્યાગી થયા છીએ ત્યારે હવે દુનિયાનું સારું કરી શકીશું. જોકે પરિવાર પણ પહેલાંથી જ સત્સંગી હતો એટલે પરિવારમાં પણ ખુશીનો માહોલ હતો.
વ્યોમેશ ભગતના પિતા ડૉ. સૌમિલ મહેતાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે આમ તો હું છેલ્લાં 35થી વધુ વર્ષથી અમેરિકામાં સ્થાયી થયો છું. જ્યારે મારાં સાસુ ભારતથી અમેરિકા આવતાં હતાં ત્યારે મારો દીકરો તેમની પાસે રમકડાંની જગ્યાએ કેસરી કલરની ધોતી મગાવતો હતો. એટલું જ નહીં, દર રવિવારે નિયમિતપણે બાળસભામાં પણ જતો હતો. એટલે નાનપણથી જ તેને આ પ્રવૃત્તિઓ ગમતી હતી. આમ ધીરે ધીરે સત્સંગનું એક્સપોઝર વધારે ને વધારે થવા લાગ્યું. એ પછી જ્યારે તે કિશોર થયો ત્યારે તે નેશનલ ડેવલપમેન્ટ કમિટીનો પણ મેમ્બર બન્યો. એ પછી 2013માં સાળંગપુરમાં તેમને પ્રમુખસ્વામી મહારાજ અને અન્ય સંતો સાથે રહેવાનો અવસર મળ્યો ને તેમણે નક્કી કર્યું કે દીક્ષા લઈને સાધુનું જીવન જીવવું છે. એ પછી તેમણે પબ્લિક હેલ્થનો અભ્યાસ કર્યો, એ પૂર્ણ કરી એક વર્ષ મહંત સ્વામી સાથે વિચરણમાં રહ્યો ને પછી શતાબ્દી મહોત્સવમાં દીક્ષા લીધી.
જ્યારે તેમણે આ અંગે વાત કરી ત્યારે થોડું દુખ તો થયું હતું, પરંતુ જો લાંબો વિચાર કરીએ તો એ સંત તરીકે ઘણું સારું કરી શકશે, કારણ કે અમે સત્સંગી છીએ એટલે ખબર છે કે સંતો સમાજ માટે શું કરી શકે છે. એટલે દીકરાની ખુશી જેમાં હતી એમાં અમે ભળી ગયાં અને તેમની ઈચ્છા પૂરી કરી, પણ સમાજમાં કેટલાક લોકોને આ વાત ખબર પડતાં લોકો કહેતાં કે આટલું ભણ્યા છો તો સાધુ બનવાની જરૂર નથી, પરંતુ એ બધી બાબતમાં પડ્યા વગર અમે અમારા દીકરાની ખુશીમાં ભળી ગયાં, કારણ કે આવી પરિસ્થિતિમાં જો ફોર્સ કરો તો બન્ને બાજુની પરિસ્થિતિ બગડે છે. એટલે આ વાત પરિવાર અને અન્ય લોકો સામે મૂકતાં બધા સહમત થયા હતા.
0 comments