૯ જાન્યુઆરી, ૨૦૨૩ , અમદાવાદપ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ- પ્રમુખસ્વામી મહારાજ નગર- બી.એ.પી.એસ. આફ્રિકા દિન
ભારત સરકારના પ્રવાસન, સંસ્કૃતિ, ઉત્તરીય ક્ષેત્રના વિકાસ મંત્રી શ્રી જી. કિશન રેડ્ડી એ જણાવ્યું,
"પ્રમુખસ્વામી મહારાજ આદર્શો અને આધ્યાત્મિકતાના સાગર હતા અને બીજાના ભલામાં આપણું ભલું તે તેમનો જીવનમંત્ર હતો. પ્રમુખસ્વામી મહારાજ ક્યારેય કોઈની આંખોમાં આંસુ નહોતા જોઈ શકતા તેવા કરુણામૂર્તિ હતા...
પ્રમુખસ્વામી મહારાજની શતાબ્દી મહોત્સવનું આયોજન અદ્ભુત છે. જેમાં પરંપરાનું દર્શન, આધ્યાત્મિકતાનું દર્શન, સંસ્કૃતિનું દર્શન, સેવા સમર્પણનું દર્શન અને સ્વચ્છતાનું દર્શન થાય છે.“
ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ શ્રી શરદ અરવિંદ બોબડે એ જણાવ્યું,
"બી.એ.પી.એસ સંસ્થા એ સમગ્ર વિશ્વમાં સનાતન ભારતીય સંસ્કૃતિનો પ્રચાર પસાર કરી રહી છે અને "વસુધૈવ કુટુમ્બકમ" ની ભાવનાને જીવંત રાખી છે."
યુગાન્ડાના મુખ્ય ન્યાયાધીશ માન. જસ્ટિસ અલ્ફોન્સ ચિગામોય ઓવિની-ડોલોએ જણાવ્યું,
"અહીં દરેક માણસોના ચહેરા પર પૂર્ણતા અને સંતોષનો ભાવ જોવા મળે છે એ જ આ નગરની દિવ્યતા અને ભવ્યતા દર્શાવે છે. આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં "વિશ્વ એક માળો છે" તેના દ્વારા "વસુધૈવ કુટુમ્બકમ" ની ઉદ્દાત ભાવનાનો પરિચય મળે છે. પ્રમુખસ્વામી મહારાજ નું જીવન અને કાર્ય એ આપણાં માટે આધ્યાત્મિક ઊર્જાનો સ્રોત છે. પ્રમુખસ્વામી મહારાજે આપેલા આદર્શો અને મૂલ્યો સાચા અર્થમાં આદર્શ માનવીનું નિર્માણ કરી શકે છે."
અમેરિકા હવાઈ ટાપુના પૂજ્ય બોધિનાથ વેયલનસ્વામીએ જણાવ્યું,
"પ્રમુખસ્વામી મહારાજે મંદિરોનું નિર્માણ કરીને સનાતન હિંદુ સંસ્કૃતિનો પ્રચાર પસાર કર્યો છે અને ભવિષ્યની પેઢીમાં પણ સંસ્કાર અને મૂલ્યોનું સિંચન કરીને તેમનું ભવિષ્ય પણ ઉજ્જવળ બનાવ્યું છે. પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી આ સંસ્થાએ યુવા વર્ગને પણ ધર્મ સાથે જોડ્યો છે.”
અક્ષયપાત્ર ફાઉન્ડેશનના ચેરમેન અને ઈસ્કોન બેંગ્લોરના પદ્મશ્રી પૂજ્ય મધુપંડિત દાસજીએ જણાવ્યું,
“પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવનું આયોજન ખૂબ જ અદ્ભુત છે. હજારો સ્વયંસેવકો અહીં નિઃસ્વાર્થ ભાવે સેવા કરી રહ્યા છે કારણકે પ્રમુસ્વામી મહારાજ શુદ્ધતા, પ્રેમ અને કરુણાના પ્રતીક સમાન હતા."







0 comments