ચાતુર્માસના નિયમ પ્રમાણે વાંચન વચનામૃત અને સ્વામીની વાતો - દિવસ -1
॥ વચનામૃત ॥
ગઢડા પ્રથમ ૧
અખંડ વૃત્તિનું
સંવત ૧૮૭૬ના માગશર સુદિ ૪ ચતુર્થીને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં સાધુની જાયગાને વિષે રાત્રિને સમે પધાર્યા હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યું જે, “સર્વ સાધનમાં કયું સાધન કઠણ છે?” ત્યારે સર્વ બ્રહ્મચારી, સાધુ તથા ગૃહસ્થ તેમણે પોતાની સમજણ પ્રમાણે ઉત્તર કર્યો પણ થયો નહીં. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો, અમે ઉત્તર કરીએ જે, ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી તેથી કોઈ સાધન કઠણ નથી. અને જે મનુષ્યના મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં અખંડ રહે છે તેને તેથી બીજી અધિક પ્રાપ્તિ શાસ્ત્રમાં કહી નથી. કાં જે, ભગવાનની મૂર્તિ છે તે તો ચિંતામણિ તુલ્ય છે. જેમ ચિંતામણિ કોઈક પુરુષના હાથમાં હોય તે પુરુષ જે જે પદાર્થને ચિંતવે તે તે પ્રાપ્ત થાય છે; તેમ ભગવાનની મૂર્તિને વિષે જેના મનની અખંડ વૃત્તિ રહે છે તે તો જીવ, ઈશ્વર, માયા અને બ્રહ્મ એમના સ્વરૂપને જો જોવાને ઇચ્છે તો તત્કાળ દેખે છે તથા વૈકુંઠ, ગોલોક, બ્રહ્મમહોલ એ આદિક જે જે ભગવાનનાં ધામ છે તેને પણ દેખે છે. માટે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી તેથી કોઈ કઠણ સાધન પણ નથી અને તેથી કોઈ મોટી પ્રાપ્તિ પણ નથી.”
ત્યાર પછી હરિભક્ત શેઠ ગોવર્ધનભાઈએ શ્રીજીમહારાજ પ્રત્યે પ્રશ્ન પૂછ્યું જે, “જેને ભગવાનની માયા કહે છે તેનું રૂપ શું છે?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાનનો ભક્ત હોય તેને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતાં જે પદાર્થ આડું આવીને આવરણ કરે તેને માયા કહીએ.”
પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યું જે, “ભગવાનનો ભક્ત જ્યારે પંચભૂતના દેહને મૂકીને ભગવાનના ધામમાં જાય છે, ત્યારે તે કેવા દેહને પામે છે?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “ધર્મકુળને આશ્રિત એવો જે ભગવાનનો ભક્ત છે તે ભગવાનની ઇચ્છાએ કરીને બ્રહ્મમય દેહને પામે છે. અને જ્યારે દેહને મૂકીને ભગવાનના ધામ પ્રત્યે જાય છે ત્યારે કોઈક તો ગરુડ ઉપર બેસીને જાય છે અને કોઈક તો રથ ઉપર બેસીને જાય છે અને કોઈક તો વિમાન ઉપર બેસીને જાય છે. એવી રીતે ભગવાનના ભક્ત ભગવાનના ધામમાં જાય છે, તેને યોગસમાધિવાળા છે તે પ્રત્યક્ષ દેખે છે.”
પછી વળી હરિભક્ત ઠક્કર હરજીએ શ્રીજીમહારાજને પૂછ્યું જે, “કેટલાક તો ઘણા દિવસ સુધી સત્સંગ કરે છે તો પણ તેને જેવી પોતાના દેહ અને દેહના સંબંધીને વિષે ગાઢ પ્રીતિ છે, તેવી સત્સંગમાં ગાઢ પ્રીતિ નથી થાતી તેનું શું કારણ છે?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એને ભગવાનનું માહાત્મ્ય સંપૂર્ણ જાણ્યામાં આવ્યું નથી. અને જે સાધુને સંગે કરીને ભગવાનનું માહાત્મ્ય પરિપૂર્ણ જાણ્યામાં આવે છે તે સાધુ જ્યારે પોતાના સ્વભાવ ઉપર વાત કરે છે ત્યારે તે સ્વભાવને મૂકી શકતો નથી અને તે વાતના કરનારા જે સાધુ તેનો અવગુણ લે છે, તે પાપે કરીને સત્સંગમાં ગાઢ પ્રીતિ થાતી નથી. કાં જે, અન્ય સ્થળને વિષે જે પાપ કર્યાં હોય તે સંતને સંગે કરીને જાય અને સંતને વિષે જે પાપ કરે છે તે પાપ તો એક સંતના અનુગ્રહ વિના બીજા કોઈ સાધને કરીને ટળતાં નથી. તે શાસ્ત્રમાં કહ્યું છે જે,
અન્યક્ષેત્રે કૃતં પાપં તીર્થક્ષેત્રે વિનશ્યતિ।તીર્થક્ષેત્રે કૃતં પાપં વજ્રલેપો ભવિષ્યતિ॥
“તે માટે સંતનો અવગુણ જો ન લે તો એને સત્સંગમાં દૃઢ પ્રીતિ થાય.”
॥ સ્વામીની વાતો ॥
પ્રકરણ: ૧
વાત: ૧ થી ૧૦
અનાદિ મૂળ અક્ષરમૂર્તિ શ્રી ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી જે, ભગવાન ને સાધુના મહિમાની વાતું નિરંતર કરવી ને સાંભળવી. ને મહારજ તો પોતાનું અક્ષરધામ ને પાર્ષદ ને પોતાનું સમગ્ર ઐશ્વર્ય તે લઈને આંહી પધાર્યા છે. તે એવા ને એવા જ છે. ને દેહ મૂકીને જેને પામવા છે, તે આજ દેહ છતાં મળ્યા છે, કાંઈ બાકી નથી; ને એમ ન સમજાય તેથી જીવમાં દુર્બળતા રહે છે, ને એમ સમજાય ત્યારે કોઈ દિવસ જીવમાં દુર્બળતા મનાય જ નહિ; ને જીવ બીજી રીતનો થઈ જાય છે. ને મહિમા સમજવા જેવું બીજું કોઈ મોટું સાધન પણ નથી ને મહિમા વિના બીજાં ગમે એટલાં સાધન કરે, તો પણ જીવ બળને પામે નહિ. ને એવો મહિમા સમજવાનું કારણ તો એવા ભગવદીનો પ્રસંગ છે, પણ તે વિના એવો મહિમા સમજાતો નથી.
સાંખ્યવિચાર કરવા શીખવો. ને સાંખ્ય વિના લોભ, કામ, સ્વાદ, સ્નેહ ને માન એ પાંચ દોષ તથા અધ્યાત્મ, અધિભૂત, ને અધિદૈવ એ ત્રણ તાપ એ સર્વેનું દુઃખ મટે નહિ. ને સાંખ્ય વિના અરધો સત્સંગ કહેવાય. માટે સુખિયા રહેવાને અર્થે સાંખ્યવિચાર શીખવો.
પ્રહ્લાદજીએ નારાયણ સાથે ઘણા દિવસ યુદ્ધ કર્યું૧ પણ ભગવાન જિતાણા નહિ, પછી ભગવાને પ્રહ્લાદને કહ્યું જે, “એ યુદ્ધે કરીને તો હું જિતાઉં એવો નથી ને મને જીતવાનો ઉપાય તો એ છે જે, જીભે કરીને મારું ભજન કરવું, મનમાં મારું ચિંતવન કરવું, નેત્રમાં મારી મૂર્તિ રાખવી. એ પ્રકારે નિરંતર મારી સ્મૃતિ કરવી.” એમ કહ્યું છે; પછી એવી રીતે પ્રહ્લાદે અભ્યાસ કર્યો ત્યારે ભગવાન છ માસમાં વશ થઈ ગયા. માટે ભગવાનને રાજી કરવાને અર્થે આ ઉપાય સર્વોપરી છે તે શીખવો.
ભગવાનની મોટાઈ જેના અંતરમાં સમજાણી હોય તેને ગમે તેવા દેશકાળની અવળાઈ થાય અથવા દેહમાં ગમે એવો રોગ થઈ આવે ઇત્યાદિકમાં પણ એમ સમજે જે, ‘ભગવાનના કર્યા વિનાનું પાનડું પણ કોઈનું હલાવ્યું હલતું નથી,’ એમ સમજીને સુખી રહે; ને એમ ન સમજે તેને કોઈ પ્રકારનો દેશકાળ આવે તો સત્સંગ ચૂંથાઈ જાય.
આ જીવ સાધન તે શું કરશે? એ તો જેમ કોસ જોડીને વાડી કરવી તેમાં ઘણો દાખડો, કેમ જે, તેને ઢોર ખાય, પંખી ખાય. તેમ સાધન વતે કલ્યાણ થાવું તે એવું છે. ને ભગવાનની પ્રાપ્તિ વતે કેવું થાય છે? તો જેમ આખી પૃથ્વીમાં વરસાદ વરસે ને દાણા પાકે છે. પછી તેને ઢોર ખાય, પંખી ખાય, ચોર લઈ જાય તો પણ ખૂટે નહિ. ને કૂવા, તળાવ ને નદિયું ખૂટે પણ સમુદ્ર ન ખૂટે, તેમ ભગવાન વતે કલ્યાણ તે એવું છે, ને આ તો બહુ જ દુર્લભ છે પણ મહિમા સમજાતો નથી.
મોટાને સેવ્યા હોય ને તેના ગુણ આવ્યા હોય તેને દેશકાળ ન લાગે, તે કેની પેઠે? તો જેમ સૂર્યની આગળ અંધારું ભેળું થઈને જાય, પણ ત્યાં રહેવા પામે નહિ.
ભગવાનમાં જોડાણા હોય ને ભગવાનની આજ્ઞામાં રહેતા હોય ને ભગવાનની મરજીને જાણતા હોય એવા સાધુ સાથે પોતાના જીવને બાંધવો; તે થકી ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ અને મહિમા સહિત ઉપાસના એ સર્વે ગુણ પમાય, પણ તે વિના ક્યાંથી પમાય? ને જેવા સાધુને સેવે તેવા ગુણ આવે; તે મુમુક્ષુ હોય તે પણ ઘટી જાય ને પામર હોય તે વધી જાય, માટે સર્વેનું કારણ સંગ છે.
ઇન્દ્રિયારામ હોય તે દબાય પણ આત્મારામ હોય તે ન દબાય, કેમ જે, ઇન્દ્રિયારામને તો સેવા કરીને કે પદાર્થ આપીને પણ દબાવીએ, પણ આત્મારામ હોય તે શા સારુ દબાય? કેમ જે, એને તો કાંઈ જોઈએ જ નહિ, ને એ તો અનંતને દબાવી દે પણ પોતે દબાય નહિ.
સંસાર મૂકીને ત્યાગી થાય તે દુઃખમાત્રને ટાળીને સુખિયો થઈ જાય, પણ ત્યાગી થયા પછી પણ વાસનાનું દુઃખ રહે છે. તે વાસના લોભની, કામની, સ્વાદની, સ્નેહની ને માનની છે. તે વાસના ટળે તેમ તેમ સુખિયો થાય છે.
ઇન્દ્રિયું, અંતઃકરણ એ સર્વે કુસંગી છે. તે જે જે વિષયનો જોગ થાય તે તે રૂપ થઈ જાય, એવો જ એ જીવનો સ્વભાવ છે. તે એવા જીવને ભગવાનના સાધુ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, મહિમા, ઉપાસના એ સર્વે ગુણ આપે છે.


0 comments