પ્રાજ્ઞ -1 / પેપર – 1 - 13 JULY -2025 PAPER AND SOLUTION

 


વિભાગ – ૧ : વચનામૃત

(કુલ ગુણ : ૨૫)

પ્ર.૧ નીચે આપેલા પ્રશ્નોના એક (સંપૂર્ણ) વાક્યમાં જવાબ લખો.

(કુલ ગુણ : ૪)

  1. કુશાગ્રબુદ્ધિવાળો કોને કહેવાય ? (ગુણ : ૧)
  2. ગઢડા પ્રથમ : ૨૧ પ્રમાણે કોને પશુ જેવો જાણવો ? (ગુણ : ૧)
  3. હરિભક્તને જેટલી કસર રહે છે તે શેને લીધે રહે છે ? (ગુણ : ૧)
  4. ગઢડા પ્રથમ : ૧૮ પ્રમાણે મહારાજનો સ્વભાવ કેવો છે ? (ગુણ : ૧)

પ્ર.૨ નીચે આપેલાં દૃષ્ટાંતોમાંથી કોઈ પણ એક દૃષ્ટાંત લખી તેનો સિદ્ધાંત સ્પષ્ટ કરો.

(ચાર થી પાંચ લીટીમાં)
(કુલ ગુણ : ૪)

  1. દારૂ અને અગ્નિનું દૃષ્ટાંત
  2. પંચામૃત ભોજનમાં ધૂડ્યનો ખોબો અને કાંકરા

દૃષ્ટાંત :
.....................................................

સિદ્ધાંત :
.....................................................


પ્ર.૩ નીચે આપેલા પ્રશ્નોમાંથી કોઈ પણ બેના મુદ્દાસર જવાબ લખો.

(ચાર થી પાંચ લીટીમાં)
(કુલ ગુણ : ૪)

  1. ગઢડા પ્રથમ : ૨૭ પ્રમાણે પરમેશ્વર ભજ્યાની સાચી સમજણ કઈ છે ? (ગુણ : ૨)
  2. ગઢડા પ્રથમ : ૬૮ પ્રમાણે આસ્તિકપણું આવવાનો શો ઉપાય છે ? (ગુણ : ૨)
  3. ગઢડા પ્રથમ : ૧૯ મુજબ એકાંતિક ભક્ત માટે આત્મનિષ્ઠા અને પ્રીતિ એ બંનેને પરસ્પર શી અપેક્ષા છે ? (ગુણ : ૨)
  4. ગઢડા પ્રથમ : ૬૦ પ્રમાણે એકાંતિક ધર્મ કઈ રીતે પમાય ? (ગુણ : ૨)

પ્ર.૪ નીચે આપેલાં અવતરણોની પૂર્તિ કરો.

(કુલ ગુણ : ૯)

  1. મનોમય ચક્ર તે ............................................................ તે ઠેકાણે જાણવું. (ગુણ : ૩)
  2. જ્યારે કોઈ હરિભક્તનો ..................................................... અતિશય ગુણ લેવો. (ગુણ : ૩)
  3. એવી નિષ્ઠાવાળો ............................................................ ઉદ્ધાર થાય છે. (ગુણ : ૩)

પ્ર.૫ નીચેના પ્રસંગોમાંથી કોઈ પણ બે પ્રસંગો અભ્યાસક્રમના વચનામૃતના સંદર્ભનું પ્રમાણ આપી સમજાવો.

(ત્રણ થી ચાર લીટીમાં)
(કુલ ગુણ : ૪)

  1. ઉપેન્દ્રાનંદ સ્વામીને ગાર લીંપાવીને ગુણાતીતાનંદ સ્વામીએ વાસના ટાળી અને શુદ્ધ કર્યા.
  2. શ્રીકૃષ્ણ અને રુક્મિણીએ દેહ મૂક્યો.
  3. પૂર્ણાનંદ સ્વામી મહારાજને છોડીને ગયા.
  4. નિષ્કુળાનંદ સ્વામી કહેતા :
    "મુને સ્વપને ન ગમે રે સંસાર, કો'ને કેમ કીજીએ ?"

સંદર્ભ : ....................................

સમજૂતી : ....................................

સંદર્ભ : ....................................

સમજૂતી : ....................................


વિભાગ – ૨ : ભગવાન સ્વામિનારાયણ જીવનચરિત્ર ભાગ – ૧ તથા ૨

(કુલ ગુણ : ૪૦)

પ્ર.૬ નીચે આપેલા વિષયોમાંથી કોઈ પણ એક વિષય ઉપર મુદ્દાસર નોંધ લખો.

(ત્રીસેક લીટીમાં)
(કુલ ગુણ : ૧૨)

  1. “અમે માનવી નથી” – નીલકંઠવર્ણીની યાત્રામાં સાર્થક થતી ઉક્તિ
    (''દિવ્ય વનવિચરણ'' થી ''પાછા અયોધ્યામાં અને ત્યાંથી ઉત્તર તરફ'' સુધીના પ્રસંગો)
  2. શ્રીહરિએ પ્રારંભેલું સમાધિ પ્રકરણ
    (''સમાધિ દ્વારા શ્રીહરિના ઐશ્વર્યનું દર્શન'' ના પ્રસંગો)
  3. તરગામમાં ઘનશ્યામની બાળલીલા
    (''અયોધ્યાની પુણ્યભૂમિમાં'' ના પ્રસંગો)

પ્ર.૭ નીચે આપેલા વિષયોમાંથી કોઈ પણ બે ઉપર ટૂંકનોંધ લખો.

(દરેક ટૂંકનોંધમાં પાંચેક લીટીના બે પ્રસંગો લખવા)
(કુલ ગુણ : ૮)

  1. અમીચંદ અને લાલદાસને વર્ણીનો યોગ (વડોદરા)
  2. નીલકંઠવર્ણીનું વ્યક્તિત્વદર્શન (જગન્નાથપુરી)
  3. માંગરોળમાં સદાવ્રતનો આરંભ

પ્રસંગ – ૧ : ....................................

પ્રસંગ – ૨ : ....................................


પ્ર.૮ નીચે આપેલા પ્રસંગોમાંથી કોઈ પણ ત્રણ પ્રસંગો વર્ણવી મનન લખો.

(પ્રસંગવર્ણન આઠેક લીટીમાં તથા મનન ચારેક લીટીમાં)
(કુલ ગુણ : ૧૨)

  1. સ્વામિનારાયણનું ભજન શરૂ કરાવ્યું
  2. કપિલ મુનિના આશ્રમમાં
  3. ભેખ સદાવ્રતો તોડે છે
  4. છપૈયામાં ધર્મદેવને ઉપાધિ
  5. મલ્લોના અખાડામાં મલ્લકુસ્તી

પ્રસંગ : ....................................

મનન : ....................................


પ્ર.૯ નીચે આપેલાં પાત્રોમાંથી કોઈ પણ એક પાત્રના પ્રસંગો વર્ણવી વ્યક્તિત્વનું આલેખન કરો.

(કુલ ગુણ : ૮)

  1. નાનીબા
  2. ગજેફરખાન નવાબ (માણાવદર)

પ્રસંગો : ....................................

વ્યક્તિત્વ : ....................................


વિભાગ – ૩ : ધાર્મિક વિધાનો અને ભાવનાઓ તથા સામાન્ય જ્ઞાન નિબંધ

(કુલ ગુણ : ૩૫)

પ્ર.૧૦ નીચે આપેલા પ્રશ્નોના એક (સંપૂર્ણ) વાક્યમાં જવાબ લખો.

(કુલ ગુણ : ૫)

  1. ઘરમંદિરમાં કોની મૂર્તિ રાખી શકાય ? (ગુણ : ૧)
  2. ગાંધીજી પોતાની માતા માટે શું કહે છે ? (ગુણ : ૧)
  3. મંત્ર એટલે શું ? (ગુણ : ૧)
  4. કોણ કોઈને દુઃખ આપતા નથી ? (ગુણ : ૧)
  5. અઠવાડિક સત્સંગ સભાનું આયોજન કોણે કર્યું ? (ગુણ : ૧)

પ્ર.૧૧ નીચે આપેલા પ્રશ્નોમાંથી કોઈ પણ એકનો મુદ્દાસર જવાબ લખો.

(દસેક લીટીમાં)
(કુલ ગુણ : ૩)

  1. આહાર કેટલા પ્રકારના છે ? તેની વિગત શી ?
  2. બાળકની પ્રગતિનાં સોપાન શાં હોઈ શકે ?

પ્ર.૧૨ નીચે આપેલા વિષયોમાંથી કોઈ પણ એક ઉપર ટૂંકનોંધ લખો.

(પંદર થી વીસ લીટીમાં)
(કુલ ગુણ : ૬)

  1. કંઠી ધારણ કરતાં પહેલાં જમણા હાથમાં જળ અપાય છે અને મંત્ર બોલાવવામાં આવે છે તે શું છે ?
  2. નિત્યપૂજાવિધિની ક્રમિક પદ્ધતિ શી છે ?
    (પૂજાના આદર્શ સમયથી મૂર્તિની ગોઠવણી સુધી)

પ્ર.૧૩ નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો.

(ચાર થી પાંચ લીટીમાં)
(કુલ ગુણ : ૬)

  1. ઘરસભાથી શા લાભ થાય છે ? (ગુણ : ૨)
  2. આરતી વખતે ઘંટ, નગારું અને શંખનો નાદ શા માટે કરવામાં આવે છે ? (ગુણ : ૨)
  3. મૂર્તિ શા માટે ? (ગુણ : ૨)

પ્ર.૧૪ નીચે આપેલા વિષયોમાંથી કોઈ પણ એક ઉપર નિબંધ લખો.

(પાંત્રીસ થી ચાલીસ લીટીમાં)
(કુલ ગુણ : ૧૫)

  1. સુરત અક્ષરધામ : પ્રથમ સ્તંભ સ્થાપન અને શિલાન્યાસ વિધિ
  2. સરદાર અને સ્વામિનારાયણ સંપ્રદાય
  3. સારંગપુરમાં સ્વામીશ્રીની અધ્યાત્મવર્ષા

વિભાગ – ૧ : વચનામૃત

અભ્યાસક્રમના વચનામૃત :

ગઢડા પ્રથમ – ૧૮, ૧૯, ૨૦, ૨૧, ૨૪, ૨૭, ૩૭, ૪૪, ૪૭, ૫૦, ૬૦, ૬૭, ૬૮, ૭૧, ૭૬, સારંગપુર પ્રકરણ ૭, પંચાળા પ્રકરણ ૩, ૭.


પ્ર.૧ નીચે આપેલા પ્રશ્નોના એક (સંપૂર્ણ) વાક્યમાં જવાબ લખો.

(કુલ ગુણ : ૪)

નોંધ : અડધા સાચા જવાબનાં ગુણ આપવા નહીં.

૧. કુશાગ્રબુદ્ધિવાળો કોને કહેવાય ? (ગઢડા પ્રથમ.૫૦/૯૩-૯૪)

(૧) જે કલ્યાણને અર્થે જતન કરે છે ને તેની બુદ્ધિ થોડી છે તો પણ તે કુશાગ્રબુદ્ધિવાળો છે.

અથવા

(૨) જે પોતાના કલ્યાણને અર્થે સાવધાનપણે વર્તે તે જ કુશાગ્રબુધ્ધિવાળા છે અને તે વિના તો સર્વ મૂર્ખ છે.

૨. ગઢડા પ્રથમ : ૨૧ પ્રમાણે કોને પશુ જેવો જાણવો ? (ગઢડા પ્રથમ.૨૧/૩૨-૩૩)

કેવળ દેહાભિમાની ને પ્રાકૃત મતિવાળો છે અને તે જે સત્સંગમાં પડ્યો છે તો પણ એને પશુ જેવો જાણવો.

૩. હરિભક્તને જેટલી કસર રહે છે તે શેને લીધે રહે છે ? (ગઢડા પ્રથમ.૨૦/૩૧)

હરિભક્તને તો જેટલી કસર રહે છે તેટલી પોતાને આળસે કરીને રહે છે.

૪. ગઢડા પ્રથમ ૧૮ પ્રમાણે મહારાજનો સ્વભાવ કેવો છે ? (ગઢડા પ્રથમ.૧૮/૨૪)

અંતરમાં જો રંચ જેટલો પદાર્થનો ઘાટ થાય તો તેનો ત્યાગ કરીએ ત્યારે નિરાંત થાય એવો મહારાજનો સ્વભાવ છે.


પ્ર.૨ નીચે આપેલાં દૃષ્ટાંતોમાંથી કોઈ પણ એક દૃષ્ટાંત લખી તેને સિદ્ધાંત સ્પષ્ટ કરો.

(ચાર થી પાંચ લીટીમાં)
(કુલ ગુણ : ૪)

નોંધ : સિદ્ધાંત મૌલિક રીતે લખવાનો હોવાથી અહીં આપેલા જવાબ સિવાયનો સિદ્ધાંત પરીક્ષાર્થીએ લખેલો હોય તો તે દૃષ્ટાંતને અનુરૂપ છે કે નહીં તે પરીક્ષકે જાતે નક્કી કરીને તેના ગુણ આપવાના છે.

દૃષ્ટાંતના ૩ ગુણ, સિદ્ધાંતનો ૧ ગુણ.

૧. દારૂ અને અગ્નિનું દૃષ્ટાંત (પંચાળા.૩/૩૩૦)

દૃષ્ટાંત :

જેમ ઝાઝો દારૂનો ઢગલો હોય ને તેમાં એક અગ્નિનો તણખો પડ્યો હોય તો તે દારૂ સર્વે ભસ્મ થઈ જાય છે; તેમ એનું કાંઈ ઠેકાણું રહેતું નથી.

સિદ્ધાંત :

દારૂના ઢગલામાં એક જ ચિનગારી કાફી છે. તે બધા જ દારૂના ઢગલાનો નાશ કરી શકે છે. તેમ ઈન્દ્રિયો અને અંતઃકરણને વિષે જો એક જ ગુણ જોઈએ તો પણ તે આપણને ભગવાનના માર્ગથી પાડી દે છે. માટે ઇન્દ્રિયો અને અંતઃકરણને તો ભગવાનના સુખનો લોભ દેખાડી તેમનામાં જ જોડી રાખવું.

૨. પંચામૃત ભોજનમાં ધૂડ્યનો ખોબો અને કાંકરા (ગઢડા પ્રથમ.૪૪/૮૧-૮૨)

દૃષ્ટાંત :

જેને પરિપૂર્ણ ભગવાનમાં સ્નેહ હોય ને તેને જો જાણે-અજાણે ભગવાનની મૂર્તિ વિના બીજો કાંઈક ઘાટ થાય તો જેમ પંચામૃત ભોજન જમતો હોય તેમાં કોઈક કાંકરા તથા ધૂડયનો ખોબો ભરીને નાંખે ને જેવું વસમું લાગે અથવા કપાળમાં બળબળતો ડામ દે ને તે જેવો વસમો લાગે તેવો ભગવાન વિના બીજો ઘાટ થાય તે વસમો લાગે; એવી રીતે જેને વર્તતું હોય તેને ભગવાનને વિષે પ્રીતિ છે એમ જાણવું.

સિદ્ધાંત :

જેને જેમાં સ્નેહ હોય તેના વિના તે રહી શકતો નથી. તેના વિના તે બીજા વિચાર પણ કરી શકતો નથી. બીજા વિચારો તેને દુઃખદાયી લાગે છે.

‘જ્યાં જ્યાં નજર મારી ઠરી; યાદી ભરી ત્યાં આપની.'


પ્ર.૩ નીચે આપેલા પ્રશ્નોમાંથી કોઈ પણ બેના મુદાસર જવાબ લખો.

(ચાર થી પાંચ લીટીમાં)
(કુલ ગુણ : ૪)

૧. ગઢડા પ્રથમ ૨૭ પ્રમાણે પરમેશ્વર ભજ્યાની સાચી સમજણ કઈ છે ? (ગઢડા પ્રથમ.૨૭/૪૫-૪૬)

“આ પૃથ્વી જેની રાખી સ્થિર રહી છે ને ડોલાવી ડોલે છે તથા આ તારામંડળ જેનું રાખ્યું અધર રહ્યું છે તથા જેના વરસાવ્યા મેઘ વર્ષે છે તથા જેની આજ્ઞાએ કરીને સૂર્ય-ચંદ્ર ઉદય-અસ્તપણાને પામે છે તથા ચંદ્રમાની કળા વધે-ઘટે છે તથા પાળ વિનાનો સમુદ્ર જેની મર્યાદામાં રહે છે તથા જળના બિંદુમાંથી મનુષ્ય ઉત્પન્ન થાય છે અને તેને હાથ, પગ, નાક, કાન એ આદિક દસ ઇન્દ્રિયો થઈ આવે છે તથા આકાશને વિષે અધર જળ રાખી મૂક્યું છે અને તેમાં ગાજવીજ થાય છે, એવાં અનંત આશ્ચર્ય છે તે સર્વે મને મળ્યા એવા જે ભગવાન તેનાં કર્યાં જ થાય છે,' એમ સમજે, પણ પ્રગટ પ્રમાણ જે ભગવાન તે વિના બીજો કોઈ એ આશ્ચર્યનો કરનારો છે એમ માને નહીં.

૨. ગઢડા પ્રથમ ૬૮ પ્રમાણે આસ્તિકપણું આવવાનો શો ઉપાય છે ? (ગઢડા પ્રથમ.૬૮/૧૩૪)

જ્યારે શ્રીમદ્ભાગવત જેવા આસ્તિક ગ્રંથને વિષે કહી જે જગતની ઉત્પત્તિ-સ્થિતિ-પ્રલયરૂપ એવી ભગવાનની લીલા તેને સાંભળે તથા ભગવાનનું અને સંતનું માહાત્મ્ય સમજે ત્યારે એનું નાસ્તિકપણું જાય અને આસ્તિકપણું આવે.

૩. ગઢડા પ્રથમ ૧૯ મુજબ એકાંતિક ભક્ત માટે આત્મનિષ્ઠા અને પ્રીતિ એ બંનેને પરસ્પર શી અપેક્ષા છે ?

આત્મનિષ્ઠા તો હોય પણ જો શ્રીહરિને વિષે પ્રીતિ ન હોય તો તે પ્રીતિએ કરીને થઈ જે શ્રીહરિની પ્રસન્નતા તેને કરીને જ પામવા યોગ્ય એવું મોટું ઐશ્વર્ય જે, ‘માયાના ગુણે કરીને પરાભવ ન પમાય એવું મોટું સામર્થ્ય' તેને એ ભક્ત નથી પામતો; અને શ્રીહરિને વિષે પ્રીતિ હોય પણ જો આત્મનિષ્ઠા ન હોય તો દેહાભિમાનને યોગે કરીને તે પ્રીતિની સિદ્ધિ થાતી નથી. (ગઢડા પ્રથમ.૧૯/૨૯)

૪. ગઢડા પ્રથમ ૬૦ પ્રમાણે એકાંતિક ધર્મ કઈ રીતે પમાય ? (ગઢડા પ્રથમ.૬૦/૧૧૧-૧૧૨)

આવી રીતનો જે એકાંતિક ધર્મ તે તો જે એવા નિર્વાસનિક પુરુષ હોય અને જેને ભગવાનને વિષે સ્થિતિ થઈ હોય તેને વચને કરીને જ પમાય, પણ ગ્રંથમાં લખી રાખ્યો હોય તેણે કરીને નથી પમાતો. અને કોઈક સાંભળીને તેવી ને તેવી વાત કહેવા જાય તો કહેતાં પણ આવડે નહીં. માટે જેને એકાંતિકના ધર્મમાં સ્થિતિ થઈ હોય તે થકી જ એકાંતિકનો ધર્મ પમાય છે.


પ્ર.૪ નીચે આપેલાં અવતરણોની પૂર્તિ કરો.

(કુલ ગુણ : ૯)

નોંધ : વચનામૃત ક્રમાંક ન લખ્યો હોય તો ચાલે.

૧.

“મનોમય ચક્ર તે મનને જાણવું અને એની ધારા તે દસ ઇન્દ્રિયો છે એમ જાણવું. અને તે ઈન્દ્રિયોરૂપ જે મનની ધારા તે જે ઠેકાણે ઘસાઈને બૂઠી થઈ જાય તેને નૈમિષારણ્ય ક્ષેત્ર જાણવું. તે ઠેકાણે જપ, તપ, વ્રત, ધ્યાન, પૂજા એ આદિક જે સુકૃત તેનો જે આરંભ કરે તે દિન-દિન પ્રત્યે વૃદ્ધિ પામે. એવું જે નૈમિષારણ્ય ક્ષેત્ર તે જે ઠેકાણે ભગવાનના એકાંતિક સાધુ રહેતા હોય તે ઠેકાણે જાણવું.”

(સારંગ.૭/૧૮૯-૧૯૦) (૨૮)

૨.

“જ્યારે કોઈ હરિભક્તનો દોષ નજરમાં આવે ત્યારે એમ સમજવું જે ‘આનો સ્વભાવ તો સત્સંગમાં ન ઘટે એવો છે તોય પણ એને જો સત્સંગ મળ્યો છે અને એ જો જેવો તેવો છે તોય પણ સત્સંગમાં પડ્યો છે, તો એનો પૂર્વજન્મનો અથવા આ જન્મનો સંસ્કાર ભારે છે તો આવો સત્સંગ મળ્યો છે.' એમ સમજીને તેનો પણ અતિશય ગુણ લેવો.”

(ગઢડા પ્રથમ ૨૪/૩૯-૪૦) (૧૬)

૩.

“એવી નિષ્ઠાવાળો જે સંત છે તેના પગની રજને તો અમે પણ માથે ચઢાવીએ છીએ, અને તેને દુખવતા થકા મનમાં બીએ છીએ, અને તેનાં દર્શનને પણ ઇચ્છીએ છીએ. અને તે તો જેમ નાવમાં બેસીને સમુદ્ર તરવાને ઇચ્છે એવા ડાહ્યા છે. તે સર્વે દેહને મૂકીને ભગવાનના ધામમાં ચૈતન્યની જ મૂર્તિ થઈને ભગવાનના હજૂરમાં રહે છે. અને જે એવા યથાર્થ ભગવાનના ભક્ત છે તેનું દર્શન તો ભગવાનના દર્શન તુલ્ય છે અને એના દર્શને કરીને અનંત પતિત જીવનો ઉદ્ધાર થાય છે.”

(ગઢડા પ્રથમ ૩૭/૬૫) (૨૦)

વિભાગ – ૨ : ભગવાન સ્વામિનારાયણ જીવનચરિત્ર

પ્ર.૬ નીચે આપેલા વિષયોમાંથી કોઈ પણ એક વિષય ઉપર મુદ્દાસર નોંધ લખો.

(ત્રીસેક લીટીમાં)
(કુલ ગુણ : ૧૨)

નોંધ :

બે પ્રસંગ વર્ણનાત્મક અને બે થી ત્રણ જ લીટીમાં ઉલ્લેખ હોય તેવા બીજા ચાર પ્રસંગ સાથે કુલ છ પ્રસંગ હોવા જરૂરી છે.


૧. “અમે માનવી નથી” – નીલકંઠવર્ણીની યાત્રામાં સાર્થક થતી ઉક્તિ

(‘દિવ્ય વનવિચરણ’ થી “પાછા અયોધ્યામાં અને ત્યાંથી ઉત્તર તરફ” સુધીના જ પ્રસંગો)

૧. “મૃત્યુથી ડરીને સંતાઈ જવાથી મૃત્યુ રોકાતું નથી. હું તો અહીં જ સૂઈ રહીશ.” – શ્રીપુરમાં સિંહ. (૧/૭/૧૧૬-૧૧૯)

૨. “અમે માનવી નથી. અમારો સંકલ્પ દૃઢ છે. તમે રસ્તો બતાવો.” – હિમગિરિમાં જવાની ના પાડતા બદરીનાથના પૂજારીને નીલકંઠવર્ણી. (૧/૭/૧૨૪)

૩. હિમગિરિમાં આવેલા શીતળ જળના સરોવરમાં સ્નાન કરનાર બરફની શિલા બની જાય. ત્યાં નીલકંઠવર્ણીએ કરેલું સ્નાન. (૧/૮/૧૨૬)

૪. “આપનો પ્રતાપ અને મોટપ જે જાણે તે જ ખરેખર મોટા છે. આપનાથી અમને જે અધિક માને છે તે આપનો પ્રતાપ જાણતા નથી.” – નરનારાયણઋષિ નીલકંઠવર્ણીને. (૧/૮/૧૨૭-૧૨૮)

૫. “આપ તો સાક્ષાત્ ઈશ્વરમૂર્તિ છો, નહીં તો હિમગિરિનો પ્રવાસ કરી કોઈ માનવી બદરીવનમાં સદેહે ગયું હોય તેવું સાંભળ્યું નથી.” – બદરીનાથના પૂજારી નીલકંઠવર્ણીને. (૧/૮/૧૩૧)

૬. પ્રથમ દૃષ્ટિએ જોતાં જ રાજા રણજિતસિંહ બદરીનાથના નિજ મંદિરને બદલે વર્ણી તરફ ચાલ્યાં અને સ્તુતિ કરતાં કહ્યું : “કરોડો જનનો ઉદ્ધાર કરવા આપ પ્રકટ્યા છો તો હવે આપ મને છોડશો નહીં.” (૧/૮/૧૩૧-૧૩૨)

૭. હરૈયા ગામે હલવૈની માએ નીલકંઠવર્ણીને જોતાં જ તેમના મોહક સ્વરૂપમાં આકર્ષણ થયું. ચતુર્ભુજ સ્વરૂપે જોયા. (૧/૯/૧૩૬-૧૩૭)

૮. વંશીપુરના રાજા પ્રથમ દર્શને જ પ્રાર્થના કરતા કહ્યું : “નારાયણ આ સ્વરૂપે મારું કલ્યાણ કરવા આવ્યા છે. ભગવન ! મને આપે ન્યાલ કરી દીધો.” (૧/૯/૧૩૯-૧૪૦)

૯. રાજાના અનુચરોને અનુભૂતિ : “આ કોઈ યોગીન્દ્ર પુરુષ છે. દેખાય છે બાળક પણ દેવાધિદેવનું સ્વરૂપ છે.” સૌનાં ચિત્ત તે દિવ્ય મૂર્તિમાં તણાઈ ગયાં. (૧/૯/૧૪૦)

૧૦. વંશીપુરના રાણીને પ્રથમ દર્શને અનુભૂતિ : “સાક્ષાત્ પુરુષોત્તમ પોતે જ છે.” (૧/૯/૧૪૦)


૨. શ્રીહરિએ પ્રારંભેલું સમાધિ પ્રકરણ

(“સમાધિ દ્વારા શ્રીહરિનાં ઐશ્વર્યનું દર્શન” ના જ પ્રસંગો)

૧. કાલવાણીના આહીર ભક્તોને સમાધિ (શ્રીકૃષ્ણ ભગવાનને જોયા, રાસ રમ્યા). (૧/૨૧/૩૯૮-૩૯૯)

૨. કાલવાણીમાં સભામાં બેઠેલા વ્યાપકાનંદ સ્વામીએ સમાધિમાં ભૂમાપુરુષના લોકમાં “સ્વામિનારાયણ” નામનો ઉદ્ધોષ. (જુદા જુદા લોકમાં વિચરણ) (૧/૨૧/૩૯૯-૪૦૦)

૩. કાલવાણીના ભીમભાઈની નરકના કુંડ ખાલી કરવાની પ્રાર્થનાથી સ્વરૂપાનંદ સ્વામીએ સમાધિમાં યમપુરી જઈ નરક કુંડો ખાલી કર્યા. (૧/૨૧/૪૦૧-૪૦૨)

૪. માંગરોળમાં સમાધિ દ્વારા શ્રીહરિનું ઐશ્વર્ય. (૧/૨૧/૪૦૩)

૫. માંગરોળ બજારમાં વેપારીના દીકરાને સમાધિ. (૧/૨૧/૪૦૪)

૬. માંગરોળના નગરજનોને સમાધિમાં સૌ સૌના ઈષ્ટદેવના દર્શન. (૧/૨૧/૪૧૪)

૭. ભોગાવાના કાંઠે હીરાચંદ વણિકને સમાધિ, મૂર્તિમાન ભોગવતી તથા વઢવાણ શિખરબદ્ધ મંદિરના દર્શન. (૧/૨૧/૪૧૭-૪૧૮)

૮. માંગરોળમાં મહિનાઓ સુધીની સમાધિવસ્થા. (૧/૨૧/૪૨૦-૪૨૧)


૩. તરગામમાં ઘનશ્યામની બાળલીલા

(“અયોધ્યાની પુણ્યભૂમિમાં” ના જ પ્રસંગો)

૧. સુવાસિનીના ભાઈ લક્ષ્મીપ્રસાદ વૃષ કુટુંબને તરગામ લઈ જવા આવ્યા. તેમની સાથે રામપ્રતાપ, સુવાસિની અને તેમના પુત્ર નંદરામ, ઘનશ્યામ તરગામ જવા નીકળ્યા. (૧/૪/૫૩-૫૪)

૨. ઘનશ્યામને ફરવાનો - જમવાનો નહીં પણ મુમુક્ષુઓને પોતાનો સંબંધ પમાડવાનો આનંદ હતો. (૧/૪/૫૪)

૩. કીનકીથી આંબલિયા જતા રસ્તામાં અંધારું થતાં ઘનશ્યામના શરીરમાંથી શીતળ પ્રકાશ નીકળવા લાગ્યો. (૧/૪/૫૫)

૪. ઘનશ્યામને જોઈને તરગામના લોકોના અંતર શાંત થઈ જતા. જગતના તમામ સંકલ્પો શમી જતા. (૧/૪/૫૫)

૫. તરગામના લોકો ઘનશ્યામને પોતાને ઘેર તેડી જવા તત્પર થતાં. સુવાસિની ભાભી ના પાડતાં કહેતાં : “એ તો ભક્તિનો લાલ છે. તેને રેઢો ન મુકાય.” ત્યારે ઘનશ્યામ કહેતા : “હું તારો લાલ નહીં ?” (૧/૪/૫૫)

૬. ધર્મદેવના દ્વૈષી માતાદીનનું કાંડું ખેડવી નાખ્યું. (૧/૪/૫૬)

૭. બળદેવ દૂબેની વાડીમાં ચીભડાંના વેલા ખેંચી કાઢ્યા. (૧/૪/૫૭-૫૯)

૮. “ભાભી ! તું હવે રડતી નહીં હોં, આપણે અયોધ્યા નથી જવું.” – રામપ્રતાપભાઈએ માર્યા, ભાભી રડી. (૧/૪/૬૦)

૯. હરિદાસની પર્ણકુટિમાં સખાઓ સાથે ઘનશ્યામ ગયા. કદંબ ફૂલોનો હાર, ટોપી અને બાજૂબંધ બનાવી ઘનશ્યામને મિત્રોએ પહેરાવ્યા. આ દર્શન કરતાં હરિદાસને ઘનશ્યામમાં રઘુનંદન દેખાયા. (૧/૪/૬૦-૬૧)

૧૦. ઘનશ્યામના ઘેરા શબ્દથી ગાયો ઘનશ્યામ તરફ દોડી આવી. ગોવાળ : “તમે કાનુડા છો ! નહીં તો મારી ગાયો મારાથી છૂટી પડે જ નહીં.” (૧/૪/૬૧-૬૨)

૧૧. આંબલીના વૃક્ષ પરથી ઊતરતાં ઘનશ્યામને ખાંપો વાગ્યો. અશ્વિનીકુમાર આવીને પાટો બાંધી ગયા. ભાભીએ પાટો ખોલીને જોયું તો ઘાની ફક્ત નિશાની જ હતી.

૧૨. વિશ્રામ ત્રવાડી તરગામ લેવા ગયા તો “મામા મામા ! મારે માટે શું લાવ્યા ?” – ભક્તિમાતાએ મોકલેલી સુખડી આપી. સૌ તરગામથી અયોધ્યા ગયા. (૧/૪/૬૩-૬૪)


પ્ર.૭ નીચે આપેલા વિષયોમાંથી કોઈ પણ બે ઉપર ટૂંકનોંધ લખો.

(દરેક ટૂંકનોંધમાં પાંચેક લીટીના બે પ્રસંગો લખવા)
(કુલ ગુણ : ૮)

નોંધ :

દરેક પ્રસંગના ૨ ગુણ આપવા.

૧. અમીચંદ અને લાલદાસને વર્ણીનો યોગ (વડોદરા)

૧. વડોદરામાં માંડવીના દરવાજે વર્ણી માટે જમવાનું લાવ્યા. બીજે દિવસે પણ ભોજન જમીને જ જવાનો આગ્રહ. “ભવિષ્યમાં તારી પાસેથી મારે સેવા લેવી છે.” “મારા દેહનો શો ભરોસો ?” “તારો દેહ ત્યાં સુધી રાખવો મારા હાથમાં છે.” “તારે ત્યાં લક્ષ્મીનારાયણની મૂર્તિ પૃથ્વીમાં દાટેલી પડી છે. તે મૂર્તિ હું મારા સાધુને મોકલીને મંગાવી લઈશ.” શ્રીમંત સરકારના ફરમાનની બીકથી તે મૂર્તિઓ તેના પિતાએ ભૂગર્ભમાં દાટી દીધી હતી. તેના સિવાય કોઈને પણ આની જાણ ન હતી. “એ રીતે પણ હું આપની સેવા કરી શકીશ તો હું ખરેખર ધન્ય માનું છું.” (૧/૧૪/૨૫૯-૨૬૨)

૨. મહીસાગર ઊતરતાં નાવલીના લાલદાસે વર્ણીને ભોજન માટે બોલાવ્યા. “અમે ભોજન માટે નહિ પણ તમારા માટે આવ્યા છીએ.” “જાણે કેટલાય જુગથી હું આપની રાહ જોતો હોઉં અને આજે આપ મળી ગયા !” મુનિઓના ધ્યાનમાં પણ દુર્લભ છો તે આજે મને પ્રત્યક્ષ મળ્યાં. મારો યજ્ઞ આજે પૂરો થશે. વર્ણી આગળ અન્નકૂટ પૂર્યો. “મારો મોક્ષ કરજો.” “તારો મોક્ષ કરવા તો અમે અહીં આવ્યા છીએ. પરંતુ તારા સમગ્ર કુટુંબનો મોક્ષ કરે એવો મુક્ત તારે ત્યાં જન્મ લેશે એવા અમારા આશીર્વાદ છે.” (૧/૧૪/૨૬૨-૨૬૩)

પ્ર.૮ નીચે આપેલા પ્રસંગોમાંથી કોઈપણ ત્રણ પ્રસંગ વર્ણવી મનન લખો.

(પ્રસંગવર્ણન આઠેક લીટીમાં તથા મનન ચારેક લીટીમાં લખવું.)
(કુલ ગુણ : ૧૨)

નોંધ :

પ્રસંગના ૩ ગુણ, મનનનો ૧ ગુણ. મનન અહીં આપ્યાં કરતાં જુદું પણ હોઈ શકે પણ વિષયને અનુરૂપ હોય તો તેના પૂરેપૂરા ગુણ આપવા.


૧. સ્વામિનારાયણનું ભજન શરૂ કરાવ્યું (૧/૧૯/૩૮૫-૩૮૯)

પ્રસંગ :

રામાનંદ સ્વામીના ધામમાં ગયા પછી ચૌદમાના દિવસે સભામાં બ્રહ્મચારીઓ, સાધુઓ તથા સ્ત્રી-પુરુષોના ધર્મો સમજાવી ‘પ્રગટ ભગવાનનું “સ્વામિનારાયણ” નામે ભજન કરવાનું કહ્યું. ત્યારે સભામાંથી એક સંતે શા માટે “સ્વામિનારાયણનું ભજન” એ સમજવા પ્રશ્ન કર્યો.

સ્વામી શબ્દ સર્વના સ્વામી જે અક્ષરબ્રહ્મ તેને અનુલક્ષીને છે. અક્ષરબ્રહ્મને સર્વાત્મા બ્રહ્મ પણ કહ્યા છે. સર્વના કારણ અને નિયંતા છે. તેથી તેમને સ્વામી શબ્દથી સંબોધ્યા છે.

અક્ષરબ્રહ્મ તો પુરુષોત્તમની સાથે સદા સર્વદા શરીર-શરીરી ભાવે જોડાયેલું જ છે. અને પુરુષોત્તમ પણ એ અક્ષરધામમાં રહ્યા થકા બ્રહ્માંડ બ્રહ્માંડ પ્રત્યે જ્યાં જેવું રૂપ પ્રકાશ્યું જોઈએ ત્યાં તેવા રૂપને પ્રકાશે છે.

આ બ્રહ્માંડમાં જીવોના કલ્યાણ અર્થે જ્યારે પુરુષોત્તમ પધારે છે, ત્યારે એ અક્ષરધામ સહિત જ પધારે છે અને અક્ષરધામ એ ભગવાનની મૂર્તિ ભેળું જ સદા હોય છે.

“સ્નેહના આધિક્યથી શ્રી એ નારાયણના સ્વરૂપમાં પોતાની અસ્મિતા ગુમાવે છે, તેથી બંને સ્વરૂપો સ્થૂળ દ્રષ્ટિએ જુદાં હોવા છતાં એક છે.”

મનન :

પૂર્ણ પુરુષોત્તમ નારાયણ જ પોતાની તથા અક્ષરબ્રહ્મની સાચી ઓળખ આપી શકે તેમ છે.


૨. કપિલ મુનિના આશ્રમમાં (૧/૧૧/૨૦૧-૨૦૨)

પ્રસંગ :

કર્દમ અને દેવહુતિના પુત્ર કપિલ મુનિ સાંખ્યમતના આચાર્ય છે. અહીં કપિલ મુનિએ ઘણાં વર્ષો સુધી તપ કર્યું હતું. નીલકંઠવર્ણી તેમના આશ્રમમાં પધાર્યા.

મુનિને લાગ્યું કે તેમણે રચેલું સાંખ્યશાસ્ત્ર જગતના મુમુક્ષુઓને આ પરમાત્મા જ સાચી રીતે સમજાવશે.

વર્ણીએ તેમને કહ્યું કે “તમારા સાંખ્યદર્શનનો સમન્વય અન્ય દર્શનો સાથે કરીને તમારા મતને તમારા વિચારો પ્રમાણે પ્રવર્તાવીશ.”

અહીં વર્ણી સાત દિવસ સુધી અખંડ ધ્યાનની સ્થિતિમાં બેસી રહ્યા.

અહીં આવતા મુમુક્ષુઓને તેઓ ઉપદેશ આપતાં સર્વ સાધન કરતાં સત્સંગને અધિક માની સત્પુરુષોના પ્રસંગથી પરમાત્માના સ્વરૂપને જાણવાની આવશ્યકતા સમજાવતા.

અહીં પૃથ્વીએ ગાયનું રૂપ ધરી અધર્મનો નાશ કરવા વર્ણીને પ્રાર્થના કરી.

અહીં પોતે એક માસ રહ્યા.

મનન :

સાંખ્યદર્શનના આચાર્ય કપિલ મુનિની ઈચ્છાનુસાર મહારાજે સાંખ્યદર્શનનું પ્રવર્તન કર્યું. પૃથ્વીની પ્રાર્થના સ્વીકારી.


૩. ભેખ સદાવ્રતો તોડે છે (૨/૧/૫-૬)

પ્રસંગ :

સદાવ્રતો ઉપર બાવાઓનાં આક્રમણો – સાધુઓને મારે, કંઠી જનોઈ તોડી નાખે, સ્ત્રીઓને લાવી ભ્રષ્ટ કરવા પ્રયત્નો કરે, પૂજાની મૂર્તિઓ આંચકી લે, મૂર્તિઓ તોડી નાખે, સદાવ્રતના અન્નને વેરવિખેર કરી નાખે.

આ સમાચાર શ્રીહરિને મળ્યા.

તેમના દરેક કાર્યમાં સંતોના ધર્મની, ભક્તિની, ધીરજની કસોટી હતી.

શ્રીહરિને સંતોનો એક આદર્શ સમાજ સ્થાપવો હતો.

“નૈનં છિન્દન્તિ શસ્ત્રાણિ નૈનં દહતિ પાવકઃ” ગીતા સૂત્રાનુસાર સંતોનું કવચ ઘડવું હતું. એવા સંતો પકવવા હતા.

તેથી જ્યાં સદાવ્રતો ચાલતાં હતાં ત્યાં પત્રો લખી દીધા : “સદાવ્રતો ચાલુ રાખવાં, ગમતું ગોવિંદનું થશે, આપણી સાધુતા વિશેષ ઉજ્જવળ દેખાશે.”

શ્રીહરિએ વિચાર્યું કે સત્સંગ વિના, શુદ્ધ જ્ઞાનની સમજણ વિના, મુમુક્ષુતા હોવા છતાં ભોળા લોકો ભેખમાં ભરમાય છે. તેમને જ્ઞાન આપી સત્ તથા અસત્ નો વિવેક અંતરમાં સ્થપાય.

તેમણે વ્યાપકાનંદ સ્વામી અને સ્વરૂપાનંદ સ્વામીને કહ્યું : “તમો ગુજરાત જઈ ચરોતર ફરી ઠેઠ સુરત સુધી સત્સંગની વાતો કરો, લોકોને સત્સંગના રંગે રંગી દો.”

મનન :

સમાજમાં સાધુઓની જે છાપ હતી તે સુધારી એક આદર્શ સાધુ સમાજની સ્થાપના કરવાનો શ્રીહરિનો વિચાર અહીં પ્રગટ થાય છે.

લોકોને પણ શુદ્ધ જ્ઞાનની સમજણ અને સત્સંગ કરાવવાથી સાચા લોકો ભેખમાં ભરમાતા બંધ થાય અને સાચા ધર્મનું સ્થાપન થાય.


૪. છપૈયામાં ધર્મદેવને ઉપાધિ (૧/૨/૧૫)

પ્રસંગ :

છપૈયામાં પ્રભુ-ભક્તિમાં રત બનેલા ધર્મદેવ પાસે મુમુક્ષુઓ આવતા. કૃષ્ણકથા સાંભળી તૃપ્ત થયેલા મુમુક્ષુઓ ધર્મદેવની ધન અને પદાર્થે કરીને સેવાનો લાભ લેતા.

સર્વ પ્રકારે સાનુકૂળતા થતાં રામપ્રતાપને યજ્ઞોપવિત આપી ધામધૂમથી પ્રસંગ ઊજવ્યો.

ધર્મદેવની સુખદ પરિસ્થિતિ જોઈ આસુરી ભાવવાળાને મનમાં બળતરા થવા લાગી.

ધર્મદેવની સંપત્તિનો નાશ થાય તેવા પ્રપંચો કરતા આ દુર્જનો તેમને ત્યાં રોજ બ્રાહ્મણોને ભિક્ષા માટે મોકલવા લાગ્યા.

ધર્મદેવ સદ્ભાગ્ય સમજી જમાડતા અને દક્ષિણા પણ આપતા.

આથી બ્રાહ્મણોની, ભિક્ષાર્થીઓ, અન્તાર્થીઓની કતાર લાગવા લાગી.

સંપત્તિ ખૂટવા લાગી. પોતાને ખાવા માટે પણ ઘરમાં અનાજનો દાણો ન રહ્યો.

તેથી ધર્મદેવ છપૈયાથી નીકળી અયોધ્યા ગયા.

મનન :

જે ઠેકાણે પોતે રહેતા હોઈએ તે ઠેકાણે કોઈક કઠણ ભૂંડો કાળ અથવા શત્રુ અથવા રાજા તેમના ઉપદ્રવે કરીને સર્વ પ્રકારે પોતાની લાજ જતી હોય કે ધનનો નાશ થતો હોય કે પોતાના પ્રાણનો નાશ થતો હોય અને તે જો પોતાના મૂળ ગરાસનું કે વતનનું ગામ હોય તો પણ તેનો તત્કાળ ત્યાગ કરી જયાં ઉપદ્રવ ન હોય તેવો જે બીજો દેશ તે પ્રત્યે જઈ સુખેથી રહેવું.


૫. મલ્લોના અખાડામાં મલ્લકુસ્તી (૧/૬/૮૮-૯૦)

પ્રસંગ :

ભુવાનદીન અને દીનાસિંહ પાસે આસનો શીખતા.

ઘેરથી લાવેલ દૂધ બંને મલ્લોને પાઈ દેતા.

મલ્લવિદ્યામાં નિપુણતા.

વીસ વર્ષના વિપ્રની ઘનશ્યામ સાથે રમવાની હઠ.

ઘનશ્યામને મારી નાખવાના આસુરી સ્વભાવ સાથે.

ઘનશ્યામે મૂકેલી શરત.

વિપ્ર મલ્લનો પરાભવ.

મલ્લનો બાપ ઘનશ્યામને ડરાવવા લાગ્યો.

રામપ્રતાપભાઈએ આપેલો ડારો.

બ્રાહ્મણ મલ્લ ભુવાનદીન અને દીનાસિંહનો બનેલો દ્વેષી.

ઈજારદાર રાજાને ભુવાનદીન અને દીનાસિંહની કરેલી વાત.

રાજાએ બંનેને સૈન્યમાં નોકરી કરવા કહ્યું : બંનેની ના.

રાજાના ચારિત્ર્યભ્રષ્ટ સિપાઈઓની સાથે લડાઈ.

ભુવાનદીન અને દીનાસિંહની ઘનશ્યામ સાથે અતૂટ પ્રીતિ.

ધર્મકાર્યમાં બંનેનો દેહ પડે - ઘનશ્યામનો સંકલ્પ - “હું હવે અયોધ્યાનો ત્યાગ કરી દેવાનો છું.”

મનન :

ઘનશ્યામને બીજાને જમાડવામાં આનંદ આવતો. ઉદ્ધત અને અહંકારી બનેલાને શિક્ષા પણ દેતા હતા.

પોતાનામાં પ્રીતિથી બંધાયેલાને પોતાનો વિયોગ ન થાય તેનું ધ્યાન રાખ્યું.

ધર્મનું રક્ષણ કરાવ્યું.

પ્ર.૯ નીચે આપેલાં પાત્રોમાંથી કોઈ પણ એક પાત્રના પ્રસંગો વર્ણવી વ્યક્તિત્વનું આલેખન કરો.

(કુલ ગુણ : ૮)

નોંધ :

પાત્રના પ્રસંગો વધારે હોય તેથી બધા જ પ્રસંગોનું વર્ણન હોવું જરૂરી નથી. તે પરીક્ષાર્થી પર આધાર રાખે છે.

૬ ગુણ પ્રસંગોના અને ૨ ગુણ વ્યક્તિત્વનાં આલેખનના આપવા.


૧. નાનીબા

(“ભાગવત ધર્મ પ્રસારણનું પ્રાંગણ” થી “બોચાસણ શ્રીહરિનું લક્ષ્ય” સુધીના જ પ્રસંગો)

પ્રસંગો :

(૧) બોચાસણમાં મુખી કાનદાસના ઘેર બ્રાહ્મણોને જમવાનું – વર્ણીને પણ આમંત્રણ. બ્રાહ્મણોએ લાડુ ન આપતાં નાનીબાને અકળામણ. વર્ણી દૂધ-ભાત જમ્યા.

વર્ણીએ કાશીદાસનું કાંડું પકડતાં નાનીબાએ કહ્યું : “આ કાંડું એમ ને એમ ઝાલી રાખજો.”

બીજે દિવસે વર્ણીની શોધમાં નાનીબા.

“મા ! મૂંઝાશો નહીં. બોચાસણમાં આવીશ અને સ્થિર થઈને રહીશ.”

સોળ ચિહ્નયુક્ત ચરણારવિંદની ધૂળ વસ્ત્રમાં બાંધી લીધી.

(૧/૧૪/૨૬૮-૨૭૩)

(૨) ગાદી પર આવ્યા પછી મહારાજ વિચરણ કરતાં બોચાસણ કાશીદાસને ઘેર આવ્યા.

નાનીબા આશ્ચર્યચક્તિ.

તપસ્વી વેશે જોયેલા વર્ણી અને આ રાજવી સ્વરૂપમાં નીલકંઠવર્ણીની મૂર્તિ કંડારાઈ.

“તમે ચાલ્યા ગયા સાવ નોંધારા મૂકીને.”

શ્રીહરિ : “નાનીબા ! અમે ભક્તને નોંધારા મૂકતા નથી. તે અમારી વાટ જુએ છે અને અમે તેમની પાસે જઈએ છીએ. તે અમને સંભારે છે. અને અમે પ્રત્યક્ષ થઈએ છીએ. અમે ભક્તોની પાછળ ફરીએ છીએ.”

નાનીબાના અંતઃચક્ષુ ખૂલી ગયાં.

શ્રીહરિએ નાનીબાને આપેલું વચન : “અહીં તીર્થ થશે.”

(૨/૪/૪૦-૪૧)

વ્યક્તિત્વનું આલેખન :

નાના ગામડામાં રહેતાં છતાં પ્રગટ ભગવાનના સ્વરૂપને ઓળખી કાઢ્યું.

તેમના વચનમાં વિશ્વાસ રાખી રાહ જોઈ.

તો મહારાજ ફરી પધાર્યા અને કાયમ માટે તેમને ત્યાં રહેવાનું વચન આપ્યું.


૨. ગજેફરખાન નવાબ (માણાવદર)

(“રામાનંદ સ્વામી અને નીલકંઠવર્ણીનું મિલન” થી “સમાધિ દ્વારા શ્રીહરિના ઐશ્વર્યનું દર્શન” સુધીના જ પ્રસંગો)

પ્રસંગો :

(૧) રામાનંદ સ્વામી સાથે સહજાનંદ સ્વામી માણાવદર પધાર્યા ત્યારે માણાવદરના નવાબ ગજેફરખાન, જેઓ ખૂબ ભાવિક હતા.

તેમણે તપાસ કરવા માણસ મોકલ્યો.

“બાપુ ! ગામમાં ખરેખર પ્રભુ પધાર્યા છે.”

(૧/૧૭/૩૫૭-૩૫૮)

(૨) રામાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીને ધર્મધુરા સોંપી ત્યારે નવાબે પોતાના મંત્રી પાસે પૂજા કરાવી પોતાના રાજ્યમાંની જમીન અર્પણ કરી.

(૧/૧૮/૩૭૭)

(૩) માણાવદરમાં મયારામ ભટ્ટે શ્રીહરિને તેડાવ્યા ત્યારે તેમના સ્વાગતમાં નવાબ પણ આવ્યા.

(૧/૨૦/૩૮૩)

(૪) નવાબની ઈચ્છાથી મયારામ ભટ્ટ અને ગોવિંદરામ ભટ્ટ મહારાજને વસંતપંચમીનો ઉત્સવ કરવા તેડવા માટે માંગરોળ ગયા.

શ્રીહરિએ તેમની વિનંતી સ્વીકારી માણાવદર પધાર્યા.

(૧/૨૧/૪૦૪)

વ્યક્તિત્વનું આલેખન :

પોતે ખૂબ ભાવિક હતા.

સાધુ-ફકીરો માટે સદાવ્રત ચલાવતાં.

ધર્મમાં માનનારા હતા.


વિભાગ – ૩ : ધાર્મિક વિધાનો અને ભાવનાઓ

(આઠમી આવૃત્તિ, જૂન – ૨૦૧૯)

તથા સામાન્ય જ્ઞાન નિબંધ


પ્ર.૧૦ નીચે આપેલા પ્રશ્નોના એક (સંપૂર્ણ) વાક્યમાં જવાબ લખો.

(કુલ ગુણ : ૫)

નોંધ :

અડધા સાચા જવાબનાં ગુણ આપવા નહીં.

૧. ઘરમંદિરમાં કોની મૂર્તિ રાખી શકાય ? (૧/૫૬)

ઘરમંદિરમાં ઈષ્ટદેવ અને ગુરુપરંપરાની મૂર્તિઓ રાખવી જોઈએ.

૨. ગાંધીજી પોતાની માતા માટે શું કહે છે ? (૯/૬૭)

“મારી માતાએ જ મારા જીવનપથ્થરને સલાટની જેમ ઘડ્યો છે.”

૩. મંત્ર એટલે શું ? (૩/૨૬)

પરમાત્માના મહિમાને અભિવ્યક્ત કરતો શબ્દ અથવા વાક્ય એટલે મંત્ર.

૪. કોણ કોઈને દુઃખ આપતા નથી ? (૧૦/૭૯)

ભગવાન કોઈને દુઃખ આપતા નથી.

૫. અઠવાડિક સત્સંગ સભાનું આયોજન કોણે કર્યું ? (૮/૫૯)

અઠવાડિક સત્સંગ સભાનું આયોજન બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજે કર્યું.


પ્ર.૧૧ નીચે આપેલા પ્રશ્નોમાંથી કોઈ પણ એકનો મુદ્દાસર જવાબ લખો.

(દસેક લીટીમાં)
(કુલ ગુણ : ૩)

૧. આહાર કેટલા પ્રકારના છે ? તેની વિગત શી ? (૧૧/૮૩-૮૪)

આહારના ત્રણ પ્રકાર શાસ્ત્રોમાં વર્ણવ્યા છે :

૧. સાત્ત્વિક
૨. રાજસિક (રાજસી)
૩. તામસિક (તામસી)

૧. સાત્ત્વિક આહાર :

પુષ્ટિદાયક (દૂધ, મધ આદિ), આરોગ્યદ, સ્નિગ્ધ (ઘી, માખણ...), સ્થિર (શરીર સાથે એકરસ થઈ જનાર), મધુર સ્વાદિષ્ટ આહારને સાત્ત્વિક આહાર કહેવામાં આવે છે.

૨. રાજસી આહાર :

મધુર રસ વિનાના પાંચ રસો ખાટો, ખારો, તીખો, તૂરો ને કડવો અલગ અલગ લેવાય તે રાજસી આહાર છે.

આ ઉપરાંત, અત્યંત ગરમ (ચૂલા પરથી તરત ઉતારેલા); લૂખા (જે આહાર ખાધા પછી ખૂબ પાણી પીવું પડે છતાં તૃષા ન છીપે તેવા); તળેલા, શેકેલા, ઉકાળેલા, વઘારેલા, દાહ કરનાર (લવિંગ, તજ, લીંડી પીપર, જાવંત્રી, એલચી આદિ); મોંમાં ઝણઝણાટ ને પાણી ઉત્પન્ન કરનારા; જેના સેવનથી દુઃખ, શોક, ગ્લાનિ તથા રોગ ઊપજે છે; તે રાજસી આહાર છે.

૩. તામસી આહાર :

જે આહાર રાંધ્યા પછી ઘણા સમય સુધી પડી રહ્યો હોય; ઊતરી ગયો હોય; પદાર્થનો મૂળભૂત રસ નાશ પામ્યો હોય; કાચો પાકો રંધાયો હોય; જેમાંથી દુર્ગંધ આવતી હોય; મુશ્કેલીથી પચે તેવો; ખૂબ મસાલાથી ભરપૂર હોય; ટાઢો ને વાસી હોય; કોઈનો એંઠો કે છાંડેલો હોય; જેમાં કીટ, વાળ જેવી અપવિત્ર વસ્તુઓ હોય; શાસ્ત્ર નિષિદ્ધ માંસ, માછલી, ઈંડાં, કાંદા, લસણ આદિથી યુક્ત હોય; તે આહારને તામસી આહાર કહ્યો છે.


૨. બાળકની પ્રગતિનાં સોપાન શાં હોઈ શકે ? (૯/૬૫-૬૬)

બાળકના વિકાસનાં ઘણાં વિવિધ પાસાંઓ છે.

(૧) શારીરિક વિકાસ
(૨) બૌદ્ધિક વિકાસ
(૩) માનસિક વિકાસ
(૪) મનોસામાજિક વિકાસ
(૫) નૈતિક વિકાસ
(૬) આધ્યાત્મિક વિકાસ

શરૂઆતનાં વર્ષોમાં બાળકનું શારીરિક બંધારણ ઘડાય છે. તે સમયે યોગ્ય ખોરાક મળવો જરૂરી છે.

બાળકના મનમાં ઊઠતી અનેક જીજ્ઞાસાઓને યોગ્ય રીતે સંતોષવાથી તથા આગળ જતાં શાળાકીય શિક્ષણથી એનો બૌદ્ધિક વિકાસ શક્ય બને છે.

શારીરિક વિકાસ તે બાહ્ય છે.

મનુષ્યનો આંતરિક વિકાસ બુદ્ધિ અને લાગણીઓના સંતુલન પર અવલંબે છે.

બાળકમાં ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા જાગે, બાળકને સદાચારનો મહિમા સમજાય અને એ પ્રકારનો સદાચાર પ્રગટે, અન્ય વ્યક્તિઓની લાગણીઓ પણ સમજી શકે... આ છે એનો આંતરિક વિકાસ.

બૌદ્ધિક વિકાસની સાથે આ કેળવણીની પણ આવશ્યકતા છે.

આ કેળવણી અત્યારે શાળામાં શક્ય નથી.

માતા-પિતાના યોગ્ય માર્ગદર્શનથી અને સંતોના સમાગમથી આ કેળવણી શક્ય બને છે.

પ્ર.૧૨ નીચે આપેલા વિષયોમાંથી કોઈ પણ એક ઉપર ટૂંકનોંધ લખો.

(પંદરથી વીસ લીટીમાં)
(કુલ ગુણ : ૬)


૧. કંઠી ધારણ કરતાં પહેલાં જમણા હાથમાં જળ અપાય છે અને મંત્ર બોલાવવામાં આવે છે તે શું છે ?

(૫/૪૭-૪૮)

ભગવાનની શરણાગતિનો સ્વીકાર કરતાં પહેલાં શુદ્ધ થવું જરૂરી છે.

જળ મળને દૂર કરે છે, સ્વચ્છતા અને પવિત્રતા અર્પે છે. આમ, જળમાં શુદ્ધિનો ગુણ છે.

ભગવાનને શરણે જતાં, મન-કર્મ-વચને શુદ્ધ થવાના ભાવ સાથે જમણા હાથમાં જળ ધારણ કરવામાં આવે છે.

વળી, હાથમાં જળ ધારણ કરવાનું બીજું પણ એક કારણ છે.

જળ એ વરુણદેવનું સ્વરૂપ છે.

અપ્સુ વૈ વરુણઃ (તૈત્તિરીય ૧-૭-૫/૫/૬)

આથી, શાસ્ત્ર પ્રમાણે કોઈ પણ પ્રતિજ્ઞા, સંકલ્પ વરુણદેવની સાક્ષીએ કરવાના ભાવ સાથે હાથમાં જળ રાખવામાં આવે છે.

જો પ્રતિજ્ઞાનો ભંગ કરવામાં આવે, તો વરુણદેવ તેને દંડ આપે છે.

(અનૃતે ખલુ વૈ ક્રિયમાણે વરુણો ગૃષ્ણાતિ) (તૈત્તિરીય ૧-૭/૧/૨/૬)

જમણા હાથમાં જળ ધારણ કરીને ભગવાનની શરણાગતિ પ્રતિઘોષિત કરતો મંત્ર નીચે પ્રમાણે બોલવામાં આવે છે :

ધન્યોસ્મિ પૂર્ણકામોમિ નિષ્પાપો નિર્ભયઃ સુખી ।
અક્ષર-ગુરુ-યોગેન સ્વામિનારાયણ-આશ્રયાત્ ।।

અર્થાત્ પ્રગટ અક્ષરબ્રહ્મ ગુણાતીત ગુરુહરિના યોગથી પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણનો આશરો મને પ્રાપ્ત થયો છે.

તેથી હું ધન્ય થયો છું, પૂર્ણકામ થયો છું, અનાદિ કાળથી વળગેલાં પાપોથી મુક્ત થયો છું; કાળ કર્મ અને માયાના ભયથી મુક્ત થયો છું અને સહજાનંદ શ્રીહરિના અનંત દિવ્ય આનંદથી સુખી થયો છું.

આ મંત્રના ઉચ્ચારણ બાદ નીચેનો મંત્ર બોલવો :

અક્ષરમ્ અહં પુરુષોત્તમ-દાસોસ્મિ

અર્થાત્ અક્ષર એવો હું પુરુષોત્તમનો દાસ છું.

ભગવાનનું શિરછત્ર મસ્તક પર આવતાં શરણાગત ભક્ત અન્ય સર્વે ભયથી મુક્ત બને છે.

ભૂતકાળનો ભાર ઉતારી, ભવિષ્યની ચિંતા પ્રભુ પર છોડીને સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા મુજબ નવું જીવન જીવવાનો પ્રારંભ કરે છે.


૨. નિત્યપૂજાવિધિની ક્રમિક પદ્ધતિ શી છે ?

(પૂજાના આદર્શ સમયથી મૂર્તિની ગોઠવણી સુધી) (૨/૧૨-૧૫)

બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના અનુયાયીઓ માટે નિત્યપૂજા વિધિ નીચે પ્રમાણે સ્વીકારાયેલી છે :

(૧) પૂજાનો આદર્શ સમય :

સૂર્યોદય પહેલાં જાગ્રત થઈ શૌચ-સ્નાનાદિક ક્રિયાથી પરવારી સૌ પ્રથમ પૂજાવિધિનું કાર્ય કરવું જોઈએ.

વહેલી પ્રભાતે શાંત વાતાવરણમાં કરેલી પૂજાથી વિશેષ સમાસ થાય છે.

મન સરળતાથી ભગવાનમાં પરોવાય છે.

(૨) વસ્ત્રો :

પૂજાનાં વસ્ત્રો અલગ રાખવાં.

તે ધોયેલાં અને સ્વચ્છ રાખવાં.

આ વસ્ત્રોમાં એક ધોતિયું અને એક ઉપવસ્ત્ર રાખવું, તે ઉત્તમ છે.

પૂજા બાદ આ વસ્ત્રોને વાળીને મૂકી દેવાં.

જો ધોતિયું અનુકૂળ ન આવે તો બીજા નંબરે સફેદ લેંઘો-ઝભ્ભો ફક્ત પૂજા માટે અલગ રાખવા.

પૂજા બાદ તેને વાળીને અલગ રાખવા.

રોજિંદા જીવનમાં તેનો વ્યવહાર કરવો નહિ.

પેન્ટ-શર્ટ પહેરીને પૂજા ન કરીએ તે ઇચ્છનીય છે.

પૂજા દરમ્યાન ટુવાલ, લુંગી કે ચડ્ડી તો ન જ પહેરાય.

આપણે કોઈ સારા માણસને મળવા જઈએ ત્યારે આવું પહેરીને જઈએ છીએ ?

તો પૂજામાં તો ભગવાનને મળવાનું છે.

તેથી આવાં વસ્ત્ર ન પહેરવાં.

વળી, પૂજા દરમ્યાન વાતચીત ન કરવી.

આડુંઅવળું ન જોવું.

(૩) સ્થળ :

શક્ય તેટલું શાંત અને એકાંત સ્થળ પૂજા માટે પસંદ કરવું.

(૪) આસન :

એક આસન પાથરી તેના પર ઉત્તર કે પૂર્વ મુખે બેસવું.

શાસ્ત્રમાં આ બે દિશાને પવિત્ર માની છે.

સામે બીજું આસન ઠાકોરજી માટે પાથરવું.

તેના પર ખોલ્યા વગરની મૂર્તિઓ, શિક્ષાપત્રી, માળા અને તિલક-ચાંદલાનાં સાધનો વ્યવસ્થિત રીતે મૂકવાં.

(૫) તિલક-ચાંદલો :

સૌ પ્રથમ કપાળ મધ્યે તિલક કરવું.

તિલકની મધ્યમાં કુંકુમનો ચાંદલો કરવો.

કપાળમાં ચંદનનો ચાંદલો ન કરવો.

જો કંકુથી ચામડી પર રિએકશન આવતું હોય, તો ચંદનનો ચાંદલો કરી શકાય.

કપાળ પર તિલક-ચાંદલો કર્યા બાદ બે ભૂજા અને છાતી પર તિલક અને ચંદનનો ચાંદલો કરવા.

(૬) ધ્યાન :

પદ્માસન કે સિદ્ધાસનમાં બેસી નેત્ર મીંચવાં.

પદ્માસન ન ફાવે તો સાદી પલાંઠી વાળી ટટ્ટાર બેસવું.

સંસાર-વ્યવહારના તમામ સંકલ્પો પડતા મૂકીને મહારાજ-સ્વામીનું સ્મરણ કરી ધ્યાનસ્થ થવું.

મનની એકાગ્રતા માટે ઓમ અને ભ્રમરી પ્રાણાયમ કરી શકાય.

ધ્યાનમાં શું શું કરશું ?

૧. આત્મવિચાર :
હું આત્મા છું. આ દેહથી જુદો છું. મારા અંતરાત્મામાં શ્રીજીમહારાજ અખંડ રહ્યા છે. પ્રમુખસ્વામી મહારાજ ને મહંતસ્વામી મહારાજ મારું સ્વરૂપ છે.

૨. ધ્યેય :
મારે કોઈપણ ભોગે કોઈપણ સંજોગોમાં શ્રીજીમહારાજ, પ્રમુખસ્વામી મહારાજ અને મહંતસ્વામી મહારાજને રાજી કરવા જ છે. મારે અક્ષરરૂપ થઈ પુરુષોત્તમની સેવામાં રહેવું છે.

૩. માનસી પૂજા :
માનસી પૂજામાં ભગવાનની, ગુરુની ષોડશોપચારથી પૂજા કરવી.

આ સઘળા ઉપાચારો, નેત્ર મીંચી, મૂર્તિનું ધ્યાન કરતાં થકા ગદ્ગદભાવે ચિંતવવા.

(૭) મૂર્તિઓની ગોઠવણી :

શ્રી યોગીજી મહારાજ – શ્રી ભગતજી મહારાજ – શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજ – શ્રી શાસ્ત્રીજી મહારાજ – શ્રી પ્રમુખસ્વામી મહારાજ – શ્રી મહંતસ્વામી મહારાજ

ધ્યાન બાદ ઠાકોરજીના આસન પર આ પ્રમાણે મૂર્તિઓ ગોઠવવી.

મૂર્તિસ્થાપન બાદ આહ્વાન મંત્ર બોલી હાથ જોડી ભગવાનને પૂજામાં પધારવા પ્રાર્થના કરવી :

ઉત્તિષ્ઠોતિષ્ઠ હે નાથ, સ્વામિનારાયણ પ્રભો।
ધર્મસૂનો દયાસિન્ધો સ્વેષાં શ્રેયઃ પરં કુરુ ।।
આગચ્છ ભગવન્ દેવ, સ્વસ્થાનાત્ પરમેશ્વર।
અહં પૂજાં કરિષ્યામિ સદા ત્વં સન્મુખો ભવા ।।

અથવા

ઉત્તિષ્ઠ સહજાનંદ શ્રીહરે પુરુષોત્તમ।
ગુણાતીતાક્ષર બ્રહ્મન્ ઉત્તિષ્ઠ કૃપયાગુરો ।।
આગમ્યતાં હિ પૂજાર્થમ્ આગમ્યતાં મદાત્મતઃ ।
સાન્નિધ્યાદર્શનાદ્દિવ્યાત્સૌભાગ્યવર્ધતે મમ ।।

હે ધર્મના પુત્ર ! હે દયાસિન્ધુ ! હે નાથ ! હે સ્વામિનારાયણ ! હે પ્રભુ !

જાગો અને પોતાના (ભક્તોનું) પરમ કલ્યાણ કરો.

હે પરમેશ્વર ! હે દેવ ! હે ભગવાન !

આપ આપના સ્થાનમાંથી, અક્ષરધામમાંથી મારી પૂજામાં પધારો.

આપ સદા માટે સન્મુખ વિરાજમાન થાવ.

હું આપની પૂજા કરવા ઇચ્છું છું.


પ્ર.૧૩ નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો.

(ચાર થી પાંચ લીટીમાં)
(કુલ ગુણ : ૬)

૧. ઘરસભાથી શા લાભ થાય છે ? (૮/૬૧-૬૨)

બાળકોમાં સારા સંસ્કારો પડે છે.

બાળકોની ટી.વી. જોવાની કુટેવ દૂર થાય છે.

તેથી તેઓ અભ્યાસમાં તેજસ્વી બને છે.

કુટુંબના યુવાનોમાં નમ્રતા આવે છે અને વડીલો માટે માન વધે છે.

વ્યસનો દૂર થાય છે.

કુટુંબીઓમાં આત્મીયતા થાય છે અને અણસમજણ ને ઝઘડાઓ દૂર થાય છે.

ક્રોધ, સ્વાદ, ઈર્ષ્યા, માન જેવા દુઃખકારી સ્વભાવો ટળે છે.

વ્યવહારના સારા-માઠા પ્રસંગોમાં સ્થિરતા રહે છે.

વ્યવહાર સુધરે છે.

ઘરમાં અખંડ શાંતિ રહે છે.

૨. આરતી વખતે ઘંટ, નગારું અને શંખનો નાદ શા માટે કરવામાં આવે છે ? (૪/૪૩)

માણસની આંતરિક ઊર્મિઓ અને સંગીતને પહેલેથી જ ગાઢ સંબંધ રહ્યો છે.

મનુષ્યને કોઈક અમૂલ્ય વસ્તુની પ્રાપ્તિ થાય, કોઈક ક્ષેત્રમાં અદ્વિતીય સફળતા મળે અને એનો આનંદ અંતરમાં ન સમાય ત્યારે વિજયનો એ આનંદ વ્યક્ત કરવા સહજભાવે તે નાચી ઊઠે છે, હર્ષોદ્ગારો કરવા માંડે છે, ચિત્ર-વિચિત્ર અવાજો કરે છે અથવા તાળીઓ પણ વગાડવા માંડે છે.

પ્રાચીન કાળમાં આનંદ વ્યક્ત કરવા આવી રીતો મનુષ્ય અપનાવતો.

સમય જતાં આવો આનંદ વ્યક્ત કરવા તે ઘંટ, નગારું, ઝાલર, શંખ વગેરેનો નાદ કરવા લાગ્યો.

ભક્તને પણ ભગવાનની પ્રાપ્તિનો આનંદ છે.

આ આનંદ ઘોષિત કરવા ભક્ત પણ આવા માંગલિક નાદ કરવા લલચાય છે.

રાજાના વિજયોત્સવમાં પણ આવા નાદ થાય, તો ભગવાન તો રાજાધિરાજ છે.

આથી જ, એમના પૂજનમાં આરતી સમયે આ નાદ કરવામાં આવે છે.

વળી, નાદની વાતાવરણ પર પણ અસર હોય છે.

ઢોલ પર થાપ પડે, તબલાંની રમઝટ બોલે તો સોરઠી યુવાનના પગ નાચવા માટે થનગનવા માંડે.

ઢોલ-તબલાંનો નાદ એના મન પર છવાઈ જાય છે.

‘માર્ચિંગ બૅન્ડ’ વાગે અને માણસનો ચાલવાનો લય બદલાઈ જાય.

ડિસ્કો-સંગીત વાગે અને યુવાનના પગ ઊપડવા માંડે.

આ રીતે વિવિધ નાદની માનસપટ પર વિવિધ અસરો છે.

ઘંટ, ઝાલર, નગારાંનો વિજયસૂચક માંગલિક નાદ પણ માનવીના માનસપટ પર છવાઈ જાય છે.

કહોને કે ભગવાનની સર્વોપરીતા છવાઈ જાય છે.

અન્ય સર્વે વિચારો પાછા વળતાં ભગવાનની આરતીમાં ભક્ત નિમગ્ન બને છે.

આ રીતે ભગવાનની પ્રાપ્તિનો આનંદ પ્રતિઘોષિત કરવાના હેતુથી તેમજ ભગવાનનાં આરતી-પૂજનને અનુરૂપ દિવ્ય વાતાવરણનું નિર્માણ કરવાના હેતુથી, આરતી વખતે ઝાલર, શંખ, નગારું વગેરેનો નાદ કરવામાં આવે છે.

૩. મૂર્તિ શા માટે ? (૧/૧૨-૧૩)

એક કિશોરે એના ઓરડામાં એના મનપસંદ ક્રિકેટરનું એક મોટું પોસ્ટર ટીંગાડયું.

શા માટે ?

“મને એના પ્રત્યે માન છે. હું એને ચાહું છું. મારે પણ એના જેવા મહાન રમતવીર બનવું છે. મારું એ ધ્યેય છે. મને આ પોસ્ટરમાંથી પ્રેરણા મળે છે.”

પોસ્ટર કહો, ચિત્રપ્રતિમા કહો કે મૂર્તિ કહો, તે માનવીના હૃદયમાં પ્રેમ, આદર અને જીવનના ધ્યેય પ્રતિ પ્રેરણાની ગંગા વહાવે છે.

પ્રેમ, આદર અને પ્રેરણાની ગંગાનું ઉદ્ગમસ્થાન એટલે જ મૂર્તિ.

જીવનમાં આ ત્રિવેણીને પ્રગટાવવા માટે જ મૂર્તિની આવશ્યકતા છે.

મહાભારતનો એકલવ્ય, ગુરુ દ્રોણની મૂર્તિ દ્વારા જ તો અજોડ બાણવીર બન્યો હતો.

0 comments

પ્રાજ્ઞ -1 / પેપર – 1 - 13 JULY -2025 PAPER AND SOLUTION

  વિભાગ – ૧ : વચનામૃત (કુલ ગુણ : ૨૫) પ્ર.૧ નીચે આપેલા પ્રશ્નોના એક (સંપૂર્ણ) વાક્યમાં જવાબ લખો. (કુલ ગુણ : ૪) કુશાગ્રબુદ્ધિવાળો કોને...