ચાતુર્માસના નિયમ પ્રમાણે વાંચન વચનામૃત અને સ્વામીની વાતો - દિવસ -3

 

॥ વચનામૃત ॥

ગઢડા પ્રથમ ૩

લીલાચરિત્ર સંભારી રાખવાનું

સંવત ૧૮૭૬ના માગશર સુદિ ૬ છઠને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં રાત્રિને સમે વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય તેણે પણ ભગવાને જે જે અવતારે કરીને જે જે સ્થાનકને વિષે જે જે લીલા કરી હોય તે સંભારી રાખવી. અને બ્રહ્મચારી, સાધુ તથા સત્સંગી તેની સાથે હેત રાખવું અને એ સર્વને સંભારી રાખવા. તે શા સારુ જે, કદાપિ દેહ મૂક્યા સમે ભગવાનની મૂર્તિ ભૂલી જવાય તો પણ ભગવાને જે સ્થાનકને વિષે લીલા કરી હોય તે જો સાંભરી આવે અથવા સત્સંગી સાંભરી આવે અથવા બ્રહ્મચારી ને સાધુ સાંભરી આવે તો તેને યોગે કરીને ભગવાનની મૂર્તિ પણ સાંભરી આવે અને તે જીવ મોટી પદવીને પામે અને તેનું ઘણું રૂડું થાય. તે માટે અમે મોટા મોટા વિષ્ણુયાગ કરીએ છીએ તથા જન્માષ્ટમી અને એકાદશી આદિક વ્રતના વર્ષોવર્ષ ઉત્સવ કરીએ છીએ અને તેમાં બ્રહ્મચારી, સાધુ, સત્સંગીને ભેળા કરીએ છીએ. અને જો કોઈક પાપી જીવ હોય અને તેને પણ જો એમની અંતકાળે સ્મૃતિ થઈ આવે તો તેને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય.”



॥ સ્વામીની વાતો ॥

પ્રકરણ: ૧

વાત: ૨૧ થી ૩૦

આ તો ભગવાને સૌનું સામર્થ્ય ઢાંકી રાખ્યું છે, નીકર તો શાપ દઈને બાળી મૂકે, નીકર ગાંડા થઈને ક્યાંયના ક્યાંય ચાલ્યા જાય, નીકર હાથે દેહ મૂકીને જાતા રહે, પણ આ તો કોઈનું ચાલવા દેતા નથી.

(૧/૨૧)

ભગવાન તો પોતાના ભક્તની રક્ષા કરવામાં જ બેઠા છે. કેની પેઠે? તો જેમ પાંપણ આંખની રક્ષા કરે છે ને હાથ કંઠની રક્ષા કરે છે ને માવતર છોકરાંની રક્ષા કરે છે ને રાજા પ્રજાની રક્ષામાં છે, તેમ જ ભગવાન આપણી રક્ષામાં છે.

(૧/૨૨)

“ભગવાન કેટલાકને સમૃદ્ધિ આપે છે ને કેટલાકને નથી આપતા, તેનું કેમ સમજવું? એ પ્રશ્ન છે.” તેનો ઉત્તર જે, “ઝાઝું ધન મળે તો વધારે ફેલ કરે, માટે થોડું મળે તે ઠીક છે.”

 (૧/૨૩)

પાંચ-દસ વાર ‘સ્વામિનારાયણ, સ્વામિનારાયણ’ નામ જાણ્યે-અજાણ્યે લેશે તેનું પણ આપણે કલ્યાણ કરવું પડશે ને આખા બ્રહ્માંડને સત્સંગ કરાવવો છે.

(૧/૨૪)

જેટલું કાંઈ માયામય સુખ છે તે સર્વે દુઃખ વિનાનું હોય નહિ, એ વાત પણ એક જાણી રાખવી.

 (૧/૨૫)

વિષયનું જે સુખ છે તે કરતાં આત્માનું સુખ બહુ અધિક છે ને તે કરતાં ભગવાનનું સુખ એ તો ચિંતામણિ છે.

 (૧/૨૬)

એક જણે લાખ રૂપિયાની બુદ્ધિ લીધી, તેમ જ મોક્ષની બુદ્ધિ પણ અનેક પ્રકારની મોટા થકી શિખાય છે.

(૧/૨૭)

હીરો છે તે કોઈ રીતે ફૂટે નહિ પણ તે માંકડના લોહીથી ફૂટે. તેમ વાસના કોઈ રીતે ટળે નહિ પણ મોટા કહે તેમ કરે, તેનો ગુણ આવે ને એની ક્રિયા ગમે તો તેથી ટળે; નીકર સાધન તો સૌભરિ આદિકનાં કેવાં? તો પણ વાસના ટળી નહિ.

(૧/૨૮)

સત્સંગ થાય પણ સંગ વિના સત્સંગનું સુખ ન આવે, કેની પેઠે? તો જેમ ખાધાનુ મળે પણ ખાધા વિના સુખ ન આવે, જેમ લૂગડાં-ઘરેણાં મળે તો પણ પે’ર્યા વિના તેનું સુખ ન આવે, તેમ સંગ વિના સત્સંગનુ સુખ આવે નહિ.

(૧/૨૯)

આવા સાધુને મનમાં સંભારીએ તો મનનાં પાપ બળી જાય ને વાતું સાંભળીએ તો કાનનાં પાપ બળી જાય ને દર્શન કરીએ તો આંખનાં પાપ બળી જાય, એમ મહિમા જાણવો.

(૧/૩૦)

0 comments

ચાતુર્માસના નિયમ પ્રમાણે વાંચન વચનામૃત અને સ્વામીની વાતો - દિવસ -3

  ॥ વચનામૃત ॥ ગઢડા પ્રથમ ૩ લીલાચરિત્ર સંભારી રાખવાનું સંવત ૧૮૭૬ના માગશર સુદિ ૬ છઠને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં રાત...