ચાતુર્માસના નિયમ પ્રમાણે વાંચન વચનામૃત અને સ્વામીની વાતો - દિવસ -35
॥ વચનામૃત ॥
ગઢડા પ્રથમ ૩૫
કલ્યાણના જતનનું
સંવત ૧૮૭૬ના પોષ વદિ ૧૨ દ્વાદશીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવ નારાયણના મંદિર આગળ લીંબડાના વૃક્ષ તળે ઢોલિયા ઉપર ઉગમણે મુખારવિંદે વિરાજતા હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિની સભા તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજ મુનિ પ્રત્યે બોલ્યા જે, “તમે પ્રશ્ન પૂછો કાં અમે પૂછીએ.” ત્યારે મુનિએ કહ્યું જે, “હે મહારાજ! તમે પૂછો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “કોઈ પુરુષ છે તેમાં થોડી બુદ્ધિ છે તો પણ પોતાના કલ્યાણને અર્થે જે જતન કરવું તેમાંથી પાછો પડતો નથી અને કોઈ બીજો પુરુષ છે તેમાં બુદ્ધિ તો ઘણી છે અને મોટા-મોટામાં પણ ખોટ્ય કાઢે એવો છે તોય પણ કલ્યાણને માર્ગે ચાલતો નથી તેનું શું કારણ છે?” ત્યારે મુનિએ ઉત્તર કરવા માંડ્યો, પણ શ્રીજીમહારાજે આશંકા કરી તે ઉત્તર ન થયો. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો, અમે ઉત્તર કરીએ જે, એમાં બુદ્ધિ તો ઝાઝી છે પણ એની બુદ્ધિ દૂષિત છે, માટે એ કલ્યાણને માર્ગે ચાલી શકતો નથી. જેમ સુંદર ભેંસનું દૂધ હોય તેમાં સાકર ઘોળી હોય ને તેમાં સર્પની લાળ પડી એટલે એ સાકર ને દૂધ હતું તે ઝેર થયું, પછી તેને જે પીએ તેના પ્રાણ જાય; તેમ બુદ્ધિ તો ઝાઝી છે પણ એણે કોઈ મોટા સંતનો અથવા પરમેશ્વરનો અવગુણ લીધો છે, તે અવગુણરૂપ દોષ એની બુદ્ધિમાં આવ્યો છે, તે સર્પની લાળ સરખો છે, માટે એ તો કલ્યાણને માર્ગે ક્યાંથી ચાલે? પણ જો કોઈક એના મુખની વાત સાંભળે તો તે સાંભળનારાની બુદ્ધિ પણ સત્સંગમાંથી પાછી પડી જાય છે. અને એવી દૂષિત બુદ્ધિવાળો જ્યાં જ્યાં જન્મ ધરે ત્યાં ત્યાં ભગવાનનો અથવા ભગવાનના ભક્તનો દ્રોહ જ કરે. અને જેની બુદ્ધિ એવી રીતે દૂષિત ન હોય ને તે જો થોડી જ હોય તો પણ તે પોતાના કલ્યાણને અર્થે જતન કરતો થકો પાછો પડતો નથી.”
ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ! એ કોઈ દિવસ ભગવાનને સન્મુખ થાય? કે ન થાય?” ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, “એ તો કોઈ કાળે ભગવાન સન્મુખ થાય જ નહીં.” ત્યારે વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ! કોઈ રીતે એવી આસુરી બુદ્ધિ ન થાય તેનો જે ઉપાય હોય તે કહો.” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એક ક્રોધ, બીજું માન, ત્રીજી ઈર્ષ્યા, ચોથું કપટ એ ચાર વાનાં પરમેશ્વર સાથે તથા સંત સાથે રાખે નહીં, તો કોઈ દિવસ એની આસુરી બુદ્ધિ થાય નહીં. અને એ ચાર વાનાં માંહેલું એક જો રાખે તો જેમ જય-વિજય ઘણાય ડાહ્યા હતા પણ સનકાદિક સંગાથે માને કરીને વૈકુંઠલોકમાંથી પડી ગયા ને આસુરી બુદ્ધિ થઈ, તેમ તેની પણ આસુરી બુદ્ધિ થાય. અને જ્યારે આસુરી બુદ્ધિ થાય ત્યારે ભગવાન તથા ભગવાનના ભક્તના જે ગુણ હોય તે દોષ સરખા ભાસે છે. અને એ જ્યાં જ્યાં જન્મ ધરે ત્યાં ત્યાં કાં તો શિવનો ગણ થાય ને કાં તો કોઈ દૈત્યનો રાજા થાય અને વૈરભાવે પરમેશ્વરનું ભજન કરે.”
॥ સ્વામીની વાતો ॥
પ્રકરણ: ૨
વાત: ૧ થી ૧૦
સર્વ સાધન કરતાં સંગ બળવાન છે. કેમ જે, સંગ થકી જ સર્વ વાત થાય છે, પણ સંગ વિના કોઈ કામ થાતું નથી. માટે સર્વમાં પ્રથમ સંગ મુખ્ય છે. ને મોક્ષનો માર્ગ પણ સંગ થકી સમજાય ને વ્યવહારમાર્ગ પણ સંગ થકી આવડે છે. માટે સંગની બરોબર કોઈ સાધન નથી. દેશકાળાદિક આઠ કહેવાય છે, તેમાં પણ સંગને મુખ્ય કહે છે, તથા નવ પ્રકારની ભક્તિમાં પણ શ્રવણભક્તિને મુખ્ય કહી છે, તે પણ સંગ થકી આવે છે. અને શિક્ષાપત્રીમાં પણ ‘નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ કરવો’ એમ કહ્યું છે ને વચનામૃતમાં પણ સંગનું અધિકપણું બહુ ઠેકાણે કહ્યું છે. માટે સર્વ શાસ્ત્ર સત્પુરુષનો સંગ કરવાનું પ્રતિપાદન કરે છે. તે સંગ કરવો, તેમાં પણ જેવા પુરુષનો સંગ થાય તે થકી તેવો સમાસ થાય છે; ને સર્વદેશી પુરુષનો સંગ થાય તો સર્વદેશી જ્ઞાન પ્રાપ્ત થાય છે; ને એકદેશી સંગ થકી સર્વ જ્ઞાન પમાય નહિ. કેમ જે, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, મહિમા આદિકમાંથી જેને જે અંગ મુખ્ય હોય તેના સંગ થકી તે વાત સમજાય અને સર્વે અંગે સંપૂર્ણ હોય તેના સંગથી સર્વે વાત સમજાય છે. માટે સર્વદેશી સંગ મળવો બહુ દર્લભ છે. અને સંગ કરવો તેમાં ગુરુની શુદ્ધિ ત્રણ પ્રકારની જોવી. તેની વિક્તિ જે, એક તો તેનું પંડનું વર્તન હોય તેનો તપાસ કરવો. બીજું તેણે જેને સેવ્યા હોય તેનું સામર્થ્ય જોવું ને ત્રીજું તેના સંગ થકી જે થયા હોય તેને જાણવા, એમ તપાસ કરવો.
સર્વ કરતાં ઉપાસના સમજવી એ મોટું સાધન છે ને સર્વમાં ઉપાસના મુખ્ય બળવાન છે. તે સર્વોપરી ને સર્વ અવતારના અવતારી ને સર્વ કારણના કારણ મહારાજને સમજવા, એક તો એ સમજવાનું છે. ને બીજું ભગવાનનું સ્વરૂપ સર્વ પ્રકારે નિર્દોષ સમજવું. તે ‘સ્વરૂપનિર્ણય’માં કહ્યું છે એવી રીતે ભગવાનનું સ્વરૂપ સમજવું. તે બે વાત મુખ્યપણે અવશ્ય સમજવાની છે. બાકી ભગવાનનો મહિમા સમજવો તે તો સર્વમાં મુખ્ય છે, પણ મહિમા તો ઉપાસના તથા સ્વરૂપ સમજવામાં આવી જાય છે, ને મહિમા વતે સર્વ સાધન થાય છે, ને મહિમા સર્વ કરતાં બળવાન છે. તે શ્રીજીમહારાજે વચનામૃતમાં કહ્યું છે એમ સમજીને પોતાને બ્રહ્મરૂપ માનીને સ્મૃતિ રાખવી, એ કરવાનું છે. ને ઉપાસનાની વિક્તિ જે, જેવા મહારાજને સમજે તેવો પોતે થાય. મહારાજને શ્રીકૃષ્ણ જેવા સમજે તો ગોલોકને પામે, ને રામચંદ્રજી જેવા સમજે તો વૈકુંઠને પામે, ને વાસુદેવ જેવા જાણે તો શ્વેતદ્વીપને પામે, ને નરનારાયણ જેવા જાણે તો બદરિકાશ્રમને પામે; તે જેવા જાણે તેવો થાય, ને તેટલું ઐશ્વર્ય ને તેટલા સામર્થ્યને પામે, ને મહારાજને સર્વ અવતારના અવતારી ને અક્ષરધામના પતિ સમજે તો અક્ષરધામને પામે. તે મહારાજે વચનામૃતમાં કહ્યું છે જે, “જેવા ભગવાનને સમજે તેવો પોતે થાય છે ને ભગવાન તો અપાર ને અપાર રહે છે.” માટે ઉપાસના ચોખ્ખી સમજવી એ મુખ્ય સાધન છે.
આ જીવને પાંચ વાનાં અવશ્ય જોઈએ પણ તે વિના ન ચાલે ને બાકી તો સર્વ વિના ચાલે. તેની વિક્તિ જે, અન્ન, જળ, વસ્ત્ર, નિદ્રા ને સ્વાદ મધ્યે મીઠું ને તે વિના બીજું તો સર્વે ફેલ છે.
જેમ ગાય વાછરું સારુ પારસો મૂકે છે, તેમ જે શિષ્ય હોય તે ગુરુને મન સોંપે તો અંતઃકરણનું અજ્ઞાન ટાળી નાખે, પણ તે વિના તો ટળે નહિ.
મોટાઈ તો ઘણા પ્રકારની છે, તેમાં પ્રભુને ભજવા તે માર્ગ જુદો છે. ને એકથી લાખ રૂપિયા ખરચે તો પણ સમાગમ વિના અજ્ઞાન તો ટળે નહિ ને જે વાવરે તેનું તો ફળ થાય ને ઐશ્વર્યને પામે.
ચાર વાતમાં સુખ છે. તેમાં એક તો ભગવાનની મૂર્તિની સ્મૃતિ, બીજું સાધુનો સમાગમ, ત્રીજું સદ્વિચાર ને ચોથું તો જીવે વિષયનું સુખ માન્યું છે એ તો દુઃખરૂપ છે; ને સુખ તો ત્રણ વાતમાં જ છે. ને વિષયમાં સુખ છે એવી તો કોઈ મોટાએ કલમ મૂકી જ નથી ને આત્મા રૂપે વર્તવું એ તો દેશ જ નોખો છે. તેમાં કામાદિક દોષ જ નથી, જેમ ગુજરાત દેશમાં પૃથ્વી ખોદે તેમાં પાણો જ ન મળે તેમ.
મોટા મોટાના શબ્દની હાર્યું કરીને તપાસ કરવો જે, એમનો શું મત છે ને એ શું કરવાનું કહે છે, એ કેમ વર્તે છે, એમ તપાસીને પછી તે માર્ગે ચાલવું.
“સારા ભગવદી સાથે જીવ બાંધવો એ જ સત્સંગમાં રહ્યાનો હેતુ છે, પણ એકલી ભક્તિ સત્સંગમાં રહ્યાનો હેતુ નથી. ને જ્ઞાન વિના તો સર્વે કાચું છે. ને સારા ભગવદી સાથે જીવ બાંધ્યો હતો તો કરસનદાસને ને મહાવીર્યાનંદને સત્સંગમાં રાખ્યા, ને તે વિના તો રાધેશ્વરાનંદ ને હિરણ્યગર્ભાનંદ ગયા ને હમીરે પણ ઘણીક ભક્તિ કરી હતી તો પણ ગયો,” એ વાતો વિસ્તારે કરીને કહી.
પ્રતિલોમ કરવામાં ચાર વિઘ્ન છે; તેની વિક્તિ જે - સ્ત્રી, દ્રવ્ય, આ લોકની મોટાઈ ને ક્રિયા.
જેવો સાંઢ હોય તેવું વાછરું આવે અને જેવો ઘોડો હોય એવું વછેરું આવે, તેમ જ જેવા ગુરુ મળે એવું શિષ્યમાં દૈવત આવે.


0 comments