ચાતુર્માસના નિયમ પ્રમાણે વાંચન વચનામૃત અને સ્વામીની વાતો - દિવસ -45
॥ વચનામૃત ॥
ગઢડા પ્રથમ ૪૫
સાકાર-નિરાકારનું
સંવત ૧૮૭૬ના મહા સુદિ ૧૦ દશમીને દિવસ સાંજને સમે સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવ નારાયણના મંદિરની આગળ ઓટા ઉપર દક્ષિણાદે મુખારવિંદે વિરાજમાન હતા અને ધોળી ચાદર ઓઢી હતી ને ધોળો ખેસ પહેર્યો હતો ને માથે ધોળી પાઘ બાંધી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ! કેટલાક વેદાંતી એમ કહે છે જે, ‘ભગવાનને આકાર નથી,’ અને તેવા જ પ્રતિપાદનની શ્રુતિઓને ભણે છે. અને કેટલાક જે નારદ, શુક, સનકાદિક સરખા ભગવાનના ભક્ત છે તે તો ભગવાનનું સાકારપણું પ્રતિપાદન કરે છે. તે એ બેમાંથી કોણ સાચા છે?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે ભગવાન પુરુષોત્તમ છે તે તો સદા સાકાર જ છે અને મહાતેજોમય-મૂર્તિ છે. અને અંતર્યામીપણે કરીને સર્વત્ર પૂર્ણ એવું જે સચ્ચિદાનંદ બ્રહ્મ છે તે તો મૂર્તિમાન એવા જે પુરુષોત્તમ ભગવાન તેનું તેજ છે. અને શ્રુતિએ પણ એમ કહ્યું છે જે, ‘તે ભગવાન માયા સામું જોતા હવા,’ અને જ્યારે જુએ ત્યારે તેને શું એકલી આંખ્ય જ હોય? હાથ-પગ પણ હોય; માટે સાકાર રૂપનું પ્રતિપાદન થયું. અને વળી જેમ સમગ્ર જળ છે તેના જીવરૂપ જે વરુણ તે પોતાના લોકને વિષે સાકાર છે ને જળ નિરાકાર કહેવાય છે, અને જેમ અગ્નિની જે જ્વાળા છે તે નિરાકાર કહેવાય છે અને તેના દેવતા જે અગ્નિ તે અગ્નિલોકને વિષે સાકાર છે, અને જેમ સમગ્ર તડકો તે નિરાકાર કહેવાય છે ને સૂર્યના મંડળને વિષે જે સૂર્યદેવ છે તે સાકાર છે, તેમ સચ્ચિદાનંદ જે બ્રહ્મ તે નિરાકાર છે અને પુરુષોત્તમ જે ભગવાન તે સાકાર છે અને એ સર્વત્ર પૂર્ણ એવું જે સચ્ચિદાનંદ બ્રહ્મ તે પુરુષોત્તમ ભગવાનનું તેજ છે. અને કોઈ એમ કહેશે જે, શ્રુતિમાં એમ કહ્યું છે જે ‘પરમેશ્વર તો કરચરણાદિકે રહિત છે ને સર્વત્ર પૂર્ણ છે,’ તો એ જે શ્રુતિએ કરચરણાદિકનો નિષેધ કર્યો છે તે તો માયિક કરચરણાદિકનો નિષેધ કર્યો છે, અને ભગવાનનો આકાર છે તે તો દિવ્ય છે પણ માયિક નથી. અને અંતર્યામીપણે કરીને જીવ-ઈશ્વરને વિષે વ્યાપક એવું જે પુરુષોત્તમ ભગવાનનું બ્રહ્મરૂપ તેજ તે નિરાકાર છે તો પણ જીવ-ઈશ્વર સર્વેને તેમના કર્મને અનુસારે યથાયોગ્યપણે કર્મના ફળને દેવાને વિષે નિયંતાપણું છે ને સાકારની પેઠે નિયંતારૂપ ક્રિયાને કરે છે, માટે તે તેજને પણ સાકાર જેવું જાણવું. એવી રીતે ભગવાન પુરુષોત્તમ તો સદા સાકાર જ છે પણ નિરાકાર નથી અને જે નિરાકાર કહે છે તે તો સમજતા નથી.”
॥ સ્વામીની વાતો ॥
પ્રકરણ: ૨
વાત: ૧૦૧ થી ૧૧૦
વ્યવહાર માર્ગ તો કાંઈ કઠણ જ નથી, એ તો સૌને આવડે, પણ જ્ઞાન માર્ગ સમજવો ને એ માર્ગે ચાલવું, એ જ કઠણ છે ને કરવાનું પણ એ જ છે.
કપાળમાં ચાંદલો કરીને દર્પણમાં જુએ ત્યારે સામો દેખાય, તેમ જેટલું આજ સમજાય તેટલું દેહ મૂક્યા પછી કામમાં આવશે.
ઉત્તમ તો શાસ્ત્રમાંથી સમજી લે, ને મધ્યમ તો સાધુ થકી વાતે કરીને સમજે ને કનિષ્ઠ તો કાળે કરીને સમજે; અને મુક્ત, મુમુક્ષુ ને વિષયી એ ત્રણને ક્રિયા વિષે ભેદ છે. ને કોઈક ક્રિયા કરવામાં પોતાને મૂંઝવણ થાય તો કહેવું જે, “મુને કાંઈ બીજું બતાવો,” પણ મૂંઝાવું નહિ.
આ જીવને મુઆ સુધી પણ આ લોકના મનસૂબા છે, પણ તે મૂકવા ને પરલોકના કરવા. ને આત્મા ને પરમાત્મા એ બે વાત મુખ્ય રાખવી, એમ મહારાજનો મત છે. પણ એ વાતની પુષ્ટિના શબ્દ બહુ થોડા આવે ને ત્યાગના, ભક્તિના અને ધર્મના એ આદિકના હજાર શબ્દ આવે, તેથી પણ એ માર્ગે ચલાતું નથી. પણ સિદ્ધાંત તો એ જ કરવાનું મહારાજ કહે છે.
ચોખ્ખું જ્ઞાન થવાનું કહ્યું જે, “બે-ચાર-પાંચ જણ એક રુચિવાળા બે-ચાર-પાંચ વરસ સુધી એકાંત સ્થળમાં નિરંતર ગોષ્ઠિ કરે તો આત્મા-પરમાત્માનું જ્ઞાન થાય.”
કુરૂપવાન સ્ત્રીમાં મન તણાય નહીં ને રૂપવાન સ્ત્રીમાં મન તણાય છે, એવો જીવનો સ્વભાવ છે ને માલ તો એ બેયમાં એક જ છે, પણ તેમાં સ્વરૂપવાન સ્ત્રી જેવી બંધનકારી છે તેવી કુરૂપવાન સ્ત્રી બંધનકારી નથી. તેમ જ સારું ઘોડું તેમાં દુઃખ છે એવું ઊતરતામાં નથી, કેમ જે, પડીએ તો થોડું વાગે ને બાજરો ખડ પણ થોડું જોઈએ ને તેનું ઝાઝું રક્ષણ કરવું ન પડે. તેમ જ સારું ખાવામાં, સારાં લૂગડાંમાં એ આદિક અનેક વિષય છે, તે સર્વેમાં જેવું સારામાં બંધન છે એવું ઊતરતામાં નથી, પણ જીવને જ્યાં સુધી રાગ છે ને જ્ઞાનની કસર હોય ત્યાં સુધી આ વાત સમજાય નહિ ને પદાર્થનો વિચાર આદિ-અંત્યનો કરવો, પણ મધ્યમાં ન જોવું. મધ્યમાં તો મોહ રહ્યો છે, એ અજ્ઞાન છે.
ઉપાસના ચોખ્ખી સમજવી ને મહારાજનું સર્વ-કારણપણું સમજવું. ને પૂર્વના અવતાર કરતાં આજ તો સાધુ, સત્સંગીમાં ઘણું સામર્થ્ય છે. ને પુરુષોત્તમના ભક્તમાં ને બીજા અવતારના ભક્તમાં કેમ ભેદ છે? તો જેમ હાથણી વિયાય ત્યારે તેને ભેંસ જેવડું બચ્ચું આવે ને જૂ વિયાય ત્યારે તેને લીખ આવે, એમ ભેદ છે. ને વળી જેમ વડનું ઝાડ ને તુવેરનું ઝાડ એમ ભેદ છે. વળી, મહારાજ કહેતા જે, શ્રીકૃષ્ણે તો અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન ને સંકર્ષણ એવાં નામ પાડ્યાં. ને અમે તો નિત્યાનંદ, નિર્ગુણાનંદ ને અક્ષરાનંદ એવાં નામ પાડ્યાં. વળી, જેમ દિલ્હીના બાદશાહનું નામ શેરખાં ને બીજા કોઈકનું નામ શેરખાં; એમ અવતારમાં ભેદ છે.
જેમ જેમ વાત સાંભળે તેમ તેમ અંતઃકરણ શુદ્ધ થાય છે, ને જેમ જેમ અંતઃકરણ શુદ્ધ થાય તેમ તેમ વાત સમજાય ને સુખ પણ થાય.
મહારાજે તેરેથી કાગળ લખાવ્યો જે, “વરસ દહાડામાં એક મહિનો સર્વે સાધુ-સત્સંગીને મુક્તાનંદ સ્વામીની વાતું સાંભળવી ને બાઇયું સૌને મોટી ડોસિયુંની વાતું સાંભળવી. ને જે એમ નહિ કરે તેને વિઘ્ન થાશે ને સંસારનું બંધન થાશે.” તે સંસારનું બંધન તો શું? પણ તે કરતાં અનંતગણું બંધન કાપીને સર્વનિવાસાનંદ સ્વામીએ મોટાનો સમાગમ કર્યો.
સર્વ કરતાં સંત મોટા, તેનો મહિમા કહ્યો. તેની વિક્તિ જે, સર્વ કરતાં પૃથ્વી મોટી ને તેથી જળ, તેજ, વાયુ, આકાશ, અહંકાર, મહત્તત્ત્વ, પ્રધાનપુરુષ ને મૂળ પ્રકૃતિપુરુષ ને અક્ષર સુધી એકબીજાથી મોટાં છે ને તે સર્વના આધાર ભગવાન છે. એવા મોટા ભગવાન તેને જે સંત પોતાના હૃદયમાં અખંડ ધારી રહ્યા છે, માટે તે મોટા છે.


0 comments