ચાતુર્માસના નિયમ પ્રમાણે વાંચન વચનામૃત અને સ્વામીની વાતો - દિવસ -105
॥ વચનામૃત ॥
કારિયાણી ૯
પાડાખારનું
સંવત ૧૮૭૭ના કાર્તિક સુદિ ૫ પાંચમને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ ગામ શ્રીકારિયાણી મધ્યે વસ્તાખાચરના દરબારમાં ઉત્તરાદા ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજે નિત્યાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામી પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે, “જેને એવી મલિન રીસ હોય જે જેની ઉપર આંટી પડે તે સંગાથે આંટી મૂકે જ નહીં, પાડાની પેઠે રીસ રાખ્યા જ કરે; એવો જે હોય તેને તે સાધુ કહીએ કે ન કહીએ?” પછી એ બે બોલ્યા જે, “જે એવો હોય તેને સાધુ ન કહેવાય.”
પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ! જે ભગવાનનો ભક્ત હોય ને તેને કોઈક ભગવદીયનો હૈયામાં અવગુણ આવતો હોય અને તેણે કરીને તે ભગવાનના ભક્ત ઉપર રીસ ચડતી હોય, તો તે અવગુણ ટાળ્યાનો શો ઉપાય છે?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય ને ભગવાનનો મહિમા જાણતો હોય તેને ભગવાનના ભક્તનો અવગુણ આવે નહીં અને ભગવાનના ભક્ત ઉપર રીસની આંટી બંધાય જ નહીં. જેમ ઉદ્ધવજી જો ભગવાનના મહિમાને સમજતા હતા તો એમ વર માગ્યો જે, ‘આ ગોપીઓની ચરણરજનાં અધિકારી એવાં જે વૃંદાવનને વિષે લતા તથા તૃણ તથા ગુચ્છ તેને વિષે હું પણ કોઈક થાઉં.’ અને શ્રીકૃષ્ણ ભગવાને વૃંદાવનને વિષે વૃક્ષને તથા પક્ષીને તથા મૃગલાંને બળદેવજી આગળ અતિ મોટાં ભાગ્યવાળાં કહ્યાં છે. અને બ્રહ્માએ પણ શ્રીકૃષ્ણ ભગવાન પાસે એમ વર માગ્યો છે જે, ‘હે પ્રભો! આ જન્મને વિષે અથવા પશુ-પક્ષીના જન્મને વિષે હું જે તે તમારા દાસને વિષે રહીને તમારાં ચરણારવિંદને સેવું એવું મારું મોટું ભાગ્ય થાઓ.’ માટે એવો જ્યારે ભગવાનના ભક્તનો મહિમા સમજે ત્યારે તેને ભગવાનના ભક્ત ઉપર કોઈ દિવસ અવગુણની ગાંઠ ન બંધાય અને પોતાના ઇષ્ટ જે પ્રત્યક્ષ ભગવાન તેનો જે ભક્ત તેને વિષે જે કોઈક અલ્પ દોષ હોય તે મહિમાના સમજનારાની દૃષ્ટિમાં આવે જ નહીં. અને જે ભગવાનના મહિમાને જાણતો હોય તે તો ભગવાનના સંબંધને પામ્યાં એવાં જે પશુ, પક્ષી તથા વૃક્ષ-વેલી આદિક તેને પણ દેવ તુલ્ય જાણે, તો જે મનુષ્ય હોય ને ભગવાનની ભક્તિ કરતા હોય તથા વર્તમાન પાળતા હોય તથા ભગવાનનું નામસ્મરણ કરતા હોય ને તેને દેવ તુલ્ય જાણે ને અવગુણ ન લે તેમાં શું કહેવું? માટે ભગવાનનો મહિમા સમજે તેને ભગવાનના ભક્ત સંગાથે વૈર ન બંધાય અને જે માહાત્મ્ય ન સમજે તેને તો ભગવાનના ભક્ત સંગાથે વૈર બંધાય ખરું. માટે જે ભગવાનનું તથા ભગવાનના ભક્તનું માહાત્મ્ય ન જાણતો હોય ને તે સત્સંગી છે તો પણ તેને અર્ધો વિમુખ જાણવો અને ભગવાનનો ને ભગવાનના ભક્તનો જે મહિમા સમજે તેને જ પૂરો સત્સંગી જાણવો.”
॥ સ્વામીની વાતો ॥
પ્રકરણ: ૫
વાત: ૨૨૧ થી ૨૩૦
ઝાઝું કાંઈ કરવાનું નથી. મહારાજને ભગવાન જાણી તેની આજ્ઞામાં રહેવું એટલે પૂરું થઈ રહ્યું, ને શાસ્ત્રમાં એટલું જ કરવાનું લખ્યું છે. આપણે ભગવાનના છીએ, માયાના નથી એમ માનવું.
ભગવાન સ્ત્રિયું સાથે રમે તે રજોગુણી ક્રિયા, ને તરવાર ચલાવે તે તમોગુણી ક્રિયા, ને સાધુનો મારગ ચલાવે તે સત્ત્વગુણી ક્રિયા, ને ગુણાતીત ક્રિયા તો જુદી રીતની જ છે, ઋષભદેવની ક્રિયાની પેઠે. માટે એ એકે ગુણ ભગવાનને વિષે છે જ નહીં એમ સમજવું.
આપણામાં કેટલાકને બ્રાહ્મણની ક્રિયા હોય, સોનીની, વાણિયાની, કણબીની, કોળીની, ક્ષત્રીની એવી જુદી જુદી ક્રિયાઓ હોય. તે ક્રિયા સામું જોઈએ તો મોક્ષ થાય જ નહીં, માટે તે ક્રિયા સામું જોવું નહીં; ભગવાન સામું જોવું. ભગવાનની આગળ ક્રિયાનો શો ભાર છે ને વાસનાનો શો ભાર છે? માટે હરિભક્તમાં તથા સાધુમાં રજોગુણી, તમોગુણી ને સત્ત્વગુણી ક્રિયાયું હોય તે જોઈને અવગુણ લેવો નહીં. જેને ભગવાનનો આશરો થયો છે તે તો ગુણાતીત થઈ રહ્યો છે; ને રજોગુણી, તમોગુણી ને સત્ત્વગુણી એ ત્રણ પ્રકારના જીવને ભગવાનનો સંબંધ થાય તો ગુણાતીત થઈ જાય છે.
આ સમામાં આપણો અવતાર થયો છે તે મોટાં ભાગ્ય છે. સો વર્ષ પહેલાં કે સો વર્ષ પછી જન્મ થયો હોત ને ગમે તો સમાધિ થાત તેમાં શું ઊઘડ્યું? આ વાતું ને આવો જોગ તેની બરાબર થાય નહીં. ને હાલ તો ધર્મ, અર્થ, કામને પડ્યા મૂકીને કેવળ મોક્ષ જ રાખ્યો છે. તેમાં જેને ગુણ નહીં આવે ને અવગુણ આવશે તેને અસુર જાણવો ને હાલની ક્રિયા એકે અવગુણ આવે એવી નથી, સહેજે જ ગુણ આવે એવી ક્રિયા છે.
ભગવાન ને આ સાધુ તો બે ઘડીમાં કલ્યાણ કરે એવા દયાળુ છે, પણ તેની આપણને ખબર પડે નહીં, માટે સંગ ને રુચિ સારી રાખવી; ને સંગ ન ઓળખી શકાય તો વિશ્વાસ રાખવો એટલે તેને બે ઘડીમાં કલ્યાણ થયું એમ ઓળખાવે ને કથા-કીર્તન કરીને આવરદા પૂરો કરી દેવો.
આજનો એકડમલ કરીને કાઢી મૂકેલો જગતનો ગુરુ છે. ને સ્વરૂપાનંદ સ્વામીને મહારાજ કહે જે, “આજના સત્સંગીનું કલ્યાણ તો પૂર્વે રામકૃષ્ણાદિક અવતાર થયા તેના જેવું થાય છે.”
દશે દિશામાં ઘોડો ફેરવીને યજ્ઞ આદરીએ ને કોઈ ઘોડાને બાંધે તો વિઘ્ન થાય ને યજ્ઞ થાય નહીં ને તેનું ફળ મળે નહીં. માટે પોતાના ઘરના ફળિયામાં ઘોડો ફેરવીને યજ્ઞ પૂરો કરી ફળ લેવું; ને ફળ તો યજ્ઞમાં છે ને ઘોડો ફેરવ્યાથી તો કીર્તિ વધે એવું છે ને તે તો સ્વરૂપાનંદ સ્વામી જેવા સમર્થનો ઘોડો બંધાય નહીં ને પરમચૈતન્યાનંદ સ્વામીનો ધર્મપુરમાં ઘોડો બંધાણો તે મુક્તાનંદ સ્વામીએ છોડાવ્યો ને પરમહંસાનંદ સ્વામીનો ઘોડો ગાયોમાં બંધાણો અને ભગવાનના સમીપને પામે તથા ભગવાનનો દીકરો હોય તો પણ ચોસઠ લક્ષણ આવવાં બાકી રહે, માટે ફળિયામાં ઘોડો ફેરવીને યજ્ઞ પૂરો કરી દેવો.
વાસના તો એમ ટળે જે, આપણા સત્સંગના બધાય મોટેરા સાધુ ભેગા હોય ને શ્વેતદ્વીપ જેવું ધામ હોય ને બ્રહ્માના કલ્પ જેવડી આવરદા હોય તો બધાય પાસેથી એક એક - બબે લક્ષણ શિખાય, નહીં તો એ બધાય સાધુનાં લક્ષણ એકમાં હોય તેનો સંગ કરીએ તો વાસના ટળી જાય.
આજ્ઞા લોપાય તો પ્રાર્થના કર્યે છૂટકો થાય પણ ઉપાસનાનો ભંગ થાવા દેવો નહીં, તે આજ્ઞાનું આકરું પ્રકરણ હોય ને કહેશે જે, ગિરનાર સોંસરા નીકળી જાઓ તો એ આજ્ઞા પળે તેવી નથી; પણ આજ્ઞા માનીને ગિરનારને જઈને માથું આડાડવું. પછી માગ થાય તો સોંસરું નીકળવું, નીકર માથું અડાડી બેસી રહેવું, એટલે ભગવાન રાજી થાય.
પોતાની વાત કરી જે, “મને રૂપિયાના તથા કોરીના નામાની ખબર નથી તથા પ્રથમ કડિયાને ઘી જોખી આપ્યું તે શેરને બદલે બશેર જોખી આપ્યું તથા કોઠારને તાળું વાસ્યું તે સાંકળ દીધા વિના નકૂચાને તાળું વાસ્યું, એમ અમને કોઈ વાતની વ્યવહારની ખબર નહોતી.” એમ મનુષ્યચરિત્રની વાત કરી.


0 comments