🎧 ચાતુર્માસ ઓડિયો પ્લેયર - દિવસ-34
પ્રમુખપ્રસંગમ
કુલ ઓડિયો :
2
🆕 આજનો નવો ઓડિયો -27-08-2026
દિવસ -34▶ હાલમાં સાંભળી રહ્યા છો
દિવસ -7▶ તમે છેલ્લે સાંભળ્યું હતું
દિવસ -1
00:00
© Know My Guru
પ્રમુખપ્રસંગમ
દિવસ -1
00:00
સંવત ૧૮૭૬ના પોષ વદિ ૧૧ એકાદશીને દિવસ સવારમાં શ્રીજીમહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં આથમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર દક્ષિણાદું મુખારવિંદ રાખીને વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળો ચોફાળ ઓઢ્યો હતો ને માથે ધોળી પાઘ બાંધી હતી ને ફૂલના હાર પહેર્યા હતા ને પાઘને વિષે પુષ્પના તથા હીરના તોરા લટકતા મૂક્યા હતા ને બે કાનની ઉપર પુષ્પના ગુચ્છ ખોસ્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના સત્સંગીની સભા ભરાઈને બેઠી હતી અને મુનિ વાજિંત્ર લઈને કીર્તન ગાતા હતા.
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “કીર્તન રાખીને પ્રશ્ન-ઉત્તર કરો.” પછી બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “સર્વ સુખના ધામ અને સર્વ થકી પર એવા પરમેશ્વર છે તેમાં જીવની વૃત્તિ ચોંટતી નથી અને માયિક એવાં જે નાશવંત તુચ્છ પદાર્થ તેમાં જીવની વૃત્તિ ચોંટી જાય છે તેનું શું કારણ છે?” પછી તેનો ઉત્તર મુક્તાનંદ સ્વામી કરવા લાગ્યા પણ થયો નહીં. ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ પ્રશ્નનો ઉત્તર સાંભળો, અમે કરીએ છીએ જે, જે દિવસથી પરમેશ્વરે આ જગતની સૃષ્ટિ કરી છે તે દિવસથી એવી કળ ચડાવી મૂકી છે જે ફરીને પરમેશ્વરને દાખડો કરવો પડે નહીં અને સંસારની જે વૃદ્ધિ કરવી તે પોતાની મેળે જ થયા કરે, એવો ફેર ચડાવી મૂક્યો છે. તે માટે સહજે જ સ્ત્રીમાં પુરુષને હેત થાય છે ને પુરુષમાં સ્ત્રીને હેત થાય છે અને એ સ્ત્રીથી ઊપજી જે પ્રજા તેમાં પણ સહજે જ હેત થાય છે. તે એ હેતરૂપી જ ભગવાનની માયા છે. તે માયાના પ્રવાહમાં જે ન વહે તેની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં રહે છે. માટે જે ભગવાનનો ભક્ત હોય તે માયિક પદાર્થને વિષે દોષબુદ્ધિ રાખીને વૈરાગ્યને પામે અને ભગવાનને સર્વ સુખમય જાણીને ભગવાનમાં વૃત્તિ રાખે. અને જો માયિક પદાર્થને વિષે વૈરાગ્ય ન રાખે ને ભગવાનના સ્વરૂપથી જુદા પડે તો શિવ, બ્રહ્મા અને નારદાદિક એ જેવા સમર્થ મુક્ત હોય તે પણ માયિક પદાર્થમાં તણાઈ જાય છે. તેટલા માટે ભગવાનને મૂકીને માયિક પદાર્થનો સંગ કરે તો જરૂર તેમાં જીવની વૃત્તિ ચોંટી જાય. તે સારુ પરમેશ્વરના ભક્તને પરમેશ્વર વિના બીજે ઠેકાણે પ્રીતિ રાખવી નહીં.”
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “હવે મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન કર્યાનો વારો આવ્યો તે પ્રશ્ન કરો.” પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “જીવને ભગવાનની પ્રાપ્તિ થવી તે અતિ દુર્લભ છે અને ભગવાનની પ્રાપ્તિ થઈ ત્યારે એથી બીજો મોટો લાભ પણ નથી ને તેથી આનંદ પણ બીજો નથી, તે એવા મોટા આનંદને મૂકીને તુચ્છ પદાર્થ માટે કેમ ક્લેશને પામે છે? એ પ્રશ્ન છે.” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો, એનો ઉત્તર અમે કરીએ જે, પરમેશ્વરના વચનને મૂકીને જ્યારે આડો-અવળો ડોલે છે ત્યારે ક્લેશને પામે છે અને જો વચનને વિષે રહે તો જેવો ભગવાનનો આનંદ છે તેવા આનંદમાં રહે છે, અને જેટલું જે ભગવાનનું વચન લોપે છે તેટલો તેને ક્લેશ થાય છે. માટે ત્યાગીને જે જે આજ્ઞા કરી છે તે પ્રમાણે ત્યાગીને રહેવું અને ગૃહસ્થને જે પ્રમાણે આજ્ઞા કરી છે તે પ્રમાણે ગૃહસ્થને રહેવું ને તેમાં જેટલો ફેર પડે છે તેટલો ક્લેશ થાય છે. અને ત્યાગી હોય તેને અષ્ટ પ્રકારે સ્ત્રીનો ત્યાગ રાખવો ત્યારે તેનું બ્રહ્મચર્ય વ્રત પૂરું કહેવાય ને તેમાંથી જેને જેટલો ફેર પડે તેટલો ક્લેશ થાય છે, અને ગૃહસ્થને પણ બ્રહ્મચર્ય કહ્યું છે જે, પરસ્ત્રીનો ત્યાગ રાખવો તથા પોતાની સ્ત્રીનો પણ વ્રતને દિવસ ત્યાગ રાખવો ને ઋતુ સમે સ્ત્રીનો સંગ કરવો; એ આદિક જે જે ત્યાગીને અને ગૃહસ્થને નિયમ કહ્યા છે તેમાં જેટલો જેને ફેર પડે તેટલો તેને ક્લેશ થાય છે. અને ભગવાનથી જે વિમુખ જીવ હોય તેને જે સુખ-દુઃખ આવે છે તે તો પોતાને કર્મે કરીને આવે છે, અને જે ભગવાનના ભક્ત હોય તેને જેટલું દુઃખ થાય છે તે તુચ્છ પદાર્થને અર્થે ભગવાનની આજ્ઞા લોપવે કરીને થાય છે ને જેટલું સુખ થાય છે તે ભગવાનની આજ્ઞા પાળવે કરીને થાય છે.”
પ્રમુખપ્રસંગમ
દિવસ -1
00:00
સંવત ૧૮૭૬ના પોષ વદિ ૫ પંચમીને દિવસ પાછલો પહોર દિવસ હતો ત્યારે શ્રીજીમહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવ નારાયણના મંદિરની જોડે જે ઓરડો તેની ઓસરીએ ઉગમણે મુખારવિંદે ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને માથે કસુંબી રંગને છેડે રેંટો બાંધ્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
તે સમે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “ભગવાનને પ્રસન્ન કરવાનાં સાધન અનંત પ્રકારનાં શાસ્ત્રમાં કહ્યાં છે, પણ તે મધ્યે એવું એક સાધન કયું બળવાન છે જે સમગ્ર સાધન કર્યે જેવા ભગવાન પ્રસન્ન થાય તેવા એક સાધને કરી ભગવાન રાજી થાય? તે એવો એક ઉપાય કહો.” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એક જ સાધને કરીને ભગવાન રાજી થાય તે કહીએ તે સાંભળો જે, ભગવાનનો જે દૃઢ આશરો એ જ એક સર્વ સાધનમાં મોટું સાધન છે, તેણે કરીને ભગવાન રાજી થાય છે. અને તે આશરો અતિ દૃઢ જોઈએ, જેને વિષે કાંઈ પોલ રહે નહીં. તે આશરામાં ત્રણ ભેદ છે. એક મૂઢપણે કરીને ભગવાનનો આશ્રય થાય છે, તે અતિ મૂઢ હોય તેને બ્રહ્મા જેવો હોય તે આશ્રયમાં ડોલાવે તોય પણ ડોલે નહીં. અને બીજો પ્રકાર એ છે જે, ભગવાનમાં જે પ્રીતિ તેણે કરીને ભગવાનનો દૃઢ આશરો થાય છે, તે જેને દૃઢ પ્રીતિ હોય તે પરમેશ્વરને મૂકીને બીજા પદાર્થમાં જોરાવરી પ્રીતિ કરે તોય પણ થતી નથી; એવી રીતે દૃઢ પ્રીતિએ કરીને ભગવાનનો દૃઢ આશરો કહેવાય છે. અને ત્રીજો પ્રકાર એ છે જે, જેને બુદ્ધિ વિશાળ હોય તે ભગવાનનું સગુણ -નિર્ગુણપણું તથા અન્વય-વ્યતિરેકપણું તેને સમજતો હોય અને ભગવાનની માયા થકી જે જે સર્ગ થયો છે તેને સમજતો હોય અને ભગવાનના જે પૃથ્વીને વિષે અવતાર થાય છે તેની રીતને સમજતો હોય અને જગતની ઉત્પત્તિકાળે ભગવાન જે પ્રકારે અક્ષરરૂપે વર્તે છે તથા પુરુષપ્રકૃતિરૂપે વર્તે છે તથા વિરાટપુરુષરૂપે વર્તે છે તથા બ્રહ્માદિક પ્રજાપતિરૂપે વર્તે છે તથા જીવના કલ્યાણને અર્થે નારદ-સનકાદિકરૂપે વર્તે છે એ સર્વ રીતને સમજી જાણે; અને પુરુષોત્તમ ભગવાનને સર્વથી પર ને નિર્વિકાર સમજતો હોય. એવી રીતે જેની દૃષ્ટિ પહોંચતી હોય તેને બુદ્ધિએ કરીને ભગવાનનો દૃઢ આશરો છે, તે બીજાનો ટાળ્યો ટળે નહીં ને પોતાનો પણ ટાળ્યો ટળે નહીં. અને ભગવાન મનુષ્ય દેહને ગ્રહણ કરીને સમર્થપણે અથવા અસમર્થપણે વર્તતા હોય તો તેને દેખીને તેની બુદ્ધિને વિષે ભ્રાંતિ થાય નહીં.”
એમ કહીને પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “કહો તો તમને એક પ્રશ્ન પૂછું?” ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા જે, “પૂછો, મહારાજ!” પછી એમ પૂછ્યું જે, “અમે કહ્યાં જે ત્રણ અંગ તેમાં તમારું કયું અંગ છે? અને એ ત્રણ અંગ ભગવાનના ભક્તને મિશ્રિત હોય પણ તેમાં જે અંગ પ્રધાન હોય તેનું તે અંગ કહેવાય. માટે મૂઢપણું, પ્રીતિ અને સમજણ એ જે ત્રણ અંગ તેમાં તમારું કયું અંગ છે?” પછી મુક્તાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામી બોલ્યા જે, “અમારે તો સમજણનું અંગ છે.” અને બીજા સાધુએ પણ જેને જે અંગ હતાં તે કહ્યાં.
“આપણા દેહમાં જીવ ભેળો કોટાનકોટિ સૂર્યનો પ્રકાશ છે, પણ તે હમણાં દેખાય તો કોઈની ગણતી ન રહે,” એમ મહિમા કહ્યો.
મુક્તાનંદ સ્વામી જેવા મોટા સાધુ વાત કરે તો બે હજાર માણસની સભા બેઠી હોય તે સૌના સંકલ્પના ઉત્તર થાતા જાય, એમ મહારાજના સાધુ તો જાણે ને વાત કરે.
મહારાજનો મત તો કથા, કીર્તન, વાર્તા, ધ્યાન એ જ કરાવવું છે. ને માણસને તો સ્વભાવ પડી ગયા તે બીજું કર્યા વિના રહેવાય નહિ. ત્યારે હવે આપણે શું કરીએ? ને આવો જોગ છે તેમાં નહિ સમજાય ને સ્વભાવ મૂકીને મોટા સાથે નહિ જોડાય તો તે મોડો ધામમાં જાશે, એમાં કાંઈ ભગવાનને ઉતાવળ નથી ને આ કારખાનાં તો દહાડે દહાડે વધતાં જાશે.
આ સાધુ જેવા છે એવા જણાય તો તેને મૂકીને છેટે ખસાય નહિ. ને કાંઈક ચમત્કાર જણાવે તો તો વ્યાપકાનંદ સ્વામીની પેઠે બંધીખાનાં થાય. માટે કાંઈ નથી દેખાડતા તે પણ ઠીક છે.
વ્યવહારેણ સાધુઃ, તે એકબીજાને વ્યવહાર પડ્યાથી સાધુતાની ખબર પડે છે, પણ તે વિના સાધુપણું જણાતું નથી.
“આજ તો મોટાનો સંબંધ છે તે સુખ વર્તે છે પણ દેશકાળે તો આવો જોગ ન રહે તો પણ સુખ રહે એવો શો ઉપાય છે?” એ પ્રશ્નનો ઉત્તર કર્યો જે, “મોટાના ગુણ, વિભૂતિ, ઐશ્વર્ય, પ્રતાપ, ગંભીરપણું, ધીરજપણું એ આદિક મોટાના મહિમાનો વિચાર કરીએ, ને મોટા હૈયામાં સ્ફુરે તેણે કરીને સુખ વરતે.”
“આ જીવને કોઈ દહાડો ઘડપણ આવતું હશે કે નહિ?” એમ કહીને વળી કહ્યું જે, “જીવને જ્ઞાન થાય ત્યારે ઘડપણ આવે પણ તે વિના તો ઘડપણ આવે નહિ.”
ભગવાનને અર્થે આપણે જે જે કર્યું છે ને કરીએ છીએ તે જાણે છે ને જેને ખોળે માથું મૂક્યું છે તે રક્ષા કરશે ને આપણું તો ભગવાન બહુ માની લે છે.
જ્ઞાનીને ભગવાને પોતાનો આત્મા કહ્યો છે. તે ઉદ્ધવ જ્ઞાની. ને પ્રેમીનું ભગવાન રાખે તો ખરા, પણ જ્ઞાન વિના અધૂરું. ને સચ્ચિદાનંદ સ્વામીને તરસ લાગી તેથી મહારાજને તરસ છીપે નહીં, પછી સચ્ચિદાનંદ સ્વામીને પાણી પાયું ત્યારે મહારાજને તરસ છીપી. તો પણ મહારાજનો મત નિજાત્માનં બ્રહ્મરૂપં માનવું એમ છે.
પુરુષને સ્ત્રીના જેવું હેત ભગવાનમાં થાય નહિ. એને તો જ્ઞાને કરીને હેત થાય, ને કૃપાનંદ સ્વામીનું ને નિષ્કુળાનંદ સ્વામીનું હેત સ્ત્રીના જેવું, એમ મહારાજ કહેતા.
પ્રમુખપ્રસંગમ
દિવસ -1
00:00
સંવત ૧૮૭૬ના પોષ વદિ ૩ ત્રીજને દિવસ પ્રભાત સમે શ્રીગઢડા મધ્યે શ્રીજીમહારાજ દાદાખાચરના દરબારમાં આથમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો ને માથે ધોળી પાઘ બાંધી હતી ને ધોળી ચાદર ઓઢી હતી ને લલાટને વિષે કેસરની આડ્ય કરી હતી ને ધોળાં પુષ્પનો હાર પહેર્યો હતો ને પાઘને વિષે ધોળાં પુષ્પનો તોરો લટકતો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને મુનિ કીર્તન ગાવતા હતા.
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “સાંભળો, એક પ્રશ્ન કરીએ.” ત્યારે મુનિ તથા હરિભક્તે કહ્યું જે, “હે મહારાજ! પૂછો.” પછી શ્રીજીમહારાજ ઘણીક વાર સુધી વિચારીને બોલ્યા જે, “આ સંસારમાં જે વિષયી જીવ હોય તે પંચવિષય વિના રહી શકે નહીં, તે જેમ એ વિમુખ જીવને પંચવિષય છે તેમ હરિજનને પણ પંચવિષય છે, પણ તેમાં ભેદ છે. તે ભેદ કેમ છે? તો વિષયી જીવ તો ભગવાન વિના અન્ય જે ગ્રામ્ય વિષય તેને ભોગવે છે, અને ભગવાનના ભક્ત છે તેને તો ભગવાનની કથા સાંભળવી તે જ શ્રોત્રનો વિષય છે, અને ભગવાનનાં ચરણારવિંદનો સ્પર્શ કરવો અથવા સંતના ચરણની રજનો સ્પર્શ કરવો તે ત્વચાનો વિષય છે, અને ભગવાનનાં અથવા સંત તેનાં દર્શન કરવાં તે નેત્રનો વિષય છે, અને ભગવાનનો પ્રસાદ લેવો તથા ભગવાનના ગુણ ગાવવા તે જીભનો વિષય છે, અને ભગવાનને ચડ્યાં એવાં જે પુષ્પાદિક તેની સુગંધી લેવી તે ઘ્રાણનો વિષય છે, એવી રીતે વિમુખ અને હરિભક્તના વિષયમાં ભેદ છે. અને એવી રીતના વિષય વિના તો હરિભક્તે પણ રહેવાતું નથી અને નારદ-સનકાદિક જેવા અનાદિ મુક્ત છે તેણે પણ એવા પંચવિષય વિના રહેવાતું નથી; તે સમાધિમાં ઘણા કાળ રહે છે પણ તે સમાધિમાંથી નીકળીને ભગવાનની કથા, કીર્તન, શ્રવણાદિક વિષયને ભોગવે છે. અને જેમ પક્ષી હોય તે પોતાના માળાને મૂકીને ચરવા નીકળે છે તે ચારો કરીને રાત્રિ સમે પોતપોતાના માળામાં જઈને વિરામ કરે છે, પણ પોતપોતાના સ્થાનકને કોઈ દિવસ ભૂલીને બીજાને સ્થાનકે જતાં નથી; તેમ ભગવાનના ભક્ત છે તે ભગવાનની કથા, કીર્તન, શ્રવણાદિક એવો જે ચારો તેને ચરીને પોતાનો માળો જે ભગવાનનું સ્વરૂપ તેમાં જઈને વિરામ કરે છે. અને વળી પશુ-પક્ષી સર્વે જીવ જેમ પોતપોતાનો ચારો કરીને પોતપોતાને સ્થાનકે જઈને વિરામ કરે છે, તેમ મનુષ્ય પણ જે જે કાર્ય હોય તેને અર્થે દેશ-વિદેશ જાય છે, પણ પોતાને ઘેર આવે છે ત્યારે નિરાંત કરીને બેસે છે. એ સર્વ દૃષ્ટાંત-સિદ્ધાંત કહ્યાં. તે ઉપર તમે સર્વે હરિભક્તને અમે પ્રશ્ન પૂછીએ છીએ જે, ‘જેમ વિમુખ જીવ ગ્રામ્ય પંચવિષયમાં બંધાણા છે ને તે વિષય વિના પળમાત્ર ચાલતું નથી, તેમ તમે ભગવાનની કથાવાર્તાનું જે શ્રવણાદિક તે રૂપી જે વિષય તેમાં દૃઢપણે બંધાઈને એના વિષયી થયા છો કે નહીં?’ અને વળી બીજો પ્રશ્ન પૂછીએ છીએ જે, ‘જેમ પક્ષી ચારો કરીને પોતાના માળામાં આવે છે, તેમ તમે સર્વે ભગવાનની કથા-કીર્તનાદિકરૂપી ચારો કરીને પાછા ભગવાનના સ્વરૂપરૂપી માળામાં વિરામ કરો છો? કે બીજે જ્યાં-ત્યાં વિરામ કરો છો? અને વળી જેમ ધણિયાતું ઢોર હોય તે સીમમાં ચરીને સાંજે પોતાને ખીલે આવે છે અને જે હરાયું ઢોર હોય તે ખીલે આવે નહીં અને જેનું-તેનું ખેતર ખાઈને જ્યાં-ત્યાં બેસી રહે, પછી કોઈક ધોકા મૂકે કાં વાઘ આવે તો મારે, તેમ તમે તે ધણિયાતા ઢોરની પેઠે પોતાને ખીલે આવો છો? કે હરાયા ઢોરની પેઠે કોઈનું ખેતર ખાઈને જ્યાં-ત્યાં બેસીને વિરામ કરો છો?’ એ સર્વે પ્રશ્નનો ઉત્તર પોતાના અંતરમાં વિચારીને મોટા મોટા હો તે કરો.” પછી મુનિ તથા હરિભક્ત સર્વે જુદા જુદા બોલ્યા જે, “હે મહારાજ! ભગવાનની કથા-કીર્તનાદિકના વિષયી પણ થયા છીએ અને ભગવાનની મૂર્તિરૂપી જે માળો તથા ખીલો તેને મૂકીને બીજે ઠેકાણે રહેતા નથી.” તે વાર્તાને સાંભળીને શ્રીજીમહારાજ ઘણું પ્રસન્ન થયા.
અને વળી તે ને તે દિવસ બપોર નમતે શ્રીજીમહારાજ દાદાખાચરના દરબાર વચ્ચે લીંબડા તળે ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને પોતે શ્રીવાસુદેવ નારાયણના મંદિર સન્મુખ વિરાજમાન હતા અને મુનિ કીર્તન બોલતા હતા.
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “હવે તો પ્રશ્ન-ઉત્તર કરો.” પછી દીનાનાથ ભટ્ટે તથા બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યું જે, “કોઈ સમે તો ભગવાનના ભક્તના હૃદયમાં આનંદથી ભગવાનનું ભજન-સ્મરણ થાય છે ને ભગવાનની મૂર્તિનું ચિંતવન થાય છે, અને કોઈ સમે તો અંતર ડોળાઈ જાય છે ને ભજન-સ્મરણનું સુખ આવતું નથી તેનું શું કારણ છે?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એને ભગવાનની મૂર્તિ ધાર્યાની યુક્તિ આવડતી નથી.” ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “કેવી રીતે યુક્તિ જાણવી?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “યુક્તિ તો એમ છે જે, અંતઃકરણને વિષે ગુણનો પ્રવેશ થાય છે, તે જ્યારે સત્ત્વગુણ વર્તતો હોય ત્યારે અંતઃકરણ નિર્મળ વર્તે ને ભગવાનની મૂર્તિનું ભજન-સ્મરણ સુખેથી થાય, અને જ્યારે રજોગુણ વર્તે ત્યારે અંતઃકરણ ડોળાઈ જાય ને ઘાટ-સંકલ્પ ઘણા થાય ને ભજન-સ્મરણ સુખે થાય નહીં, અને જ્યારે તમોગુણ વર્તે ત્યારે તો અંતઃકરણ શૂન્ય વર્તે, માટે ભજનના કરનારાને ગુણ ઓળખવા. અને જે સમે સત્ત્વગુણ વર્તતો હોય તે સમે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું, અને તમોગુણ જ્યારે વર્તે ત્યારે કશો ઘાટ થાય નહીં ને શૂન્ય સરખું વર્તે તેમાં પણ ભગવાનનું ધ્યાન ન કરવું, અને જ્યારે રજોગુણ વર્તતો હોય ત્યારે ઘાટ-સંકલ્પ ઘણા થાય માટે તે સમે ભગવાનનું ધ્યાન કરવું નહીં અને તે સમે તો એમ જાણવું જે, ‘હું તો સંકલ્પ થકી જુદો છું ને સંકલ્પનો જાણનારો છું ને તે મારે વિષે અંતર્યામીરૂપે પુરુષોત્તમ ભગવાન સદાકાળ વિરાજે છે.’ અને જ્યારે રજોગુણનો વેગ મટી જાય ત્યારે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું. અને રજોગુણ વર્તતો હોય ત્યારે સંકલ્પ ઘણા થાય, તે સંકલ્પને જોઈને મૂંઝાવું નહીં; કેમ જે, અંતઃકરણ તો જેવું નાનું છોકરું તથા વાનરું તથા કૂતરું તથા બાળકનો રમાડનાર તેવું છે. અને એ અંતઃકરણનો એવો સ્વભાવ છે તે વિના પ્રયોજન ચાળા કર્યા કરે. માટે જેને ભગવાનનું ધ્યાન કરવું તેને અંતઃકરણના ઘાટને જોઈને કચવાઈ જવું નહીં ને અંતઃકરણના ઘાટને માનવા પણ નહીં, ને પોતાને ને અંતઃકરણને જુદું માનવું અને પોતાના આત્માને જુદો માનીને ભગવાનનું ભજન કરવું.”
॥ વચનામૃત ॥ ગઢડા પ્રથમ ૩૭ દેશવાસનાનું, અગિયાર પદવીનું સંવત ૧૮૭૬ના પોષ વદિ ૧૪ ચૌદશને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ...
Designed by OddThemes | Distributed by Gooyaabi Templates