પરિચય પરીક્ષા - નિબંધ -3 - બાળવયે સત્સંગમય શાંતિલાલ (સ્વામિનારાયણ પ્રકાશ : જાન્યુઆરી -2022, પા.નં. 14-15)
બાળવયે શાંતિલાલ સૌથી નોખા તરી આવતા હતા, તેનું એક સૌથી મોટું કારણ હતું - બાળપણથી જ સેવામય, ભક્તિમય, સરળ, સુહૃદયી સ્વભાવ. શાંતિલાલને પિતાજીની સાથે ગામમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં નિત્ય દર્શને જવાનો ક્રમ. થોડાં વર્ષો બાદ શાંતિલાલ એકલા પણ મંદિરે દર્શને દોડી જતા. અહીં વારે-તહેવારે બોચાસણના અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરેથી મોટા અક્ષર સ્વામી, ઘનશ્યામ સ્વામી, બાલમુકુંદ સ્વામી વગેરે સંતો આવે ત્યારે તો મંદિર જ શાંતિલાલનું ઘર બની જતું. આખો દિવસ શાંતિલાલ સંતોની સેવામાં અને સંતોના સત્સંગમાં રમમાણ બની રહેતા. મંદિરમાં સંતો આવ્યા હોય ત્યારે મોટે ભાગે ઘનશ્યામ સ્વામી કથા કરતા અને બાલમુકુંદ સ્વામી રસોઈ કરતા, ત્યારે શાંતિલાલ તેઓની સાથે સેવામાં રહે અને વિવિધ સેવાઓ ઉઠાવી લે. તેઓ ઝોળી માંગે, વાસણ ઊટકે અને ચોકો પણ સાફ કરે. બાળપણથી જ દરેક કામમાં સ્વચ્છતાના આગ્રહી હોવાથી કામ પણ ચોખ્ખું કરતા, તેથી સંતોને તેઓનું ચોક્સાઈભયું કામ ખૂબ ગમતું. ઉપરાંત, કોઈ પણ કામ તેઓને મન નાનું કે નવું નહોતું. અપરિચિત કામને પણ ચિરપરિચિત બનાવી દેવાની ગજબની ફાવટ તેઓને બાળપણથી જ હસ્તગત હતી. તેથી જે સેવા સોૉપાય તે કરવા મંડી પડતા. સેવા અને સ્વાશ્રયના એકડા તો આ કિશોરને શીખવાના નહોતા, પણ તે એકડાને ઘૂંટાવ્યા આ સંતોએ.
ક્યારેક શાંતિલાલ સંતો સાથે વિચરણમાં પણ જોડાઈ જતા અને સેવામાં રત રહેતા. એ વખતે પદ્ધતિ એવી કે આ મંદિરમાં મોટા દેશી પટારામાં વાસણો રાખી મુકાતાં. મંદિરમાં સંતો આવે ત્યારે તે વાસણો કાઢી તેમાં રસોઈ કરતા. પણ ઘનશ્યામ સ્વામીની પ્રકૃતિ એવી કે આ મંદિરમાં આવે ત્યારે રસોઈ માટે જોઈતાં બે-ત્રણ તપેલાં કે કડાઈની સાથે સાથે બધાં જ વાસણ ઉટકાવે. તે વાસણોનો ઢગ શાંતિલાલ હોશે હોશે ઊટકે. લગભગ બે ક્લાક જેટલો સમય તેમાં વીતી જાય. બાલમુકુંદ સ્વામી પણ શાંતિલાલનું વાત્સલ્યભાવે ખૂબ ધ્યાન રાખતા. તેઓ શાંતિલાલને કૂવામાંથી પાણી સિંચતાં શિખવાડે, વાસણ માંજતાં શિખવાડે, કીર્તન પણ શિખવાડે. સમજણી ઉંમર થયા પછી પોતાના પ્રાણપ્રિય ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજનો પ્રથમ યોગ પણ શાંતિલાલને ગામના આ મંદિરમાં જ થયેલો. ગુરુ શાસ્ત્રીજી મહારાજનાં એ પ્રથમ દર્શનથી જ તેઓ મનોમન શાસ્ત્રીજી મહારાજને સમર્પિત થઈ ગયા હતા. હવે તો ગુરુ શાસ્ત્રીજી મહારાજની રુચિમાં ભળીને તેઓને રાજી કરવા છે - એ ભાવ તેમના રોમ રોમમાં વ્યાપી ગયો હતો.
એકવાર શાસ્ત્રીજી મહારાજ સાથે શાંતિલાલ વિચરણમાં ગયા ત્યારે શાસ્ત્રીજી મહારાજે તેમની સેવા, સરળતા અને મેધાવી પ્રતિભા જોઈને કહેલું, “તું વિદ્દાન થાય એવો છે અને શાસ્ત્રી થાય એવો છે. ખરેખરો હોશિયાર છે. સાધુ થઈને શોભાડશે.' દરરોજ રિશાળેથી આવીને સાંજે સ્વામિનારાયણ મંદિરમાં થતી સંધ્યા આરતીમાં શાંતિલાલ અવશ્ય પહોંચી જ જાય. રવિવારે શાળામાં રજા હોય એટલે શાંતિલાલ સવારે પણ મંદિરે પહોંચી જતા. આ બાબતે દિવાળીબા પણ ખૂબ જ ખટકો રખાવતાં. જે દિવસે મંદિર-દર્શનમાં રજા પડે તે દિવસે માતુશ્રીએ ભોજનમાં પણ રજા રાખવાનો નિયમ કરેલો. અવારનવાર મંદિરમાં રહેતા લલ્લુ ભગતને પૂછીને શાંતિલાલનાં મંદિર દર્શનનો તાળો મેળવી લેતા. પણ શાંતિલાલનો જ ભક્તિનો ઇશક એવો હતો કે માતાને કોઈ દા'ડો નિસાસો નાંખવાનો વારો જ ન આવવા દે. સંધ્યા આરતીમાં શાંતિલાલ નગારું-ઝાલર વગાડતા. ઝાલર વગાડે ત્યારે ક્યારેક એક મોગરી (દાંડી)થી વગાડે તો ક્યારેક બે મોગરીથી. બાળકોમાં નગારું-ઝઝાલર વગાડવા માટે પડાપડી થાય પણ તે વખતે શાંતિલાલની રીત અનોખી રહેતી. કોઈને નગારું વગાડવું હોય તો પોતે ઝાલર વગાડે અને કોઈને ઝાલર વગાડવી હોય તો પોતે નગારું વગાડે.
તેઓના જીવનમાં ક્યારેય કોઈ વાતનો દુરાગ્રહ ન દેખાય. પોતાની વાત-વિગત સાચી હોય તોય હુંસાતુંસીમાં પડે નહીં. ફટ્... કરતી વાત પડતી મૂકી જાણે. આમ તેઓ હંમેશાં સંઘર્ષ-મુક્ત રહેતા.
આ રીતે સત્સંગમય વાતાવરણમાં જ શાંતિલાલ વિવિધ સદગુણો સાથે નિખરતા રહ્યા અને સૌના પ્રિય બનતા રહ્યા. ત્યારપછી તે તેઓના જીવનનાં અજોડ કાર્યોમાં પરિણમ્યું, જેનું દર્શન આજે સમગ્ર વિશ્વ કરી રહ્યું છે.
0 comments