વચનામૃત મૌખિક પ્રશ્નોત્તરી - ૧ - Solution

  1. જય ૧૦મા ધોરણમાં ભણતો હતો. બોર્ડની પરીક્ષા નજીક હતી. તેને ગણિત વિષયમાં ડર લાગતો હતો. તેના મિત્રએ કહ્યું કે “આ દોરો હાથમાં બાંધી રાખીશ તો પરીક્ષામાં સારા માર્ક્સ આવશે.” જયે તે દોરો બાંધી લીધો અને હવે તેને લાગવા લાગ્યું કે આથી જ સારું પરિણામ આવશે.
    પ્રશ્ન : જય કયા વચનામૃતને આધારે વિચાર કરે તો તેને સાચી વાત સમજાય?

ગ.મ.૩૮- સંસારી જીવ છે તેને તો કોઈક ધન દેનારો મળે કે દીકરો દેનારો મળે તો ત્યાં તરત પ્રતીતિ આવે, અને ભગવાનના ભક્ત હોય તેને તો જંત્ર-મંત્રમાં ક્યાંય પ્રતીતિ આવે જ નહીં. અને જે હરિભક્ત હોય ને જંત્ર-મંત્રમાં પ્રતીતિ કરે તે સત્સંગી હોય તે પણ અર્ધો વિમુખ જાણવો.

  1. મીનાબેન સત્સંગની સેવાઓમાં જોડાતા હતા. એક પ્રસંગમાં તેમને રસોડાની સામાન્ય સેવા આપવામાં આવી. તેમને લાગ્યું કે “મને તો મોટી જવાબદારી આપવી જોઈએ હતી.”
    પ્રશ્ન : મીનાબેન કયા વચનામૃતને આધારે વિચાર કરે તો તેમને સાચી વાત સમજાય?

ગ.પ્ર.૫૮- પાકો હરિભક્ત થયાનો તો એ જ ઉપાય છે જે, પરમેશ્વરના દાસનો ગુલામ થઈને રહે અને એમ જાણે જે, ‘એ સર્વ ભક્ત મોટા છે ને હું તો સર્વથી ન્યૂન છું,’ એમ જાણીને હરિભક્તનો દાસાનુદાસ થઈ રહે.

  1. જય અને મિતેશ એક જ ક્લાસમાં ભણતા હતા. મિતેશ હંમેશાં સારા ગુણ લાવતો અને શિક્ષકો પણ તેની પ્રશંસા કરતા. આ જોઈને જયને તેની ઈર્ષ્યા થવા લાગી. હવે જય તેની પ્રશંસા કરવાને બદલે તેની ખામીઓ શોધવા લાગ્યો.
    પ્રશ્ન : જય કયા વચનામૃતને આધારે વિચાર કરે તો તેને સાચી વાત સમજાય?

ગ.પ્ર.૪- જેની ઉપર ઈર્ષ્યા હોય તેના જેવા ગુણને ગ્રહણ કરવા અને પોતાના અવગુણને ત્યાગ કરવા. અને તેવું ન થવાય અને ઈર્ષ્યાએ કરીને ભગવાનના ભક્તોનો દ્રોહ થાય તેવી ઈર્ષ્યાનો તો ભગવાનના ભક્તે સર્વ પ્રકારે ત્યાગ કરવો.

  1. જય બોર્ડની પરીક્ષા આપતો હતો. પરીક્ષામાં ઓછા ગુણ આવ્યા ત્યારે તેણે કહ્યું, “મારા મિત્રો મને ફરવા બોલાવતા હતા એટલે હું અભ્યાસ ન કરી શક્યો, નહિતર મારા સારા ગુણ આવ્યા હોત.”
    પ્રશ્ન : જય કયા વચનામૃતને આધારે વિચાર કરે તો તેને સાચી વાત સમજાય?

ગ.અં.૬- જીવમાત્રનો તો એવો સ્વભાવ છે જે, જ્યારે કાંઈક પોતામાં વાંક આવે ત્યારે એમ બોલે જે, ‘મને બીજે કોઈએ ભુલાવ્યો ત્યારે મારામાં ભૂલ પડી, પણ મારામાં કાંઈ વાંક નથી.’ પણ એમ કહેનારો મહામૂર્ખ છે. કેમ જે, બીજો તો કોઈક કહેશે જે, ‘તું કૂવામાં પડ,’ ત્યારે એને કહેવે કરીને શું કૂવામાં પડવું ? માટે વાંક તો એવું કરે તેનો જ છે ને બીજાને માથે દોષ દે છે. તેમ જ ઇન્દ્રિયો ને અંતઃકરણનો વાંક કાઢવો એ પણ જીવની મૂર્ખાઈ જ છે.

  1. જય બોર્ડની પરીક્ષાની તૈયારી કરતો હતો. શરૂઆતમાં તે નિયમિત પૂજા અને અભ્યાસ કરતો હતો. પછી ધીમે ધીમે મોબાઇલમાં રીલ્સ, ગેમ અને વેબસિરીઝ વધુ જોવા લાગ્યો. હવે તેનું મન અભ્યાસ અને ભજનમાં લાગતું ન હતું.
    પ્રશ્ન : જય કયા વચનામૃતને આધારે વિચાર કરે તો તેને સાચી વાત સમજાય?

ગ.પ્ર.૧૮- અને પંચ ઇન્દ્રિયો દ્વારે જીવ જે આહાર કરે છે તે આહાર જો શુદ્ધ કરશે તો અંતઃકરણ શુદ્ધ થાશે, અને અંતઃકરણ શુદ્ધ થાશે તો અખંડ ભગવાનની સ્મૃતિ રહેશે. અને જો પંચ ઇન્દ્રિયોના આહારમાંથી એક ઇન્દ્રિયનો આહાર મલિન થાય છે તો અંતઃકરણ પણ મલિન થઈ જાય છે. માટે ભગવાનના ભક્તને ભગવાનના ભજનને વિષે જે કોઈ વિક્ષેપ થઈ આવે છે તેનું કારણ તો પંચ ઇન્દ્રિયોના વિષય જ છે પણ અંતઃકરણ નથી.

  1. મહેશભાઈની ઓફિસમાં તેમના મિત્રએ નવી કાર લીધી. બીજા સહકર્મચારીઓ પણ મોંઘી વસ્તુઓ ખરીદતા હતા. હવે મહેશભાઈને લાગવા લાગ્યું કે “મારે પણ આ બધું જોઈએ.” તેથી તેઓ સતત એ જ વિચારમાં રહેવા લાગ્યા.
    પ્રશ્ન : મહેશભાઈ કયા વચનામૃતને આધારે વિચાર કરે તો તેમને સાચી વાત સમજાય?

ગ.મ.૫૫- જેમ કાબના મુવાળા છે, તેમાં સારો કયો ને નરસો કયો ? તે તો સારો-નરસો સહુ એક પાડામાં છે; તેમ માયિક પદાર્થ પણ સર્વે સરખાં છે.

  1. જય યુવકસભામાં નિયમિત જતો હતો. તેની સાથે જતો મિતેશ ક્યારેક મોડો આવતો અને કેટલીક વખત નિયમમાં પણ કાચો હતો. આ જોઈને જય તેના અવગુણ જોવા લાગ્યો અને વિચારવા લાગ્યો કે “આવો માણસ સત્સંગમાં શા માટે આવે છે?”
    પ્રશ્ન : જય કયા વચનામૃતને આધારે વિચાર કરે તો તેને સાચી વાત સમજાય?

ગ.પ્ર.૨૪- જ્યારે કોઈ હરિભક્તનો દોષ નજરમાં આવે ત્યારે એમ સમજવું જે, ‘આનો સ્વભાવ તો સત્સંગમાં ન ઘટે એવો છે તોય પણ એને જો સત્સંગ મળ્યો છે અને એ જો જેવો-તેવો છે તોય પણ સત્સંગમાં પડ્યો છે, તો એનો પૂર્વજન્મનો અથવા આ જન્મનો સંસ્કાર ભારે છે તો આવો સત્સંગ મળ્યો છે,’ એમ સમજીને તેનો પક્ષ અતિશય ગુણ લેવો.

  1. હિતેશભાઈ વેપારમાં હતા. તેમને ગ્રાહકો સાથે કઠોર ભાષામાં બોલવાની ટેવ હતી. ઘણા ગ્રાહકો દૂર થવા લાગ્યા, છતાં તેઓ પોતાનો સ્વભાવ બદલતા ન હતા.
    પ્રશ્ન : હિતેશભાઈ કયા વચનામૃતને આધારે વિચાર કરે તો તેમને સાચી વાત સમજાય?

ગ.પ્ર.૧૬- જે ભગવાનના ભક્તને સત્-અસતનો વિવેક હોય તે તો જે જે અવગુણ પોતામાં હોય તેને જાણે અને વિચારીને તેનો ત્યાગ કરી દે. અને સવળો વિચાર હોય તેને ગ્રહણ કરે અને અવળો વિચાર હોય તેનો ત્યાગ કરે.

  1. મહેશભાઈ ઓફિસમાં કામ કરતા હતા. તેઓ પોતાના કામમાં ધ્યાન આપતા હતા, પરંતુ પછી ઓફિસની એક મહિલા કર્મચારી સાથે જરૂરી કામ સિવાય વધુ વાતચીત અને સમય પસાર કરવા લાગ્યા. ધીમે ધીમે તેમના નિયમો અને આધ્યાત્મિકતા પર અસર થવા લાગી.
    પ્રશ્ન : મહેશભાઈ કયા વચનામૃતને આધારે વિચાર કરે તો તેમને સાચી વાત સમજાય?

ગ.મ.૩૫- જગતમાં એમ વાર્તા છે જે, ‘મન હોય ચંગા તો કથરોટમાં ગંગા,’ એ વાર્તા ખોટી છે. એ તો ગમે તેવો સમાધિનિષ્ઠ હોય અથવા વિચારવાન હોય ને તે પણ જો સ્ત્રીઓના પ્રસંગમાં રહેવા માંડે તો એનો ધર્મ કોઈ રીતે રહે જ નહીં; અને ગમે તેવી ધર્મવાળી સ્ત્રી હોય ને તેને જો પુરુષનો સહવાસ થાય તો એનો પણ ધર્મ રહે જ નહીં. અને એવી રીતે સ્ત્રી-પુરુષને પરસ્પર સહવાસ થાય ને એનો ધર્મ રહે એવી તો આશા રાખવી નહીં.

  1. મીનાબેન નિયમિત ઘર સભા કરતા હતા. થોડા દિવસ પછી તેમને લાગ્યું કે “આજે ન કરીએ તો ચાલે.” ધીમે ધીમે ઘર સભા બંધ થઈ ગઈ અને ઘરમાં ઝઘડા તથા તણાવ વધવા લાગ્યા.
    પ્રશ્ન : મીનાબેન કયા વચનામૃતને આધારે વિચાર કરે તો તેમને સાચી વાત સમજાય?

ગ.પ્ર.૩૪- પરમેશ્વરના વચનને મૂકીને જ્યારે આડો-અવળો ડોલે છે ત્યારે ક્લેશને પામે છે અને જો વચનને વિષે રહે તો જેવો ભગવાનનો આનંદ છે તેવા આનંદમાં રહે છે... જે ભગવાનના ભક્ત હોય તેને જેટલું દુઃખ થાય છે તે તુચ્છ પદાર્થને અર્થે ભગવાનની આજ્ઞા લોપવે કરીને થાય છે ને જેટલું સુખ થાય છે તે ભગવાનની આજ્ઞા પાળવે કરીને થાય છે.

  1. જય યુવકસભામાં નિયમિત જતો હતો. એક દિવસ સભામાં તેને ચંપલ ગોઠવવાની સેવા આપવામાં આવી. શરૂઆતમાં તેણે સેવા કરી, પરંતુ પછી મિત્રો તેની પ્રશંસા કરવા લાગ્યા એટલે હવે તે માત્ર એવી જ સેવા કરવા ઇચ્છતો હતો જેમાં લોકો તેના વખાણ કરે.
    પ્રશ્ન : જય કયા વચનામૃતને આધારે વિચાર કરે તો તેને સાચી વાત સમજાય?

ગ.મ.૪૧- જેને પરમેશ્વર ભજવા હોય તેને ભગવાનની અથવા ભગવાનના ભક્તની સેવા-ચાકરી મળે ત્યારે પોતાનું મોટું ભાગ્ય માનીને સેવા કરવી. તે પણ ભગવાનની પ્રસન્નતાને અર્થે ને પોતાના કલ્યાણને અર્થે ભક્તિએ કરીને જ કરવી, પણ કોઈ વખાણે તે સારું ન કરવી.

  1. જય યુવકસભામાં નિયમિત જતો હતો. એક દિવસ સંતે બીજા યુવકને સેવા માટે બોલાવ્યો અને તેની પ્રશંસા કરી. આ જોઈને જયને લાગ્યું, “સંત તેમને જ વધુ મહત્વ આપે છે, મને તો ધ્યાન જ આપતા નથી.” ત્યારથી તે મનમાં અણગમો રાખવા લાગ્યો.
    પ્રશ્ન : જય કયા વચનામૃતને આધારે વિચાર કરે તો તેને સાચી વાત સમજાય?

લોયા-૧૮- ભગવાનને વિષે એવો દિવ્યભાવ ન સમજે ત્યારે વાતેવાતે ધોખો થાય ને ગુણઅવગુણ લીધા કરે છે જે, ‘આની કોરનો પક્ષ રાખે છે ને અમારો પક્ષ રાખતા નથી તથા આને વધુ બોલાવે છે ને અમને નથી બોલાવતા અને આને ઉપર વધુ હેત છે ને અમારી ઉપર નથી.’ એવી રીતે ગુણઅવગુણ પરખ્યા કરે છે. તેણે કરીને એનું અંતર દિવસે દિવસે પાછું પડીને અંત્યે તે વિમુખ થાય છે.

  1. મીનાબેનને આખો દિવસ સિરિયલ અને સોશિયલ મીડિયા જોવાની ટેવ પડી ગઈ હતી. ધીમે ધીમે તેમનું ભજન, પાઠ અને ઘરસભામાં મન ઓછું થવા લાગ્યું.
    પ્રશ્ન : મીનાબેન કયા વચનામૃતને આધારે વિચાર કરે તો તેમને સાચી વાત સમજાય?

ગ.પ્ર.૧૮- અને પંચ ઇન્દ્રિયો દ્વારે જીવ જે આહાર કરે છે તે આહાર જો શુદ્ધ કરશે તો અંતઃકરણ શુદ્ધ થાશે, અને અંતઃકરણ શુદ્ધ થાશે તો અખંડ ભગવાનની સ્મૃતિ રહેશે. અને જો પંચ ઇન્દ્રિયોના આહારમાંથી એક ઇન્દ્રિયનો આહાર મલિન થાય છે તો અંતઃકરણ પણ મલિન થઈ જાય છે. માટે ભગવાનના ભક્તને ભગવાનના ભજનને વિષે જે કોઈ વિક્ષેપ થઈ આવે છે તેનું કારણ તો પંચ ઇન્દ્રિયોના વિષય જ છે પણ અંતઃકરણ નથી.

  1. વિજયભાઈની દુકાનમાં થોડા સમયથી ગ્રાહકો ઓછા આવતાં હતા. એક મિત્રએ કહ્યું કે “આ ખાસ વસ્તુ દુકાનમાં મૂકી દો તો વેપાર વધી જશે.” વિજયભાઈએ તે વસ્તુ લાવીને દુકાનમાં મૂકી.
    પ્રશ્ન : વિજયભાઈ કયા વચનામૃતને આધારે વિચાર કરે તો તેમને સાચી વાત સમજાય?

ગ.મ.૩૮- સંસારી જીવ છે તેને તો કોઈક ધન દેનારો મળે કે દીકરો દેનારો મળે તો ત્યાં તરત પ્રતીતિ આવે, અને ભગવાનના ભક્ત હોય તેને તો જંત્ર-મંત્રમાં ક્યાંય પ્રતીતિ આવે જ નહીં. અને જે હરિભક્ત હોય ને જંત્ર-મંત્રમાં પ્રતીતિ કરે તે સત્સંગી હોય તે પણ અર્ધો વિમુખ જાણવો.

0 comments

વચનામૃતનો જીવનમાં ઉપયોગ (Real Life Incidents)

 ગ.મ.૬૨ : ભગવાનનો જે ભક્ત હોય તેને તો જે જે પ્રકારનાં દુઃખ આવે છે તે દુઃખના દેનારા કાળ, કર્મ, માયા એમાંથી કોઈ નથી; એ તો પર્ત ભગવાન જ પોતાના ...