પ્રશ્ન : રવિ ૧૨મા ધોરણમાં અભ્યાસ કરતો હતો. બોર્ડની પરીક્ષા નજીક હોવા છતાં તે મિત્રો સાથે બહાર ફરવામાં અને મોબાઇલમાં ઘણો સમય પસાર કરતો હતો. પરીક્ષાનું પરિણામ આવ્યું ત્યારે તેના ગુણ ખૂબ ઓછા આવ્યા. ઘરે બધાએ તેનું કારણ પૂછ્યું. રવિ તરત જ કહેવા લાગ્યો કે મારા મિત્રો મને સતત બહાર બોલાવતા હતા, તેથી હું અભ્યાસ કરી શક્યો નહીં. જો મારા મિત્રો સારા હોત તો મારા ગુણ પણ સારા આવ્યા હોત. તે પોતાની ભૂલો વિશે વિચારવાને બદલે આખો દોષ મિત્રો પર જ નાખતો હતો.
પ્રશ્ન : આવી પરિસ્થિતિમાં રવિએ શું વિચારવું જોઈએ?
ગ.અં.૬ :
"જીવમાત્રનો તો એવો સ્વભાવ છે જે, જ્યારે કાંઈક પોતામાં વાંક આવે ત્યારે એમ બોલે જે, ‘મને બીજે કોઈએ ભુલાવ્યો ત્યારે મારામાં ભૂલ પડી, પણ મારામાં કાંઈ વાંક નથી.’ પણ એમ કહેનારો મહામૂર્ખ છે. કેમ જે, બીજો તો કોઈક કહેશે જે, ‘તું કૂવામાં પડ,’ ત્યારે એને કહેવે કરીને શું કૂવામાં પડવું ? માટે વાંક તો એવું કરે તેનો જ છે ને બીજાને માથે દોષ દે છે. તેમ જ ઇન્દ્રિયો ને અંતઃકરણનો વાંક કાઢવો એ પણ જીવની મૂર્ખાઈ જ છે."
જવાબ :
રવિએ મિત્રો પર દોષ મૂકવાને બદલે પોતાની જવાબદારી સ્વીકારવી જોઈએ. અભ્યાસ ન કરવો એ તેની પોતાની ભૂલ હતી. પોતાના અવગુણને ઓળખીને સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ.
પ્રશ્ન : જયદીપ કોલેજમાં અભ્યાસ કરતો હતો. તે પોતાના સમાજ અને પરિવારની પરંપરાઓ પર ખૂબ ગર્વ અનુભવતો હતો. ધીમે ધીમે તેના મનમાં એવો ભાવ આવવા લાગ્યો કે મારી જાતિ અને સમાજ બીજા કરતાં વધુ સારા છે.
પ્રશ્ન : આવી પરિસ્થિતિમાં જયદીપે શું વિચારવું જોઈએ?
ગ.અં.૩૯ :
"પોતાને દેહથી પૃથક્ આત્મા જાણવો. અને તે આત્મા છે તે બ્રાહ્મણ નથી, ક્ષત્રિય નથી, કણબી નથી, કોઈનો દીકરો નથી, કોઈનો બાપ નથી, એની કોઈ જાત નથી, નાત નથી, એવો છે. અને એ આત્મા તો સૂર્ય તથા અગ્નિ જેવો તેજસ્વી છે ને જાણપણે યુક્ત છે."
જવાબ :
જયદીપે વિચારવું જોઈએ કે આત્માની કોઈ જાતિ કે નાત નથી. તેથી પોતાની જાતિ કે સમાજનો અહંકાર રાખવો નહીં અને દરેકને સમાન દૃષ્ટિથી જોવું જોઈએ.
પ્રશ્ન : રાકેશ ઘણા વર્ષોથી યુવક મંડળમાં સેવા કરતો હતો. તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરતો અને ઘણી સેવાઓમાં આગળ રહેતો. ધીમે ધીમે લોકો પણ તેની પ્રશંસા કરવા લાગ્યા. હવે જ્યારે કોઈ તેની સલાહ વિના નિર્ણય લેતું, ત્યારે તેને ખરાબ લાગતું. જો કોઈ બીજો યુવક સારી સેવા કરે અને તેની પ્રશંસા થાય, તો રાકેશને અંદરથી અણગમો થતો.
પ્રશ્ન : આવી પરિસ્થિતિમાં રાકેશે શું વિચારવું જોઈએ?
ગ.પ્ર.૫૮ :
"પાકો હરિભક્ત થયાનો તો એ જ ઉપાય છે જે, પરમેશ્વરના દાસનો ગુલામ થઈને રહે અને એમ જાણે જે, ‘એ સર્વ ભક્ત મોટા છે ને હું તો સર્વથી ન્યૂન છું,’ એમ જાણીને હરિભક્તનો દાસાનુદાસ થઈ રહે."
જવાબ :
રાકેશે અહંકાર છોડીને વિચારવું જોઈએ કે બધા હરિભક્તો મોટા છે અને હું સૌથી ન્યૂન છું. સેવા અને સફળતા ભગવાનની કૃપાથી મળે છે. તેથી નમ્રતા રાખવી જોઈએ.
પ્રશ્ન : યુવક મંડળના એક કાર્યક્રમ માટે પાંચ યુવકોની ટીમ બનાવવામાં આવી. દરેકને અલગ-અલગ જવાબદારી સોંપવામાં આવી હતી. ટીમમાં દર્શન નામનો એક યુવક ખૂબ જ વ્યવસ્થિત અને કુશળ હતો, તેથી ઘણીવાર તેની સલાહ સ્વીકારવામાં આવતી. શરૂઆતમાં બધું સારું ચાલતું હતું, પરંતુ ધીમે ધીમે કેટલાક યુવકોને લાગવા લાગ્યું કે દર્શનને વધુ મહત્વ આપવામાં આવે છે.
પ્રશ્ન : આવી પરિસ્થિતિમાં ટીમના સભ્યોએ શું વિચારવું જોઈએ?
ગ.પ્ર.૪ :
"જેની ઉપર ઈર્ષ્યા હોય તેના જેવા ગુણને ગ્રહણ કરવા અને પોતાના અવગુણને ત્યાગ કરવા. અને તેવું ન થવાય અને ઈર્ષ્યાએ કરીને ભગવાનના ભક્તોનો દ્રોહ થાય તેવી ઈર્ષ્યાનો તો ભગવાનના ભક્તે સર્વ પ્રકારે ત્યાગ કરવો."
જવાબ :
ટીમના સભ્યોએ દર્શનની સફળતા કે કુશળતા જોઈને ઈર્ષ્યા ન કરવી જોઈએ. તેના સારા ગુણો શીખવા અને પોતાની ખામીઓ સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. આમ કરવાથી એકતા અને ઉત્સાહ જળવાઈ રહેશે.
પ્રશ્ન : મીનાબેનના પરિવારને એક દિવસ ગંભીર રોડ અકસ્માત નડ્યો. ગાડીને ઘણું નુકસાન થયું, પરંતુ સદભાગ્યે પરિવારના બધા સભ્યોને માત્ર સામાન્ય ઈજાઓ થઈ. હોસ્પિટલમાંથી ઘરે આવ્યા પછી પરિવારના કેટલાક લોકો સતત એ જ વાત કરતા હતા કે ગાડીનો ઘણો ખર્ચ થઈ ગયો, પ્રવાસ બગડી ગયો અને કેટલી મુશ્કેલી પડી. મીનાબેન પણ આ બધું વિચારીને દુઃખી રહેતા હતા.
પ્રશ્ન : આવી પરિસ્થિતિમાં મીનાબેને શું વિચારવું જોઈએ?
ગ.પ્ર.૭૦ :
"સત્સંગ કરવો તે પોતે પોતાના જીવના કલ્યાણને જ અર્થે કરવો, પણ કોઈ પદાર્થની ઈચ્છા તો રાખવી જ નહીં. કાં જે, ઘરમાં દસ માણસ હોઈએ અને તે દસનું મૃત્યુ આવ્યું હોય તેમાંથી એક જણ જો ઊગરે તો શું થોડું છે ? કે હાથમાં રામપાતર આવવાનું હતું એને રોટલા ખાવા મળે તો શું થોડા છે ? સર્વે જનારું હતું તેમાંથી એટલું રહ્યું તે તો ઘણું છે; એમ માનવું. એમ અતિશય દુઃખ થવાનું હોય તેમાંથી પરમેશ્વરનો આશરો કરીએ તો થોડુંક ઓછું થાય ખરું, પણ એ જીવને એમ સમજાતું નથી. અને જો શૂળી લખી હોય તો કાંટેથી ટળી જાય એટલો તો ફેર પડે છે."
જવાબ :
મીનાબેને વિચારવું જોઈએ કે ભગવાનની કૃપાથી પરિવાર સુરક્ષિત બચી ગયો, એ સૌથી મોટો લાભ છે. થયેલા નુકસાન કરતાં ભગવાનના ઉપકાર, રક્ષણ અને બચી ગયેલા સુખનો વિચાર કરીને રાજી રહેવું જોઈએ. દુઃખમાં પણ ભગવાનનો આશરો રાખવાથી મનને શાંતિ મળે છે.


0 comments