સંવત ૧૮૭૬ના માગશર સુદિ ૮ અષ્ટમીને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “રાધિકાએ સહિત એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તેનું ધ્યાન કરવું.૨૦ અને તે ધ્યાન કરતાં મૂર્તિ હૃદાને વિષે ન દેખાય તો પણ ધ્યાન કરવું; પણ કાયર થઈને તે ધ્યાનને મૂકી દેવું નહીં. એવી રીતના જે આગ્રહવાળા છે તેની ઉપર ભગવાનની મોટી કૃપા૨૧ થાય છે અને એની ભક્તિએ કરીને ભગવાન એને વશ થઈ જાય છે.”

૨૦. અહીં રાધિકાએ સહિત શ્રીકૃષ્ણ ભગવાનના ધ્યાનના દૃષ્ટાંતથી, પોતાના ઉત્તમ ભક્ત અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી તથા બ્રહ્મસ્વરૂપ સત્પુરુષે સહિત શ્રીજીમહારાજનું ધ્યાન કરવું તેવો ભાવાર્થ ‘ખોરડા પર બીજ’ એ ન્યાયથી મુખ્યપણે સંપ્રદાયમાં સમજાવાય છે.

૨૧. પોતાની મૂર્તિનાં દર્શન આપવારૂપ.

    યોગીજી મહારાજે કરેલું નિરૂપણ

તા. ૧૫/૮/૧૯૬૫, મુંબઈ. સવારે ૧૦:૩૦ વાગ્યે વચનામૃત ગઢડા પ્રથમ ૫ નિરૂપતાં “રાધિકાએ સહિત શ્રીકૃષ્ણ ભગવાનનું ધ્યાન કરવું” તે સમજાવતાં યોગીજી મહારાજ કહે, “મહારાજે ખોરડા (ઘર) ઉપર બીજ (ચંદ્ર) બતાવી. જે ન સમજે તે ખોરડું પકડે, પણ બીજ ન પકડે. બીજ તો આકાશમાં છે. અક્ષરે સહિત પુરુષોત્તમના ધ્યાનની વાત આમાં છે, પણ રાધાકૃષ્ણનું નિશાન બતાવ્યું છે. ભક્તે સહિત ભગવાનની ઉપાસનાની વાત છે.”

ત્યારે પૂછ્યું, “મહારાજે કેમ એ પ્રમાણે ન લખ્યું?”

એટલે સ્વામીશ્રીએ કહ્યું, “તે વખતે મહારાજનું જ નામ જ્યાં નહોતું લેવાતું તો અક્ષરપુરુષોત્તમનું ક્યાંથી લેવાય? મહારાજે ધીરે ધીરે વાત કરી. પહેલા વચનામૃતમાં પોતાના ધ્યાનની વાત કરી, ત્રીજામાં લીલાચરિત્રો સંભારવા કહ્યું. સત્સંગી, સાધુ, બ્રહ્મચારીને સંભારવા કહ્યું. પછી પાંચમામાં ભક્તે સહિત ભગવાનના ધ્યાનની વાત કરી દીધી. આમ, ધીરે ધીરે સમજાવી દીધું. કેટલાક એકલા મહારાજને ભજે છે. બીજા કોઈને નહીં. પ્રથમ ૭૧માં અક્ષરપુરુષોત્તમની વાત સમજવી અને બીજા આગળ કરવી, એમ કીધું છે તે કોઈ કરતું નથી. શાસ્ત્રીજી મહારાજ બહાર પડ્યા અને આ વાત સમજાવી. આ મુદ્દો સમજાય, તો બધુંય સમજાય.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૪/૧૦૦]

તા. ૧૧/૧૨/૧૯૬૮, શનિવાર. સાંજે ૪:૧૫ વાગ્યે મુંબઈ અક્ષરભવનમાં પહેલે માળે યુવકમંડળની સભામાં પ્રશ્નનો જવાબ આપતાં યોગીજી મહારાજ કહે, “મહારાજે ગઢડા પ્રથમ ૫માં કહ્યું છે, ‘રાધિકાએ સહિત શ્રીકૃષ્ણનું ધ્યાન ધરવું.’ – ‘આરાધિતા ઇતિ રાધા.’ અહીં મહારાજે ગર્ભિતપણે અક્ષર સહિત પુરુષોત્તમના ધ્યાનની વાત કરી છે, પરંતુ જેમ આકાશમાં બીજ (બીજનો ચંદ્રમા) ઊગ્યો હોય તે બતાવવા માટે એમ કહેવું પડે, ‘જુઓ, આ ખોરડા (ઘર) ઉપર બીજ (ચંદ્ર) છે.’ એમ પહેલાં નિશાના નોંધવું પડે. પછી આપણે ખોરડાને થોડું જોઈએ છીએ? નિશાન બીજ ઉપર છે. તેમ શ્રેષ્ઠ ભક્ત ભેળું મહારાજનું ધ્યાન કરવાની વાત આમાં છે. કડિયા જેમ કમાન બાંધવા ઢોલો (બીબું) કરે છે, પછી જ્યારે કમાન બંધાઈ જાય ત્યારે ઢોલાને કાઢી નાખે છે. આ તો ઢોલાને વળગી પડ્યા છે... અક્ષરે સહિત પુરુષોત્તમની નિષ્ઠા વગર છૂટકો નથી. આ નિષ્ઠા વિના બાપા ધામમાં નહીં લઈ જાય.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૫/૩૦૮]

૬ જાન્યુઆરી ૧૯૬૪. અક્ષર ભવનમાં સવારની કથામાં વચનામૃત ગઢડા પ્રથમ ૫ સમજાવતાં યોગીજી મહારાજ કહે, “રાધિકાએ સહિત ધ્યાન કરવું. તેમાં ભક્ત આવ્યા કે નહીં! આખો સત્સંગ વાંચે છે. કોઈએ ‘મહારાજના ઉત્તમ ભક્ત કોણ?’ તે પૂછ્યું નહીં. નહીં તો મહારાજ બતાવત. સર્વોપરીની ગેડ નો’તી બેસતી તો ભક્તની વાત ક્યાંથી બેસત? પૂર્વનાં પુણ્ય તે આપણને વાત સમજાણી ને ગેડ બેસી ગઈ. કેળામાં ઘી ને માંહી પડી ખાંડ. સ્વાદ આવે તો આંખનાં ચશ્માં ઠરી જાય... ગુણાતીત બદલી ગયા છે? છે, છે ને છે. પ્રત્યક્ષ સ્વરૂપમાં મહારાજ ને સ્વામી બંને રહ્યા છે. અક્ષર ગુણાતીત. તેમાં મહારાજ રહ્યા છે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૫૬૮]

॥ સ્વામીની વાતો ॥

પ્રકરણ: ૧

વાત: ૪૧ થી ૫૦

પ્રેમીનું હેત તો ટાંકાના પાણી જેવું છે અને જ્ઞાનીનું હેત તો પાતાળના પાણી જેવું છે; ને પ્રેમીનું તો ભગવાન તથા સાધુને રાખવું પડે, પણ જ્ઞાનીનું રાખવું પડે નહિ.

 (૧/૪૧)

કોઈક લોભ મૂકે, સ્વાદ મૂકે, સ્નેહ મૂકે, માન મૂકે, પણ સ્ત્રી તો હૈયામાંથી નીકળે નહિ. ને રૂપ જેવું તો કાંઈ બળવાન નથી ને એ વિષય તો જીવમાત્રમાં રહ્યો છે. તે તો મોટા અનુગ્રહ કરે ત્યારે ટળે પણ તે વિના ટળે નહિ.

 (૧/૪૨)

અમે તપાસી જોયું તો આ જીવ કોઈ દિવસ ભગવાનને માર્ગે ચાલ્યો નથી ને સાવ નવો આદર છે. જીવમાત્રને ખાવું, સ્ત્રી ને ધન એ ત્રણનું જ ચિંતવન છે ને એનું મનન ને એની જ કથા ને એનું જ કીર્તન ને એની જ વાતું ને એનું જ ધ્યાન છે. ને તેમાં પણ દ્રવ્યનું તો એક મનુષ્ય જાતિમાં જ છે. બાકી ખાવું ને સ્ત્રી એ બેનું તો જીવમાત્રને ચિંતવન છે, કેમ જે, ભગવાનની માયાનો ફેર ચડાવી મૂક્યો છે. ને એનું ચિંતવન ન થાય એ તો દેવનો પણ દેવ છે, એ મનુષ્ય નથી. ને ખાવું, સ્ત્રી ને ઊંઘવું એ ત્રણ વાતમાં ગુરુ કરવા પડતા નથી. નદિયુંના પ્રવાહ સમુદ્ર સન્મુખ ચાલે છે, એમ જીવને વિષય સન્મુખ ચાલવાનો ઢાળ છે ને તેમાંથી પાછું વળાય એ તો સાધુનું છે.

(૧/૪૩)

આ દેહમાં અને આ લોકમાં આપણે ચોંટશું તો ભગવાન ચોંટવા નહિ દે. જેમ રવજી સુથારને સ્ત્રી પરણાવીને સંસારનું સુખ લેવા દીધું નહિ ને પછી સંસારમાંથી તોડીને છેલ્લી વારે સાધુ કર્યો. એમ ભગવાન બંધાવા નહિ દે.

 (૧/૪૪)

૧. કચ્છ-ભુજના રવજી સુથાર શ્રીજીમહારાજના ભક્ત હતા. તેઓ વિધુર થયા ત્યારે શ્રીજીમહારાજે તેમને બીજું લગ્ન કરવા ના કહેલી. છતાં તેમણે મહારાજને ખૂબ વિનંતી કરી. તેથી ફરી લગ્ન કરાવી આપ્યાં. બાઈ મહારાજની પરમ ભક્ત હતી. તેથી શ્રીજીમહારાજ બાઈને કહે છે, “બીજાને એક જમપુરી ને તારે માથે બે, કારણ કે મારા ભક્તને તેં મોહ પમાડ્યો છે.”
પછી એ બાઈએ ક્ષમા માંગી ત્યારે શ્રીજીમહારાજ તેને ઉપાય બતાવતાં કહે, “રવજી કહે તેનાથી ઊંધું જ કરવું. તેની આસક્તિ તોડવા માટે.”
પત્નીના આવા વિપરીત વલણથી ધીરે ધીરે રવજી સુથાર કંટાળી ગયા. છેવટે મહારાજે બાઈના દેહમાં ભયંકર રોગ મૂક્યો. તેની શુશ્રૂષા કરી કરીને રવજી સુથારને સંસાર પ્રત્યે તદ્દન નફરત થઈ ગઈ. અંતે શ્રીજીમહારાજે તેમને વાસના-મુક્ત કરી ત્યાગીની દીક્ષા આપી હતી.

દેહમાં રોગાદિક દુઃખ આવી પડે તે તો તેના મોકલનારા ટાળે ત્યારે ટળે પણ બીજા કોઈથી ટળે નહિ. જેમ રાજાનો મોકલેલો મોસલ આવે તે તો તેની ચિઠ્ઠી આવે ત્યારે ઊઠે પણ ગામના માણસથી ઊઠે નહિ, એમ સમજવું.

 (૧/૪૫)

૧. સરકાર-અદાલતનો હુકમ બજાવનાર સિપાઈ.

વિષયનો તિરસ્કાર તો અક્ષરધામમાં, શ્વેતદ્વીપમાં, બદરિકાશ્રમમાં ને આ લોકમાં મોટા એકાંતિક પાસે છે. એ ચાર ઠેકાણાં વિના બાકી સર્વે ઠેકાણે વિષયનો આદર છે.

(૧/૪૬)

ભગવાનનું ધામ ગુણાતીત છે ને જીવને ગુણાતીત કરવા છે ને આપણે આ જ્ઞાન સાંભળ્યું છે તે બીજે ક્યાંઈ બનશે નહીં ને આપણાથી બીજે ન રહેવાય; ને આ મળ્યા છે તે પણ મૂકે એવા નથી, એવું એને આવડે છે. ને આજનું જ્ઞાન સાંભળીને જાય છે તેને શ્વેતદ્વીપ ને તેની આની કોરના કોઈ પૂગતા નથી. અને આ જ્ઞાન તો ફિરંગીની તોપું જેવું છે ને આની આગળ બીજાનું જ્ઞાન તો ફટાકિયા જેવું છે, ને આ તો કહ્યું છે જે, ‘જનના અવગુણને નાથ ગણતા નથી રે, શરણે આવ્યાના શ્યામ સુજાણ’ એવા છે. એ પ્રકારે મહિમા બહુ કહ્યો.

(૧/૪૭)

૧. પોર્ચુગીઝ લોકો લડાઈમાં તોપ ફોડતા તે અનેકનો કચ્ચરઘાણ નીકળતો.

૨. ભાવાર્થ: ભગવાન જીવના અવગુણ જોતા નથી, જે કોઈ શરણે આવે તેના તે થઈ જાય છે. (ભગવાન કલ્યાણનો ઉદાર સંકલ્પ લઈને આવ્યા છે અને ગુણ-અવગુણ જોયા વગર આશ્રિતનું કલ્યાણ કરે છે.)

કીર્તન

આ અવસર રે દયાળુ દયા કરી રે,

ટાળવાને જન્મમરણના તાપ,

વાહને ચડીને રે આવો છો મારા વા'લમા રે,

નારાયણ નામનો જપતા જાપ... આ અવસર ૧

અનેકને આવ્યા રે અંત સમે તેડવા રે,

સાથે લઈ સંત જનનો સાથ,

એવા તો તમારા રે ગુણ અનંત પાર રે,

સાંભળતામાં સરવે થાય સનાથ... આ અવસર ૨

અધમની જાતિ રે ઓધારી બહુ નારી,

ને જેને નિંદે શાસ્ત્ર વેદ પુરાણ,

ગુણ ને અવગુણ રે નાથ ગણતા નથી રે,

શરણે આવ્યાના શ્યામ સુજાણ... આ અવસર 3

કરુણારસને પ્રગટ કર્યો કાનજી રે,

કરવા અનેક જનનો ઉદ્ધાર,

મુક્તાનંદને વા'લે મહા સુખ આપિયું રે,

કરી નિત્ય નવલા નેહ વિહાર... આ અવસર ૪

બદરિકાશ્રમ ને શ્વેતદ્વીપના મુક્તને ત્યાગ-વૈરાગ્યનું બળ છે, ને ગોલોકના ને વૈકુંઠના મુક્તને પ્રેમ મુખ્ય છે, ને અક્ષરધામના મુક્ત બ્રહ્મરૂપ છે.

(૧/૪૮)

ભગવાનના ભક્તને વિષયસુખ મળે એ જ નર્ક છે. તે કહ્યું છે જે,

કુંતાજી દુઃખ માંગ કે લીનો, એહિ ભક્ત કી રીતિ વે;

વિષય આનંદ ન લહે સુપન મેં, જાહિ પ્રભુપદ પ્રીતિ વે.

એ ભક્તનું લક્ષણ છે.

(૧/૪૯)

૧. મહાભારતમાં યુદ્ધવિરામ બાદ ત્રણ અશ્વમેધ યજ્ઞ દ્વારા મૃતાત્માઓની શાંતિ કરી શ્રીકૃષ્ણ પાંડવોને રાજ્યધુરા સોંપ્યા બાદ દ્વારકા જવા પ્રયાણ કરે છે. રાજ-કારભારમાં ગૂંથાયેલાં કુંતાજી ભગવાનને મળવા નવરાશ લઈ શક્યાં નહીં. છેવટે પ્રયાણ વેળાએ મળે છે, ત્યારે પ્રાર્થના કરે છે કે “વિપદઃ સન્તુ નઃ શશ્વત્...” “હે ભગવાન! અમને પળે પળે વિપત્તિઓ આવે, જેથી કરીને તમને યાદ તો કરી શકીએ...” (ભાગવત: ૧/૮/૨૫)

આ સર્વે કામ મૂકીને આવીને નવરા બેસીને વાતું સાંભળીએ છીએ, તે એમ સમજવું જે, કરોડ કામ કરીએ છીએ. તે શું જે, જમપુરી, ચોરાસી, ગર્ભવાસ એ સર્વેને માથે લીટા તાણીએ છીએ પણ નવરા બેઠા છીએ એમ ન સમજવું.

(૧/૫૦)