શ્રીમદ્ ભગવદ્ ગીતાના વિભૂતિ યોગમાં માગશર માસને યાદ કરીને ભગવાન કહે છે: ‘માસાનાં માર્ગશીર્ષોઽહમ્...' અર્થાત્ મહિનાઓમાં માગશર મહિનો એ મારું સ્વરૂપ છે.
આ માસની પૂર્ણિમાએ આકાશમાં મૃગશીર્ષ નક્ષત્ર હોય છે. તેથી તેનું નામ માર્ગશીર્ષ પડ્યું છે. જેમ આધુનિક સમયમાં કાર્તિક મહિનાથી વરસનો આરંભ થાય છે તેમ વૈદિક યુગ અને મહાભારત યુગમાં વર્ષનો આરંભ માગશર મહિનાથી થતો હતો. મહાભારતમાં નિર્દેશ મળે છે કે યુધિષ્ઠિર રાજાના રાજ્યકાળમાં માગશર મહિનાથી વર્ષનો આરંભ થતો હતો. મહાભારતની કાલ-ગણનાના આધારે એ સ્પષ્ટ છે કે ભગવાન શ્રીકૃષ્ણે ભગવદ્ ગીતાનું અદ્ભુત જ્ઞાન ઉચ્ચાર્યું ત્યારે પણ માગશર મહિનો હતો. આથી જ માગશર શુક્લ એકાદશીએ ગીતા જયંતી ઊજવવાની પરંપરા રહી છે.
ચાતુર્માસના વરસાદની હેલી પડ્યા પછી નવા ધાન્યના પ્રાશન માટે પણ માગશર માસ ઉત્તમ ગણાતો હતો. માગશરમાં ઋતુ અને મુહૂર્તો પણ સુખપ્રદ રહે છે અને એટલે જ લગ્નોત્સવો કે માંગલિક પ્રસંગોનાં મુહૂર્તોની દૃષ્ટિએ કે આરોગ્યની દૃષ્ટિએ પણ તે જ માસ વધુ ઉત્તમ મનાય છે. આવાં અનેક કારણોસર ભગવાને માગશર મહિનાને ઉત્તમ માની, પોતાની વિભૂતિ તરીકે આ મહિનાને ગણાવ્યો હોય તે સમજી શકાય તેમ છે.
કેટલાક વિદ્વાનોનો એવો મત છે કે, અત્યારના યુગમાં પોષ માસમાં સૂર્યનું ઉત્તરમાં અયન થાય છે તે શ્રીકૃષ્ણના સમયે માગશરમાં થતું હતું. આવા, ભગવાનની વિભૂતિરૂપ માગશર માસમાં એક અખંડ અમર રહેવા માટે જન્મેલી પવિત્ર પળ પણ આવી ગઈ, માગશર સુદ આઠમના દિને. એ પળ એટલે - આ વસુંધરા પર નાનકડા ચાણસદ ગામે વિશ્વવંદનીય સંત પ્રમુખસ્વામી મહારાજનું અવતરણ. વર્ષ હતું – સન ૧૯૨૧નું, વિક્રમ સંવત ૧૯૭૮નું.
એ વાતને આજે સો વર્ષ વીતી રહ્યાં છે અને વિશ્વભરમાંથી લાખો લોકો તેમને હૃદયથી યાદ કરીને, તેમના અનંત ઉપકારોની સ્મૃતિ કરીને વંદના કરી રહ્યા છે ત્યારે, વીસ વર્ષ પહેલાં મહંત સ્વામી મહારાજે તેમનાં ચરણે અર્પણ કરેલી એક ચિંતનીય લેખાંજલિ અહીં માણીએ:
‘એકબીજાને વ્યવહાર પડયાથી સાધુતાની ખબર પડે છે. તે વિના સાધુપણું જણાતું નથી.’ અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની આ વાત(૧/૩૨૬) સાધુતાની કસોટી સમાન છે. મનમોજી વર્તન રાખી, સર્વેથી અલગ પડી, એકલપણું ભોગવી, સાધુપણું રાખવું તેમાં શું મોટી વાત છે? પ્રવૃત્તિમાં સ્વભાવનાં ઘર્ષણ થાય; માન, ઈર્ષ્યા, ક્રોધ, રાગ-દ્વેષ, પક્ષાપક્ષી, મારું-તારું અહં-મમત્વના ખેલ ખેલાય; તેની વચ્ચે પણ સાધુતા રહે તે ખરું. તેથી આગળ, આ બધામાં ચિત્તની પ્રસન્નતા રહે તે તો ગુણાતીત જ કહેવાય.
પ્રમુખસ્વામી મહારાજ એક એવા વિરલ ગુણાતીત સંત છે. વ્યવહાર વચ્ચે રહીને તેમણે ચિત્તની પ્રસન્નતારૂપ મહા-મહાસિદ્ધિ મેળવી છે, ભોગવી રહ્યા છે. આ સર્વ સિદ્ધિઓની સિદ્ધિ છે. આનાથી મોટી કોઈ સિદ્ધિ જ નથી. માની લ્યો, ચિત્તની પ્રસન્નતા હોય તો પણ અખંડ ચિત્તની પ્રસન્નતા એ તો અતિ દુર્લભ સિદ્ધિ છે. પ્રમુખસ્વામી મહારાજને અપાર જવાબદારીઓ છે, લાખો શિષ્યો, સેંકડો સંતો, ૫૦૦ મંદિરો ...કેટલાં નવાં થઈ રહ્યાં છે, પણ આ બધી પ્રવૃત્તિઓ વચ્ચે ચિત્તની પ્રસન્નતા અકબંધ રહે છે! આપણે બધાને પણ જવાબદારીઓ છે, પણ કેટલા તણાવમાં રહીએ છીએ? સ્વભાવ કેવા કૂદી-કૂદીને બહાર પ્રવૃત્તિના મેદાનમાં આવે છે? કેવી રમખાણ મચાવે છે? ચિંતામાં કેવા ડૂબી જઈએ છીએ? જાત-જાતનું, ભાત-ભાતનું થાય છે. પરંતુ જ્યાં બધા અપસેટ(upset) ત્યાં સ્વામીશ્રી સેટ(set), સ્થિર-ધીર-નિશ્ચિંત, હળવાફૂલ!
વળી, સંજોગો ઊંધા–ચત્તા થાય કે જે થાય તે, પણ સ્વામીશ્રીના ચિત્તની પ્રસન્નતાના કારણે બધું શમી જાય છે અને તેમની કૃપાથી સામાન્ય વ્યક્તિ પણ, સામાન્ય સાધન-સંજોગોમાં અસામાન્ય કાર્ય કરી બતાવે છે! Best management is that where common people with common means and in common circumstances do uncommon things. આ સ્વામીશ્રીના ચિત્તની પ્રસન્નતાનું પરિણામ છે.
વળી, ચિત્તની પ્રસન્નતા માટે તેમને ધ્યાનમાં બેસવું પડતું નથી, યોગ સાધવો પડતો નથી, એકાંત સેવવું પડતું નથી, ક્રિયા અને જવાબદારીઓમાંથી અને ભજન-ભક્તિ પૂજા-પાઠમાંથી નિવૃત્તિ લેવી પડતી નથી. તેમને સહજાનંદનો સહેજે આનંદ રહે છે. સહજાનંદના સહજ-આનંદનું કારણ એ છે કે સ્વામીશ્રીનું ચિત્ત ૧૦૧% યોગીજી મહારાજમાં ખેંચાઈ ગયું છે.
શ્રીજીમહારાજે પ્રથમ પ્રકરણના ૨૫મા વચનામૃતમાં વાત કરી કે જે ભક્તની ચિત્ત-વૃત્તિ ભગવાનના સ્વરૂપને વિષે જોડાણી તેને અષ્ટાંગ-યોગ વગર સાધે સધાઈ રહ્યો. સ્વામીશ્રી તો અનાદિના ગુણાતીત સંત છે. બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ સાથે. પણ સમજવા માટે (પ્રેક્ટિકલ થવા માટે) સ્વામીશ્રીને આ રીતે સમજીએ. સ્વામીશ્રી છે એવા નહીં, પણ દેખાય છે એવી રીતે લઈએ તો સ્વામીશ્રી શાસ્ત્રીજી મહારાજમાં એવા તો ખેંચાણા, એવા તો ખેંચાણા કે તેમનું ચિત્ત સંપૂર્ણ રીતે, યથાવત્ શાસ્ત્રીજી મહારાજમાં ઓતપ્રોત થઈ ગયું. તે સ્વરૂપ બની ગયા. અને શ્રીજીમહારાજના કહ્યા પ્રમાણે, તે વૃત્તિ કોઈની હટાવી ભગવાનના સ્વરૂપમાંથી પાછી હટતી જ નથી.
ભગવાન કહે છે:
ब्रह्मभूतः प्रसन्नात्मा न शोचति न कांक्षति ।
समः सर्वेषु भूतेषु मद्भक्तिं लभते पराम् ॥
અર્થાત્ જે બ્રહ્મરૂપ થયો છે, કહેતાં આત્મસ્વરૂપનો જેને આવિર્ભાવ થયો છે અને પ્રસન્નમન છે એટલે ક્લેશ કર્માદિ દોષથી જેનું મન કલુષિત નથી અને કશાયનો પણ શોક કરતા નથી, તેમ કોઈ પદાર્થને ઇચ્છતા નથી, સર્વ ભૂતમાં જે સમ છે, એટલે કોઈનો પણ આદર નહીં કરનારા અર્થાત્ સર્વ વસ્તુને તૃણવત્ માને છે, તે ભક્ત મારે વિષે પરાભક્તિને પામે છે. અર્થાત્ જેને આત્માનો સાક્ષાત્ અનુભવ થયો હોય તેને જ પરાભક્તિમાં અધિકાર થાય છે.
શંકરાચાર્ય ચર્પટમંજરિકામાં લખે છે:
योगरतो वा भोगरતો વા સઙ્ગરતો વા સઙ્ગવિહીનઃ ।
યસ્ય બ્રહ્મણિ રમતે ચિત્તં નન્દતિ નન્દતિ નન્દત્યેવ ॥
યોગ સાધે કે ભોગ ભોગવે, સંગરહિત કે સંગસહિત વર્તે, જેનું ચિત્ત ભગવાનમાં રમમાણ છે તે અખંડ આનંદમાં જ રહે છે, આનંદમાં જ રહે છે, આનંદમાં જ રહે છે. એટલે કે ચિત્તની પ્રસન્નતા સામાન્ય-મામૂલી વસ્તુ નથી. બ્રહ્માનંદ, નિજાનંદ, પરમાનંદ, અખંડાનંદ એવો સર્વોપરી આનંદ છે. કેટલાય ગુણોનો સમન્વય છે. સંપૂર્ણપણે ત્રણ દેહ, ત્રણ ગુણ, ત્રણ અવસ્થાની નિવૃત્તિનું ફળ છે. સર્વે ગુણોથી સંપન્ન, સર્વે દોષે રહિત સ્વામીશ્રીએ આ ગુણો સાધનાથી મેળવેલા નથી. તેઓ અનાદિસિદ્ધ છે. ભગવાનને વિશે, પરા-ભક્તિના કારણે અનંત ગુણો તેમનામાં છે. આપણું ચિત્ત પણ જેટલું સ્વામીશ્રીમાં ખેંચાશે એટલા ભગવાનના ગુણ પાકે પાયે આપણામાં આવશે. બાકી ગુણો મેળવી બ્રહ્મ થવું અશક્ય છે. બ્રહ્મના સંગે જ બ્રહ્મ થવાય.
સ્વામીશ્રીની ચિત્તની પ્રસન્નતાનો એક પ્રસંગ યાદ આવે છે: મુંબઈમાં એક સમય અલ્પાહાર કરી સ્વામીશ્રી તે સ્થાનેથી ઊઠી ન શક્યા. કારણ, હરિભક્તોને મળવાનું શરૂ થઈ ગયું. લગભગ ૫૦ જેટલાએ તો અંગત પ્રશ્નોમાં માર્ગદર્શન મેળવ્યું હશે. એક જ જણની વાતો - દુ:ખ, મુશ્કેલીઓની વાત સાંભળોને તો ભેજું આઉટ(out) થઈ જાય! સ્વામીશ્રી બધાને મળી પ્રાર્થના, ધૂન કરી, આશીર્વાદ આપી બહાર આવ્યા. અમે સંતો બેઠા હતા, પણ સ્વામીશ્રીને એકદમ પ્રસન્નચિત્ત જોયા. જરાય થાક કે કંટાળો નહીં. અમારા આનંદમાં એમણે પોતાનો આનંદ ઠાલવ્યો. સવા બાર વાગી ગયા હતા. ચાર-ચાર કલાક એક જ આસને સૌની વિટમણાઓમાં ભાગીદાર થવા છતાં સ્વામીશ્રી જરાય કંટાળ્યા ન હતા!
સ્વામીશ્રી ક્યારેય ચિંતિત દેખાતા નથી, થાકેલા દેખાતા જ નથી. જાણે કોઈ કામ જ નથી કે કાંઈ કરતા નથી, નવરા હોય એવું મુખારવિંદ રહે છે, પણ એક ક્ષણ નવરા રહેતા નથી. આરામ તો કથનમાત્ર છે. સાથે હરિકૃષ્ણ મહારાજ છે, પણ તેમનું અખંડ અનુસંધાન, ભગવાનના સર્વકર્તાપણાનું અખંડ અનુસંધાન. સંતો-હરિભક્તો તો એમનું સર્વસ્વ છે. પોતાની ક્ષણે-ક્ષણ એમના માટે જ છે. પોતાની દેહક્રિયા પણ ભૂલી જાય છે. ભજન-ભક્તિ, સેવા, કથાવાર્તા, ઉપદેશાત્મક વચનો, ઠાકોરજીનાં દર્શન, પૂજા બધું જ પોતા માટે જ કરે છે. બીજાને ઉપદેશ આપવા, દાખલો બેસાડવા, વર્તાવવા, દેખાડવા નહીં. બધું સહેજે જ કરે છે. કારણ, સહજાનંદ સિવાય એમને કાંઈ છે જ નહીં.
સહજાનંદનો સહજ-આનંદ. સહજાનંદના સહજ આનંદમાં હંમેશાં તલ્લીન રહીને સૌને તે દિવ્ય આનંદ વહેંચતા પ્રમુખસ્વામી મહારાજને, તેઓની જન્મજયંતી પર્વે કોટિ કોટિ વંદન...
0 comments