માનસરોવર પૃથ્વી પરનું સૌથી વધુ સૌંદર્યવંતું અને અધ્યાત્મનાં દિવ્ય આંદોલનોથી સ્પંદિત થતું અદ્ભુત સરોવર છે. પરંતુ ઋતુ ઋતુમાં કલેવર બદલતા માનસરોવરે નીલકંઠ પધાર્યા ત્યારે ફેબ્રુઆરી, ૧૭૯૩નો કાતિલ શિયાળો ચાલી રહ્યો હતો. આ સમયે સમગ્ર માનસખંડ કઈ સ્થિતિમાં હોય?
નીલકંઠ માનસરોવર પધાર્યા તે જ ઋતુમાં સન ૧૯૩૬-૩૭માં સ્વામી પ્રણવાનંદજી નામના વિદ્વાન સંન્યાસી પણ માનસરોવર પર રોકાયા હતા. માનસરોવરના તીરે એક બૌદ્ધ મઠ CHU GUO TEMPLEમાં સતત એક વર્ષ અને સન ૧૯૪૩-૪૪માં ૧૬ મહિના રોકાઈને સ્વામી પ્રણવાનંદજીએ એક આખો શિયાળો વિતાવ્યો હતો.
તેજસ્વી અને વિદ્વાન સંન્યાસીએ વૈજ્ઞાનિક અભિગમથી કરેલો માનસખંડનો અભ્યાસ, બાળયોગી નીલકંઠના સંજોગોને સમજવા માટે અત્યંત ઉપયોગી છે. શરીરને હૂંફ આપનારાં પૂરતાં વસ્ત્રો, જરૂરી ખોરાક, તાપણાંઓ અને જરૂરી દવાઓ સાથે શિયાળામાં અહીં રોકાઈને તેમણે માનસખંડના રોમાંચક દિલધડક અનુભવો વર્ણવ્યા છે.
કાતિલ શિયાળાનો વાયરો વહેવા લાગે એટલે માનસરોવરને કાંઠે આવેલા આઠેક બૌદ્ધ મઠોમાં રહેતા ભિક્ષુઓ મઠ છોડીને નીચેની સપાટીઓમાં જીવ બચાવવા ચાલી નીકળવા લાગે છે. માનસરોવરનો આસપાસનો સમગ્ર માનસ ખંડ કાતિલ બરફવર્ષાથી ભેંકાર થઈ જાય છે.
પ્રણવાનંદજી લખે છેઃ “જ્યારે સન ૧૯૩૬-૩૭માં માનસરોવર પર હું રહ્યો ત્યારે અર્ધો સપ્ટેમ્બર માસ વીત્યા પછી શિયાળો તેનો પ્રભાવ જણાવવા લાગ્યો હતો. ૧ ઑક્ટોબર, ૧૯૩૬થી લઈને ૧૪ મે, ૧૯૩૭ દરમ્યાન તાપમાન સતત શૂન્યની નીચે જ રહેતું હતું. આ વર્ષે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં વરંડા અને રૂમની અંદરનું તાપમાન -૨૮° સેલ્સિયસ જેટલું થિજાવી દેતું ઠંડુંગાર હતું. ૧૮મી ફેબ્રુઆરીના દિવસે વાતાવરણ એટલું બધું ઠંડું હતું કે એકવાર હું થૂંક્યો તો જમીનને અડતાં પહેલાં જ થૂંક બરફનો ટુકડો થઈ ગયું! સતત સાડા ત્રણ મહિના સુધી તો ભરબપોરે સૌથી વધુ તાપમાન પણ શૂન્યની નીચે જ રહ્યું હતું.
સપ્ટેમ્બરના બીજા અઠવાડિયા પછી માનસરોવરના કિનારા પર બરફવર્ષા ચાલુ થઈ ગઈ હતી. નવેમ્બરની પહેલી તારીખથી વાવાઝોડા સાથે સતત તોફાની બનતો જતો વાયરો સુસવાટા મારતો હતો. અર્ધો ડિસેમ્બર વીત્યો ત્યારે માનસરોવરના કિનારા પર બે-બે ફૂટની બરફની શિલા બની પાણી જામી ગયું હતું. ૨૧મી ડિસેમ્બરે સરોવરના મધ્યભાગમાં પાણી થીજી જવા લાગ્યું હતું. ૫૦ થી ૧૦૦ વારના પહોળા પટમાં અહીં-તહીં બરફની શિલાઓ દેખાવા લાગી હતી. છતાં માંધાતા પર્વતની ટોચ પરથી સુસવાટા મારતો ઠંડોગાર વાયુ સરોવર પર અથડાતો અને સમુદ્ર જેટલાં મોજાં ઉછાળતો હતો. તેની ગર્જના બિહામણી લાગતી હતી.
૩૦ ડિસેમ્બર, ૧૯૩૬ના રોજ ૩૦૦ ફૂટ ઊંડું અને ૫૧૮ ચોરસ કિ.મી.માં વ્યાપેલું આ સંપૂર્ણ માનસરોવર થીજી ગયું હતું. સ્વેન હેડિન પોતાના પુસ્તક 'ટ્રાન્સ હિમાલય'માં નોંધે છે કે ‘એ સમયે ક્યારેક અહીં વાતાવરણ એટલું બધું ઠંડું થઈ જાય છે કે આટલું મોટું માનસરોવર માત્ર એક જ કલાકમાં થીજી જાય છે!
પ્રણવાનંદજી નોંધે છે કે સન ૧૯૪૪માં શિયાળા દરમ્યાન અહીં રોકાયા ત્યારે જાન્યુઆરી ૯ થી ૧૨ દરમ્યાન સંપૂર્ણ સરોવર થીજી ગયું હતું. થીજેલા સરોવરના બરફનો પોપડો છ-છ ફૂટ જેટલો જાડો હોય છે. માનસરોવરની બાજુમાં જ આવેલું અને ૩૬૨.૫ ચોરસ કિ.મી.માં વ્યાપેલું સરોવર રાક્ષસતાલ પણ સંપૂર્ણ થીજી જાય છે.
એક દિવસ સ્વામી પ્રણવાનંદજીએ પોતાના ધ્યાનખંડની બહાર આવીને જોયું તો સ્તબ્ધ બની ગયા. દૃશ્ય એટલું અદ્ભુત હતું કે તેના રોમાંચથી તેઓ ભાન ગુમાવી બેઠા અને કેટલાય સમય સુધી મૂર્છાવશ થઈ ગયા. સરોવરનું જળ બરફ બનીને ચમકી રહ્યું હતું.
માનસરોવર અને રાક્ષસતાલ બંને સરોવરો થીજે છે ત્યારે શરૂઆતમાં અપારદર્શક શ્વેત બરફનું સ્વરૂપ ધારણ કરે છે. લગભગ મહિના પછી આ બરફ પારદર્શક થઈ જાય છે, અને લીલાશ પડતા વાદળી રંગની વિશિષ્ટ શોભા ધારણ કરે છે. થીજેલા આ સરોવરની પારલૌકિક શોભાનું વર્ણન કરતાં પ્રણવાનંદજી નોંધે છે: 'One such sight is a hundred times more effective, impressive, and sufficient to put one into a meditative mood than a series of artificial sermons, meditation classes, or got-up speeches from a pulpit. So it is that our ancestors and rishis used to keep themselves in touch with Mother Nature to have a glimpse of the Grand Architect.' અર્થાત્ ‘કોઈપણ વ્યક્તિને ભાવસમાધિમાં લઈ જવા માટે પારાયણોની શ્રેણીઓ, ધ્યાનના વર્ગો કે વ્યાસપીઠ પરથી અપાતાં અનેક વ્યાખ્યાનો કરતાં સર્જનહાર પરમાત્માએ રચેલું આવું એક અદભુત દૃશ્ય, સેંકડોગણું વધુ અસરકારક, વધુ પ્રભાવક અને પર્યાપ્ત છે.'
સમાધિસ્થ માનસરોવરમાં પ્રકૃતિનું વિલક્ષણ તાંડવતિબેટના હાડ ગાળી નાખે એવા ઠંડા વાયરા વચ્ચે, આવી અનન્ય અને વિલક્ષણ પ્રાકૃતિક શોભા ધારણ કરતા સરોવર પર નીલકંઠ પધાર્યા ત્યારે સરોવરનો થીજી જવાનો પ્રાકૃતિક ખેલ ચાલુ હતો. પરંતુ હવે બીજા હોનહાર ખેલના તેમણે સાક્ષી બનવાનું હતું. કયું હતું એ તાંડવ?
જાન્યુઆરી-ફેબ્રુઆરી દરમ્યાન એક મહિના સુધી થીજી ગયેલા માનસરોવરની સપાટી પર થોડા દિવસો પછી એક આશ્ચર્યકારક ઉપક્રમ શરૂ થાય છે. બિહામણા કડાકા-ભડાકા સાથે માનસરોવરની બર્ફીલી સપાટી પર તિરાડો પડવાનું શરૂ થાય છે. ફેબ્રુઆરીમાં નીલકંઠ જ્યારે માનસરોવર પહોંચ્યા ત્યારે, સ્વામી પ્રણવાનંદજીના અભ્યાસ મુજબ, થીજી ચૂકેલા માનસરોવરમાં તિરાડો પડવાની શરૂઆત થઈ ચૂકી હતી. આ પ્રાકૃતિક ઘટના કેવી ભયપ્રેરક હોય છે તેનું વર્ણન કરતાં પ્રણવાનંદજી લખે છેઃ “સવારે ૬ થી ૧૦ દરમ્યાન સરોવરમાં આંતરિક ખળભળાટ મચી જાય છે. તેમાંથી પ્રચંડ અવાજો ઉદ્ભવે છે. જાણે ખૂંખાર વાઘ-સિંહની ડણકો કે હાથીની બિહામણી ..ગર્જનાઓ થતી હોય તેવા હૈયું ધ્રુજાવનારા ધ્વનિઓ, સુરંગ(ડાયનેમાઇટ)થી જાણે પહાડોના ફૂરચેફૂરચા ઊડતા હોય તેવા ભયંકર કડાકાઓ, તોપોના ભડાકાઓ, એવા જાત જાતના ભયાનક અને પ્રચંડ અવાજો સતત સંભળાતા રહે છે. એટલું જ નહીં, તમામ પ્રકારનાં વાદ્યોના સ્વરો કે તમામ પ્રકારનાં પ્રાણીઓના પોકારોનો ધ્વનિ પણ અનુભવાય છે!
સરોવરના આ ભયાનક ખળભળાટ અને વિચિત્ર ધ્વનિઓનું કારણ, થીજી ગયેલા સરોવરમાં પડતી તિરાડો છે. આ તિરાડો ક્યારેક ૫૦ થી ૮૦ ફૂટ પહોળી પણ હોય છે! લેખક લખે છે કે આ તિરાડો અને તેના અવાજ એટલા ભયાનક હોય છે કે થીજેલા માનસરોવર પાસે પગે ચાલીને જવાની કોઈ હિમ્મત કરી શકતું નથી.
સ્વામી પ્રણવાનંદજીએ એક વખત થીજેલા માનસરોવર પર ચાલવાની હિંમત કરી ત્યારે અચાનક કડાકા ને ભડાકા સાથે બરફની તિરાડો એવી પડી કે, પળભરમાં પાંચ ફૂટના બરફનો ગંજ તેમની આગળ ખડકાઈ ગયો અને તેઓ તેની નીચે ગરકાવ થઈ ગયા. જો કે પ્રભુકૃપાથી તેમણે પોતાની જાતને બચાવી લીધી હતી.
આ તિરાડો પડવાની સાથે અંદરથી ઠંડું હિમજળ પણ ઊછળીને બહાર આવે છે. અને તેની સાથે બરફની ઊછળતી મહાકાય શિલાઓ કિનારા તરફ ધકેલાય છે. આ બર્ફીલી શિલાઓ કિનારે આવે છે ત્યારે ધડાકા સાથે વીજળીની ઝડપે બહાર ખડકાવા લાગે છે. ક્યારેક ગણતરીની ક્ષણોમાં જ છ-છ ફૂટનાં બરફનાં ગંજ કિનારે છવાઈ જાય છે. આ બરફની પાટો એવી મહાકાય હોય છે કે અડધો ડઝન ખડતલ માણસોથી પણ તે ખસેડવાનું શક્ય નથી. મહિના સુધી આ બરફની પાટો એમ ને એમ કિનારા પર અડ્ડો જમાવીને પડી રહે છે.
ભલભલા શૂરવીરોનું હૈયું પણ ધબકાર ચૂકી જાય એવી ગર્જનાઓ વચ્ચે, પ્રકૃતિના ભીષણ ખેલ વચ્ચે, માંધાતા અને કૈલાસ પર્વત વચ્ચેના આ ભેંકાર બર્ફીલા પ્રદેશમાં, બર્ફીલા ગંજ વચ્ચે સહજતાથી વિહરતા એકાકી બાળ નીલકંઠનું ચિત્ર મનના પર્દા પર કલ્પી શકાય છે? વિચારમાત્ર રૂંવાડાં ખડાં કરી દે છે.
આ પ્રાકૃતિક લીલા દરમ્યાન સરોવરના કિનારે પીગળેલા બરફનું સ્વચ્છ-નિર્મળ પાણી ધીમે ધીમે છવાઈ જાય છે. જાણે શ્વેત પછેડીને વાદળી કિનાર ઓટી હોય તેવું દૃશ્ય રચાય છે!
માનવ-જીવનને પડકારતી જગતની આ સૌથી વધુ દુષ્કર અને કઠોર પરિસ્થિતિમાં પહોંચીને માનસરોવરના કિનારે બાળયોગી નીલકંઠે પહોંચીને શું કર્યું હતું? હરિચરિત્રામૃતસાગર નોંધે છેઃ નીલકંઠે સરોવરના કિનારે એ મહાશીત જળમાં સ્નાન કર્યું હતું! યુગોથી તપશ્ચર્યા કરતા કૈલાસ-અધિપતિ શિવજી અને પાર્વતીજીને એ એમનું ભાવ-અર્ધ્ય હતું. અહીં પૂર્વે આવી ગયેલા અને ભવિષ્યમાં યુગો સુધી આવનારા અસંખ્ય મુમુક્ષુ યાત્રિકોને તેમની ભક્તિનું ફળ આપવા જ નીલકંઠે એ મહાશીત જળમાં જાતને ઝબકોળી હતી. પ્રભુ-દર્શનના તલસાટમાં તપસ્યા કરીને અહીં પોતાના જીવનની કુરબાની આપનારા અસંખ્ય જોગીઓ, જતિઓ, સિદ્ધોનાં તપને નીલકંઠે જાણે સાર્થક કર્યું હતું.
માનસરોવર પર કેટલા દિવસો વિતાવ્યા? નીલકંઠની માનસરોવર યાત્રાનું વર્ણન કરતાં સિદ્ધાનંદમુનિ હરિચરિત્રામૃતસાગરમાં વર્ણવે છે નીલકંઠ વર્ણીએ માનસરોવર ખાતે પાંચ દિવસ વિતાવ્યા હતા. આ પાંચ દિવસ દરમ્યાન નીલકંઠે અહીં શું કર્યું હશે? એ સમયમાં માનસરોવર અને કૈલાસની પરિક્રમા હિન્દુઓ અને બૌદ્ધો – બંને માટે ખૂબ મહિમાવંતી બની ચૂકી હતી.
કૈલાસની પરિક્રમા વિશે વર્ણન કરતાં સન ૧૮૨૦માં જેમ્સ ફ્રેઝર લખે છે: “To journey round the Kailash mountain is reputed to be of as much efficacy as a pilgrimage to Loreto, or to Mecca, was to a Roman Catholic of former days, or to a Mussulman of the present.' એ સમયમાં હિંદુઓ માટે કૈલાસની પરિક્રમા અતિ મહિમાવંતી હતી. તો માનસરોવરની પરિક્રમા પણ પરમ મહિમાવંતી મનાતી હતી. ફ્રેઝર નોંધે : 'A journey round it which is reckoned a very necessary religious exercise...'
નીલકંઠે યાત્રા કરી તે જ અરસામાં સન ૧૭૯૨માં પુરાણિગરિ અને પુરાણપુરી નામના સંન્યાસીઓએ વર્ણવેલા સ્વાનુભવોમાં જણાવ્યું હતું કે તેમણે માનસરોવરની પરિક્રમા છ દિવસમાં કરી હતી. અન્ય યાત્રિકોએ પાંચ દિવસમાં પણ તે પૂરી કરી છે. નીલકંઠ પણ પાંચ દિવસ સુધી માનસરોવર પર રોકાયા હતા. દિવસોનો તાળો મેળવતાં એવું લાગે છે કે તીર્થ-મહિમાથી સભર નીલકંઠે પણ આ પાંચ દિવસ માનસરોવરની પરિક્રમા કરવામાં જ વિતાવ્યા હશે. સરોવરની પરિક્રમા કુલ ૮૭ કિ.મી. લાંબી છે.
જો કે અહીં આ વાત પાંચ દિવસની જ નથી. હરિચરિત્રામૃતસાગર નોંધે છે કે અખાત્રીજે તા. ૧૩-૫-૧૭૯૩ના રોજ બદરીનાથનાં દ્વાર ખૂલ્યા છેક ત્યારે નીલકંઠ માનસરોવરની યાત્રા પૂરી કરીને ત્યાં પધાર્યા. બદરીનાથથી નીકળેલા નીલકંઠ જોશીમઠ, બદરીવન, માનસરોવર થઈને પુનઃ બદરીનાથ આવ્યા તે દરમ્યાન છ માસ વીત્યા હતા. આ પૈકી શરૂઆતના ત્રણ મહિના તેમણે, પૂર્વે કહ્યા મુજબ, બદરીવનમાં વિતાવ્યા હતા. બાકીના ત્રણ મહિના માનસખંડમાં વિતાવ્યા હતા. વળી, નીલકંઠની યાત્રાના વર્ષે જ સન ૧૭૯૨માં પુરાણપુરીએ કરેલા વર્ણન મુજબ, બદરીનાથથી કૈલાસ માનસરોવરનું અંતર કાપતાં આશરે ૧૦ દિવસ જેટલો સમય થાય છે. સ્વામી તપોવનજીએ પણ એટલો જ સમય વર્ણવ્યો છે. અર્થાત્ આવવા-જવાના ૨૦ દિવસો સહિત નીલકંઠે ત્રણ મહિના માનસખંડમાં વિતાવ્યા હતા.
આ ત્રણ માસ દરમ્યાન માનસખંડના કાતિલ શિયાળામાં તેઓ જીવિત કઈ રીતે રહી શક્યા હશે? આ ત્રણ માસ દરમ્યાન માનસખંડમાં નીલકંઠે શું કર્યું હશે? માનસખંડમાં તેઓ કોઈ સ્થાનમાં રોકાયા હશે? આ ત્રણ માસ તેમણે શું ખાધું હશે? તેમણે વર્ણવેલાં માનસરોવરના હંસો, માનસરોવરની અન્ય ભૌગોલિક વિશેષતાઓ તેમજ માનસખંડનાં તેમનાં અન્ય વર્ણનો, વાસ્તવિકતા સાથે શું સામ્ય ધરાવે છે? આવા કંઈક સવાલો આ જ સુધી અનુત્તર રહ્યા છે. હવે પછી પ્રસ્તુત કરેલાં કેટલાંક સંશોધનો આ વણઊકલ્યા સવાલોને ઉકેલવામાં મદદરૂપ થઈ શકે છે.
નીલકંઠ કઈ રીતે જીવિત રહી શક્યા હશે?યોગ્ય ખોરાક, યોગ્ય સાધનસામગ્રી કે જરૂરિયાતો સિવાય માણસ જ્યાં જીવી જ ન શકે, તેવા હિમાલયના અતિ ઠંડા પ્રદેશમાં, અતિ ઠંડી ઋતુમાં, -૨૮° સેલ્સિયસ વાતાવરણમાં, ૧૫,૦૦૦ ફૂટ ઊંચાઈએ નીલકંઠ કઈ રીતે જીવિત રહી શક્યા હશે? તે વાત એક રહસ્ય જ રહી જવા પામી છે. આ પ્રશ્નના પ્રત્યુત્તરમાં બે ઘટનાઓ અભ્યસનીય છે.
અમેરિકાની વિશ્વવિખ્યાત હાર્વર્ડ યુનિવર્સિટી(બોસ્ટન) દ્વારા પ્રકાશિત થતા વિજ્ઞાન અને સંશોધનના પ્રતિષ્ઠિત સામયિક ‘હાર્વર્ડ યુનિવર્સિટી ગેઝેટ'ના એપ્રિલ ૧૮, ૨૦૦૨ના અંકમાં, એક વિશિષ્ટ સંશોધન પ્રકાશિત કરવામાં આવ્યું છે. હાર્વર્ડ મૅડિકલ કૉલેજના વિજ્ઞાની અને ‘માઈન્ડ-બોડી મૅડિકલ ઇન્સ્ટિટ્યૂટ(બેથ ઇઝરાયલ ડિકનેસ મૅડિકલ સેન્ટર, બૉસ્ટન)ના અધ્યક્ષ ડૉ. હર્બર્ટ બેન્સને એક પ્રયોગ કરીને જાહેર કર્યું હતું કે માણસ જીવી જ ન શકે તેવા અતિ ઠંડીના અસામાન્ય સંજોગોમાં પણ યોગી ધ્યાન-યોગ અને પ્રાણાયામથી પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે.
સન ૧૯૮૫માં ફેબ્રુઆરીના શિયાળામાં તેમની મૅડિટેશન ટીમે બૌદ્ધ સાધુઓને હિમાલયમાં ૧૫,૦૦૦ ફૂટ ઊંચાઈએ ખુલ્લા આકાશ નીચે પથ્થરની ચટ્ટાન પર, આખી રાત સુવડાવીને ધ્યાનના વિશિષ્ટ પ્રયોગો કર્યા હતા.
...હાર્વર્ડ ગેઝેટ નોંધે છે કે એ રાત્રે તાપમાન -૯.૯° સેલ્સિયસ જેટલું નીચે ગયું હતું. છતાં સૌના આશ્ચર્ય વચ્ચે, આવી અસહ્ય ઠંડીમાં ખુલ્લામાં પથ્થરની ચટ્ટાન પર, સૂતરની સાદી ચાદર ઓઢીને બૌદ્ધ સાધુઓએ આખી રાત ગાઢ ઊંઘ લીધી હતી! માત્ર ધ્યાન-યોગની પ્રક્રિયાના આધારે જ તેમણે શરીરને એવું કેળવી લીધું હતું કે, આખી રાત દરમ્યાન -૧૭.૭° સેલ્સિયસ નીચું તાપમાન તેમના શરીરમાં નાની સરખી ધ્રુજારી પણ પેદા કરી શક્યું નહોતું! (છબિઃ પૃ. ૨૫ ઉપર)
૨૦ વર્ષ સુધી યોગ-ધ્યાનની પ્રક્રિયાઓનો ઊંડો અભ્યાસ કરનાર ડૉ. હર્બર્ટ બેન્સનના શબ્દોમાં જોઈએ તો "It is characterised by decreases in metabolism, breathing rate, heart rate, and blood pressure." ધ્યાનથી શરીરની ચયાપચયની પ્રક્રિયા, શ્વાસની પ્રક્રિયા, હૃદયની ધડકન અને બ્લડપ્રેશર પર પણ નિયંત્રણ લાવી શકાય છે.
૨૪
ડૉ. હર્બર્ટ બેન્સને આ પ્રયોગ દ્વારા જે કંઈ પુરવાર કર્યું છે તે, -૨૮° તાપમાનમાં નીલકંઠે કેવી રીતે જીવન ટકાવી રાખ્યું હશે તેને નક્કર વૈજ્ઞાનિક આધાર આપે છે. યોગ દ્વારા આવી પરિસ્થિતિમાં પણ જીવન શક્ય બને છે, તે નિર્વિવાદ છે. જો કે નીલકંઠે નેપાળમાં હિમાલયના જંગલમાં અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો તે પહેલાં એક વર્ષ પહેલાંની આ વાત છે. આમ છતાં ઉપરોક્ત વાતાવરણમાં પણ નીલકંઠ જીવિત રહી શક્યા, તે સૂચવે છે કે તેઓ જન્મસિદ્ધ યોગી જ હતા.
બીજો અભ્યસનીય કિસ્સો હિન્દી સાહિત્ય જગતના જાણીતા લેખક શ્રી તરુણ વિજયનો છે. ભારત સરકારના કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સલાહકાર સમિતિના પૂર્વ સભ્ય અને 'પાંચજન્ય'ના સંપાદક શ્રી તરુણ વિજયે સન ૧૯૯૨માં માનસરોવર યાત્રામાં એ વિશિષ્ટ અનુભવ કર્યો હતો. માનસરોવરની પરિક્રમા કરતાં તેમને તારચેન પાસે ૨૬-૨૭ વર્ષના સ્વામી વિકાસાનંદગિરિ નામના સંન્યાસીનો યોગ થયો હતો. ૧૫,૦૦૦ ફૂટની ઊંચાઈએ, કાતિલ ઠંડીમાં આ સંન્યાસી ખુલ્લા પગે સામાન્ય સૂતરનાં વસ્ત્ર પહેરીને ફરી રહ્યા હતા. ઠંડીથી કાંપતા શ્રી તરુણ વિજય અને સાથીઓએ તેમને પૂછ્યું કે આપને ઠંડી લાગતી નથી? પ્રત્યુત્તરમાં સ્વામી વિકાસાનંદગિરિએ કહ્યું હતું કે અભ્યાસ હોય તો ઠંડી ન લાગે. કૈલાસ ક્ષેત્રમાં એવી અનેક જડીબુટ્ટીઓ પણ ઊગે છે કે જે ખાઓ તો હાડ ગાળી નાંખે એવા શિયાળામાં પણ તમને પરસેવો વળી જાય. શ્રી તરુણ વિજય અને સાથીઓએ જિજ્ઞાસાપૂર્વક એ જડીબુટ્ટી માંગી લીધી. ત્યારબાદ તેઓ કૈલાસ પરિક્રમામાં આગળ વધ્યા. અહીં તેમને ૧૮,૬૦૦ ફૂટ ઊંચાઈએ આવેલો દોલમા ઘાટ ઓળંગવાનો આવ્યો. અહીં વાતાવરણ અત્યંત ઠંડું હતું. ઠંડી હવા શરીરને વીંધવા લાગી. થાક અને ઠંડીથી હિંમત તૂટવા લાગી હતી. અસહ્ય ઠંડીમાં બે-ત્રણ પગલાં ભરીને તેમને અટકી જવું પડતું હતું. ત્યારે તેમને સ્વામી વિકાસાનંદગિરિએ આપેલાં જડીબુટ્ટીનાં ઝીણાં ઝીણાં સફેદ ફૂલ યાદ આવ્યાં. પરંતુ એ અજાણ્યા સંન્યાસીની આ અજાણી જડીબુટ્ટી પર કેટલો વિશ્વાસ કરવો? છતાં અસહ્ય ઠંડીથી મજબૂર થઈને તેમણે ખિસ્સામાંથી ૧૦-૧૫ ગ્રામ જેટલાં ફૂલ કાઢીને ખાઈ લીધાં.
પોતાના આ અનુભવને વર્ણવતાં શ્રી તરુણ વિજય લખે છે કે ફૂલ ખાધાં પછી તાત્કાલિક તો કંઈ થયું નહીં, પરંતુ અડધા કલાકમાં તેમના રોમેરોમમાંથી ગરમી છૂટવા લાગી. જાણે ભઠ્ઠી તાપતા હોય એવી ગરમી! નીલકંઠે એવી કોઈ જડીબુટ્ટીનો પ્રયોગ કર્યો હશે કે કેમ? તેનો કોઈ જ ઉલ્લેખ તેમના સમકાલીન ગ્રંથોમાંથી ઉપલબ્ધ નથી. પરંતુ આવી જડીબુટ્ટીઓ માણસના અસ્તિત્વને ટકાવી રાખે છે એ બાબત નિશ્ચિત છે. અમેરિકાની વિશ્વવિખ્યાત હાર્વર્ડ યુનિવર્સિટીના વિજ્ઞાની ડૉ. હર્બર્ટ બેન્સને યોગ અને ધ્યાન પર વિશિષ્ટ પ્રયોગો કરીને સિદ્ધ કર્યું કે, શરીર ટકી જ ન શકે તેવા અતિ ઠંડા વાતાવરણમાં પણ યોગ અને ધ્યાન દ્વારા માણસ પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે.
માનસખંડમાં નીલકંઠનો આહારનીલકંઠની જન્મસિદ્ધ યોગ-સિદ્ધિઓનું બીજું પ્રમાણ છે– તેમનો આહાર. માનસખંડના ત્રણ મહિના દરમ્યાન નીલકંઠે શાનો આહાર કર્યો હશે તે વિષે, એકવાર 'હિમાલયે તેમને ફળો આપ્યાં હતાં’ તેટલા ઉલ્લેખ સિવાય ગ્રંથો મૌન સેવે છે. એવું પણ સંભવી શકે છે કે નીલકંઠે માર્ગમાં આવતી વનસ્પતિનાં ફળ, પર્ણો કે મૂળિયાંઓનો આહાર કરીને ગુજરાન કર્યું હશે. પરંતુ એવી ખાદ્ય વનસ્પતિઓ આ માનસખંડમાં ખરેખર ઊગે છે? કેટલી ઊગે છે?
માનસખંડમાં ઊગતી વનસ્પતિઓનો બોટોનિકલ અભ્યાસ કરનાર સ્વામી પ્રણવાનંદજીનાં સંશોધનો મુજબ અહીં ખાસ ખાદ્ય વનસ્પતિ કે ફળાઉ વૃક્ષ-છોડ ઉદ્ભવતાં નથી. માનસરોવર-કૈલાસથી દક્ષિણ ભાગમાં થુલિંગ મઠ તરફ '...' નામનો જંગલી છોડ ઊગે છે. સ્થાનિક તિબેટીઓ ઈંગણી તરીકે તેનો ઉપયોગ કરે છે. 'તરુઆ' નામના જંગલી કાંટાળા છોડ પર ઊગતા 'તરચેમા’ નામના તીખા ફળનો ચટણી તરીકે ખાવામાં ઉપયોગ કરે છે. આ ઉપરાંત ‘બથુઆ’ તરીકે જાણીતું તિબેટી લસણ પણ ગમે ત્યાં ઊગી નીકળે છે. માનસરોવરની આસપાસ મશરૂમ (બિલાડીનો ટોપ) પણ જુદી જુદી વેરાઇટીમાં ઊગી નીકળે છે. જો કે આમાંથી ઘણાં બધાં મશરૂમ અખાદ્ય એટલે કે ઝેરી હોય છે. ક્યાંક ક્યાંક 'જીરા' નામનો જંગલી છોડ ઊગે છે, જેનો ખાદ્ય વાનગીઓમાં વપરાશ થાય છે. સ્થાનિક જંગલી પ્રજા આવી જંગલી વનસ્પતિઓનો ખાવામાં સાધારણ ઉપયોગ કરે છે.
આમ, તિબેટના પ્રદેશમાં ખાદ્ય વનસ્પતિઓ નહિવત્ જ હોવાના કારણે અને અતિશય ઠંડું વાતાવરણ હોવાના કારણે મુખ્યત્વે તે લોકો માંસાહાર પર જ જીવન ગુજારે છે. પરિણામે, ડુંગળી, લસણ, જંગલી મશરૂમ જેવા અખાદ્ય પદાર્થો અને માંસાહારનો જીવનભર સ્પર્શ ન કરનાર નીલકંઠ માટે માનસખંડમાં આહારને લાયક કશું જ ઉપલબ્ધ નહોતું. એમાંય, તેમણે શિયાળામાં માનસરોવરની યાત્રા કરી ત્યારે બરફવર્ષામાં આમાંથી કેટલી ખાદ્ય વનસ્પતિઓનું અસ્તિત્વ રહ્યું હશે તે એક મોટો અનુત્તર સવાલ છે.
તો માનસખંડની યાત્રામાં નીલકંઠે શું ખાધું હશે? હવે, છ મહિનાની યાત્રા બાદ અખાત્રીજના દિવસે તેઓ બદરીનાથમાં પ્રવેશ્યા ત્યારે તેમણે પૂજારીને કહેલા આ શબ્દો વાંચોઃ
તિહાં સે હરિ ચલત ભયેઊ। કિંતનેક દિન કરિકે તેઊ ॥અખાત્રી કે દિન જબ આયે। બદ્રિનાથ કે મંદિર રહાયે ॥શ્રીહરિ કે ચરન મેં સબહિ પરે આઇ। બોલાયે બહુ હેત કરી ભોજન દિને લાઇ ॥
તબ હરિ તેહિ જેંવત ભયે સેવક કહત બાત। ઇહાં જેંમે તે અન્નકું ફિર ઇહાં જેંમત રહાત ॥
અર્થાત્ નીલકંઠ બદરીનાથના સેવકોને કહે છે કે ‘છેલ્લે અહીં અન્ન જમ્યો હતો, છ માસની યાત્રા પછી ફરી આજે જ અન્ન જમું છું.' આવા સંજોગોમાં, ખોરાક વિના તેમનું અસ્તિત્વ ટકી રહ્યું તે એક અગમ રહસ્ય જ છે.
માનસરોવરના હંસો અને અન્ય પ્રાકૃતિક શોભામાનસરોવરમાં વિહરતા રાજહંસો પૌરાણિક કાળથી ભારતીયોની જિજ્ઞાસાના કેન્દ્રમાં રહ્યા છે. શું નીલકંઠે માનસરોવરમાં હંસો નીરખ્યા હતા? હા! નીલકંઠે માનસરોવરમાં હંસોને વિહરતા જોયાનો ઉલ્લેખ હરિચરિત્રામૃતસાગરમાં સુંદરતાથી વણી લેવામાં આવ્યો છે. નીલકંઠ જે ઋતુમાં ગયા હતા તે ઋતુ માનસરોવરની કઠોરમાં કઠોર શિયાળાની ઋતુ હતી. ચારેબાજુ જ્યાં બરફ છવાયો છે, જ્યાં ઓરડાના વરંડાનું વાતાવરણ -૨૮° સેલ્સિયસ કરતાંય વધુ ઠંડું હોય છે, તેવા અતિ શીત વાતાવરણમાં પક્ષીઓનું હોવું કેવી રીતે શક્ય બનતું હશે?
પરંતુ, નીલકંઠના વર્ણનને સમર્થન આપતાં આ પ્રદેશના વૈજ્ઞાનિક સંશોધક સ્વામી પ્રણવાનંદજી આ જ ઋતુના સ્વાનુભવો વર્ણવતાં લખે છેઃ ‘૨૮ જાન્યુઆરીના દિવસે, જ્યારે ઓરડાની અંદરનું વાતાવરણ -૧૬° સેલ્સિયસ જેટલું ઠંડું હતું અને સંપૂર્ણ માનસરોવર ૨ થી ૬ ફૂટ જાડા બરફના પોપડા સાથે થીજી ગયું હતું, તેવા વાતાવરણમાં મેં વીસ-વીસ પક્ષીઓનાં જોડાં માનસરોવર પર ઊતરતાં જોયાં. જામેલા બરફની વચ્ચે પાણીનાં નાનાં ખાબોચિયામાં આ હંસો ક્રીડા કરતાં તરવા લાગ્યા હતા.’
સ્વામી પ્રણવાનંદજીએ નોંધ્યું છે કે ‘શિયાળામાં થીજી ગયેલું માનસરોવર પીગળવાની શરૂઆત થાય તેના એક મહિના પહેલાં માનસરોવરના દક્ષિણ અને પશ્ચિમ કિનારે વાદળી આકાશને પ્રતિબિંબિત કરતું સ્ફટિક જેવું ચોખ્ખું પાણી તેની કિનારીઓ ઉપર ધીમે ધીમે છવાવા લાગ્યું હતું. આ કિનારાના પાણીમાં હંસોનાં યુગલ ખૂબ સુંદરતાથી વિહાર કરવા આવી ગયાં.’
અહીં આશ્ચર્યની વાત તો એ છે કે આવી તિરાડો પડ્યા પછી મે મહિનામાં આ વિરાટ સરોવર માત્ર એક જ રાતમાં સંપૂર્ણ પીગળી જાય છે. મોટે ભાગે વૈશાખ મહિનાની પૂનમ પછી આ ઘટના બને છે. એ સમયે સરોવરની શોભા સ્વર્ગને પણ ભુલાવે તેવી અલૌકિક હોય છે. સરોવરનાં સ્વચ્છ અને વાદળી જળમાં હંસોનો વિહાર અદ્ભુત દૃશ્ય રચે છે. હંસોના આ વિહારને પ્રત્યક્ષ નીરખીને શ્રી રામશરણ વિદ્યાર્થી નોંધે છે: 'વાસ્તવ મેં મરાલ ઇસ વિશાલ સરોવર કા એકમાત્ર રાજા હૈ ઔર ઇસકે અધિકાર મેં કોઈ હસ્તક્ષેપ નહીં કર સકતા.'
આ હંસોની જળક્રીડાને વર્ણવતાં પ્રણવાનંદજી તેની ખાસિયતમાં નોંધે છે કે “ખાસ કરીને સવારના સમયે આ જળક્રીડા કે પેટ ભરવાને બદલે અડધી આંખો મીંચીને ધ્યાનસ્થ મુદ્રામાં પરોવાઈ જઈને શાંતિથી સૂર્ય તરફ વિહાર કરે છે. ” પ્રણવાનંદજીના આ વર્ણનને ૨૦૦ વર્ષ પૂર્વે નીલકંઠે જોયેલા હંસ માટે લખાયેલી હરિચરિત્રામૃતસાગરની આ પંક્તિઓ સાથે સરખાવો : હંસ બેઠે તેહિ તીર અપારા ।.... બોલત મિષ્ટ મધુરી બાની। બેઠે સબહિ જનુ મુનિ ધ્યાની।
હંસો ઉપરાંત, શ્રીહરિચરિત્રામૃતસાગર કહે છે કે નીલકંઠે અહીં અન્ય પક્ષીઓ પણ જોયાં હતાં. સ્વામી પ્રણવાનંદજી તેને સમર્થન આપતાં લખે છે કે તેમને પણ અહીં બ્રાહ્મણી બતક, સવન, તિત્તિરી, સારસ વગેરે પક્ષીઓ જોવા મળ્યાં હતાં. સન ૧૯૯૨માં ૧૮,૬૦૦ ફૂટ ઊંચે દોલમા ઘાટ પર શ્રી તરુણ વિજયે તો કબૂતરોને પણ જોયાં હતાં, સાથે મેના જેવી નાની ચકલીઓ પણ તેમણે જોઈ હતી.
ખરેખર, નીલકંઠની યાત્રાનું હરિચરિત્રામૃતસાગરનું વર્ણન કેટલું પ્રમાણભૂત અને સમુચિત છે! હરિચરિત્રામૃતસાગર માનસખંડની વિશેષતા વર્ણવતાં લખે છેઃ ‘નીલકંઠે અહીં વિવિધ ભાતનાં વૃક્ષો નીરખ્યાં.’ તિબેટી લોકોના તિબેટી ભાષાના ગ્રંથોમાં કૈલાસ માનસરોવરનાં અનેક મહિમાવંતાં વર્ણનો ઉપલબ્ધ છે. તેમાં એક ઉલ્લેખ સરોવરની ચારે તરફ વૃક્ષોની પંક્તિઓનો ઉલ્લેખ પણ છે.
૨૦૦ વર્ષ પહેલાં સન ૧૭૯૨માં પુરાણપુરી નામના પૂર્વોક્ત સંન્યાસીએ કૈલાસ પર્વત પર ભોજપત્રનાં વૃક્ષો હોવાનું વર્ણવ્યું છે. જો કે હાલ માનસરોવરના કિનારા પર નાના નાના છોડ છૂટા-છવાયા ઊગે છે, પરંતુ માનસરોવર પર કોઈ મોટાં વૃક્ષો જોવા મળતાં નથી. શક્ય છે કે નીલકંઠની યાત્રાના સમયે ઊગતાં વૃક્ષો ભૌગોલિક પરિવર્તનના કારણે હવે નાબૂદ પણ થઈ ગયાં હોય.
પ્રણવાનંદજી નોંધે છે કે માનસખંડ વિસ્તારમાં ભાતભાતનાં મધુર સુગંધીદાર છોડ અને વેલીઓ પણ ઊગે છે. તેમાંનો એક છોડ ‘આર્ટેમેશિયા’ કે ‘દવનમ્ તરીકે જાણીતો છે. આ સુગંધીદાર પુષ્પવેલીઓને કારણે તેના પર થઈને વહેતો પવન પણ સુગંધિત અનુભવાય છે. કૈલાસ પર્વતના ઢાળ પર કેટલીક સુગંધીદાર વેલી માણસનું મન પ્રફુલ્લિત કરી દે છે. એટલે જ, નીલકંઠે નીરખેલા માનસરોવરના વર્ણનમાં હરિચરિત્રામૃતસાગર કહે છેઃ પવન વહત સુગંધહિ માના ।
નીલકંઠે માનસરોવરમાં ધર્મસ્થાનો (મઠો) જોયાં હતાં. શું નીલકંઠે આવા કોઈ મઠમાં આશ્રય લીધો હશે? વળી, નીલકંઠે માનસરોવરની યાત્રા...
...(અને સરયૂ)નાં મૂળ સુધી જઈને તેને પાવન કર્યાં હોય! અને પૂરા બે મહિના તેમણે આ પવિત્ર નદીઓને શાશ્વત તીર્થત્વ આપવામાં પણ વિતાવ્યા હોય! છેક મે મહિનાની શરૂઆત સુધી આ વિરાટ માનસખંડમાં એકાકી ઘૂમીને નીલકંઠે સરયૂ કે ચારેય નદીઓનાં મૂળ સુધી જઈને એ લોકમાતાઓને ચિરંતન કાળપર્યંત પાવન કરી એ સાહસકથા કેટલી રોમાંચક હશે?
હરિચરિત્રામૃતસાગર વર્ણવે છે કે નીલકંઠની આ સાહસભરી માનસયાત્રાના અદ્ભુત અને અજોડ દિલધડક અનુભવો સાંભળીને બદરીનાથના પૂજારીઓ દંગ રહી ગયા હતા. પરંતુ એ અનુભવોની નોંધ તેમણે લખી લીધી હોત તો, વિશ્વના ઇતિહાસ માટે, દુનિયાભરના પર્વતારોહકો માટે, જગતના ઘુમક્કડ સાહસવીરો માટે, અને અધ્યાત્મસાધનાના માર્ગે જીવન યાહોમ કરનારા મુમુક્ષુઓ માટે એ નોંધ આજે કોહિનૂર કરતાંય અનેક ગણી મૂલ્યવાન બની ચૂકી હોત!
ઉપસંહાર
નીલકંઠની આ યાત્રા કોઈ કપોળકલ્પિત કથા નથી, પરંતુ વાસ્તવિક બનેલી એક ઐતિહાસિક ઘટના છે. એ સામાન્ય માનવી નહોતા, પરંતુ આ પૃથ્વી પર વિચરનારા પરમ દિવ્ય તત્ત્વ હતા.
0 comments