ભવ્ય,દિવ્ય અને અભૂતપૂર્વ કાર્યકર સુવર્ણ મહોત્સવ- સ્વામિનારાયણ પ્રકાશ જાન્યુઆરી-ફેબ્રુઆરી-૨૦૨૫ page 16-21
મહોત્સવના સમય પૂર્વે નિર્ધારિત પરિવેશ સાથે એક લાખથી વધુ મહિલા અને પુરુષ કાર્યકર્તાઓ તેમજ મહાનુભાવો સ્ટેડિયમમાં ઉત્સાહથી આવી પહોંચ્યા. સ્વામીશ્રીની ઈચ્છા મુજબ દરેકને મુખમાં ચોકલેટ જમાડીને સ્વાગત કરાયું.
બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના પાયાની ઈંટ સમાન કાર્યકરોની સત્સંગ-સેવામય પ્રવૃત્તિનું વિધિવત્ માળખું અને મધ્યસ્થ કાર્યાલય સ્થપાયાને સન ૨૦૨૨માં ૫૦ વર્ષ પૂર્ણ થયાં, તેથી આ કાર્યકરોની આ સેવામય પ્રવૃત્તિને બિરદાવતો ‘કાર્યકર સુવર્ણ જયંતી મહોત્સવ' ઊજવવાનો પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજે આદેશ આપ્યો હતો.
સ્વામીશ્રીના આ આદેશથી, બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા, સન ૨૦૨૩માં અમદાવાદ ખાતે ઊજવાયેલા ‘બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ' બાદ ૨૦૨૪ના સમગ્ર વર્ષ દરમિયાન આ સુવર્ણ જયંતી પર્વ ઊજવવાનું નક્કી થયું હતું.
તા. ૨૮-૧-૨૦૨૪ના રોજ સુરત ખાતે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે દીપ પ્રાગટ્ય કરીને 'કાર્યકર સુવર્ણ વર્ષ'ની વિવિધ સ્તરીય ઉજવણીઓનો શુભારંભ કરાવ્યો હતો. આ શુભારંભની સાથે જ આ મહોત્સવનાં પડઘમ ગુંજવા લાગ્યાં.
છેલ્લા એક વર્ષ દરમ્યાન દેશ-વિદેશનાં હજારો સત્સંગકેન્દ્રોમાં સંસ્થાની અનેકવિધ ગતિવિધિઓની સાથે કાર્યકરોનાં સેવા-સમર્પણ-ભક્તિને બિરદાવતા અદ્ભુત કાર્યક્રમો યોજાયા હતા.
મે-૨૦૨૪માં સ્વામીશ્રીએ સારંગપુર ખાતે ‘કાર્યકર તાલીમ કેન્દ્ર'નો શુભારંભ કરીને કાર્યકરો માટે સત્સંગ-જ્ઞાન-ભક્તિના અનોખા અધ્યાયનો આરંભ કર્યો હતો.
સ્વામીશ્રીના હૃદયમાં કાર્યકરો માટે આગવું સ્થાન છે, તેથી જ તો કાર્યકરોને વધાવવાનો-સત્કારવાનો સ્વામીશ્રીનો ઉમંગ સાતમા આસમાને હતો. જ્યારે જ્યારે ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’ની જય બોલાય ત્યારે ૯૨ વર્ષની ઉંમરે પણ ઉત્સાહથી સ્વામીશ્રી બે વાર હાથ ઊંચો કરીને “જય…” ઝીલતા અને ઝિલાવતા હતા.
સમગ્ર વર્ષ દરમ્યાન ચાલેલા વિવિધ કાર્યક્રમોની ચરમસીમા રૂપે, સેવા-સમર્પણ-નિષ્ઠા-ભક્તિથી મઘમઘતા કાર્યકરોની નિઃસ્વાર્થ સેવાભાવનાને બિરદાવતો ભવ્ય ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ' આવી પહોંચ્યો.
એ સૌભાગ્યવંતો દિન હતો તા. ૭-૧૨-૨૦૨૪, શનિવાર. તા. ૭-૧૨-૨૦૨૪ એટલે તારીખ મુજબ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજનો ૧૦૩મો પ્રાગટ્ય દિન.
આજના શુભદિને અમદાવાદ ખાતે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, વરિષ્ઠ સંતો તેમજ ભારતના ગૃહપ્રધાન શ્રી અમિતભાઈ શાહ, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વગેરે મહાનુભાવોની ઉપસ્થિતિમાં બી.એ.પી.એસ. સંસ્થાના પ્રાણવાન કાર્યકરોનો સુવર્ણ મહોત્સવ ભવ્યાતિભવ્ય રીતે ઊજવાયો હતો.
પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી આયોજિત ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ'માં ભારતના વિવિધ પ્રાંત-પ્રદેશોની સાથે યુરોપ, અમેરિકા, આફ્રિકા, અરબસ્તાન વગેરે ખંડોમાંથી પધારેલા એક લાખ કરતાં વધુ કાર્યકરોથી વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમ” છલકાઈ ઊઠ્યું હતું.
સાયંકાળે બરાબર પાંચ વાગે સ્વામિનારાયણ મહામંત્રની ધૂન અને પ્રાર્થના સાથે ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ'નો પ્રારંભ થયો હતો.
આ મહોત્સવને ઊજવવાનું સ્વામીશ્રીને કેવું તાન હતું, હૈયામાં કેવો ઉત્સાહ-ઉમંગ હતો તેની છણાવટ સાથે કાર્યકરોનું સ્વાગત-અભિવાદન કરતાં પૂજ્ય યજ્ઞપ્રિયદાસ સ્વામીએ કહ્યું, ‘પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને કાર્યકરોને વધાવવાનો અનેરો ઉમંગ છે. એક વખત સ્વામીશ્રીએ કહ્યું, ‘મારે તો બધા જ કાર્યકરોને ભેટવું છે અને જો શરીર સાથ આપે તો દરેક કાર્યકરના ઘરે પધરામણી કરવી છે.'
સ્વામીશ્રીએ કાર્યકરોને ઉદેશીને એક પત્રમાં લખ્યું, ‘હું આપને રોજ યાદ કરું છું.' આવા તો અનેક પ્રસંગો છે, જેના દ્વારા આપણને ખ્યાલ આવે છે કે સ્વામીશ્રીના હૃદયમાં એવી ભાવના છે કે કાર્યકરો માટે હું શું કરું!
જ્યારે જ્યારે સ્વામીશ્રીને પૂછવામાં આવ્યું કે કાર્યકરોનું સન્માન કરવાનો આપને આટલો બધો ઉત્સાહ કેમ છે? ત્યારે સ્વામીશ્રીનો એક જ ઉત્તર હતો – 'કાર્યકરોનું સમર્પણ.” પ્રમુખસ્વામી મહારાજ કહેતા કે “સમય પૂરો થવાથી જે રાજી થાય છે તે મજૂર છે અને કાર્ય પૂર્ણ થવાથી
ઉત્સાહથી છલકાતા સ્ટેડિયમમાં સ્વામીશ્રીનું આગમન થયું ત્યારે ગુલાબ પુષ્પોની સુંદર સજાવટ સાથેના રથમાં તેઓની શોભાયાત્રા યોજીને પોતાના પ્રાણપ્યારા ગુરુહરિને અને અક્ષરપુરુષોત્તમ મહારાજને સૌએ ઉત્સાહથી વધાવ્યા, તો સ્વામીશ્રીએ તમામ કાર્યકરોનાં ભાવથી દર્શન કર્યાં...
જે રાજી થાય છે તે માલિક છે.” બી.એ.પી.એસ.ના લાખો કાર્યકરો એક માલિકની જેમ, પરંતુ સેવક થઈને સેવા કરે છે. પૂજ્ય મહંત સ્વામી મહારાજ પણ કહે છે, ‘કાર્ય આગળ રહે અને કર્તા પાછળ રહે એ જ સાચો કાર્યકર્તા છે.’
પ્રમુખસ્વામી મહારાજ કાર્યકરોને કહેતાઃ 'ચારિત્ર્યવાન બનો અને ચારિત્ર્યવાન સમાજ તૈયાર કરો.” આ આદેશ અનુસાર ચારિત્ર્યવાન સમાજનું નિર્માણ કરવા માટે આ કાર્યકરો ગામડે ગામડે ફરે છે અને વ્યસનમુક્ત, પ્રામાણિકતા, સદાચાર, સંયમ વગેરે મૂલ્યોનો સંદેશ આપીને ચારિત્ર્યવાન સમાજ નિર્માણ કરવા માટેના ભરપૂર પ્રયાસો કરે છે.
બી.એ.પી.એસ. સંસ્થાની બાલ-બાલિકા, યુવા-યુવતી જેવી અનેક પ્રવૃત્તિઓ સંસ્કારોનું પ્રદાન કરે છે, તેનું સંચાલન પણ એ જ કાર્યકર્તાઓ દ્વારા થાય છે. બી.એ.પી.એસ. સંસ્થાના નાના-મોટા ઉત્સવોમાં પણ આ કાર્યકરોનું ખૂબ જ મોટું યોગદાન રહેલું છે. ભૂકંપ, પૂર, વાવાઝોડા જેવી કુદરતી આપત્તિઓમાં આ કાર્યકર્તાઓ સંસ્થાના આદેશ અનુસાર સમાજસેવામાં જોડાઈ જાય છે અને સ્વયંસેવકોનું નેતૃત્વ પણ કરે છે.
અસુવિધાઓ, સુખ-દુઃખ, માન-અપમાનને સહન કરીને પણ કાર્યકર્તાઓ પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવે છે. પ્રમુખસ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજે તેમને સંતનો દરજ્જો આપ્યો છે અને હાલતાં-ચાલતાં મંદિરો કહ્યાં છે. આવા નિઃસ્વાર્થ અને સમર્પિત કાર્યકરોના સુવર્ણ મહોત્સવના અવસરે અહીં પધારેલા બધા જ કાર્યકરોનું હાર્દિક સ્વાગત છે.”
તેઓનું સ્વાગત પ્રવચન પૂર્ણ થતાં જ આજના મહોત્સવના પ્રાણસમાન અને લાખો કાર્યકરોના પ્રેરણામૂર્તિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું આગમન થયું. કલાત્મક વિશિષ્ટ રથમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું આગમન થયું ત્યારે અદ્ભુત માહોલ રચાયો હતો. સમગ્ર સ્ટેડિયમમાંથી પસાર થઈ રહેલા સ્વામીશ્રીના રથની સમાંતર ચાલી રહેલી પ્રસ્તુતિઓ રોમાંચક હતી.
સ્વામીશ્રીના ગમનપથમાં પથરાયેલી ગુલાબી પાંખડીઓ સ્વર્ણિમ થતી ગઈ, મણકાઓ એક સૂત્રમાં પરોવાયા. એકતા અને પરિવર્તનના આ સંદેશ સાથે ગૃહમંત્રીશ્રી, મુખ્યમંત્રીશ્રીએ સ્વામીશ્રી સાથે દીપ પ્રાગટ્ય કર્યું...
જેમ તેઓનો રથ સ્ટેડિયમની પરિધિમાં આગળ વધતો ગયો તેમ તેમ માર્ગમાં રહેલી વિશાળકાય ગુલાબની પાંખડીઓ જાણે સુવર્ણની પાંખડીઓ બની જવા લાગી. સત્પુરુષના સંગે પરિવર્તનનો સંદેશ આપતી આ પ્રસ્તુતિ અદ્ભુત હતી. વળી, સ્ટેડિયમના મેદાનમાં વીખરાયેલા માળાના વિશાળકાય મણકા સ્વામીશ્રીના રથની ગતિ સાથે ક્રમશઃ જોડાતા ગયા અને એક વિશાળ માળા બની ગયા. સત્પુરુષ સૌને એક માળામાં ગૂંથે છે એવો સંદેશ અહીં પડઘાતો હતો.
અદ્ભુત સંગીત અને શબ્દોની જુગલબંધી સાથે ૯૫૫ બાળ-યુવા કાર્યકરો દ્વારા રજૂ કરાયેલી આ વિશિષ્ટ પ્રસ્તુતિ સૌને રોમાંચિત કરી ગઈ. ચાર મહિનાની મહેનતને અંતે તૈયાર થયેલાં વિશાળકાય ૫૫૦ પુષ્પ-પાંખડીઓ અને ૨૨૫ મણકા ખૂબ આકર્ષક લાગતાં હતાં. “આનંદ છાયો રે, સુવર્ણ મહોત્સવ આંગણ આયો રે...”ના શબ્દો સાથે નૃત્યાંજલિથી સમગ્ર સ્ટેડિયમ ઊર્જા-ઉલ્લાસ-ઉત્સાહથી આલોકિત થઈ ઊઠ્યું હતું.
સૌ પર આશીર્વાદ વરસાવતા સ્વામીશ્રી જાણે સૌનાં ભાવથી દર્શન કરતા હોય એ રીતે રથમાં સમગ્ર સ્ટેડિયમનું એક ચક્ર પૂર્ણ કરીને મંચ પર પધાર્યા. આજના વિષય-વસ્તુને કેન્દ્રમાં રાખીને રચાયેલા વિશિષ્ટ મંચ પર સ્વામીશ્રી પધાર્યા એ દરમ્યાન પૂજ્ય આનંદસ્વરૂપદાસ સ્વામીએ સંબોધન કર્યું.
છેલ્લા પાંચ-પાંચ દશકોથી સમાજ, સંસ્કૃતિ અને રાષ્ટ્રની સેવામાં કાર્યરત અને માનવતાની મશાલ લઈને જાગૃતિના જ્યોતિર્ધરની ભૂમિકા નિભાવી રહેલા બી.એ.પી.એસ.ના લાખો કાર્યકરોનો પરિચય આપતાં પૂજ્ય આનંદસ્વરૂપદાસ સ્વામીએ કહ્યું, “આ બધા જ બી.એ.પી.એસ. સંસ્થાના સમર્પિત કાર્યકરો છે. આ કાર્યકરો માટે પ્રમુખસ્વામી મહારાજે કહ્યું હતું, 'આ કાર્યકરોને હું કરોડ દંડવત-પ્રણામ કરું તો પણ ઓછા છે.’ બી.એ.પી.એસ.ના આ કાર્યકરોના તનમાં તમન્ના, મનમાં માનવતા અને વાણીમાં વિનમ્રતા છે.
પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે પણ અનેકવાર કાર્યકરોની સમર્પણગાથાને બિરદાવી છે.' કાર્યકરોના ઉત્સાહમાં વધારો કરતાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ મંચ પર પધાર્યા.
ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં ગુણાતીત સત્પુરુષને કલ્પવૃક્ષની ઉપમા આપી છે. આજે કાર્યકર સુવર્ણ મહોત્સવના મંચની પાર્શ્વભૂમાં કલ્પવૃક્ષના પ્રતીકસમું વૃક્ષ શોભી રહ્યું હતું. તેની નિશ્રામાં જંગમ કલ્પવૃક્ષ સમાન મહંત સ્વામી મહારાજ બિરાજ્યા. સાથે કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહ, ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાતના રાજકીય નેતાઓ, પૂર્વમંત્રીશ્રીઓ તથા વરિષ્ઠ સંતવર્યો પૂજ્ય ડૉક્ટર સ્વામી, પૂજ્ય કોઠારી ભક્તિપ્રિયદાસ સ્વામી, પૂજ્ય ત્યાગવલ્લભદાસ સ્વામી, પૂજ્ય ઈશ્વરચરણદાસ સ્વામી, પૂજ્ય વિવેકસાગરદાસ સ્વામી, પૂજ્ય ઘનશ્યામચરણદાસ સ્વામી વગેરે આસનસ્થ થયા.
કાર્યકરોએ બુલંદ જયનાદોથી સૌનું અભિવાદન કર્યું. પૂજ્ય ઈશ્વરચરણદાસ સ્વામીએ પુષ્પહાર પહેરાવી પ્રથમ સ્વામીશ્રીને વંદના કરી. ત્યારબાદ પુષ્પહાર અને સ્મૃતિભેટ અર્પીને સૌ મહાનુભાવોને સત્કાર્યા. સત્કારવિધિ બાદ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, અમિતભાઈ તથા ભૂપેન્દ્રભાઈએ દીપ પ્રાગટ્ય કરીને આજના સમારોહની ગરિમામાં અભિવૃદ્ધિ કરતાં તેનું ઉદ્ઘાટન કર્યું ત્યારે સૌએ બુલંદ જયનાદોથી આ ક્ષણને વધાવી હતી.
આજના આંતરરાષ્ટ્રીય મહોત્સવમાં ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ વીડિયોના માધ્યમથી સૌ કાર્યકરોને હૃદયથી બિરદાવતાં જણાવ્યું: ‘જય સ્વામિનારાયણ! કાર્યકર સુવર્ણ મહોત્સવના આ અવસરે હું ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં પ્રણામ કરું છું. આજે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની ૧૦૩મી જન્મ જયંતીનો મહોત્સવ પણ છે. હું ગુરુહરિ પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજને પણ નમન કરું છું. ભગવાન સ્વામિનારાયણની શીખ અને પ્રમુખસ્વામી મહારાજના સંકલ્પ આજે પરમ પૂજ્ય ગુરુહરિ મહંત સ્વામી મહારાજનાં શ્રમ અને સમર્પણથી સફળ થઈ રહ્યા છે. હું આજે તમારી વચ્ચે પ્રત્યક્ષ હાજર રહી શક્યો નથી, પરંતુ આ મહોત્સવની ઊર્જા હું દિલથી અનુભવી રહ્યો છું.”
પૂજ્ય ડોક્ટર સ્વામીના પ્રેરણાવચનો
હૃદય શુદ્ધ, તો બધું સિદ્ધ થશે...
‘મારા જીવનમાં આ પ્રકારના મહોત્સવનું દર્શન હું પહેલીવાર કરી રહ્યો છું. તેનું મૂળ કારણ છે, ભગવાન સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણે ૧૧ વર્ષની ઉંમરે ગૃહત્યાગ કર્યો અને ૭ વર્ષ સુધી સમગ્ર ભારતમાં વિચરણ કર્યું. એ પરંપરામાં ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખસ્વામી મહારાજ અને આજે મહંત સ્વામી મહારાજ આ કાર્યને આગળ વધારી રહ્યા છે.
સૌ પ્રથમ વાત છે – આપણા જીવનને શુદ્ધ બનાવવું. આપણું હૃદય શુદ્ધ હશે તો તેમાં રહીને ભગવાન કાર્ય કરશે. ભગવાનને કોઈ વસ્તુની જરૂર નથી, પરંતુ એક વાતની જરૂરત છે, અને તે છે – આપણે આપણું હૃદય શુદ્ધ રાખીએ. હૃદય શુદ્ધ કરવા માટે આપને જે ભગવાનમાં શ્રદ્ધા હોય તેનું નિત્ય સ્મરણ કરો. સ્મરણ કરવું એટલે માત્ર ભગવાનનું નામ લેવું એટલો અર્થ મર્યાદિત નથી, પરંતુ સ્મરણ કરવું એટલે એવું સતત અનુસંધાન કે “એ ભગવાન મારી સાથે છે, એ ભગવાન મને જુએ છે, મને જાણે છે અને મારા પ્રત્યેક કાર્યનું ફળ આપે છે.”
બીજી બાબત એ છે કે કોઈ નાનું, કોઈ મોટું, કોઈ ગરીબ, કોઈ તવંગર એવા ભેદભાવોને બદલે સૌમાં ભગવાન નિવાસ કરે છે આમ સમજીને સૌનો આદર કરવો જોઈએ. આપણા ઋષિમુનિઓએ “માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ' આદેશ આપ્યો છે. રંગઅવધૂત મહારાજે 'પરસ્પર દેવો ભવ'ની પાંચમી વાત આપણને દર્શાવી.
આપ સૌમાં અનંત શક્તિ છે. તેને પ્રકટ કરવા માટે હૃદયનું શુદ્ધ હોવું આવશ્યક છે. જેનું હૃદય શુદ્ધ થયું છે તેની તાકાત આખી દુનિયામાં વધી છે. પ્રમુખસ્વામી મહારાજ માત્ર ૬ ધોરણ ગુજરાતી ભણ્યા હતા. પરંતુ તેમણે કેવાં મોટાં મોટાં કાર્યો કર્યાં! તેનું કારણ હતું - તેઓનું શુદ્ધ હૃદય. મગજમાં ગાંઠ હોય તો કેટલી તકલીફ થાય! એવી જ રીતે આજે જે સમસ્યા છે તે હૃદયની અશુદ્ધિને કારણે છે. આથી અંદરની શુદ્ધિ કરવી આવશ્યક છે. આ મહોત્સવનો સંદેશ છે કે આપણે આપણા જીવનને પવિત્ર બનાવીએ.’
માનનીય વડાપ્રધાનશ્રીએ સતત ૨૦ મિનિટ સુધી કાર્યકરોને બિરદાવતાં ઉત્સાહ પ્રેરક સંબોધન કર્યું. આજે ગૌરવની વાત એ હતી કે સરકાર દ્વારા પ્રસારિત નમો એપ પર સેવા, શ્રદ્ધા અને સમર્પણ નામે એક અનોખા મોડ્યુલને કાર્યકર સુવર્ણ મહોત્સવના ઉપક્રમે બી.એ.પી.એસ.ના કાર્યકરો માટે લોન્ચ કરવામાં આવ્યું હતું. બી.એ.પી.એસ.ના કાર્યકરો રાષ્ટ્રનિર્માણની દિશામાં જે સેવાકાર્ય કરશે તે સીધું જ પ્રધાનમંત્રીશ્રીને પહોંચશે. કાર્યકર્તાઓના આ પ્રયાસની સરાહના કરીને પ્રધાનમંત્રીશ્રી વિશેષ સ્મૃતિચિહ્નરૂપે સન્માનપત્ર પણ આપશે.
આજના ઐતિહાસિક અવસરે સ્વામીશ્રીનાં કરકમળો દ્વારા બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રમુખસ્વામી મહારાજનું વિસ્તૃત જીવનચરિત્ર (ભાગ–૧૦), કાર્યકર સુવર્ણગાથા પુસ્તક, કાર્યકર સુવર્ણ મહોત્સવ ગીતમાલા (ઓડિયો) અને ‘સ્વામિનારાયણ પ્રકાશ એપ'નું વિધિવત્ ઉદ્ઘાટન થયું હતું.
કાર્યકરોની અભિવાદન શૃંખલામાં વરિષ્ઠ સંતવર્ય પૂજ્ય ડૉક્ટર સ્વામીએ પ્રાસંગિક પ્રેરણાવચનો વહાવ્યા. હવે, “કાર્યકર સુવર્ણ મહોત્સવ'ના કેન્દ્રવર્તી વિચારને અનુરૂપ કાર્યક્રમ વહેવા લાગ્યો.
આજનો ભવ્ય કાર્યક્રમ મુખ્યત્વે ત્રણ સોપાનમાં વહેંચાયેલો હતો : બીજ, વટવૃક્ષ અને ફળશ્રુતિ.
પ્રથમ સોપાન હતું: કાર્યકર પ્રવૃત્તિનું બીજ છેલ્લાં ૧૦૦ કરતાં વધુ વર્ષોથી આરંભાયેલી આ સ્વયંસેવક પરંપરાનું બીજારોપણ અને તેના પોષણની પ્રથમ વિભાગમાં અદ્ભુત રજૂઆત થઈ. બી.એ.પી.એસ. સંસ્થાના સ્થાપક બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ અને ત્યારબાદ બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ અને પ્રમુખસ્વામી મહારાજે આ કાર્યકર પ્રવૃત્તિનાં બીજ રોપ્યાં અને ક્રમશઃ આ સત્પુરુષોનાં પ્રેમ, હૂંફ અને પોષણ મળતાં આ બીજ અંકુરિત થતાં ગયાં.
જે રીતે ગંગા પ્રારંભિક સ્થિતિમાં ગંગોત્રીની પાતળી ધારાના રૂપમાં દૃષ્ટિગોચર થાય છે, એ રીતે આજે વિશ્વમાં ફેલાયેલી બી.એ.પી.એસ. કાર્યકર પ્રવૃત્તિ તેની પ્રારંભિક સ્થિતિમાં એક બીજ માત્ર હતી. એક-એક કાર્યકરની પસંદગી કરી ગુણાતીતાનંદ સત્પુરુષોએ. પ્રત્યેક કાર્યકરરૂપી બીજને ગુરુઓએ પોષણ આપ્યું. આ ભાવને પ્રદર્શિત કરતો...


0 comments