ભેદ ધર્મમાં નહીં, માણસની બુદ્ધિમાં છે.- સ્વામિનારાયણ પ્રકાશ ફેબ્રુઆરી-૨૦૨૨

 ભેદ ધર્મમાં નહીં, માણસની બુદ્ધિમાં છે...

 બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ હળવી શૈલી અને સરળ શબ્દોમાં એવી રીતે ઉપદેશગંગા વહાવતા કે જેમાં સહજતાથી સૌને બોધ મળી જતો. અહીં પ્રસ્તુત છે એવી એમની સીધી-સાદી-સરળ પ્રાસાદિક વાણીની સરવાણી. સ્વામીશ્રીની શતાબ્દીના પર્વે શતાબ્દી પ્રકાશ-માળામાં તેઓની આ અમૃતવાણીનું પાન કરી અમર થઈ જઈએ...

આજકાલ ઘણાની સમજણ એવી હોય છે કે જેથી સમાજમાં પ્રશ્નો ઊભા થાય છે. ધર્મને લઈને ઝઘડા થતા હોય એવું સાંભળ્યું છે, પણ દરેક મનુષ્ય પોતાના ધર્મગ્રંથોને બરાબર સમજે તો પછી કોઈ પ્રશ્ન જ નથી. સૌને પોતાના ધર્મમાં શ્રદ્ધા હોય ને એની રીતે પાઠપૂજા કરતો હોય એમાં કોઈનેય વાંધો શું હોય? પણ મારો ધર્મ મોટો ને તારો નાનો, એમ માને એટલે તકરાર થાય.

સ્વામિનારાયણ ભગવાને કોઈ ભેદભાવ રાખ્યો નથી. ભેદ આપણી બુદ્ધિના છે. ભગવાન શ્રીજીમહારાજે શિક્ષાપત્રીમાં એક વાત લખી દીધી કે 'ધર્મો જ્ઞેયઃ સદાચાર:' દરેક વ્યક્તિએ સદાચારરૂપી ધર્મમાં ચાલવાનું છે. તો જ એને માણસ કહેવાય. પશુઓને બેન-દીકરીની ખબર જ નથી એટલે એ પશુ છે. જેમાં સત્ય, દયા, અહિંસા, બ્રહ્મચર્ય આદિ ગુણો હોય તો એ માણસ કહેવાય.

કોઈ જીવની હિંસા કરવી નહીં આ આપણો હિન્દુ ધર્મ સમજાવે છે. સર્વ જીવપ્રાણીમાત્ર પર દયા રાખવી, કુટુંબ પર દયા છે એવી બધા પર રાખો. જે ભગવાનમાં શ્રદ્ધા હોય એમાં પૂર્ણ આસ્થા રાખી ભક્તિ કરો. એમના આદેશોને માનો. બધાને આદર આપો. જેને માનતા હો એના આદેશમાં રહો.

ભારત દેશ અનાદિથી ધર્મમાં માનતો આવ્યો છે. ધર્મનો આધાર છેઃ શાસ્ત્ર, સંતો અને મંદિરો. જેને ધર્મમાં-મંદિરોમાં શ્રદ્ધા ન હોય એને વિચાર આવે કે આ મંદિરોમાં પથરા ખડકવા ને મૂર્તિઓ પધરાવવાની શી જરૂર છે? સમાજમાં સ્કૂલો, કૉલેજો, દવાખાનાં, બધી સગવડો જોઈએ છે. દેશની રક્ષા માટે મિલિટરીની જરૂર છે. એમ જેને ભગવાનમાં શ્રદ્ધા છે એને ધર્મસ્થાનની જરૂર છે. જેને શ્રદ્ધા છે એ મંદિરો કરે, મસ્જિદો કરે, ચર્ચ કરે, ગુરુદ્વારા પણ કરે, માતા-મહાદેવનાં મંદિરો પણ થાય. દરેક પોતાની શ્રદ્ધા પ્રમાણે કરે છે એને ખોટું કહે છે એ ધર્મને સમજ્યા જ નથી. મંદિરો તો સમાજનાં અંગ છે.

કેટલાક લોકો પૂછે છે કે તમે મૂર્તિઓ કેમ પૂજો છો? તમે બધા મૂર્તિપૂજક છો! પરંતુ આખી દુનિયા મૂર્તિ જ પૂજે છે. ખ્રિસ્તી ધર્મમાં ચર્ચમાં ક્રોસ મૂકે છે. શા માટે મૂકે છે? એ લોકો શ્રદ્ધાથી માને છે કે આ ક્રોસ પર ઈસુ ચડ્યા એટલે એમાં ઈસુનાં દર્શન થાય છે. મુસ્લિમ ધર્મમાં પણ અમુક દિશામાં જ નમાજ કેમ પઢે છે? કારણ કે ત્યાં કાબાનો પત્થર છે. એમાં એમને શ્રદ્ધા છે. તે માને છે કે ત્યાં અલ્લા છે. એમ આપણી હિન્દુઓની મૂર્તિમાં શ્રદ્ધા છે. મૂર્તિઓની વિધિસર પ્રાણપ્રતિષ્ઠા થાય છે. પરાપૂર્વથી માનીએ છીએ કે મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા થાય છે અને એમાં ભગવાન બિરાજે છે. એમાં શ્રદ્ધા હોય છે તેનાં કામ પણ થાય છે.

કેટલાક કહે છે કે મંદિર વિના ભગવાન ન ભજાય? પણ સમાજમાં પાર્લામેન્ટ ને ધારાસભા શું કામ કરવી પડે? ઝાડ નીચે બેસીને ન થઈ શકે? એને માટે યોગ્ય સ્થાન-વ્યવસ્થા હોવી જ જોઈએ તો કામ થાય છે. એમ ભક્તિ માટે એવું સ્થાન મંદિર જોઈએ. મંદિરના નિર્માણમાં ખર્ચ થાય એ કેટલાકને નકામા લાગે છે. દેશનાં કેટલાંય અધિવેશનોમાં લાખો રૂપિયા ખર્ચાય છે, પણ એ દેશના વિકાસ માટે છે. આપણે એ ન જાણતા હોઈએ એટલે એમ થાય કે આની શી જરૂર છે? ખર્ચા તો બીજા કેટલાય નકામા થાય છે. લગ્નમાં પાર વગરના ખોટા ખર્ચા થાય છે. ફિલ્મો-વ્યસનોના ખર્ચાનો વિચાર કે પ્રશ્ન થતો નથી. એની પાછળ કરોડો રૂપિયા ખર્ચી નંખાય છે. એ બધા ખર્ચાને જોતા નથી ને મંદિરો થાય છે એને માટે લોકોના મનમાં પ્રશ્નો થાય છે.

એમ કહે છે કે આ મંદિરો થાય છે તે ખોટું થાય છે, પણ ખોટું નહીં, બધું જ ભગવાનની ઇચ્છા પ્રમાણે સારું થાય છે. મંદિરોમાંથી સંસ્કાર મળે છે. માણસો સંસ્કારી થશે તો સમાજમાં શાંતિ થશે. વ્યસનો ને જુગારના અડ્ડા ખરાબ જ છે ને? કાયદો છે છતાં પણ એ ચાલે છે. પણ એમાંથી જેટલા સુધર્યા એટલું સારું થયું. એમ મંદિરો છે ને સંતો ફરે છે તો જેટલા માણસોનાં વ્યસન-દૂષણ મુકાયાં ને ધર્મને માર્ગે ચાલ્યા એટલું તો સારું જ છે ને!

સાધુસંતો એ સમાજનાં અંગ છે. કેટલાક લોકોને એમાં પણ શ્રદ્ધા નથી. સાધુઓ ખોટા છે, સાધુસંસ્થા બંધ જ કરી દેવી જોઈએ - એમ કહી ટીકા કરે છે. કેટલાક શિક્ષકો સારા ન હોય એટલે બધા શિક્ષકો ખરાબ થઈ ગયા? પાંચ-દસ જણા એવા હોય એટલે દુનિયામાંથી શિક્ષણ જ બંધ કરી દેવું એવું નથી. ડૉક્ટરોમાં, અધિકારીઓમાં, પ્રધાનોમાં પણ કેટલાક શિથિલ હોય છે. એટલે કંઈ દવાખાનાંઓ કે સરકારી તંત્ર બંધ ન કરાય, ચલાવવું જ પડે. એમ મંદિરોમાં, ધર્મસ્થાનોની અંદર બે-ચાર ઠેકાણે જોવામાં આવ્યું એટલે કેટલાક એમ કહે કે બધું જ ખોટું છે, એની જરૂર જ નથી.

પણ ભાઈ! ધર્મ-મંદિરો-ભગવાન-સંતો ખોટાં નથી. એની જરૂર છે જ. ગામમાં બે-ચાર તોફાની હોય, વ્યસનદૂષણ હોય ને લોકોને હેરાન કરતા હોય એણે કરીને કંઈ આખું ગામ ખોટું થઈ જાય ને ગામને બાળી નાખો? લોકો વિચાર કર્યા સિવાય બોલે છે. જ્યારે કંઈપણ થાય એટલે સીધી મંદિરો ઉપર ધોંસ આવી જાય છે. આપણે બધા હિન્દુ છીએ તો વિચાર તો કરવો જોઈએ! લોકો ધર્મમાં ઊંડા ઊતરતા નથી. ઉપર ઉપરનું સાંભળીને બધું નક્કી કરે છે.

મંદિર-સંત-શાસ્ત્ર બધાં અંગો પરોપકાર માટે છે, પણ કેટલાક બોલ્યા કરે કે બધું ખોટું છે, ખોટું છે! જે બોલે છે એણે કરવાનું કાંઈ નહીં, કોઈ દા'ડો એક પૈસો ય આપવાનો હોય નહીં ને કહે કે ધર્મ ખોટો છે. ભાઈ! તમે કાંઈ કરો નહીં તો કાંઈ વાંધો નહીં, પણ ખરાબ ન બોલો, તેમાં પણ તમારી કેટલી મોટી સેવા છે!

કોઈની નિંદા કરવી નહીં. તમે તમારા સામું જોયા કરો. પોતાનું જુઓ તો આગળ વધી શકશો, પણ બીજાનું જોશો તો લડાઈ ને ઝઘડા ને પછી વિકાસ નહીં થાય. ધર્મના નીતિ-નિયમોમાં રહીને જીવન ધન્ય કરવું. જનહિત અને આત્મકલ્યાણ - એ માટે મનુષ્યશરીર છે.

પ્રાર્થના કરીએ કે બધા પોતપોતાના ધર્મ પ્રમાણે રહે, બધા ભેદભાવ ભૂલીને એકબીજાને આદર આપે, એકબીજાના ધર્મને આદર આપે. આત્મા-પરમાત્માનું જ્ઞાન દૃઢ કરીને સમાજની સેવા કરીએ ને સમાજમાં ને રાષ્ટ્રમાં શાંતિ થાય એ જ પ્રાર્થના.’

(તા. ૫-૬-૨૦૦૫, જૂનાગઢ)

0 comments

બાલયોગી નીલકંઠવર્ણી - સ્વામિનારાયણ પ્રકાશ નવેમ્બર-૨૦૨૧

 હિન્દુઓ માટે યુગોથી ભૂતલ-સ્વર્ગ મનાતું કૈલાસ અને ભીષ્મપર્વ-વનપર્વ-દ્રોણપર્વ-અનુશાસનપર્વ વગેરેમાં જેવું માનસરોવરનું પ્રસિદ્ધ તીર્થ હિમાલયમાં...