મિશન રાજીપો: એક અપૂર્વ ઇતિહાસ - સ્વામિનારાયણ પ્રકાશ નવેમ્બર-ડિસેમ્બર -2025

 

મિશન રાજીપો: એક અપૂર્વ ઇતિહાસ

૨૬ પ્રેરણામૂર્તિ મહંત સ્વામી મહારાજે હજારો બાળકોને મહિમાથી મસ્તકે મૂકી સજર્જ્યો એક નૂતન ચમત્કારઃ ૧૫,૦૦૦થી વધુ બાળકોએ સત્સંગદીક્ષા ગ્રંથ સંસ્કૃતમાં કંઠસ્થ કરીને રચ્યો એક અપૂર્વ ઇતિહાસ

'મિશન રાજીપો' બી.એ.પી.એસ. બાળપ્રવૃત્તિ દ્વારા હજારો બાળકોના સર્વાંગી ઉત્કર્ષનું એક વિરલ અભિયાન

ભારતીય સનાતન સંસ્કૃતિમાં શાસ્ત્ર પરંપરાનું એક આગવું સ્થાન છે. આપણા જીવનના માર્ગદર્શક આ શાસ્ત્રો માનવને સાચો માનવ બનવાની પ્રેરણાઓ આપતાં આવ્યાં છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે પણ પોતાના જીવનકાળ દરમિયાન પરમહંસો પાસે શાસ્ત્રોનું નિર્માણ કરાવ્યું હતું. એ જ સનાતન શાસ્ત્ર પરંપરામાં પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજે એક અનેરું પુષ્પ ઉમેર્યું, વર્ષ ૨૦૨૦માં.

તા. ૩૦-૧-૨૦૨૦, વસંતપંચમીના પવિત્ર દિવસે નવસારી ખાતે પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજે કલમ અને કાગળ લઈને એક વિશિષ્ટ યજ્ઞ આરંભ્યો. એ હતો, ‘સત્સંગદીક્ષા શાસ્ત્ર લેખન યજ્ઞ'. ભગવાન સ્વામિનારાયણથી લઈને ગુણાતીત ગુરુઓએ સમયે સમયે કરેલી અનેક આજ્ઞાઓ, અક્ષરપુરુષોત્તમ ઉપાસનાની સ્પષ્ટતાઓ, સાંપ્રદાયિક રીતિઓ વગેરે મુદ્દાઓને મનમાં રાખી મહંત સ્વામી મહારાજે ગુજરાતી ભાષામાં લેખનની શરૂઆત કરી.

૮૭ વર્ષની ઉંમરે ગુરુહરિ મહંત સ્વામી મહારાજે ‘સત્સંગદીક્ષા’ શાસ્ત્રનું લેખન કરીને ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્યપર્વે, તા. ૨-૪-૨૦૨૦ના રોજ અમદાવાદ ખાતે આ શાસ્ત્રના લેખનની પૂર્ણાહુતિ કરી. અને ત્યારબાદ ગુરુહરિ મહંત સ્વામી મહારાજે ગુજરાતીમાં લખેલ આ શાસ્ત્રનું મહામહોપાધ્યાય પૂજ્ય ભદ્રેશદાસ સ્વામી દ્વારા સંસ્કૃતમાં ભાષાંતર કરવામાં આવ્યું.

“સત્સંગદીક્ષા એ મહારાજનું સ્વરૂપ છે', 'શ્રીજીમહારાજ અને ગુરુપરંપરાના મનમાં જે હતું એ જ સત્સંગદીક્ષામાં લખાયું છે’, ‘સત્સંગદીક્ષા શાસ્ત્રની હજારો તુલા કરીએ તો પણ ઓછી છે' – વગેરે મહિમા વચનો દ્વારા મહંત સ્વામી મહારાજે આ શાસ્ત્રનો અનેરો મહિમા પણ ગાયો. નેનપુર ખાતે તા. ૫-૭-૨૦૨૦, ગુરુપૂર્ણિમાના પર્વે ગુરુહરિ મહંત સ્વામી મહારાજે આ શાસ્ત્ર સૌને અર્પણ કર્યું, એ જ સમયે તેઓએ બાળ-બાલિકાઓ, કિશોર-કિશોરીઓ અને યુવક-યુવતીઓને આ શાસ્ત્રનો મુખપાઠ કરવાની આજ્ઞા કરી હતી. તેઓએ મુખપાઠનો મહિમા ગાતાં લખ્યું, “સત્સંગદીક્ષાનો મુખપાઠ = અક્ષરધામ.'

એ પછી સમયે સમયે ગુરુહરિ મહંત સ્વામી મહારાજે ‘સત્સંગદીક્ષા' ગ્રંથના શ્લોકોનો સંસ્કૃતમાં મુખપાઠ કરવાની આજ્ઞા કરી. અને એ જ શૃંખલામાં તા. ૨૫-૧૦-૨૦૨૪ના દિવસે ગોંડલ તીર્થસ્થાનમાંથી તેઓએ એક ઐતિહાસિક પત્ર લખ્યો.

ગુરુહરિ મહંત સ્વામી મહારાજે પોતાનો સંકલ્પ લખતાં પત્રમાં જણાવ્યું કે, “આપણાં બાળ-બાલિકાઓ સંસ્કૃતમાં સત્સંગદીક્ષા ગ્રંથનો મુખપાઠ કરે.” તેઓએ “આવતી દિવાળી' એટલે કે એક વર્ષ સુધીમાં ૧૦,૦૦૦ બાળ-બાલિકાઓને સંસ્કૃત ભાષામાં આ ગ્રંથનો મુખપાઠ કરવાની આજ્ઞા કરી! તેઓની આ આજ્ઞાથી બી.એ.પી.એસ. સંસ્થાની વિશ્વવ્યાપી બાળપ્રવૃત્તિમાં આરંભાયું વિશિષ્ટ અભિયાનઃ ‘મિશન રાજીપો'! પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણ અને પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજને રાજી કરવાના એકમાત્ર ધ્યેય સાથે આરંભાયેલું આ મિશન કેવું અનેરું હતું? આવો, તેની વિરલ ગાથાને માણીએ... 

‘મિશન રાજીપો' : પ્રારંભ

ગુરુહરિ મહંત સ્વામી મહારાજના આદેશથી બી.એ.પી.એસ. બાળપ્રવૃત્તિનાં ૧૦૩ સંતો અને ૧૭,૦૦૦થી વધુ બાળ-બાલિકા કાર્યકરો દ્વારા આયોજનબદ્ધ પુરુષાર્થ શરૂ થયો. બાળકો સારી રીતે મુખપાઠ કરી શકે તે માટે ગ્રંથની સમજૂતી સાથેનાં પુસ્તકો, મુખપાઠમાં સરળતા રહે તે માટે માર્ગદર્શક ઑડિયો-વીડિયો પ્રકાશનો તૈયાર થયાં. બાળકોના વાલીઓનો સંપર્ક કરી મુખપાઠનો મહિમા સમજાવવામાં આવ્યો. ૮,૫૦૦થી વધુ બાળ-બાલિકા મંડળોમાં તેમજ રવિસભાઓમાં સત્સંગદીક્ષા ગ્રંથ મુખપાઠ માટે ઉદ્ઘોષ સભાઓનું આયોજન થયું. ઓનલાઇન પોર્ટલ દ્વારા બાળ-બાલિકાઓનું રજિસ્ટ્રેશન શરૂ થયું અને ગણતરીના દિવસોમાં જ દેશ-વિદેશનાં બાળમંડળો, સંસ્થા સંચાલિત વિદ્યામંદિરોનાં કુલ ૪૦,૦૦૦થી વધુ બાળ-બાલિકાઓએ ઉત્સાહથી “મિશન રાજીપો'માં રજિસ્ટ્રેશન કરાવી દીધું!

'મિશન રાજીપો' : પડકારો અને આયોજનો

કુલ ૪૦,૦૦૦ બાળ-બાલિકાઓનું રજિસ્ટ્રેશન તો થઈ ગયું, પરંતુ આ બધાં બાળકોને મુખપાઠ કરાવવો એ સામાન્ય કાર્ય નહોતું. મુખ્ય ચાર પડકારો ઊભા હતા:

  1. પહેલો પડકાર: હાલની શિક્ષણ વ્યવસ્થાને કારણે બાળકોને મુખપાઠ કરવાનો ખાસ મહાવરો રહ્યો નથી.

  2. બીજો પડકાર: સંસ્કૃત ભાષામાં મુખપાઠ કરવાનો હતો, જે ભાષાનો બાળકોને લેશમાત્ર પરિચય નહોતો.

  3. ત્રીજો પડકાર: સમયમર્યાદા. ગુરુહરિ મહંત સ્વામી મહારાજે માત્ર એક જ વર્ષમાં આટલાં બધાં બાળકોને મુખપાઠ કરાવવાની આજ્ઞા કરી હતી.

  4. ચોથો પડકાર: બાળકોની ચંચળતા. ટી.વી., મોબાઈલ, સોશિયલ મીડિયામાં રચ્યાં-પચ્યાં રહેતાં બાળકો પાસે મુખપાઠ કરાવવાનો હતો!

આ તમામ પડકારો ઝીલવા માટે બાળ-બાલિકા કાર્યકરો તૈયાર થયાં. વિવિધ આયોજનો કર્યા:

  • વ્યક્તિગત તૈયારી, ઓનલાઇન અને ઑફલાઇન ક્લાસીસ.

  • 'Kahoot' જેવી digital quiz, 'લીડરબૉર્ડ', 'રાજીપો મીટર' અને 'ડેશબૉર્ડ' નો ઉપયોગ.

  • રમતાં રમતાં મુખપાઠ કરાવવા ક્રિકેટ ટુર્નામેન્ટ, આનંદ નગરી અને રાજીપાનો મેળો.

  • વૅકેશનમાં બાળ-બાલિકા શિબિર, મુખપાઠ યજ્ઞો અને Children development camp.

'મિશન રાજીપો' : બાળ-બાલિકાઓનો પુરુષાર્થ

બાળ-બાલિકાઓએ ગુરુહરિને રાજી કરવા માટે સખત મહેનત કરી. કેટલાંક બાળકો જેમને વાંચતાં-લખતાં નહોતું આવડતું, તેઓએ સાંભળી-સાંભળીને મુખપાઠ કર્યો. તેઓએ ટી.વી., મોબાઈલ અને સોશિયલ મીડિયાનો ત્યાગ કર્યો. કેટલાંક બાળકોએ મુખપાઠ ન થાય ત્યાં સુધી પોતાની ભાવતી વાનગીઓ જેવી કે ચૉકલેટ, ચીઝ અને મીઠાઈનો ત્યાગ કર્યો. શાળાનું હોમવર્ક પૂરું કરીને રાત્રે જાગીને પણ તેઓએ મુખપાઠ કર્યો, કારણ કે તેમના મનમાં એક જ વાત ગુંજતી રહી - 'ગુરુહરિનો રાજીપો.”

0 comments

બાલયોગી નીલકંઠવર્ણી - સ્વામિનારાયણ પ્રકાશ નવેમ્બર-૨૦૨૧

 હિન્દુઓ માટે યુગોથી ભૂતલ-સ્વર્ગ મનાતું કૈલાસ અને ભીષ્મપર્વ-વનપર્વ-દ્રોણપર્વ-અનુશાસનપર્વ વગેરેમાં જેવું માનસરોવરનું પ્રસિદ્ધ તીર્થ હિમાલયમાં...