પ્રાજ્ઞ-1 પરીક્ષા - નિબંધ -1 દલિતો અને પછાતોના સ્નેહી સ્વજન સમા પ્રમુખસ્વામી મહારાજ (સ્વામિનારાયણ પ્રકાશ : ફેબ્રુઆરી -2022, પા.નં. 23-33)



પ્રમુખસ્વામી મહારાજ એટલે સો પર વરસતી વાત્સલ્યની અવિરત વર્ષા. જીવનભર જાતે ઘસાઈને બીજાને ઉજળા કરવા દિવસ-રાત ઘૂમતા પ્રમુખસ્વામી મહારાજે દલિતો અને પછાતોને પણ પોતાના ખોળે સમાવ્યા હતા. જૅમને સમાજ અછૂત અને અભાગી ગણતો હતો એવો વર્ગ સ્વામીશ્રીને મન પોતાનો હતો. એમના સાચા સ્વજન અને સ્નેહી તરીકે તેમના પર હેત વરસાવીને સ્વામીશ્રીએ તેમના સર્વાંગી ઉત્કર્ષ માટે જે પુરુષાર્થ કર્યો છે તેની ગાથા એક વિરાટ અધ્યાય જેવી છે. અહોં, સ્વામીશ્રીએ તેમના પર વરસાવેલી સ્નેહવર્ષાની એક ઝાંખી મેળવીએ... જ


“પ્રમુખસ્વામી મહારાજ વડોદરા જિલ્લાના કુરાઈ ગામે સંતો સાથે બિરાજેલા ત્યારે ત્યાં ઠીકરિયા ગામના હરિજન ભક્ત શ્રી છગનભાઈ પણ બેઠેલા. તેઓને સ્વામીશ્રીએ કહ્યું: “કીર્તન ગાઓ.' તેથી તે ભગતે કીર્તનો લલકાયાં બાદ યોગીબાપા સાથેના પોતાના અનુભવો પણ વણવ્યા. આ સમયે સ્વામીશ્રીએ સાથે ફરતા એક સંતને કેમેરો લઈ આવવાની આજ્ઞા કરી. જ્યારે કેમેરો આવ્યો ત્યારે સ્વામીશ્રી છગનભાઈની બાજુમાં તેના સ્વજનની જેમ ઊભા રહ્યા અને સ્મૃતિછબિ લેવડાવી. એટલું જ નહીં, વડોદરાથી વિચરણ કરતાં કરતાં તેઓ મુંબઈ પધાર્યા ત્યારે સંતોને યાદ પણ કરાવ્યું કે “કુરાઈવાળો ફોટો છગનને મોકલ્યો કે નહીં?”

દલિત ભક્તો સાથે આવો પ્રગાઢ સ્નેહ ધરાવતા સ્વામીશ્રી તા. ૨૦-૩-૧૯૭૧ના રોજ તો લીંબડીના હરિજનવાસમાં પધરામણીઓ કરવા માટે પહોંચી ગયા. આ સમયે તેઓએ હરિજનોનાં ઝૂંપડે-ઝૂંપડે જઈને પલાંઠી વાળી. સળી-વળીથી બનેલાં એ ખોરડાંમાં સગવડો તો કેવી? તેથી સ્વામીશ્રીને બેસવા માટે ક્યાંક લીંપણ પર કોથળા પથરાતા, તો ક્યાંક ગાભા જેવી ગોદડીઓ! છતાં ટટ્ટાર ઊભા રહેવા ન મળે એવાં નીચાં એ ઝૂંપડાંઓમાં પણ સ્વામીશ્રીએ પ્રેમથી પગલાં પાડ્યાં.

સૂર્યને શું હરિજન કે શું મહાજન! તે તો સૌ માટે અજવાળું લઈને આવી પહોંચે. તેમ અહીં સ્વામીશ્રીએ હરિજનનાં એક-એક ઝૂંપડે જઈને ઘણાને વ્યસનમુક્ત કર્યા. સદાચારી જીવનની પ્રતિજ્ઞા લેવરાવી. પાઠ-પૂજાઓ કરવાની રીત શીખવી અને '“હરિ'જનવાસ નામ સાર્થક કરી આપ્યું. તે વખતે એક-એક ઝૂંપડામાંથી નાદ ઊઠી રહ્યોઃ
નવ જોઈ તે નાત ને જાત રે વારે વારે જાઉં વારણીએ

સમાજ પર ચૉંટેલું અસ્પૃશ્યતાનું કલંક નિવારવા માટે સ્વામીશ્રીએ આવાં નક્કર પગલાં ભરેલાં. 
આવા જ એક પ્રસંગે તા. ૨૯-૪-૧૯૭રના રોજ ગંભીરા પહોંચેલા સ્વામીશ્રી ઘરોઘર ઘૂમી સૌને સત્સંગ તથા સંસ્કારયુક્ત જીવનની પ્રેરણા આપવા લાગ્યા.
આ ગામમાં હરિજનોની વસ્તી પણ હતી. તે સૌનો મનોરથ હતો કે “સ્વામીશ્રીના ચરણ આપણાં ઝૂંપડામાં પડે.' તે પૂરો કરવાની સ્વામીશ્રીએ ખાતરી આપતાં સૌ અત્યંત ગેલમાં આવી ગયા. તેઓએ પોતાનાં ઝૂંપડાં પાસે મંડપો ખોડી દોધા. હરિજનવાસ આખો સ્વચ્છ કરી દીધો. તેમાં સુંદર મજાની રંગોળીઓ પૂરી. પાંદડાંનાં તોરણો લટકાવ્યાં. જ્યારે સ્વામીશ્રી પધાર્યા ત્યારે સૌએ તેઓને ઉમંગથી વધાવ્યા અને સ્વામીશ્રીનાં ચરણ ઝૂંપડે-ઝૂંપડે ફરવા લાગ્યાં.

તે વખતે એકેએક હરિજનનું હૈયું ગાઈ રહ્યું ...”

સાચા સંત સગા છે સહુ જનના રે ઉદાર છે અપાર મનના રે 

તે વખતે અંત્યોદયના ઝંડાધારીઓથીયે કંઈક અધિક દેવત આ ભગવાંધારીમાં સૌ જોઈ રહ્યા.

આવું જ દર્શન તા. ૧-૨-૧૯૭૫ની સાંજે સ્વામીશ્રી રાયમ પધાર્યા ત્યારે સૌને લાધ્યું. અહીં તેઓની સભાનું સ્થળ હતું - હળપતિવાસ!  તેમાં વસતા હળપતિઓએ વસાહતના ફળિયામાં સભા માટે નાનકડો પણ રૂપકડો સભામંડપ બાંધેલો. તેમાં બાંકડા પર પોતાના તારણહાર સ્વામીશ્રીનું આસન સજાવેલું. તે પર બિરાજી સ્વામીશ્રીએ શબ્દો ઉચ્ચાર્યા કે 'શેઠિયાના બંગલામાં કે તમારા ઝૂંપડામાં, સંતને બધું સરખું ! સત્સંગમાં પૈસા આપવાના નથી. સત્સંગ મફત છે. ભગવાનને ત્યાં ભેદભાવ નથી. જીવનું સારું થાય તે માટે સત્સંગ છે.'

સ્વામીશ્રીના આ શબ્દોનો સીધો અનુભવ સામે બેઠેલો એકેએક હળપતિ કરી રહ્યો. તેથી આ આશીવાદ બાદ સૌને માથે હાથ મૂકી સ્વામીશ્રી વિદાય થયા ત્યારે એ સમી સાંજના ૬:૪પ વાગ્યે પણ સૌ સમાજ-નવરચનાનો સૂર્યોદય નિહાળી રહ્યા.

આ સૂર્યનો ઉજાસ તા. ૨ર૪-૧૧-૧૯૭૫ની રાત્રે સંદેસરમાં પથરાયો. અહીં કેટલીક પધરામણીઓ કર્યા બાદ સ્વામીશ્રી સીધા જ પહોંચ્યા - દેવીપૂજકોના વાસમાં. તેઓનું અહીં પધારવાનું નિમિત્ત હતું - એક ફળિયાનું ખાતમુહૂર્ત. અહીંના રહેવાસીઓ સ્વામીશ્રીને પોતાનાં ફળિયાં પાવન કરવા પધારવાનું આમંત્રણ આપવા પહોંચી ગયા તે બીના જ સમજાવે છે કે સ્વામીશ્રી કેવા ખુલ્લા દિલ દરવાજાના સંત હતા!

પોતાની એક આંખમાં સમતા અને બીજી આંખમાં મમતાની કીકો રાખીને વિચરતા તેઓ ઊબડ-ખાબડ લીંપણવાળા, સળી-સાંઠીકડાંની ભીંતોવાળા, ઘાસ-પૂળાનાં છાપરાંવાળા આ વાસના કૂબામાં નિરાંતે પલાંઠી વાળીને બેઠા. અહીં યોજાયેલી સભામાં સંબોધન કરતી વખતે તેઓ “સ્વામિનારાયણ ભગવાને નાત-જાતના ભેદ રાખ્યા સિવાય સૌને અપનાવ્યા છે' એમ જે બોલ્યા તેને સૌ નજર સામે જ અનુભવી રહ્યા! આ રીતે સૌને શ્રીજીની સ્મૃતિ કરાવતાં સ્વામીશ્રીએ સભા બાદ ફળિયાનું ખાતમુહૂર્ત કરી તેનું “યોગી ફળિયું' નામાભિધાન કયું.

તેઓની આવી કૃપાવર્ષાથી તા. ૧૩-૨-૧૯૭૬ના રોજ સંઘેસરમાં આવેલો દેવીપૂજકોનો આ વાસ ફરી ભીંજાયો.

આ સમયે અહીં સ્વાગતમાં સુંદર મંડપ સજાવેલો. પોતાનાં ઘરમંદિરોમાં પણ આ દેવીપૂજક ભાઈઓએ શોભા કરેલી. તેમનાં આ ખોરડાંઓમાં પધરામણીઓ કરીને સ્વામીશ્રી સભામાં પધાર્યા ત્યારે અત્રે તેઓને સૌએ હારતોરાથી સન્માન્યા.
તે પછી સ્વામીશ્રીએ અમૃત વહાવ્યું કે “જુઓ, તમે ભક્ત થયા તો અમે સીધા તમારે ઘેર જ આવ્યા. આપણે વ્યસનો છોડવાં. અમારા માટે ફૂલહારનો ખર્ચો ન કરવો. મંડપ ન બાંધવો. “આ મોટાપુરુષ છે ને તેમને મંડપ વિના નહીં ચાલે' એવું ન માનવું. અમે તો નીચે ધૂળમાં બેસીને પણ કથા કરીએ. તમે વ્યસનો છોડો અને ભક્તિ કરો એ જ કરાવવાનું છે. તમે સારું કામ કરો તો સારું ફળ મળે. ખેતરમાં બાવળિયા વાવીએ તો આંબા મળે? તેમ ખોટાં કામ કરીએ તો સુખ મળે? થોડું જ પણ સારું કયું હોય તો શાંતિ રહે.'
સ્વામીશ્રીના આ શબ્દો દેવીપૂજકો સાંભળી જ રહ્યા, કારણ કે તેમાંથી નરી લાગણી નીતરતી હતી, કોઈ માંગણી નહીં. તેથી જ સભાના અંતે સૌ પર આશીર્વાદનો અભયહસ્ત સ્થાપી સ્વામીશ્રી વિદાય થયા ત્યારે એ વાસનું વાતાવરણ 'સમદષ્ટિ ને તૃષ્ણા ત્યાગી...' સ્વામીશ્રી પર ઓવારી ગયું. સમતાની આ સડકે સતત સરકતા સ્વામીશ્રીએ તા. ૧૪-૧૧-૧૯૭૮ના દિવસે બોચાસણમાં સૌને દેવદિવાળીના આશીર્વાદ આપી કૃતાર્થ કર્યા. આ સમૈયાની સભા બાદ મોડી બપોર સુધી પૂજન ચાલ્યું. આ વર્ષે ઉપરાછાપરી આવેલી બીમારીઓના હુમલાથી હવે સ્વામીશ્રીને પગથિયાં ચડવામાં અને સભામાં લાંબા સમય સુધી બેસવામાં ઘણું કષ્ટ અનુભવાતું. છતાં આ ભીડો વેઠી ભક્તોને રાજી કર્યાના સંતોષ સાથે તેઓ બપોરે આરામમાં જઈ રહેલા. તેઓના ઓરડાનું બારણું બંધ થવાની તૈયારીમાં જ હતું ત્યાં ચરોતર પ્રાંતના કેટલાક દેવીપૂજક ભક્તો હાર લઈને આવી ચડ્યા. તેઓનું ગામ બોચાસણથી ખાસ દૂર નહીં, છતાં કો'ક કારણસર તેઓ આટલા મોડા આવેલા. તેથી સેવકોએ કહ્યું: 'સ્વામીબાપા હવે પોઢી ગયા છે. સાંજે ચાર વાગ્યે આવજો.'
પણ ત્યાં તો સ્વામીશ્રી એ સાંભળી ગયા અને તેમણે જ સેવકોને સાદ પાડ્યોઃ “તેઓને આવવા દો.' તેઓનાં દ્વાર સૌ માટે સદા ખુલ્લાં જ રહેતાં. સ્વામીશ્રીના આવકાર સાથે જ ઓરડાની બુઝેલી બત્તીઓ ઝગી.\ સ્વામીશ્રીએ પ્રેમથી ફૂલહાર ગ્રહણ કર્યો. તે વખતે એકેએકના માથે હાથ મૂકી આશીર્વાદ આપતાં તેઓ બોલ્યાઃ “તમારે અમારા માટે ફૂલહારનો ખર્ચ ન કરવો. નિયમ-ધર્મ પાળો છો તેમાં ભગવાન રાજી જ છે.'

આ કૃપાલાભથી તે ભક્તો ગદ્‌ગદકંઠ થઈ ગયા. આજની દેવદિવાળીએ દેવોને આનંદ નહીં હોય એટલો આ દેવીપૂજકો અનુભવી રહ્યા.
આવો જ આનંદ તા. ૧૮-૨-૧૯૭૬ના રોજ કરમાડનો દેવીપૂજક સોમો અનુભવી રહ્યો. આજની સવારે સ્વામીશ્રી પધરામણીઓ કરવા નીકળ્યા તે વખતે આ ગામવાસી તેના બે દીકરાઓને પરણાવવા જાન જોડીને જઈ રહેલો. સ્વામીશ્રીને જોતાં જ તેના હૃદિયામાં “અંતર આજ ઉમંગે ગાવે, પ્રમુખસ્વામીને વધાવે...'નો ભાવ જાગ્રત થઈ ગયો.
તેણે લગ્ન માટે લાવેલાં વાર્જા પધરામણીઓમાં જોડી દેતાં થોડા સમય સુધી પધરામણીઓની સાથે સાથે વાર્જા ગાજતાં રહ્યાં. સ્વામીશ્રીએ પણ એ ભાવિકના બે બાળ-વરરાજાઓને હાર પહેરાવી સુખી જીવનના આશીર્વાદ પાઠવ્યા!
તેઓની આવી આશીર્વર્ષાથી તા. ૨૭-૧૧-૧૯૭૫ની બપોરે આશી ભીંજાયું. અહીં સવા બાર વાગ્યે સામૈયાનો સત્કાર સ્વીકારી સ્વામીશ્રી બપોરે બે વાગ્યે પધરામણી કરવા નીકળ્યા. આ કાર્યક્રમ પૂર્ણ કરીને તેઓ પહોંચ્યા - આશીના હરિજનવાસમાં.
હા, અજ્ઞાન અને અણસમજણને કારણે સમાજના શિરે ચોંટેલું અસ્પૃશ્યતાનું કલંક ધોવા સ્વામીશ્રી કોર્ટના દરવાજે નહીં, પણ હરિજનોના દરવાજે જઈને ઊભા રહેતા. આ દૂષણ નિવારવા તેઓ આસ્ફાલ્ટની સ્વચ્છ-સમથળ સડકો પર સરઘસો ન કાઢતા, પણ હરિજનવાસની ગલીઓમાં જઈને ઘરોઘર પધરામણીઓ કરતા. છૂતાછૂતનું આ પાપ ધોવા તેઓ કેવળ સભાઓ ન સંબોધતા, પણ હરિજનવાસમાં પહોંચીને તેઓની વચ્ચે જ આસન જમાવી દેતા | સ્વામીશ્રીની આ ક્રાંતિને સમાજ વિસ્ફારિત નેત્રે નિહાળી રહેતો.
આ અનુભૂતિમાંથી પસાર થયા લાખિયાણીના એક વણકરભાઈ, તા. ૧૬-૬-૧૯૭૮ની સાંજે રાજકોટના મંદિરમાં યોજાયેલા સન્માન સમારેભમાં રાજકોટના રાજવી, જિલ્લા પંચાયત પ્રમુખ, શહેરના મેયર, સાંસદ સહિત અનેક નામાંકિતોનું સન્માન સ્વીકારી સ્વામીશ્રી રાત્રે પોતાના ઉતારામાં બિરાજમાન હતા. અહીં પત્રલેખન કરી રહેલા તેઓ પાસે પહોંચી ગયેલા પેલા ભાઈ પગે લાગી કહેવા લાગ્યાઃ “મારે વણકરનો ધંધો છે. ધોતિયાં, પછેડીઓ, ટુવાલ વગેરે બનાવું છું. પણ માલ ખપતો નથી. તેથી દુઃખી થઈ ગયો છું. એટલે આપના આશીર્વાદ લેવા આવ્યો છું. આપના આશીર્વાદથી મારું ભલું થશે.'

દુખિયારાના આ શબ્દોમાં વેદના અને વિશ્વાસ - બંને છલકાતાં હતાં.  તેઓની વાત સાંભળી સ્વામીશ્રી ક્ષણભર તેઓ સામું જોઈ રહ્યા. પછી સંતોને કહ્યું: “લીંબડીમાં આપણા સત્સંગી રામજીભાઈ આવાં જ હાથવણાટ કાપડનો વેપાર કરે છે. તેના પર ભલામણપત્ર લખી આપીએ.'
આમ કહેતાં રાત્રે અગિયાર વાગ્યે એક અપરિચિત વણકરના જીવનમાં વ્યાપેલો અંધકાર દૂર કરવા સ્વામીશ્રીએ  કલમ ચલાવી.
આ કરુણાથી તે વ્યક્તિનું હૈયું ભરાઈ આવ્યું. તેણે પોતાની પાસે રહેલું વણવેચાયેલું એક ધોતિયું સ્વામીશ્રીને આપ્યું. તે ધોતિયું સ્વામીશ્રીએ લીધું, પણ પહેરવા નહીં, આશીર્વાદ લખી આપવા. એ વણકરના વિધિના લેખ જાણે નવેસરથી લખતા હોય તેમ, સ્વામીશ્રીએ તે ધોતિયા પર હસ્તાક્ષર પાડી આપ્યા અને યોગીસ્વરૂપદાસ સ્વામીને ભલામણ કરીઃ “આમને જમાડીને મોકલજો.'
જમવા બેઠેલી એ વ્યક્તિ કોળિયે કોળિયે સ્વામીશ્રીની મમતાને જ મમળાવતી રહી. તેણે ભીની આંખે સંતોને કહ્યું: “આજે મારો હાથ ભગવાને ઝાલ્યો. હવે મારું કામ થઈ ગયું.'
આ વણકર વેદના અને વિશ્વાસ સાથે આવેલો. સ્વામીશ્રીને મળ્યા બાદ હવે વિશ્વાસ બચેલો; વેદના અલોપ થઈ ગયેલી. સ્વામીશ્રીનું આ જ કાય હતું - લોકોની વેદનાને ભૂંસવાનું, લોકોના વિશ્વાસને ટકાવવાનું.
તેઓનો આ અનુભવ પામેલા પેલા વણકરભાઈ સ્વામીશ્રીએ ચીંધી આપેલા સરનામે જઈ સત્સંગીને મળ્યા. તે હરિભક્તે સ્વામીશ્રીની ચિઠ્ઠીના કારણે આ અજાણી વ્યક્તિનો માલ ખરીદ્યો. તે સાથે જ આ વ્યક્તિના નસીબ આડેનું પાંદડું હટી ગયું અને તેની આજીવિકા ચાલવા માંડી.
મહાનુભાવોના જાજરમાન સન્માન સ્વીકાર્યા પછીની ગણતરીની મિનિટોમાં જ, એક વણકરનાં દુઃખ ફેડવા માટે સ્વામીશ્રીએ લીધેલી આ દરકાર જોઈ સૌનાં હૃદય તેઓનાં ચરણોમાં જઈ પડ્યાં.

આવી જ ઘટના બની તા. ૨૮-૨-૧૯૮૪ના રોજ. આ દિવસે સ્વામીશ્રીએ નવસારીના હરિજન ભાઈઓની વસાહત ઠક્કરબાપા વાસમાં નૂતન સંસ્કાર ભવનનો ખાતવિધિ કરતાં ત્રિકમના પાંચ ટચકા મારી ભૂમિખનન કરી આપ્યું. તેથી હરિજન બંધુઓને તો આનંદના ઓઘ વળી ગયા. આ નિમિત્તે આયોજિત સભામાં આ જ્ઞાતિનાં વિવિધ સામાજિક સંગઠનો વતી સ્વામીશ્રીને પુષ્પહાર અર્પણ થયા. તે તમામ પૃષ્પહાર સ્વામીશ્રીએ તેઓને તરત પરત પહેરાવ્યા ત્યારે સૌ ગદગદ થઈ ગયા, કારણ કે તેઓને આમ સન્માનિત કરનારા સ્વામીશ્રી પ્રથમ જ મહાપુરુષ હતા! આ કાર્યક્રમ સંપન્ન કરી હરિજનવાસના અંબાજી મંદિરે પધારેલા તેઓએ અહીં આરતી ઉતારી સૌને ધન્ય કર્યા.
આવી ધન્યતા તા. ૫-૨-૧૯૮૫ની સવારે ભોજ ગામમાં ફરી વળી. આજની પ્રાતઃપૂજા બાદ સ્વામીશ્રી ગામના મહાદેવ મંદિરે દર્શન કરવા પધાર્યા ત્યારે આ ગામના કેટલાક હરિજનોએ પોતાની વસાહતમાં પધારવા તેઓને નિમંત્રણ આપ્યું. તેને તરત જ સ્વીકારતાં સ્વામીશ્રી મંદિરેથી સીધા હરિજન વાસમાં જઈ પહોંચ્યા. અહીં તેઓએ હરિજન બંધુઓની વચ્ચે જ એક પાટ પર આસન માંડ્યું અને સાથે વાત પણ. સ્વામીશ્રીએ જણાવ્યું: “કોઈ પણ વર્ણના મનુષ્ય હોય પણ સારાં કર્મ કરે તે બધા સારા જ છે. શબરી, રોહિદાસ વગેરે નીચા કુળમાં હતાં છતાં ભક્તિ કરી અને ભગવાને આપેલા નિયમોનું પાલન કર્યું તો શાસ્ત્રોમાં નામ લખાઈ ગયાં. મેં આપ સૌના હિતેચ્છુ એવા પ્રામાણિક માણસો પાસેથી સાંભળ્યું છે કે આપનામાં કેટલાકને અનેક પ્રકારનાં વ્યસનો પેસી ગયાં છે. જુઓ, આપના ઘરનાં છાપરાં હજી ઊંચાં નથી થયાં. આપ સૌ પણ આર્થિક દષ્ટિએ ઊંચા નથી આવી શક્યા. ઊંચું માથું રાખી શકીએ એવું જીવન આપણે કરવું જોઈએ. દારૂ-બીડી જેવું વ્યસન જો આપ મૂકશો તો આપનો આત્મવિશ્વાસ વધશે અને પૈસા પણ બચશે. એ પૈસા કોઈ બીજા નથી લઈ જવાના, આપના જ ઘરમાં રહેવાના છે. પરંતુ ગણતરી નથી એટલે જીવન ગમે-તેમ વેડફાઈ જાય છે. પછી એમ થાય કે ઊંચા નથી અવાતું.' પણ ક્યાંથી અવાય? સંસ્કાર સારા ન હોય તો ગમે તેવો પૈસાદાર હોય કે રાજા હોય તોય એના ઘરનો. ને સંસ્કાર હશે તો ભલે સામાન્ય હશે, ઝૂંપડામાં રહેતો હશે તોય વંદનીય છે. આખું ગામ એને માનની દષ્ટિએ જોશે. તમારામાં સંસ્કારો પડેલા જ છે, પરંતુ એને બહાર લાવવાના છે. આ ઠાકોરજી તમારે ત્યાં આવ્યા છે, એની નિષ્ઠા રાખજો. આપણે બધા હિન્દુ છીએ, ભલે જ્ઞાતિ ગમે તે હોય.”
સ્વામીશ્રીએ આજે પ્રેરણાની ભાગીરથી વહાવી દીધી,તેમાં સ્નાન કરનારા કંઈક હરિજનોએ વ્યસન-દૂષણ છોડવાના અને નિયમિત ભક્તિ કરવાના [િયમો લઈ લીધા. તેથી તેઓને “ઘેર બેઠાં તીરથ” જેવું થઈ રહ્યું!!
આ રીતે પોતાના પગલે પગલે તીર્થ પ્રગટાવતા સ્વામીશ્રી તા. ૨-૪-૧૯૮૦ની રાત્રે વિધાનગરમાં અરવિંદભાઈ પટેલના ઘેર પધાર્યા હતા. અહીં તેઓ આવ્યા ત્યારે આશીનો વણકર રામજી બગીચામાં કામ કરી રહેલો. તે પર દૃષ્ટિ પડતાં જ સ્વામીશ્રીએ તેને નજીક બોલાવ્યો, પણ વર્ણાશ્રમ ધર્મની વ્યવસ્થા મુજબ તે નજીક આવતાં સંકોચાયો. છતાં સ્વામીશ્રીએ તેને પાસે બોલાવી માથે હાથ મૂકતાં કહ્યું: 'તારે અમારી નજીક આવવું. કોઈ બાધ નથી.'
સ્વામીશ્રીની આ કૃપાથી એ વણકરનું કણ-કણ નાચી ઊઠ્યું. જેને સમાજ અસ્પૃશ્ય ગણી તરછોડતો, તેને સ્વામીશ્રી આમ ગળે લગાડતા.
એથીયે આગળ, તેઓ જ્યારે જમવા બિરાજ્યા ત્યારે સામે બેસીને જમી રહેલા હરિભક્તોની પંગતમાં જ તેઓએ
 રામજીની થાળી પણ મુકાવી અને તેને કેરીનો રસ  પિરસાવ્યો. આ અનુભવેય રામજી માટે નવીન હતો, પણ
સવર્ણોની હારમાં તેને સ્થાન આપીને સ્વામીશ્રીએ “બ્રહ્મ હમારી જાત'નો સંદેશ સમાજમાં વહેતો કરી દીધો.
તેઓએ સવર્ણોમાં એવી સમજ સિંચેલી કે જેથી તેઓ અન્ય વર્ણના સ્વીકારમાં ખચકાય નહીં અને અન્ય વર્ણના
મનુષ્યોને એવું સદ્વર્તન શીખવ્યું કે તેઓ સવર્ણોમાં સહજ સ્વીકૃતિ પામે. સ્વામીશ્રીએ વર્ણ-વર્ણ વચ્ચેનાં સૂગ-સંકોચને સત્સંગનાં દ્રાવણ વડે એવાં ધોઈ નાંખ્યાં કે તેઓનો સંપ્રદાય માનવી-માત્ર માટે મીઠો માળો બની રહ્યો! તેઓની આ ક્રાંતિ લાઠિયાળી કે લોહિયાળ ન બનતાં કલ્યાણકારી સાબિત થઈ રહી છે, કારણ કે તેમાં કોઈ જૂથ પ્રત્યે આક્રોશ, પૂર્વગ્રહ કે દ્વેષ નહોતા, પરંતુ હતી સૌ માટે કરુણા.

તેઓની આવી કરુણાનું એક નૂતન પ્રકરણ ઊઘડ્યું કાવીઠામાં. તા. ૮-૫-૧૯૮૫ના રોજ અહીં પધારેલા સ્વામીશ્રીના આગમનથી ગામવાસી ભક્તોને જેટલો હરખ થયો તેથી અધિક આનંદ સાથે આશીના પેલા રામજીનું હૈયું ઊછળી ઊઠ્યું. કારણ કે આ ભક્તે પોતાની દીકરીનાં લગ્ન અંગે સ્વામીશ્રીની સલાહ લેતાં મનોરથ સેવેલો કે “આ લગ્ન પ્રસંગે સ્વામીશ્રી નજીકના ગામમાં હોય તો સારું, જેથી તેઓના આશીર્વાદ લેવા જઈ શકાય.'\
આ ઓરતો કરતી વખતે આ સત્સંગીના મનમાં નિકટવર્તી ગામ તરીકે બોચાસણ રમતું હતું. પરંતુ ભક્તોના સંકલ્પોને સવાયા સિદ્ધ કરવાની પ્રકૃતિ ધરાવતા સ્વામીશ્રી તો દીકરીનાં લગ્નની તિથિએ ગામથી તદન નજીક વસેલા કાવીઠામાં જ આવી જતાં રામજીભાઈ હરખપદુડા થઈ દોડી આવ્યા તેઓ પાસે.
તા. ૯-૫-૧૯૮૫ની એ સવારે સ્વામીશ્રી ભ્રમણ કરી રહેલા ત્યારે આ ભક્તને જોતાં જ તેઓએ પૂછ્યું: “રામજી! કેમ આવ્યો?  “બાપા! આજે દીકરીનાં લગન છે.'  આ જવાબ સાંભળી સ્વામીશ્રીએ એ વણકરને પોતાની સાથે લીધા અને ચાલુ ભ્રમણે જ પૂછવા લાગ્યાઃ “તમારી જ્ઞાતિમાં આપવા-લેવાનો શું રિવાજ છે? જમાઈને શું આપવાનું હોય? દીકરીને શું આપવાનું હોય? તારી પાસે કેટલું છે! લગનમાં કેટલા માણસો આવવાના છે? કઈ કઈ જ્ઞાતિના આવશે? એ બધાને જમાડવાની શું વ્યવસ્થા કરી છે? રસોઈમાં શું રાંધ્યું છે? મિષ્ટાન્નમાં શું કયું છે? પતરાવળાં લાવ્યાં? ઉપરોક્ત પ્રશ્નાવલી દ્વારા સગો બાપ પણ ન લે એટલી ઝીણવટથી સ્વામીશ્રી એક વણકરની દરકાર લઈ રહ્યા. આ પૂછપરછ ડગલાં ભરી રહેલા તેઓનો હાંફ વધારી રહેલી, પણ હરિભક્તને હેત-હૂંફ આપવામાં ડૂબેલા સ્વામીશ્રી આ તકલીફથી તદન બેપરવા બનેલા.

તેઓના આ પ્રેમપ્રવાહે પેલા વણકર ભક્તનાં આંખ- અંતર છલકાવી દીધાં. પરંતુ તેઓ સહિત સૌ ગદગદ તો ત્યારે થઈ ગયા કે જ્યારે સ્વામીશ્રી બોલ્યાઃ “રામજી! મારે આજે મીટિંગમાં અમદાવાદ પહોંચવાનું છે, નહીંતર હું આવત. પણ હું મોટેરા સંતોને મોકલું છું.” નાના-મોટા તમામ સાથે આવો સ્નેહ-સંબંધ ધરાવતા
સ્વામીશ્રીના સાંનિધ્યમાં તા. ૨૩-૧૧-૧૯૮૫ના રોજ સમૂહલગ્નનો કાર્યક્રમ યોજાયેલો. તેમાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ શ્રી બી. ડી. જત્તી, રાજ્યના નાણામંત્રી શ્રી અરવિંદ સંઘવી વગેરે મહાનુભાવો પણ ઉપસ્થિત હતા. તે સૌ બ્રાહ્મણથી માંડીને હરિજન સુધીની જ્ઞાતિનાં યુવા-યુવતીઓને એક જ મંડપ નીચે પ્રભુતામાં પગલાં પાડતાં જોઈ અચંબિત થઈ ગયા. સ્વામીશ્રીએ વિકસાવેલી આવી સામાજિક એકતા અને ચેતનાની સાથે આ સમૂહ લગ્નોત્સવને બિરદાવતાં નાણાંમંત્રી તો બોલી ઊઠયાઃ 'દહેજના મોટા દૂષણને ડામવાની ચર્ચાઓ ખૂબ થાય છે, પણ એનો અમલ કરવાનું આ શ્રેય ભગવાન શ્રી સ્વામિનારાયણ અને પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને મોટા પ્રમાણમાં જાય છે. અનેક જ્ઞાતિનાં યુવક-યુવતીઓને ભેગાં કરી એમણે ભવ્ય કામગીરી કરી છે.'
આવી ભવ્ય કાર્યવાહી ચલાવનારા સ્વામીશ્રી તા. ૩-૧-૧૯૮૬ની સવારે ગજેરાના વણકર ભાઈઓની વિનંતી સ્વીકારીને તેઓના વાસમાં પધાર્યા ત્યારે આ કૃપાથી સૌ જ્ઞાતિબંધુઓ ઘેલા બની ગયા. ના પાડવા છતાં તેઓ ઠેઠ ખડકીથી ઢોલ વગાડતાં-વગાડતાં સ્વામીશ્રીને ગાંધીમંદિર સુધી સામૈયું કાઢી લઈ આવ્યા. તે આખા રસ્તે વણકરવાસના વસાહતીઓએ વસ્ત્રના પટ્ટા પાથરી દીધેલા. તે પર પગલાં પાડતાં સ્વામીશ્રીએ સ્વાગત સ્વીકારી સભા ભરી. તેમાં સૌને સદાચારની શીખ આપી. આ પ્રવચન બાદ તેઓ દરેકને વ્યક્તિગત પણ મળ્યા. એટલું જ નહીં, તેઓએ પોતાની સાથેના સંત-શિષ્યોને આજ્ઞા કરી કે “આ વણકરવાસના એક-એક ઘેર જઈ વ્યસનોની મુક્તિ કરાવી આવો.' 
વ્યસનમુક્તિ આંદોલન સ્વામીશ્રી માટે પ્રાસંગિક પ્રકલ્પ નહોતો, પણ કાયમનું કામ હતું. તેથી તેઓએ આજે એક પાટણવાડિયા હરિજનને કહ્યું: “દારૂ પીને કદાચ પોલીસ પાસેથી છૂટી જવાશે પણ ભગવાન પાસેથી નહીં છુટાય. ભગવાનમાં વિશ્વાસ રાખીને મૂકી દો. એમનું કામ એવું છે કે પછી તમને દારૂ જોઈને ઉબકો આવશે. જો કદાચ દારૂ પીવાનું મન થાય તો કંઠી પકડી લેવી.'
આ રીતે હજારો હરિજનોને વ્યસનોથી છોડાવી સ્વામીશ્રીએ સમાજ પર ચઢાવેલું ત્રકણ ઉચ્ચારતાં અંત ન આવે એવું છે. તેઓનો આ ત્ર્કણભાર તા. ૮-૬-૧૯૮૬ના રોજ સાંકરીના શિરે પણ ચડ્યો. અહીં વસ્તીમાં મુખ્ય પટેલો, પણ ઝાઝા હળપતિઓ-દૂબળાઓ. તેઓ પટેલોની જમીનમાં મજૂરી કરી દનિયાં મેળવે. પરંતુ તેઓનાં મોટા ભાગનાં દામ દારૂમાં ડૂબે. ભણતર પ્રત્યે પણ કોઈ વિશેષ લગાવ ન હોવાથી છૈયાં-છાપરાંની પ્રગતિનો વિચાર જ એ લોકોને ક્યાંથી ?
આવા કેટલાક દૂબળાઓ તા. ૯-૬-૧૯૮૬ની ઢળતી રાત્રે મંદિરની સામે આવેલા બંગલાની બહાર દરવાજાને સમાંતર જતી બે પાળી પર બેસી ગપાટા મારી રહેલા. તે વખતે ત્યાંથી પસાર થતા સ્વામીશ્રી તેઓને જોતાં જ ઊભા રહી ગયા અને સૌને ઊંચે સાદે “જય સ્વામિનારાયણ' કહ્યા.
તેઓનો અવાજ સાંભળી એ હળપતિઓએ સ્વામીશ્રી સામે જોયું. આ સમયે હજી ત્રણેક કલાક પહેલાં જ સ્વામીશ્રીના જમણા પગની પિંડીમાં થયેલી ફોલ્લીઓને ફોડીને પાટાપિંડી કરાયેલી. તેથી પગમાં સણકા વાગી રહેલા, પરંતુ આ પીડાને ન ગણકારતાં તેઓ ઊભાં ઊભાં જ બોલવા લાગ્યાઃ
'તમારે બધાએ દરરોજ આ મંદિરે દર્શને આવી જવું. જે કોઈ વ્યસન હોય એ કાઢી નાંખવાં. તેથી પૈસા બચશે તો મકાન સારાં થશે. છોકરાં સારાં કપડાં પહેરશે અને ભણીને આગળ વધશે. અમે તમારી પાસેથી પૈસા માંગતા નથી. તમે મંદિરે આવો ને હાથ જ જોડો એ અમારે મન લાખો રૂપિયા છે. આ મંદિર ખાલી પટેલોનું જ નહીં, પણ તમારું પણ છે. ગામમાં બીજા લાભ લે ને તમે લોકો રહી જાઓ તો અમને ઓછું લાગે. માટે અમે તમને કહીએ છીએ.'
આમ, પંદર-વીસ મિનિટ સુધી સ્વામીશ્રી અંધારે અટવાયેલાઓના રસ્તે પ્રકાશ પાથરતા રહ્યા.
પરંતુ તેઓનું આ કાર્ય આટલેથી ન અટક્યું. તેઓએ સંતોને આદેશ આપ્યો કે “આપણે અહીં છીએ ત્યાં સુધી આ દૂબળાઓના ઝંપડે-ઝુંપડે જાઓ અને તેઓને વ્યસનોથી છોડાવો.”
તેઓની આ આજ્ઞા અનુસાર સંતો ખોરડે-ખોરડે ઘૂમવા લાગતાં સૌને સાચી સમજ મળવા લાગી. તેથી રોજના ૨૫-૫૦ મનુષ્યો વ્યસન છોડવા સંમત થતા ગયા. તેઓને સાંજે સ્વામીશ્રી પાસે લાવવામાં આવે. સ્વામીશ્રી એ દૂબળાઓને બળની વાતો કરેઃ “સંતને કોઈ ભેદભાવ નથી. તમે લોકો દારૂ, માંસ, જુગાર મૂકી દો એ અમારે મન મોટી ભેટ છે. તમારાં છોકરાંઓને ઉકાઈમાં અમારું ગુરુકુળ છે ત્યાં મૂકો. અમે બધો ખર્ચો ભોગવીશું. ભણાવીશું. ભણશે તો આગળ આવશે.”
આમ,સ્વામીશ્રીના રોકાણ દરમ્યાન સાંકરી મુકામે સમાજ-સુધારણાનો એક યજ્ઞ જ યોજાઈ રહ્યો. તેમાં ૩૯૬ હળપતિઓએ વ્યસનો હોમ્યાં અને ૧૩૯ હળપતિઓએ સદાચારવર્ધક નિયમો લીધા.
આ કરણાવર્ષા વરસાવતા સ્વામીશ્રીએ તા. ૧૭-૬-૧૯૮૬ના રોજ સાંકરીના મંદિરનો ૧૫મો પાટોત્સવ ધામધૂમથી ઊજવ્યો. આ અવસરે તેઓએ ઉજળિયાતો, પટેલો, ભરવાડો, હળપતિઓ, હરિજનો વગેરે સૌને જમવાનું નોતરું આપ્યું. તેથી વ્યસનો છોડાવી મેવા-મીઠાઈ જમાડનારા સ્વામીશ્રી સૌને મન ભાવી ગયા.
એટલે જ એક હરિજન બાઈએ તો કોઈ હરિભક્ત દ્વારા પોતાની ગરીબાઈ સંબંધી પત્ર સ્વામીશ્રી પર મોકલી આપ્યો. તે વાંચી સ્વામીશ્રીએ તરત જ મંદિરના વ્યવસ્થાપક પ્રભુસ્વરૂપદાસ સ્વામીને સૂચના આપી કે “આવા માણસોને નિયમિત રીતે અનાજ વગેરે આપણે આપવું.' મદદ કરવામાં સ્વામીશ્રીને મન સૌ સમાન. પછી એ બાઈ હોય કે ભાઈ, હળપતિ હોય કે ધનપતિ. તેથી જ આ વખતના રોકાણ દરમ્યાન તેઓની મદદનો મેઘ ઝીલનારા સૌની આંખો સ્વામીશ્રીની વિદાય વેળાએ નીતરી રહી.
આવી જ ભાવવિભોર અવસ્થામાં તા. ૨૧-૯-૧૯૮૬ના રોજ સારંગપુરના દેવીપૂજકો અને હરિજનો મુકાઈ ગયા. આજે શાસ્ત્રીજી મહારાજનું સ્મૃતિપર્વ હોવાથી સ્વામીશ્રીએ સૌનાં ભોજનપાત્ર દૂધપાક પીરસી છલકાવી દીધાં. તેઓની આ કૃપાવર્ષામાં ગામના છેવાડે રહેતા હરિજન બંધુઓ પણ બાકાત ન રહ્યા. ભલે તેઓ મંદિરે નહોતા આવ્યા છતાં સ્વામીશ્રીએ વ્યવસ્થાપકોને સૂચના આપી કે 'દૂધપાકનો પ્રસાદ હરિજનવાસમાં પણ બધાને વહેંચજો. દેવીપૂજકોને પણ જમાડજો.' દલિતો પ્રત્યે આ સ્નેહ સાથે વિચરતા સ્વામીશ્રીના વરદહસ્તે તા. ૨-૩-૧૯૮૭ની સવારે રામોદડી ગામના નવનિર્મિત મંદિરમાં અક્ષરપુરુષોત્તમ મહારાજ પ્રતિષ્ઠિત થયા. ત્યારબાદ સ્વામીશ્રી ગામમાં આવેલા દેવીપૂજકોના વાઘરીવાસમાં જઈ પહોંચ્યા. અહીં વસતાં ૬૦ કુટુંબોને તેઓના હસ્તે વ્યસન છોડવાની અને કંઠી પહેરવાની હોશ હતી. તેથી સ્વામીશ્રીના આગમનને સૌએ બૂંગિયો ઢોલ પીટી વધાવ્યું. આ સ્વાગતને સ્વીકારી [નૈબતરું નીચે બાંધેલા મંડપમાં બિરાજેલા સ્વામીશ્રીએ અમીવર્ષા કરતાં કહ્યું:
“ભગવાન તો સર્વના છે. તેમનાં દર્શન, ભજન કરવાનો અધિકાર સૌને છે જ. માટે વહેમ કાઢવા. ઘણી વાર આપણને થાય કે તાવ આવે એમાં પશુનો વધ ન કરીએ તો માતા કોપશે, પણ માતા કોપતી જ નથી. માતા પોતાનાં છોકરાંને મારે? એ તો દયાળુ છે. તે તો છોકરાંને મોટા કરે. માટે નિર્દોષને મારવાની જરૂર નથી. લોકમાં કહેવત છે કે “દેવીપૂજક વૈષ્ણવ થાય નહીં.' પણ તમે એવો સત્સંગ કરજો કે આ કહેવત ખોટી પડે.'
આ આશીર્વાદ બાદ સ્વામીશ્રીએ સૌ પર જળ છાંટી દરેકને વર્તમાન ધરાવ્યાં. તે પછી તેઓ નાર તથા પેટલાદને લાભ આપતાં વિદ્યાનગર પહોંચ્યા.
અહીં ખ્યાતિપ્રાપ્ત એલિકોન કંપનીના માલિક શ્રી ભાનુભાઈના ઘેર લગ્નપ્રસંગ નિમિત્તે સત્કાર સમારેભ ગોઠવાયેલો. બંગલાનું વિશાળ પ્રાંગણ શ્રેષ્ઠીજનોથી ઊભરાતું હતું. સ્વામીશ્રી માટે ફૂલની સેરો અને નાડાછડીની કલાત્મક પિછવાઈથી શોભતું સુંદર સિંહાસન તૈયાર હતું. તે પર સ્વામીશ્રીએ સ્થાન ગ્રહણ કયું ત્યારે તેઓના મુખારવિંદ પર એ જ પ્રસન્નતા ઝળકી રહી જેવી આજની બપોરે રામોદડીના દેવીપૂજકોની વસાહતમાં ઝાડ નીચે બેઠેલા તેઓના ચહેરા પર હતી.

પોતાની આ સમતાના રંગે સૌને રંગતા સ્વામીશ્રી તા. ૬-૭-૧૯૮૭ની સવારે અમદાવાદના મેઘાણીનગરમાં આવેલી ગણપત સોસાયટીનાં દ્વારે પધાર્યા. હરિજન ભાઈઓની આ કોલોનીમાં તેઓને આવકારવા શહેરના ઉપમેયર ગોપાલભાઈ સોલંકી, સાંસદ ડાહ્યાભાઈ પરમાર, પૂર્વ ધારાસભ્ય દેવજીભાઈ પરમાર સહિત ઘણા પ્રતિષ્ઠિતો હાજર હતા. તેઓનું સ્વાગત સ્વીકારી સ્વામીશ્રીએ આશીર્વાદ આપતાં જણાવ્યું કે -
ભગવાનને મન કોઈ ભેદ હોતા નથી, પરંતુ કેટલીક વિકૃતિને લીધે નાત-જાતના ભેદ ઊભા થયા. તેથી આપણો ધર્મછિન્ન-ભિન્ન થઈ ગયો. પણ તમારામાં અને અમારામાં એક જ ભગવાન બિરાજમાન છે. દરેક માણસ પોતાના ધર્મને ન સમજ્યો હોય એટલે વિગ્રહના પ્રયત્નો કરે. પણ આ આંતરિક વિગ્રહ નીકળે તો દુનિયાની કોઈ તાકાત નથી જે આપણને કાંઈ કરી શકે. ઘરનો કુસંપ વધારે હેરાન કરે છે. માટે જ અંદરનું સંગઠન થાય એ જરૂરી છે. ભગવાન શ્રી સ્વામિનારાયણ અને તેમના સંતો-પરમહંસોને ઘણી મુશ્કેલી પડી છતાં તેમણે આ કાર્ય કયું છે. આપણે સૌ ભગવાનના બાળકો છીએ. એટલે કોણ સવર્ણ નથી?
સ્વામીશ્રીની આ સાદી ભાષામાં પથરાયેલા વિચારોનો વૈભવ જોઈ સૌ પ્રભાવિત થઈ ગયા. આવડવેરાના એક અધિકારી શ્રી આત્મારામભાઈએ તો મંચ પર આવી સ્વાનુભવ કહી દીધો કે “મારા જીવનમાં મને મારાં લગ્ન વખતે પણ જેટલો આનંદ થયો નહોતો, એનાથી વિશેષ આનંદ આજે થયો છે.' આ આનંદથી સૌને તરબતર કરતાં સ્વામીશ્રી તા. ૧૦-૧૧-૧૯૮૭ની સવારે જ્યાં પધાર્યા તે વલ્લી ગામનો સત્સંગ માત્ર સાત જ વર્ષેનો. છતાં અહીંના તળપદા પટેલો, હરિજનો, કોળી વગેરેએ દુષ્કાળના દિવસોમાં આશરે ૩૫૦ વીઘા જમીન ઘાસચારો વાવવા માટે સંસ્થાને સુપરત કરેલી.
ગરીબ મનુષ્યોની આ અમીરાત જોઈ સ્વામીશ્રીએ સૌને રૂડા આશીર્વાદ આપતાં કહ્યું: “આ ગામની વસ્તી ભલે સામાન્ય છે, પણ સત્સંગ અને ધર્મની દષ્ટિએ આપ ઊંચા છો. આપે જમીન આપી એ નાની-સૂની વાત નથી.' આ આશીવાદ બાદ ભૂમિદાતાઓનાં નામ એક પછી એક બોલાવા માંડ્યાં. તે ક્રમ મુજબ સૌ સ્વામીશ્રી પાસે આવવા લાગ્યા. તેમાં છેલ્લે બે નામ બોલાયાં - ભગાભાઈ અને રત્નાભાઈ. બંને હરિજન. બંનેએ એક-એક વીદઘું જમીન ઘાસ વાવવા વર્ષ પેટે આપેલી, પરંતુ તેઓ હાજર ન હોવાથી સ્વામીશ્રી પાસે ન આવ્યા. તેથી સભા બાદ ઉદેસંગભાઈની ઓસરીએ જમવા બિરાજેલા સ્વામીશ્રીએ મોંમાં કોળિયો મૂકતાં પહેલાં ગુણનિધિદાસ સ્વામીને કહ્યું:
“છેલ્લાં બે નામ બોલાયાં એમને બોલાવો. આપણે એમને મળવું છે. તે પછી જમીશું.'
આમ કહી સ્વામીશ્રી એ બે હરિજન ભાઈઓની પ્રતીક્ષા કરવા લાગ્યા! પરંતુ તેઓ બહારગામ ગયાનાં ખબર મળ્યાં “ચાર વાગ્યે એ બંને ભાઈઓને બોલાવજો. મારે એમને ખાસ મળવું છે.' તે મુજબ સાંજે ચાર વાગ્યે એ હરિજન ભાઈઓ આવ્યા ત્યારે તેઓને પ્રેમપૂર્વક આશીર્વાદ આપતાં સ્વામીશ્રીએ કહ્યું:
'આ તમે મોટું કામ ક્યું છે. શેઠિયાઓ લાખ રૂપિયા આપે અને તમે એક રૂપિયો આપો તોય સરખું પુણ્ય છે. ભગવાન ખૂબ લાભ આપશે.'
આટલું કહી સ્વામીશ્રી એ હરિજન બંધુઓની જમીન પર દૃષ્ટિ કરવા પણ પધાર્યા. તેઓએ વરસાવેલાં આ સ્નેહજળથી એ ભાઈએઓનાં જીવતરનાં ખેતરમાં સત્સંગની હરિયાળી ફેલાઈ ગઈ. તેઓ સદાચારમય જીવન જીવતા થઈ ગયા.
આ શૈલી સૌની બની રહે તે માટે સ્વામીશ્રીએ અડાસ ગામના હરિજનવાસમાં તો સંસ્થાના સહકારથી મંદિર પણ તૈયાર કરી આપ્યું. તેમાં હનુમાનજીની પ્રતિષ્ઠા કરવા તા. ૩-૨-૧૯૮૮ની બપોરે તેઓ સ્વયં પધાયા.
આ જ રીતે સ્વામીશ્રી તા. ૩-૫-૧૯૯૦ની સાંજે ઝાંઝરકાના સવગુણનાથ મંદિરમાં પધાર્યા. હરિજન બંધુઓના આ તીર્થધામમાં મહંત શ્રી બળદેવદાસજીએ તેઓને વાણીનાં ફૂલડાંથી વધાવતાં કહ્યું: “અમારે કાઠિયાવાડમાં કહેવત છે કે “જીને દીઠે રે નેણ ઠરે, એ સંત ક્યાં મળે? એવા સંતનાં આજે દર્શન થયાં એ અમારાં ભાગ્ય. તમે આ જે પગલું ભયું છે એ આવકારદાયક છે.'
આ પ્રસંગે સ્વામીશ્રીએ પણ હરિજન-સમુદાયને સંબોધતાં કહ્યું: “ગમે તે જ્ઞાતિમાં જન્મ એથી કંઈ આત્મા નીચો થઈ જતો નથી. મોક્ષનો અધિકાર દરેકને છે.'
આવું જ એક ઉદાહરણરૂપ કદમ સ્વામીશ્રીએ તા. ૧૩-૫-૧૯૯૦ના રોજ માંડ્યું. આ દિવસે બોચાસણના મંદિરમાં યોજાયેલા દલિત મહાસંમેલનમાં ખેડા, પંચમહાલ તથા વડોદરા જિલ્લાનાં દોઢસો ગામોમાંથી આશરે ૧,૫૦૦ હરિજનબંધુઓ ઊમટી પડેલા. આ આયોજનમાં સંસ્થાએ પૂરા પાડેલા સહયોગને જોઈ વિશ્વ હિન્દુ પરિષદના પ્રાંત- ઉપાધ્યક્ષ શ્રી ડાહ્યાભાઈ શાસ્ત્રી તો બોલી ઊઠ્યા: “જ્યાં સુધી પ્રમુખસ્વામી જેવા સંતો છે ત્યાં સુધી વીરતા, ધીરતા અને સુજનતાનો દુકાળ નહીં પડે. આજે સદ્ભાગ્ય છે કે સ્વામી રામદાસ, પ્રાણનાથ અને ચાણક્યનાં દર્શન એક પાવન ચરણોમાં થઈ રહ્યાં છે.'
આ અવસરે સ્વામીશ્રીએ પણ જણાવ્યું કે “હિન્દુધર્મમાં ભેદભાવ પહેલેથી પાડેલો જ નથી. વિશ્વને કુટુંબ સમજીને એમણે આદેશો આપ્યા છે. જે ધર્મ હિંસાને પોષતો હોય એ  ધર્મ જ નથી. એનાથી શ્રેય નથી. પોતે સહન કરે છે એ જ સાચો ધર્મ છે. હિન્દુ ધર્મે ક્યારેય બળજબરી કરી નથી, પરાણે પરિવર્તન કયું નથી. માટે આપણા ધર્મની મહત્તા સમજવાની જરૂર છે.'
આ સદ્બોધ સાથે પૂર્ણ થયેલા પ્રથમ સત્ર બાદ સૌ હરિજનબંધુઓ મંદિરમાં જ મહાપ્રસાદ જમ્યા. તે પછી આરેભાયેલા દ્વિતીય સત્રમાં પણ હાજર રહેલા સ્વામીશ્રીએ અંતમાં સૌને વ્યક્તિગત દર્શનનો લાભ આપ્યો. હરિજન સમાજમાં યોજાયેલી ભજન સ્પર્ધામાં વિજેતા થયેલાં મંડળોને સંસ્થા વતી પારિતોષિકો એનાયત થયાં ત્યારે તો સ્વામીશ્રીની આ ઉદારતા અને સમાનતાનો પડઘો પ્રચંડપણે ગાજી ઊઠ્યો.
તેની વચ્ચે વિદાય થયેલા તેઓ તા. ૨૮-૧-૧૯૯૨ની સવારે સારંગપુરમાં અલ્પાહાર ગ્રહણ કર્યા બાદ ઉતારાના હોલમાં બિરાજી સૌને મળી રહેલા. તે સમયે મંદિરમાં કામ કરનારા બે હરિજનબંધુ દૂર ઊભા રહી દર્શન કરતા હતા. તેઓ પર નજર પડતાં જ સ્વામીશ્રી બોલ્યાઃ “આવો.'
“બાપજી! ઝાડુ વાળવાવાળા છીએ.' તે બંનેએ દૂરથી જ પગે લાગતાં કહ્યું.
પરંતુ અગ્નિ અને આકાશને ભેદ શાના? તેથી અગ્નિ જેવા પવિત્ર અને આકાશ જેવા અસંગી સ્વામીશ્રીએ, એ બે હરિજનોને પાસે બોલાવી આશીર્વાદ આપ્યા તથા કંઠી પહેરાવી.
આ કૃપાવર્ષાથી ઝૂમી ઊઠેલા એ હરિજનોને સ્વામીશ્રીએ હળવે રહીને બીડીનું વ્યસન છોડવા કહ્યું ત્યારે તેઓ બોલ્યાઃ
“અરે, મા-બાપ! હમણાં જ બધું બાળી દઈશું. આપે અમને આપની નજીકમાં રાખ્યા!”
હરિજનોને આ સામીપ્યનો અનુભવ કરાવતા સ્વામીશ્રીએ તા. ૧-૧૧-૧૯૯૧ના રોજ ભાદરામાં દેવીપૂજકોના દરેક કૂબે પધરામણી કરી. તે દરમ્યાન એક ભાઈની ઓળખ આપતાં સ્થાનિક કાર્યકરે કહ્યું: “સીમમાં મોર અને સસલાં આણે જ ખાલી કર્યા છે.'
આ સાંભળી સ્વામીશ્રીએ એ દેવીપૂજકને શીખ આપી કે 'જો ભ'ઈ! આપણે એવું કરવું જ નહીં. રોટલા ખૂટે તે દિ' અમારા મંદિરમાં કોઠારી પાસે જજે, પણ મૂંગાં પશુને મારતો નહીં.'
આ રીતે એક દેવીપૃજકના જીવનમાં દેવત પૂરનારા સ્વામીશ્રીના વરદ હસ્તે અત્રે તા. ૨૩-૧૧-૧૯૯૧ના રોજ નડિયાદના નવનિર્મિત અક્ષર-પુરુષોત્તમ છાત્રાલયનો ઉદ્ઘાટન-વિધિ યોજાયો હતો. આ પ્રસંગે ભૂમિદાનમાં વિશેષ સહયોગી શ્રી નરેન્દ્રભાઈ દેસાઈ, સ્થાનિક ઉદ્યોગપતિ શ્રી ઇન્દુભાઈ પટેલ વગેરેને સન્માનવામાં આવ્યા, પરેતુ આયોજકો દેવીપૂજક શ્રી જલુભાઈને ભૂલી ગયા ત્યારે આ બાબતે સ્વામીશ્રીએ વ્યવસ્થાપકોનું ધ્યાન દોયું. અલબત્ત, આ વ્યક્તિએ જમીન તો વેચાણમાં જ આપેલી, છતાં “સૌને સરખા જાણું...'ની રીત રાખનારા સ્વામીશ્રી કોઈને ન ભૂલતા.
તેથી જ તા. ૧૮-૨-૧૯૯૨ના રોજ અટલાદરામાં બિરાજતા તેઓ એક ફાળિયાબદ્ધ દેવીપૂજકને આશીર્વાદ આપીને તેઓની ઓળખ આપતાં બોલ્યા હતાઃ 'આ સોખડાનો મંગળ. યોગીબાપાના આશીર્વાદથી સત્સંગી થયો, બાકી ઊડતાં પંખી પાડતો હતો.'
આટલું કહી તેઓની આંખે હાથ ફેરવતાં સ્વામીશ્રીએ પૂછ્યું: “હવે બરાબર દેખાય છે ને?
તેઓની આ દરકાર જોનારા સૌને “પ્રભુ નિજજનને હમેશ પાળે...'નું દર્શન સ્વામીશ્રીમાં બરાબર થઈ રહ્યું.
પોતાનું આ બિરુદ સાર્થક કરતા સ્વામીશ્રી તા. ૧૫-૧૨-૧૯૯૨ની સવારે ઈસણાવ પહોંચ્યા. અત્રે તેઓ સત્સંગીઓની ભક્તિથી તૈયાર થયેલા નૂતન મંદિરમાં અક્ષર-પુરુષોત્તમ મહારાજ પધરાવી સભામાં પધાર્યા તે વખતે સમીપવતીં પીપળાવ ગામના બે-ચાર દેવીપૂજકોએ કહ્યું: “બાપા! અમારા વાસમાં દર વર્ષે એક પાડો વધેરાય છે. નાના-મોટા પ્રસંગોમાં બકરાં તો આઠ-દસ વધેરાય છે. જો આ સભા બાદ આપનાં પગલાં ત્યાં પડે તો ભૂમિ પવિત્ર થાય.'
આ કાર્યક્રમમાં સામેલ થવું સ્વામીશ્રી માટે હિતાવહ નહોતું, કારણ કે ગઈકાલની રાતથી જ તેઓના શરીરમાં ઉધરસે ઉપાડો લીધેલો. તેથી તેઓ ત્રણ વાગ્યા સુધી તો સૂઈ જ નહોતા શક્યા. છતાં તેઓ ઈસણાવમાં સભા અને ભોજનથી પરવારી બપોરે સવા વાગ્યે પીપળાવ પધાર્યા!
અહીં તેઓને ગાડીમાં જ બેસી રહેવા સંતોએ વિનંતી કરી, પરંતુ સ્વામીશ્રી નીચે ઊતર્યા અને દેવીપૂજકોના પૃષ્પહાર સ્વીકાર્યા. તે પછી ઊભાં-ઊભાં જ આશીર્વાદ આપ્યા કે “સંતો અહીં રોકાય છે. સૌ સભાનો લાભ લેજો. કોઈ પણ વ્યસન-દૂષણ હોય તો કાઢી નાંખજો ને બધા અમારા સગરામ જેવા ભક્ત થઈ જાવ.' એમ કહીને સ્વામીશ્રીએ અદ્ભુત પ્રેરણાવચનો કહ્યાં.
સ્વામીશ્રીનાં આ આગમન અને આશીર્વાદથી દેવીપૂજકોની વસાહતમાં સત્સંગની સરવાણી ફૂટી નીકળતાં સૌના મેલ ધોવાયા અને પશુહિંસા પર પૂર્ણવિરામ મુકાયું. તે પાછળ વપરાતું ધન બચતાં સૌ સધ્ધર બન્યા. સત્સંગ થતાં મોક્ષભાગી પણ થયા.
આ રીતે દલિતોના સ્નેહી-સ્વજન થઈને તેઓનો સવાંગી ઉત્કર્ષ કરનારા હતા - પ્રમુખસ્વામી મહારાજ.
તેઓનું આ પ્રદાન નિહાળીને ઝાંઝરકાના મહંત પૂજ્ય બળદેવદાસજી મહારાજના એક અંતેવાસી શ્રી ત્રિભોવનદાસે તા. ૧૦-૨-૧૯૯૪ના રોજ સ્વામીશ્રીને કહેલું: “સ્વામીજી! આપે યુગનું પરિવર્તન કર્યું છે. આપ જેવા પુરુષ હવે ક્યારે થશે! આપમાં જેવી નિખાલસતા અને સરળભાવ છે એવો ક્યાંય ભાળ્યો નથી. હરિજનોમાં આવનાર આપ એક જ છો. આપે સૌને એવો પ્રેમ આપ્યો છે એટલે અમારા લોકો દોડીને આપની પાસે આવે છે.'
સંસ્કૃતિના શરીરને કોરી રહેલું અસ્પશ્યતાનું દૂષણ સ્વામીશ્રીએ કઈ હદ સુધી મિટાવેલું તેનું આ બયાન છે. 

0 comments

Kishor Satsang Prarambh – Chapter 12: Thal – Summary

    🔹 Detailed Point Form Grain is essential for human life. Grain grows only with sunlight and water given by God. Everything we use be...