સત્સંગ પ્રવીણ – પેપર 1 - સત્સંગ શિક્ષણ પરીક્ષા (પૂર્વ કસોટી - ૨૧-૦૬-૨૦૨૬) - SOLUTION

સત્સંગ પ્રવીણ – પ્રશ્નપત્ર ૧

વિભાગ – ૧ : શ્રી અક્ષરપુરુષોત્તમ ઉપાસના

(અઢારમી આવૃત્તિ, જૂન–૨૦૨૫)

પ્ર.૧ નીચે આપેલા પ્રસંગમાંથી કોઈ પણ એક પ્રસંગ વર્ણવી સિદ્ધાંત લખો. [૪]

૧. બાપુ રતનજી જૂનાગઢમાં (૧૧૮)

પ્રસંગ :
શ્રીજીમહારાજના અંગત સેવક બાપુ રતનજી સ્વામીનો સમાગમ કરવા જૂનાગઢ આવ્યા હતા. સ્વામીને તેમણે કહ્યું:

“જેવો મહારાજે આપનો મહિમા કહ્યો હતો એવા જ આપને મેં જાણ્યા છે. મારી કોઈ ખામી હોય તો ભાંગી નાખજો અને સદા દૃષ્ટિ રાખજો. મહારાજ તમારા દ્વારા અખંડ રહ્યા છે એમ નજરે દેખાય છે. માટે મારી સંભાળ તમે રાખજો.”

એમ કહી વિદાય લીધી.

તે પછી તેમને વિદાય આપવા ગયેલા જાગા ભક્તને તેમણે કહ્યું:

“વાતો કરનારા અને ઝીલનારા તમારા જેવા જૂનાગઢમાં જ છે. મહારાજ ઘણી વાર કહેતા કે ‘આ ગુણાતીતાનંદ સ્વામી જેવા કોઈ સમર્થ સાધુ નથી.’ બીજા કેટલાય મુક્તો મહારાજ સાથે પધાર્યા હતા, પણ તેમની મોટપ અક્ષર તુલ્ય તો નથી જ. સ્વામીની મોટપ તો આગળ જણાશે.

માટે સ્વામીના ઓશિયાળા થજો, પણ તેમને ઓશિયાળા કરશો નહીં. શ્રીજીમહારાજ છતે સત્યયુગ વર્તતો હતો, તેથી કામના અને ઊંઘના સંકલ્પો જુવાનીમાં પણ થતા નહીં. સ્વામી પાસે પણ એવો જ સત્યયુગ વર્તે છે. માટે સ્વામીને રાજી કરશો તો મહારાજ રાજી થયા છે તેમ માનજો.”

સિદ્ધાંત :
“સંત તે સ્વયં હરિ.” સંતને રાજી કરવાથી સ્વયં મહારાજ રાજી થાય છે. માટે તેમની આજ્ઞા અધ્ધર ઝીલવી.


૨. નિત્યાનંદ સ્વામી તેમની સમજણમાં અડગ રહ્યા (૪૩)

પ્રસંગ :
ગઢડામાં શ્રીજીમહારાજે ‘સત્સંગિજીવન’ ગ્રંથ લખાવ્યો ત્યારે તેમાં ઉપાસના સંબંધિ ચર્ચા થઈ.

નિત્યાનંદ સ્વામીએ મહારાજને સર્વોપરી, સર્વ અવતારના અવતારી અને સર્વ કારણના કારણ સમજવા તથા લખવા આગ્રહપૂર્વક કહ્યું.

બીજા પરમહંસોએ શ્રીજીમહારાજને અન્ય જેવા લખવાનું પ્રતિપાદન કર્યું. નિત્યાનંદ સ્વામીએ પોતાની દલીલ મક્કમતાપૂર્વક રજૂ કરી.

પરંતુ શ્રીજીમહારાજે પોતે બીજા પરમહંસોની દલીલમાં સૂર પુરાવ્યો. એટલું જ નહીં, નિત્યાનંદ સ્વામીને એકલા પાડી તેમની સાથે સાત દિવસ સુધી બોલ્યા નહીં અને તેમનો બહિષ્કાર કર્યો.

આ છતાં નિત્યાનંદ સ્વામી તેમની સમજણમાં અડગ રહ્યા.

છેલ્લે શ્રીજીમહારાજે તેમની સમજણની પ્રશંસા કરી, તેમને પોતાની પ્રસન્નતાનો હાર આપ્યો અને કહ્યું:

“ઉપાસક તો આવા જ હોય, કારણ કે અમે સર્વ ભેગા મળી ગયા અને તેમનો તિરસ્કાર કર્યો છતાં તેમણે સાચી વાત મૂકી નહીં.”

સિદ્ધાંત :
સત્સંગિજીવન ગ્રંથની રચનાના પ્રસંગથી શ્રીજીમહારાજની સર્વોપરી નિષ્ઠાની વાત દૃઢ થાય છે. પોતાના ઇષ્ટદેવ પણ નિષ્ઠા ફેરવાવે તો પણ ન ફેરવવી.


૩. “જ્યાં તે છે ત્યાં હું છું અને જ્યાં હું છું ત્યાં તે છે.” (૧૦૨–૧૦૩)

પ્રસંગ :
મહારાજે સ્વધામ જવાનો પાકો નિર્ણય કર્યો. ત્યારે તેમનો વિરહ સહન ન કરી શકે તેવા પ્રેમી સંતો અને ભક્તોને તેમણે ગુજરાતમાં ફરવા જવાની આજ્ઞા કરી.

આથી ગોપાળાનંદ સ્વામીએ મહારાજને કહ્યું:

“હે મહારાજ! આ જૂનાગઢના મહંત ગુણાતીતાનંદ સ્વામી અહીં આવ્યા છે. તેમને આપના ઉપર અપાર પ્રેમ છે. આપના વિરહની વેદના તેઓ સહન નહીં કરી શકે તો તેમને પાછા જૂનાગઢ મોકલી દ્યો.”

તે સાંભળી મહારાજ બોલ્યા:

“સ્વામી! એ ગુણાતીતાનંદ સ્વામી તો ગુણાતીત એવું અમારું અક્ષરધામ છે. તેમને હું શી રીતે દૂર કરી શકું? જ્યાં તે છે ત્યાં હું છું અને જ્યાં હું છું ત્યાં તે છે. અમારાથી એ કઈ રીતે જુદા થઈ શકે?”

સિદ્ધાંત :

પરબ્રહ્મ જ બ્રહ્મની ઓળખ આપી શકે. બ્રહ્મ અને પરબ્રહ્મની એકતા તથા શરીર-શરીરીભાવ આ પ્રસંગ પરથી ફલિત થાય છે.

પ્ર.૨ નીચે આપેલાંમાંથી કોઈ પણ બે વિષયના સંદર્ભમાં શાસ્ત્રનાં ત્રણ પ્રમાણો આપો. [૬]

૧. શ્રીજીમહારાજનું સર્વોપરીપણું : અન્ય પરમહંસોનાં વચનોના આધારે (૩૫-૩૭)

(૧) સદ્. નિષ્કુળાનંદ સ્વામી

આદ્ય મધ્ય અંત્યે અવતાર, થયા અગણિત થાશે અપાર,
પણ સર્વેના કારણ જેહ, તે તો સ્વામી સહજાનંદ એહ.
(નિ. કા. અવતાર ચિંતામણિ : ૩૨)

(૨) સદ્. મુક્તાનંદ સ્વામી

સહજાનંદ સ્વામી રે, પોતે પરબ્રહ્મ છે રે,
સ્વામિનારાયણ જેનું નામ રે.

(૩) સદ્. પ્રેમાનંદ સ્વામી

દિવ્ય ચૈતન્ય અક્ષર જેનું ઘર છે જો,
ક્ષર અક્ષર થકી એ તો પર છે જો...


૨. ભગવાન નિરાકાર છે તે સમજણ ઉદ્ભવી ક્યાંથી ? (૧૧-૧૩)

પ્રમાણ-૧

“શ્રીમદ્ભાગવતમાં સાકાર બ્રહ્મનું પ્રતિપાદન છે પણ જે વાંચનારા હોય તેને જ પરમેશ્વરની ભક્તિ ન હોય તો ભગવાનનું સ્વરૂપ શ્રીમદ્ભાગવતમાંથી પણ નિરાકાર સમજાય છે.”
(વચ. ગ. મ. ૧૦)

પ્રમાણ-૨

परिनिष्ठितोऽपि नैर्गुण्ये उत्तमश्लोकलीलया ।
गृहीतचेता राजर्षे आख्यानं यदधीतवान् ॥
(શ્રીમદ્ભાગવત : ૨-૧-૯)

“હે રાજર્ષે! સત્વાદિગુણના કાર્યભૂત ત્રણ દેહથી વિલક્ષણ આત્મસ્વરૂપમાં સમ્યક નિષ્ઠાને પામેલો એવો હું (શુક) ઉત્તમશ્લોક ભગવાનની લીલાથી આકર્ષિત ચિત્તવાળો થઈને શ્રીમદ્ભાગવત પુરાણરૂપ આખ્યાન તેને ભણતો હતો.”

પ્રમાણ-૩

“જેમ કોઈકે ગાયનું પૂંછડું દીઠું, કોઈકે મુખ દીઠું, ખરુ દીઠું, પેટ દીઠું, સ્તન દીઠું, તેણેજે જે અંગ દીઠું તે ગાયનું જ દીઠું છે, પણ જેવી ગાય છે તેવી કોઈએ દીઠી નથી...”
(વચ. લો. ૧૫)

પ્રમાણ-૪

“શાસ્ત્રમાં જે શબ્દ છે તે એકાંતિક ભક્ત વિના બીજાને સમજાતા નથી... એવા વચન સાંભળીને મૂઢ હોય તે એમ જાણે છે, શાસ્ત્રમાં તો ભગવાનને અરૂપ કહ્યા છે.”
(વચ. ગ. પ્ર. ૬૬)

પ્રમાણ-૫

“ભગવાનને તો આકાર નથી તેમ સમજનારાની અવળી સમજણ છે.”
(વચ. ગ. પ્ર. ૬૬)


૩. સદ્. ગુણાતીતાનંદ સ્વામીએ કહેલો પોતાનો અસાધારણ મહિમા (૧૦૯-૧૧૦)

પ્રમાણ-૧

“આ સાધુ તો ભગવાનની હજૂરના રહેનારા છે, પળમાત્ર છેટે રહે તેવા નથી... ને આ સમયે એક વાત થાય છે તેવી વાત બીજા સાધુ જન્મારામાં પણ કરી શકે નહીં...”
(સ્વા.વા. ૫/૨૦)

પ્રમાણ-૨

“...આજ વર્તમાનકાળે જેણે દેહ ધર્યો છે તેને તો એક પગલું અક્ષરધામમાં છે ને જેને આ સાધુની ઓળખાણ થઈ છે તેને તો બેય પગલાં અક્ષરધામમાં જ છે...”
(સ્વા.વા. ૩/૨૬)

પ્રમાણ-૩

“...આ દેખાય છે એવી ને એવી મૂર્તિ અક્ષરધામમાં છે. લગારે ફેર નથી...”
(સ્વા.વા. ૫/૨૫૫)

પ્રમાણ-૪

“વરતાલમાં વાત કરી જે, બીજું કાંઈ કરવાનું નથી, એના થઈને એને જીવ સોંપી દેવો...”
(સ્વા.વા. ૪/૮૯)

પ્રમાણ-૫

“આ તો પરદેશી સાધુ છે, તથા મહારાજ પ્રગટ થયા ત્યારે આ સાધુ દીઠા, નહીં તો આ સાધુ બીજે હોય નહીં.”
(સ્વા.વા. ૪/૭૦, ૭૧)


પ્ર.૩ પ્રમાણ, સિદ્ધાંત કે કડી પરથી વિષયનું શીર્ષક આપો. [૯]

ઉદાહરણ :
“ભગવાનને જે નિરાકાર સમજે, એ તો પંચમહાપાપ કરતાં પણ અતિ મોટું પાપ છે. એ પાપનું કોઈ પ્રાયશ્ચિત્ત નથી.”
જવાબ : નિરાકાર સમજવાથી ખોટ

૧. “પ્રાણ થકી મુને વૈષ્ણવ વહાલાં, રાત-દિવસ હદે ભાવું રે.” (૭૯)
ગુણાતીત સંતનો મહિમા : પરોક્ષ ભક્ત-કવિઓનાં પદોમાં

૨. “ભગવાનને વિષે જે જાતનો દોષ કલ્પે છે તે દોષ પોતાને દુઃખ દે છે.” (૨૩)
ભગવાન અને સંતમાં મનુષ્યભાવ પડે તો ખોટ

૩. “तस्यैव सर्वथा भक्तिः कर्तव्या मनुजैर्भुवि।” (૫૦)
અનન્ય નિષ્ઠા છતાં સર્વનો દ્રોહ

૪. “બીજો કોઈ અક્ષર હોવાનો દાવો કરતો હશે તો તે પંચાત મારે છે.” (૧૦૬)
સદ્. ગુણાતીતાનંદ સ્વામીએ કહેલા ‘પોતે અક્ષર છે’ તે વિષેના પ્રસંગો

૫. “ભગવાનની મૂર્તિની ઉપાસના વિના આત્માબ્રહ્મ દેખાય જ નહીં.” (૨)
ઉપાસનાનું મહત્ત્વ

૬. “હવે વડોદરા સામી દ્રષ્ટિ ન હોય.” (૧૧૨)
સદ્. ગોપાળાનંદ સ્વામીએ કહેલા ‘સ્વામી અક્ષર છે’ તે વિષેના પ્રસંગો


પ્ર.૪ આપેલા વિકલ્પોમાંથી ફક્ત સાચા વિકલ્પોની આગળ આપેલા ચોરસ ખાનામાં ખરાની (✓) નિશાની કરો. [૪]

૧. ગુણાતીત સંતનો મહિમા : શ્રીજીમહારાજના શ્રીમુખે (૭૪)

☐ (૧) મને સાક્ષાત્કાર હરિભક્તનું દર્શન થયું.
☑ (૨) તેને ને પુરુષોત્તમ ભગવાનને કાંઈ છેટું રહેતું નથી.
☑ (૩) અનંત જીવના ઉદ્ધારને કરે છે.
☐ (૪) તેને દુખવતા થકા દુનિયાથી બીએ છીએ.

૨. અક્ષરબ્રહ્મનો મહિમા (૮૮)

☐ (૧) અક્ષર સર્વના દૃશ્ય છે.
☐ (૨) અક્ષર પરબ્રહ્મના સાક્ષી છે.
☑ (૩) તે બ્રહ્મ અનંત શક્તિએ કરીને યુક્ત છે.

☑ (૪) અતિ સૂક્ષ્મમાં અતિશે સૂક્ષ્મ છે.

પ્ર.૫ નીચે આપેલા વિષયોમાંથી કોઈ પણ બે વિષયનું વિવરણ લખો. (બારેક લીટીમાં) [૮]

૧. સર્વ-કર્તાહર્તા : શ્રીજીમહારાજ (૫-૬)

સર્વ-કર્તાહર્તા જે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે તે શ્રીજીમહારાજ પોતે જ છે. તે પ્રકારની સ્પષ્ટતા શ્રીજીમહારાજે પોતે ઘણા વચનામૃતોમાં તેમજ અન્ય ગ્રંથોમાં ‘એ જ આ પ્રત્યક્ષ’, ‘પ્રગટ પ્રમાણ’, ‘તમારા સર્વેના નયનગોચર’, ‘તમારા ઇષ્ટદેવ’ વગેરે શબ્દો વાપરીને કરી છે.

“ભગવાન તો સદા સાકાર જ છે ને અનેક બ્રહ્માંડોની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલયના કર્તા છે ને સદા પોતાના અક્ષરધામને વિષે મહારાજમાન છે અને રાજાધિરાજ છે ને તેજ આ પ્રત્યક્ષ છે.”
(વચ. ગ. અં. ૩૫)

ભક્તચિંતામણિમાં પણ શ્રીજીમહારાજ કહે છે:

વળી કહું એક વારતા, સર્વે કીધું આપણું થાય છે;
સુખ દુઃખ વળી જયપરાજય, યત્કિંચિત જે કહેવાય છે.
જે જે આપણને નવ ગમે, તે જીવ કેમ શકે કરી;
જુઓ સર્વે જગતમાં, કોણ શકે છે ફેર આચરી.
...
જે જે થાય છે જગતમાં, તેનો બીજો નથી કરનાર.
(ભક્તચિં. પ્ર. ૭૬)

મારું ધાર્યું અસત્ય સત્ય થાય છે, સમર્થ મારું નામ સહી;
મારી દૃષ્ટિએ જગત ઊપજે શમે, અનેક રૂપે માયા થઈ.
(ભક્તચિં. પ્ર. ૬૮)

ઓરડાના કીર્તનમાં પણ પોતાના કર્તાપણાની વાત સમજાવતાં શ્રીજીમહારાજ કહે છે:

જીવ ઈશ્વર તણો રે, માયા કાળ પુરુષ પ્રધાન;
સૌને વશ કરું રે, સૌનો પ્રેરક હું ભગવાન.

અગણિત વિશ્વની રે, ઉત્પત્તિ પાલન પ્રલય થાય;
મારી મરજી વિના રે, કોઈથી તરણું નવ તોડાય.
(સદ્. પ્રેમાનંદ સ્વામી)


૨. પ્રગટને ઓળખ્યા વગર કસર (૬૩-૬૫)

જીવમાં અનાદિ કાળથી અનંત પ્રકારની કસર રહેલી છે. તે સર્વે ભગવાનના પ્રગટ સ્વરૂપને યથાર્થ ઓળખીને તેમને આશરે જવાથી ટળી જાય છે.

શ્રીજીમહારાજ કહે છે:

“ભગવાનના સ્વરૂપમાં જો કોઈ રીતની સમજણમાં કસર રહી તો કોઈ રીતે વાંધો ભાંગશે નહીં.”
(વચ. ગ. મ. ૧૩)

“આ સત્સંગમાં આવીને પરમેશ્વર વિના જેને બીજા પદાર્થમાં હિત રહે છે તેનું કારણ એ છે કે, જેવી એ જીવને પરોક્ષને વિષે પ્રતીતિ છે તેવી પ્રત્યક્ષને વિષે દૃઢપણે પ્રતીતિ થતી નથી.”
(વચ. ગ. અં. ૨)

“જે ભગવાનના ભક્તને ભગવાનનો નિશ્ચય પણ પરિપૂર્ણ હોય... અને જો તે પ્રત્યક્ષ શ્રીકૃષ્ણ ભગવાનની મૂર્તિ વિના કાંઈક બીજું ઇચ્છે તો તેને ન્યૂન સુખની પ્રાપ્તિ થાય છે.”
(વચ. ગ. અં. ૫)

ગુણાતીતાનંદ સ્વામી કહે છે:

“જેવા મહારાજ છે ને જેવા આ સાધુ છે તેને જેમ છે તેમ ન જાણે તે મનરંતર અભાગિયા છે...”
(સ્વા.વા. ૩/૩૫)

“ગમે તેવો શાસ્ત્રી હોય કે ગમે તેવો પુરાણી હોય, પણ આ પ્રત્યક્ષ ભગવાન ને આ પ્રત્યક્ષ સંત તેની ઓળખાણ જો ન હોય તો તે ખીજડા જેવો છે.”
(સ્વા.વા. ૩/૬૮)

“આજ તો પ્રગટ ભગવાન છે, પ્રગટ સાધુ છે, પ્રગટ ધર્મ છે. ને આ સભામાં જેને નહીં ઓળખાય તેને પછવાડથી માથું કૂટવું પડશે.”
(સ્વા.વા. ૪/૪૯)

સદ્. મુક્તાનંદ સ્વામી કહે છે:

પરોક્ષથી ભવ તણો પાર આવે નહીં, વેદ વેદાંત કહે સત્ય વાણી.

મંગળ રૂપ પ્રગટને મેલી, પરોક્ષને ભજે જે પ્રાણી રે;
તપ તીર્થ કરે દેવ દેરાં, મન ન ટળે મસાણી રે.

સદ્. નિષ્કુળાનંદ સ્વામી કહે છે:

વાંચી કાગળ કોઈ કંથનો જેમ નાર અપાર રાજી થઈ,
પણ પ્રગટ સુખ મપય તણું, અણું જેટલું આવ્યું નહીં.
(ભક્તિનિધિ-૧૪)

પ્રગટ ભજી ઋષિપત્ની, પરોક્ષ ભજ્યા ઋષિરાય;
ઋષિ પત્નીએ હરિ રાજી કર્યા, ઋષિ રહ્યા પરિતાપમાંય.

પ્રગટ વિના છે પાંપળાં, ભક્ત કરે છે ભવમાંય;
ખરાં ખાંડતાં કુસકા, કણ નહીં મનસરે તેમાંય.

સદ્. બ્રહ્માનંદ સ્વામી કહે છે:

પ્રગટ પ્રમાણ હરિબીન પ્રાણી, કુંજહાં તહાં ભિકંતા હૈ;
ઓર ઉપાય કીયે તે કોઈ વિધ, આત ન ભવુ કો અંત.

પ્રગટ પ્રમાણ પુરાણ બતાવે, ગીતા પ્રગટ કથતા હૈ;

પ્રગટ પ્રમાણ ગયના બ્રહ્માનંદ, સબ હી જગત ભરમતા હૈ.

પ્ર.૬ નીચે આપેલાં વાક્યોમાંથી કોઈ પણ બે વિષયે કારણો આપી સમજાવો. (બારેક લીટીમાં) [૮]

૧. સંત જ ભગવાનનું પ્રત્યક્ષ સ્વરૂપ કહેવાય. (૫૩-૫૪)

શ્રીજીમહારાજ (વચ. ગ. પ્ર. ૬૮) કહે છે: “મારી આઠ પ્રકારની જે પ્રતિમા તથા જે સંત તેને વિષે હું અખંડ નિવાસ કરીને રહું છું.” આ સિદ્ધાંત અનુસાર સત્સંગમાં મૂર્તિ, શાસ્ત્ર, સંત અને આચાર્ય એમ ચાર કલ્યાણકારી અંગો છે, પરંતુ બ્રહ્મસ્વરૂપ સત્પુરુષ દ્વારા ભગવાન અખંડ પ્રગટ રહે છે, તેથી સંત સર્વોત્તમ છે.

શ્રીમદ્ ભાગવત (૧૦-૮૪-૧૧) માં કહ્યું છે:

“ન હ્યમયાનિ તીર્થાનિ ન દેવા મૃચ્છિલામયાઃ ।
તે પુનન્ત્યુરુકાલેન દર્શનાદેવ સાધવઃ ॥”

અર્થાત્ તીર્થો અને મૂર્તિઓ લાંબા કાળે પવિત્ર કરે છે, જ્યારે સંત તો દર્શન માત્રથી પવિત્ર કરે છે.

ગુણાતીતાનંદ સ્વામી કહે છે: “બોલતા ચાલતા જે ભગવાન તેજ પ્રત્યક્ષ કહેવાય.” (સ્વા.વા. ૫/૩૯૫)

વચનામૃત ગઢડા પ્રથમ ૧૦ માં પણ શ્રીજીમહારાજ કહે છે કે ભગવાન પ્રત્યક્ષ ન હોય ત્યારે ભગવાનને મળેલા સંતનો આશ્રય કરવાથી પણ જીવનું કલ્યાણ થાય છે.

નિષ્કુળાનંદ સ્વામી કહે છે:

કહ્યું બહુપ્રકારે કલ્યાણ રે,
અતિ અગણિત અપ્રમાણ રે,
પણ સૌથી સરસ સંતમાં રે,
રાખ્યું વાલમે એની વાતમાં રે.

આથી ભગવાન પોતાના પરમ એકાંતિક સંત દ્વારા પૃથ્વી પર અખંડ પ્રગટ રહી જીવોનું કલ્યાણ કરે છે, માટે સંતને ભગવાનનું પ્રત્યક્ષ સ્વરૂપ કહેવાય.


૨. ભગવાનના આકારને વિષે દૃઢ પ્રતીતિ રાખીને એની દૃઢ ઉપાસના કરવી. (૯-૧૦)

શ્રીજીમહારાજ કહે છે:

“આ ભગવાન ને ભગવાનના ભક્ત તે સદા સાકાર જ છે એમ સમજતો હોય... એવી જેને ભગવાનને વિષે સાકારપણાની દૃઢ પ્રતીતિ હોય ને તે જેવો તેવો હોય તો પણ એ અમને ગમે છે.”
(વચ. ગ. પ્ર. ૩૭)

વળી મહારાજ કહે છે:

“ભગવાનના સ્વરૂપને વિષે સદા સાકારપણાની દૃઢ નિષ્ઠા હોય... એવી રીતેજેની દૃઢ સમજણ હોય તેને ઉપાસનાવાળો કહીએ.”
(વચ. ગ. પ્ર. ૪૦)

“જો ભગવાનને સાકાર ન સમજે તો તેની ઉપાસના પણ દૃઢ ન કહેવાય.”
(વચ. ગ. અં. ૩૫)

“ભગવાનના આકારનું ખંડન ક્યારેય પણ ન કરવું.”
(વચ. ગ. પ્ર. ૭૧)

આથી ભગવાનને સદા દિવ્ય સાકાર સમજવા, નિરાકાર માનવા નહીં અને કોઈપણ ગ્રંથ કે દલીલથી પોતાની ઉપાસના ડગવા દેવી નહીં.

શ્રીજીમહારાજે સ્પષ્ટ આજ્ઞા કરી છે:

“ભગવાનના આકારને વિષે દૃઢ પ્રતીતિ રાખીને એની દૃઢ ઉપાસના કરવી... આ વાતને સર્વે દૃઢ કરીને રાખજો.”
(વચ. ગ. મ. ૩૯)

આથી ભગવાનના સાકાર સ્વરૂપમાં અડગ નિષ્ઠા રાખવી એ જ સાચી ઉપાસનાનો આધાર છે.


૩. ભગવાનનાં ચરિત્રને કલ્યાણકારી જ સમજે છે, તે જ ભગવાનનો પૂરો ભક્ત કહેવાય. (૨૦)

ભગવાન ધામમાં અને પૃથ્વી પર બંને સ્થાને દિવ્યમૂર્તિ છે, છતાં જીવના કલ્યાણ માટે મનુષ્ય જેવા ચરિત્ર કરે છે. તેમાં દિવ્યભાવ રાખવો એ સાચા ભક્તનો ધર્મ છે.

શ્રીજીમહારાજ વચનામૃત ગઢડા પ્રથમ ૭૨ માં કહે છે:

“ક્ષર અક્ષરથી પર એવા પુરુષોત્તમ ભગવાન જ્યારે જીવના કલ્યાણને અર્થે મનુષ્ય જેવી મૂર્તિ કરીને વિચરે છે ત્યારે સર્વે મનુષ્યના જેવાં જ ચરિત્ર કરે છે... તે સર્વે જીવના કલ્યાણને અર્થે છે.”

ભગવાન હરવું, જીતવું, ભય, શોક, કામ, ક્રોધ વગેરે જેવા ચરિત્રો દર્શાવે છે, પરંતુ તે માયિક નથી, જીવના કલ્યાણ માટે છે.

મહારાજ આગળ કહે છે:

“ભગવાન મનુષ્ય જેવી મૂર્તિ ધારીને જેવાં જેવાં ચરિત્ર કરે છે, તે સર્વે ગાન કરવા યોગ્ય છે.”

અને ચેતવણી આપે છે:

“એમ ન સમજવું કે ભગવાન થઈને એમ શું કરતા હશે?”

ભગવાનનાં સર્વ ચરિત્રો દિવ્ય અને કલ્યાણકારી છે. જે ભક્ત ભગવાનનાં દરેક ચરિત્રમાં દિવ્યભાવ રાખે છે અને ક્યારેય દોષબુદ્ધિ કરતો નથી, તે જ ભગવાનનો પૂરો ભક્ત કહેવાય છે.

પ્ર.૭ ઉપસંહારના આધારે નીચેના સૈદ્ધાંતિક વાક્યો પૂર્ણ કરો. [૬]

૧. આ અક્ષરબ્રહ્મનાં સ્વરૂપ ............ નિયામક અને શરીરી છે. (૧૨૮)

જવાબ :
આ અક્ષરબ્રહ્મનાં સ્વરૂપ, ગુણ, ઐશ્વર્ય વગેરે એકમાત્ર પરબ્રહ્મને જ આધીન છે. અને પરબ્રહ્મની નિત્ય ઇચ્છાથી તે જડ-ચિદાત્મક સકલ સૃષ્ટિનું કારણ, આધાર, વ્યાપક, નિયામક અને શરીરી છે.

૨. અક્ષરપુરુષોત્તમ ઉપાસનાના આ ............ ભક્તિ-ઉપાસના કરવી. (૧૩૦)

જવાબ :
અક્ષરપુરુષોત્તમ ઉપાસનાના આ તાત્પર્યમાં જ સ્વામિનારાયણ મહામંત્રના અર્થનો સમાવેશ થઈ જાય છે. જેમ કે, સ્વામીરૂપ અર્થાત્ અક્ષરરૂપ થઈને નારાયણની અર્થાત્ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની દાસભાવે ભક્તિ-ઉપાસના કરવી.

૩. સેવકરૂપે મૂર્તિમાન ............ તેજ છે, તેમ ન સમજવું. (૧૩૧)

જવાબ :
સેવકરૂપે મૂર્તિમાન અક્ષરબ્રહ્મ છે જ નહીં, અક્ષરબ્રહ્મ કેવળ નિરાકાર છે, અથવા કેવળ ધામ છે, અથવા કેવળ દિવ્ય તેજ છે, તેમ ન સમજવું.


પ્ર.૮ ટૂંકનોંધ લખો : શ્રીજીમહારાજનું સર્વોપરીપણું – “સ્વામીની વાત”નાં આધારે (૩૩-૩૫) [૫]

પોતાના સ્વરૂપની સર્વોપરી નિષ્ઠા જીવોને દૃઢ કરાવવા માટે જ શ્રીજીમહારાજ પોતાનું અક્ષરધામ અને ચૈતન્યમૂર્તિ પાર્ષદો સાથે લાવ્યા હતા. (વચ. ગ. પ્ર. ૭૧)

અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી જેટલો અને જેવો મહારાજનો મહિમા કહી શકે, તેવો બીજો કોઈ કહી શકે નહીં. તેમની વાતોના શબ્દે-શબ્દમાં શ્રીજીમહારાજના સર્વોપરી સ્વરૂપનું સ્પષ્ટ નિરૂપણ થાય છે.

સ્વામી નિર્ભયપણે કહેતા કે શ્રીજીમહારાજ સર્વ અવતારના અવતારી અને સર્વ કારણના કારણ છે. તેઓ કહેતા :

“બીજું અધિક કાંઈ સમજવાનું નથી ને એટલું જ સમજવાનું છે કે, મહારાજને પુરુષોત્તમ જાણવા ને આ સાધુને અક્ષર જાણવા.” (સ્વા.વા. ૩/૩૮)

વળી કહેતા :

“મહારાજને પુરુષોત્તમ જાણ્યા વિના અક્ષરધામમાં જવાય નહીં ને બ્રહ્મરૂપ થયા વિના મહારાજની સેવામાં રહેવાય નહીં.” (સ્વા.વા. ૩/૧૨)

સ્વામીએ શ્રીજીમહારાજની મહિમા સમજાવતા કહ્યું કે પૂર્વના અવતારો ચમકપાણ જેવા છે, જ્યારે શ્રીજીમહારાજ તો સર્વ અવતારના અવતારી અને સર્વ કારણના કારણ એવા પુરુષોત્તમ છે. (સ્વા.વા. ૩/૪)

તેઓ કહેતા કે હજારો લોકો સંસાર છોડીને સત્સંગમાં આવે છે, હજારો સ્ત્રીઓ ત્યાગ કરે છે અને ઘરોઘર ભગવાન તેડવા આવે છે, તે બધું શ્રીજીમહારાજના સર્વોપરીપણાનું પ્રમાણ છે. (સ્વા.વા. ૨/૧૬૯)

આમ, સ્વામીની વાતોમાં શ્રીજીમહારાજનું સર્વોપરીપણું, સર્વ અવતારના અવતારીપણું અને સર્વ કારણના કારણપણું ખૂબ જ દૃઢપણે પ્રતિપાદિત થયું છે.


વિભાગ – ૨

સત્સંગ વાંચનમાળા ભાગ – ૩

પ્ર.૯ નીચે આપેલાં અવતરણો કોણ, કોને અને ક્યારે કહે છે તે લખો. [૯]

૧. “હાથી ખંતૂયો, તે હાથી જાય ત્યારે જ નીકળે.” (૫૧)

કોણ : શ્રીજીમહારાજ
કોને : સંતોને

ક્યારે :
શ્રીજીમહારાજની આજ્ઞાથી પરમચૈતન્યાનંદ સ્વામીને બોલાવી લાવવા બે સંતો ધર્મપુર ગયા, પરંતુ સ્વામીએ નામરજી બતાવી. સંતોએ આવીને શ્રીજીમહારાજને વાત કરી ત્યારે શ્રીજીમહારાજ કહે છે :
“હાથી ખંતૂયો, તે હાથી જાય ત્યારે જ નીકળે.”

૨. “આ દૂધની રેલમછેલ ઊડતી હોય ત્યાં ત્યાગીથી કેમ રહેવાય ?” (૩૬)

કોણ : નિષ્કુળાનંદ સ્વામી
કોને : ગોપાળાનંદ સ્વામીને

ક્યારે :
ગોપાળાનંદ સ્વામીના ખૂબ આગ્રહથી નિષ્કુળાનંદ સ્વામી વડોદરા પધાર્યા. ત્યાં તેમના માટે દૂધપાકની રસોઈ તૈયાર કરવામાં આવી હતી. દૂધથી ભરેલા દેગડા જોઈને નિષ્કુળાનંદ સ્વામી પાછા જવાની તૈયારી કરવા લાગ્યા. ગોપાળાનંદ સ્વામીએ કારણ પૂછ્યું ત્યારે નિષ્કુળાનંદ સ્વામી કહે છે :
“આ દૂધની રેલમછેલ ઊડતી હોય ત્યાં ત્યાગીથી કેમ રહેવાય ?”

૩. “કમજો સારાં હોય, તો આપણે બ્રાહ્મણો કરતાં પણ સારા છીએ.” (૪૭)

કોણ : સ્વામીશ્રી
કોને : હરિજનોને (વણકરોને)

ક્યારે :
ભોજ ગામના છેવાડે આવેલા હરિજનવાસમાં સ્વામીશ્રી સામેથી પધાર્યા હતા. ત્યાં હરિજનોને જીવનશુદ્ધિ અને સદાચારની વાત કરતાં સ્વામીશ્રીએ કહ્યું :

“કમજો સારાં હોય, તો આપણે બ્રાહ્મણો કરતાં પણ સારા છીએ.”

પ્ર.૧૦ નીચે આપેલા પ્રશ્નોના એક (સંપૂર્ણ) વાક્યમાં જવાબ લખો. [૫]

૧. નિષ્કુળાનંદ સ્વામીનાં માતા અને પિતાનું નામ શું હતું? (૨૯)
જવાબ : નિષ્કુળાનંદ સ્વામીનાં માતાનું નામ અમૃતબા અને પિતાનું નામ રામભાઈ સુથાર હતું.

૨. શ્રી હરિલીલાકલ્પતરુ ગ્રંથની રચના કોણે કરી? (૪૫)
જવાબ : શ્રી હરિલીલાકલ્પતરુ ગ્રંથની રચના અચિંત્યાનંદ બ્રહ્મચારીએ કરી.

૩. પર્વતભાઈ માનસીમાં શ્રીજીમહારાજને શું જમાડતા હતા? (૫૯)
જવાબ : પર્વતભાઈ માનસી પૂજામાં શ્રીજીમહારાજને દહીં અને રોટલો જમાડતા હતા.

૪. ૫૧મા જન્મદિને સ્વામીશ્રીએ કઈ સેવા કરી? (૩૫)
જવાબ : ૫૧મા જન્મદિને સ્વામીશ્રીએ લોકોએ જ્યાં-ત્યાં ફેંકી દીધેલી દાતણની એંઠી ચીરીઓ જાતે ઉપાડવાની સેવા કરી.

૫. હરિજન યુવાનોના હૈયે કયો સ્વર ઘૂંટાવા લાગ્યો? (૨૨)
જવાબ : હરિજન યુવાનોના હૈયે સ્વર ઘૂંટાવા લાગ્યો : “આપણે ય હરિના જન છીએ, ગૌરવવંતા છીએ, મૂળ ઊંચેરા છીએ.”


પ્ર.૧૧ આપેલા વિકલ્પોમાંથી ફક્ત સાચા વિકલ્પોની આગળ ખરાની (✓) નિશાની કરો. [૮]

૧. શિવલાલ શેઠે કયા પરમહંસોનો સમાગમ કર્યો હતો? (૬૬)

☑ (૧) ગોપાળાનંદ સ્વામી
☐ (૨) મુક્તાનંદ સ્વામી
☑ (૩) ગુણાતીતાનંદ સ્વામી
☑ (૪) ભાયાત્માનંદ સ્વામી

૨. મેંગણીના દરબારનું નામ (૬)

☐ (૧) સુરાખાચર
☐ (૨) જીવાખાચર
☐ (૩) દાદાખાચર
☑ (૪) માનભા

૩. ભગવાન સ્વામિનારાયણના દિવ્ય વ્યક્તિત્વને આપેલી અંજલિ (૬)

☐ (૧) આદિ શંકરાચાર્ય
☑ (૨) મહાત્મા ગાંધીજી
☑ (૩) ચંદ્રવદન મહેતા
☐ (૪) લેખક સમરસેટ

૪. શાંતિલાલનું બાળપણ (૮)

☐ (૧) ગુરુયોગીજી મહારાજની ચિઠ્ઠી મળી.
☑ (૨) સંતચરિત્ર અને હિમાલયની વાતો.
☐ (૩) સાધુ રામદાસે હીર પારખી લીધું.
☑ (૪) ચાણસદમાં જન્મ.


પ્ર.૧૨ નીચે આપેલાં વાક્યોનાં કારણ જણાવો. (નવેક લીટીમાં) [૮]

૧. ગામડાના હરિભક્તોના મનનું સમાધાન થયું. (૨૨-૨૩)

એક વખત લોયા ગામમાં શ્રીજીમહારાજે શાકોત્સવ ગોઠવ્યો હતો. કેટલાક ગામડાના હરિભક્તો મહારાજના દર્શને આવ્યા. તેમણે જોયું કે મહારાજ મોટા ચૂલા ઉપર કડાઈમાં વંતાકનો ઘીમાં વઘાર કરી રહ્યા છે. ટૂંકી ધોતડી પહેરી હતી, હાથ હળદરવાળા હતા અને શરીર પરસેવાથી ભરાયેલું હતું. આ જોઈને તેમને શંકા થઈ કે “આવા તે ભગવાન હોય?”

તેઓ પાછા જવા લાગ્યા ત્યારે મુક્તાનંદ સ્વામીએ તેમને સમજાવ્યું કે ભગવાન મનુષ્યરૂપે પધારે ત્યારે તેમની ચેષ્ટાઓ મનુષ્ય જેવી જ હોય, પરંતુ તેઓ દિવ્ય જ હોય છે. મનુષ્યભાવ અને દિવ્યભાવની વાત સમજાવતાં તેમના મનનું સમાધાન થયું અને શ્રીજીમહારાજના સ્વરૂપનો દૃઢ નિશ્ચય થયો.

અથવા

૨. રઘુવીરજી મહારાજે ગુંસાઈને સજામાંથી બચાવી લીધા. (૪૩-૪૪)

મહેદાવાદમાં સંતો મહારાજના મહિમાનાં કીર્તનો ગાતા હતા. તે સાંભળી ગુંસાઈ ક્રોધે ભરાયો અને પોતાના માણસો સાથે આવી એક વૃદ્ધ સાધુને એટલો માર્યો કે તેમનો દેહ પડી ગયો.

આ વાત સરકાર સુધી પહોંચી અને ગુંસાઈને સજા થવાની તૈયારી થઈ. બીજી બાજુ વૈષ્ણવો રઘુવીરજી મહારાજ પાસે આવી માફી માંગવા લાગ્યા. ત્યારે રઘુવીરજી મહારાજે મહાન ક્ષમાશીલતા બતાવી ફરિયાદ પાછી ખેંચાવી લીધી. તેથી ગુંસાઈ સજામાંથી બચી ગયો.

૩. ડાહ્યાભાઈએ અક્ષરધામની લગોલગ હોવાનો આનંદ અનુભવ્યો. (૪૩)

ડાહ્યાભાઈ કેન્સરની ગંભીર બીમારીથી પીડાતા હતા. સ્વામીશ્રી તેમને મળવા પધાર્યા ત્યારે આસનની પરવા કર્યા વગર તેમના પલંગ પાસે જ બેસી ગયા. પ્રેમભર્યા શબ્દો અને સ્પર્શથી તેમણે ડાહ્યાભાઈને અદભૂત શાંતિ આપી.

ગામના લોકો પણ દર્શને ઉમટી પડ્યા. મોડી રાત સુધી સૌને મળીને સ્વામીશ્રીએ વિદાય લીધી. તેમની કરુણા, આત્મીયતા અને દિવ્ય ઉપસ્થિતિથી ડાહ્યાભાઈના અંતરમાં એવો આનંદ થયો કે તેઓ અક્ષરધામની લગોલગ હોવાનો અનુભવ કરવા લાગ્યા.

અથવા

૪. દલુભાઈ મદારી આનંદથી નાચી ઊઠ્યા. (૩૧-૩૨)

દલુભાઈ મદારીની ઈચ્છા હતી કે સ્વામીશ્રી તેમના ઘરે પધારે. ભારે વરસાદ વચ્ચે સ્વામીશ્રી તેમના ગરીબ ઘર સુધી પહોંચ્યા. દલુભાઈએ પૂજન કર્યું અને સ્વામીશ્રીને જાણ થઈ કે તેમણે તમામ અનાચાર છોડી દીધા છે.

આ સાંભળીને સ્વામીશ્રી ઊભા થઈ તેમને પ્રેમથી ભેટ્યા અને કહ્યું: “ભલે ગરીબ છે, પરંતુ દર્શનથી શાંતિ થાય છે. આવાં ઘર તો તીર્થ કહેવાય.”

સ્વામીશ્રીના આ અતિશય રાજીપા અને પ્રેમથી દલુભાઈ તથા અન્ય આદિવાસી ભક્તો ગદગદિત થઈ ગયા. દલુભાઈ આનંદથી નાચી ઊઠ્યા.


પ્ર.૧૩ નીચે આપેલા શીર્ષકો ઉપર મુદ્દાસર સમજૂતી લખો. (બારેક લીટીમાં) [૮]

૧. રામાનંદ સ્વામીએ મકુંદદાસની કરેલી કસોટી (૧૭-૧૮)

મકુંદદાસે રામાનંદ સ્વામીને પોતાના સદ્ગુરુ માની શરણાગતિ સ્વીકારવાની વિનંતી કરી. પરંતુ તેઓ માગીપંથી તુલસીદાસના શિષ્ય હોવાથી રામાનંદ સ્વામીએ પહેલા ગુરુની રજાચિઠ્ઠી લાવવા કહ્યું. મકુંદદાસે યુક્તિપૂર્વક ગુરુની રજા મેળવી.

પછી રામાનંદ સ્વામીએ તેમને મણુ ભાના ખેતરમાં હળ હાંકવાની સેવા આપી. તેમણે આજ્ઞા માની સેવા કરી. ત્યારબાદ સ્વામીએ કહ્યું કે તમે પરણેલા છો, તેથી પરિવારની રજાચિઠ્ઠી પણ લાવો.

મકુંદદાસે સંસારથી છૂટવા માટે ગાંડપણ જેવું વર્તન કર્યું અને અંતે પત્ની તથા સગાંઓની રજા મેળવી. ફરી રામાનંદ સ્વામી પાસે પહોંચ્યા ત્યારે તેમના અદ્ભુત ખપથી સ્વામી અત્યંત પ્રસન્ન થયા અને સંવત ૧૮૪૨ની વસંત પંચમીએ તેમને ભાગવતી દીક્ષા આપી ‘મુકુંદાનંદ સ્વામી’ નામ આપ્યું.

અથવા

૨. પર્વતભાઈની સંતો સાથેની આત્મબુદ્ધિ (૬૦-૬૧)

એક વખત મહારાજ અગતરાઈ પધાર્યા. પર્વતભાઈએ મહારાજ અને સંતોને વાડીએ તેડ્યા. તેમણે પ્રેમથી શેરડીના માદગળિયાં મહારાજ સમક્ષ ધર્યા.

મહારાજે થોડાં માદગળિયાં પર્વતભાઈને આપ્યાં, પરંતુ તેમણે કહ્યું કે “મારા ઇષ્ટદેવ જમે પછી જમાય.” મહારાજે પૂછ્યું કે તમારા ઇષ્ટદેવ કોણ? ત્યારે પર્વતભાઈએ જવાબ આપ્યો કે “મારા ઇષ્ટદેવ તો આ સંતો છે. આપની ઓળખાણ એમણે કરાવી છે.”

સંતો પ્રત્યેની આવી આત્મબુદ્ધિ જોઈ મહારાજ અત્યંત રાજી થયા. તેમણે સંતોને તથા પર્વતભાઈને શેરડી જમાડી અને દોઢ વર્ષથી ચાલતો ખિરસનો નિયમ મુકાવ્યો. આ પ્રસંગ પર્વતભાઈની સંતો પ્રત્યેની અનન્ય આત્મબુદ્ધિ દર્શાવે છે.

પ્ર.૧૪ – નિબંધ

 “રે સગપણ હરિવરનું સાચું......” – સદ્દગુરુ બ્રહ્માનંદ સ્વામી

લાડુદાનજી બારોટ (બ્રહ્માનંદ સ્વામી)નો જન્મ સંવત ૧૮૨૮ના વર્ષમાં મહા સુદ પાંચમે રાજસ્થાનના ખાણ ગામના ચારણકુળમાં થયો હતો. બાળપણથી જ ગાવાની જન્મસિદ્ધ કળા ધરાવતા લાડુદાનજીએ ભુજની વ્રજભાષા પાઠશાળામાં દસ વર્ષ સુધી કાવ્યશાસ્ત્રનો અભ્યાસ કરી મારવાડી, વ્રજ, કચ્છી અને ગુજરાતી ભાષાઓ પર પ્રભુત્વ મેળવ્યું. અભ્યાસ પૂર્ણ કર્યાના માત્ર પાંચ વર્ષમાં તેઓ ગુજરાતભરમાં પ્રખ્યાત થયા અને રજવાડાંઓમાં પોતાની અદભુત કાવ્યશક્તિથી રાજાઓને પ્રભાવિત કર્યા. રાજાઓએ તેમની વિદ્વત્તાની કદર રૂપે કીમતી ભેટ-સોગાદો અને સોનામોહોરો આપી તેમજ તેમને ‘રાજકવિ’, ‘અષ્ટાવધાન’, ‘શતાવધાન’ અને ‘શીઘ્રકવીશ્વર’ જેવાં ઉચ્ચ બિરુદોથી નવાજ્યા હતા.

લાડુદાનજીએ ભાવનગરમાં મહારાજા વખતસિંહજી ગોહિલના દરબારમાં સ્વામિનારાયણ ભગવાન વિશે સાંભળીને તેમના ભગવાનપણાનું પારખું કરવાનો નિર્ધાર કર્યો. તેમણે ભગવાનની સચ્ચાઈ ચકાસવા માટે મનમાં ચાર સંકલ્પો કર્યા. ગઢડામાં એભલખાચરના દરબારમાં પ્રવેશતાં જ શ્રીજીમહારાજે તેમના ચારેય સંકલ્પો પૂર્ણ કર્યા. તેથી અત્યંત આનંદિત થઈ તેમના મુખમાંથી શબ્દો સરી પડ્યા:

“આજની ઘડી રે, ધન્ય આજની ઘડી, મેં નીરખ્યા સહજાનંદ...”

ભગવાન સ્વામિનારાયણની સર્વોપરીતા ઓળખી લાડુદાનજીએ પોતાનું શેષ જીવન તેમના ચરણોમાં સમર્પિત કર્યું અને દીક્ષા ગ્રહણ કરી ‘બ્રહ્માનંદ સ્વામી’ બન્યા. રાજ-સન્માન, ધન-સંપત્તિ અને વૈભવનો પળવારમાં ત્યાગ કરવા પાછળનું મુખ્ય કારણ ભગવાન પ્રત્યેનો તેમનો અનન્ય પ્રેમ અને દૃઢ નિશ્ચય હતો.

તેમણે પોતાના પદોમાં લખ્યું છે:

“લગાડી તેં પ્રીતિ લાલ રે, પ્રીતલડી તો લગાડી...
પ્રીતમ માર્યાં પ્રેમનાં, તમે તીખાં તીખાં બાણ;
જોતાં તમને જાદવા, થયા પરવશ મારા પ્રાણ રે...”

બ્રહ્માનંદ સ્વામી મનુષ્યરૂપે વિચરતા સાક્ષાત્ ભગવાન સાથે પ્રેમના અતૂટ બંધનથી જોડાઈ ગયા હતા. ભગવાનમાં આવો અસાધારણ પ્રેમ થવા પાછળ દૃઢ નિશ્ચય, આસ્તિકપણું તથા ઐશ્વર્યનું જ્ઞાન મુખ્ય કારણો છે. જ્યારે ભગવાનનો નિશ્ચય દૃઢ થાય છે ત્યારે ભક્ત ભગવાનનું અખંડ સામીપ્ય જ ઇચ્છે છે. આવા પ્રેમી ભક્તો સંસારના તમામ લૌકિક સુખો અને સંબંધોને તુચ્છ માની ત્યજી દે છે.

દીક્ષા લીધા પછી પરિવારજનો તથા સગાઈ થયેલી બે કન્યાઓ તેમને પાછા સંસારમાં લઈ જવા આવ્યા, પરંતુ બ્રહ્માનંદ સ્વામી પોતાના ત્યાગાશ્રમના નિર્ણયમાં અડગ રહ્યા. અંતે માતા-પિતાએ પણ તેમના નિર્ણયને વધાવી લીધો. ત્યારે સ્વામીજીએ કીર્તનમાં કહ્યું:

“રે સગપણ હરિવરનું સાચું,
બીજું સર્વે ક્ષણભંગુર કાચું...”

બ્રહ્માનંદ સ્વામી સંસારની ક્ષણભંગુરતા સમજાવી ભગવાન સાથેના સંબંધને જ શાશ્વત અને સાચો ગણાવે છે. તેઓ આગળ પ્રાર્થના કરે છે:

“મારું મનડું લોભાણું તમ પાસ રે...
મુને નથી બીજાની આશ રે...
મારે માથે ધણી છો તમે એક રે...
મારી અખંડ નિભાવજો ટેક રે...”

ભક્તના અનન્ય પ્રેમનું ભગવાન હંમેશા પોષણ કરે છે. ભગવાન સ્વામિનારાયણે લાડુદાનજીની માતા લાલુબાને આપેલું વચન પાળીને બ્રહ્માનંદ સ્વામીની માતા સમી સંભાળ રાખી. તેનો અનુભવ સ્વામીએ પોતાના પ્રભાતિયામાં વ્યક્ત કર્યો છે:

“ભરી સભામાં ભૂધરજી તમે, થયા છો માડી મારી રે;
બેટાને હેતે બોલાવો, અવગુણિયા વિસારી રે...”

બ્રહ્માનંદ સ્વામી ભગવાનની મૂર્તિમાં નિરંતર રમમાણ રહેતા. તેઓ ભગવાનના શણગારનું અત્યંત સૂક્ષ્મ વર્ણન કરતા:

“કાને કુંડલ નૌતમ ધરિયાં રે, ભારે નંગ વળી રંગ ભરિયાં રે;
આવી અંતરમાં ઊંડાં ગરિયાં... પ્યારા”

આમ, બ્રહ્માનંદ સ્વામી માટે પ્રેમ માત્ર લાગણી નહોતો, પરંતુ ભક્તિનું સર્વોત્તમ સાધન હતો. પ્રગટ ભગવાન સ્વામિનારાયણનો યથાર્થ નિશ્ચય થયા પછી તેઓ તેમની સાથે હેતના નાતે જોડાઈ ગયા. જેમ જેમ વર્ષો વીતતાં ગયા તેમ તેમ ભગવાન પ્રત્યેનો તેમનો પ્રેમ વધતો ગયો અને ભગવાન પણ તેમને અત્યંત સહજ થઈ રહ્યા. તેથી જ બ્રહ્માનંદ સ્વામીનું જીવન ભગવાન પ્રત્યેના અનન્ય પ્રેમ, અડગ નિશ્ચય અને સાચા સગપણનું અદ્વિતીય ઉદાહરણ છે.

ભવ્ય, દિવ્ય, અભૂતપૂર્વ કાર્યકર સુવર્ણ મહોત્સવ

BAPS સંસ્થાના પાયાની ઈંટ સમાન કાર્યકરોની સત્સંગ-સેવામય પ્રવૃત્તિના વિધિવત્ માળખા અને મધ્યસ્થ કાર્યાલયની સ્થાપનાને વર્ષ ૨૦૨૨માં ૫૦ વર્ષ પૂર્ણ થયાં. આ સેવામય પ્રવૃત્તિને બિરદાવવા માટે પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજે ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’ ઉજવવાનો આદેશ આપ્યો હતો. પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ બાદ વર્ષ ૨૦૨૪ દરમિયાન આ મહોત્સવ ઉજવવાનું નક્કી થયું.

૨૮ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ સુરત ખાતે મહંત સ્વામી મહારાજે દીપ પ્રાગટ્ય કરીને આ વર્ષની ઉજવણીનો શુભારંભ કરાવ્યો હતો. ત્યારબાદ દેશ-વિદેશના હજારો સત્સંગ કેન્દ્રોમાં કાર્યકરોના સમર્પણને બિરદાવતા વિવિધ કાર્યક્રમો યોજાયા. મે-૨૦૨૪માં સારંગપુર ખાતે ‘કાર્યકર તાલીમ કેન્દ્ર’નો પણ આરંભ કરાયો.

સમગ્ર વર્ષના કાર્યક્રમોની ચરમસીમા રૂપે ૭ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. આ દિવસ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજનો ૧૦૩મો પ્રાગટ્ય દિવસ પણ હતો. આ પ્રસંગે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, વરિષ્ઠ સંતો, ભારતના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

ભારત સહિત યુરોપ, અમેરિકા, આફ્રિકા અને આરબ દેશોમાંથી આવેલા એક લાખથી વધુ કાર્યકરોથી વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છલકાઈ ગયું હતું. મહોત્સવની શરૂઆત સ્વામિનારાયણ મહામંત્રની ધૂન અને પ્રાર્થનાથી થઈ. પૂજ્ય યજ્ઞપ્રિયદાસ સ્વામીએ કાર્યકરોના નિઃસ્વાર્થ સમર્પણ અને મહંત સ્વામી મહારાજના પ્રેમની વાત કરી.

ત્યારબાદ મહંત સ્વામી મહારાજનું કલાત્મક રથમાં આગમન થયું. ૯૫૫ બાળ-યુવા કાર્યકરો દ્વારા ૫૫૦ વિશાળ પુષ્પ-પાંખડીઓ અને ૨૨૫ મણકાઓની અદ્ભુત પ્રસ્તુતિ રજૂ કરવામાં આવી. આ મણકાઓ મળીને વિશાળ માળા બની ગયા, જે સત્પુરુષ સૌને એકતાના સૂત્રમાં બાંધે છે તેવો સંદેશ આપતી હતી.

મંચ પર કલ્પવૃક્ષના પ્રતીક સમું વૃક્ષ શોભી રહ્યું હતું, જેની નિશ્રામાં મહંત સ્વામી મહારાજ બિરાજ્યા હતા. પૂજ્ય ઈશ્વરચરણદાસ સ્વામીએ મહાનુભાવોનું સ્વાગત કર્યું અને દીપ પ્રાગટ્ય દ્વારા સમારોહનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

આ પ્રસંગે ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ચુઅલ સંદેશમાં જણાવ્યું કે ભગવાન સ્વામિનારાયણની શીખ અને પ્રમુખસ્વામી મહારાજના સંકલ્પો આજે મહંત સ્વામી મહારાજના માર્ગદર્શન હેઠળ સફળ થઈ રહ્યા છે. તેમણે જીવનમાં શુદ્ધતા, પવિત્રતા અને ભગવાનના સ્મરણનું મહત્ત્વ સમજાવ્યું.

BAPSના કાર્યકરો વ્યસનમુક્તિ, પ્રામાણિકતા, સદાચાર અને સંયમ જેવા મૂલ્યોનો પ્રચાર કરીને ચારિત્ર્યવાન સમાજનું નિર્માણ કરે છે. પૂર, ભૂકંપ અને વાવાઝોડા જેવી આપત્તિઓમાં પણ તેઓ નિઃસ્વાર્થ ભાવથી સમાજસેવા કરે છે. પ્રમુખસ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજે આવા કાર્યકરોને ‘હાલતાં-ચાલતાં મંદિરો’ કહ્યા છે.

આમ, કાર્યકર સુવર્ણ મહોત્સવ માત્ર ઉજવણી નહોતો, પરંતુ લાખો કાર્યકરોના નિઃસ્વાર્થ સમર્પણ, સેવા, ગુરુભક્તિ અને પવિત્ર જીવનનો એક ભવ્ય, દિવ્ય અને અભૂતપૂર્વ મહોત્સવ હતો, જેણે સૌના હૃદયમાં નવી ઊર્જા, પ્રેરણા અને ઉત્સાહ ભરી દીધો.

બાળયોગી નીલકંઠ વર્ણી

કૈલાસ અને માનસરોવર સનાતન કાળથી મુમુક્ષુઓ માટે પરમ આકર્ષણનું કેન્દ્ર રહ્યાં છે. હિમાલયની ગોદમાં અને તિબેટમાં આવેલું આ વિશ્વનું સૌથી ઊંચાઈએ આવેલું પવિત્ર તીર્થધામ છે. આજના સુવિધાજનક યુગમાં પણ આ દુર્ગમ પદયાત્રા કરવી અત્યંત કઠિન મનાય છે. પરંતુ આજથી સવા બસો વર્ષ પહેલાં માત્ર ૧૧ વર્ષની ઉંમરે નીલકંઠ વર્ણીએ ખુલ્લા પગે અને ખુલ્લા શરીરે આ અકલ્પનીય માનસ-યાત્રા પૂર્ણ કરી હતી.

કૈલાસ અને માનસરોવર હિન્દુઓ માટે યુગોથી ‘ભૂતલ-સ્વર્ગ’ સમાન માનવામાં આવે છે. આશરે ૧૫,૦૦૦ ફૂટની ઊંચાઈએ આવેલું આ પવિત્ર સરોવર પૃથ્વી પરનું વિશિષ્ટ તીર્થધામ છે. અહીંથી સતલજ, સિંધુ, બ્રહ્મપુત્ર અને સરયૂ જેવી મહાનદીઓનો ઉદ્ભવ થાય છે. રામાયણ, મહાભારત અને પુરાણોમાં પણ આ પવિત્ર ધામનું વિશેષ મહાત્મ્ય વર્ણવાયું છે.

સન ૧૭૯૨માં નીલકંઠ વર્ણીએ જોશીમઠથી માનસરોવર તરફ પ્રયાણ કર્યું હતું. તે પહેલાં તેમણે બદરીવનમાં ત્રણ માસ સુધી કઠોર તપશ્ચર્યા કરી હતી. શિયાળાની કાતિલ ઠંડી અને ભારે બરફવર્ષા છતાં તેમનો સંકલ્પ અડગ રહ્યો. ત્યારબાદ ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં તેઓ માનસરોવર તરફ આગળ વધ્યા.

આ માર્ગ અત્યંત જોખમી હતો. બરફના ગંજ ૧૨-૧૨ ફૂટ સુધી પહોંચતા હતા. ગ્લેશિયરો પર ચાલતાં પગના તળિયામાં અસહ્ય વેદના થતી હતી. ગાઢ ધુમ્મસ, બરફના ખાડાઓ અને ૧૮,૦૦૦ ફૂટની ઊંચાઈએ પાતળી હવા યાત્રાને વધુ કઠિન બનાવતી હતી. છતાં નીલકંઠ વર્ણી પાસે માત્ર એક માળા, કમંડલ અને કૌપીન જ હતા.

નીતિ ઘાટ પાર કર્યા પછી તિબેટી મેદાનો શરૂ થતાં હતા. ત્યાં જંગલી લોકો અને લૂંટારુઓનો સતત ભય રહેતો હતો. જલ અને વાયુનો પ્રવાહ પણ અત્યંત તીવ્ર હતો. તેમ છતાં નીલકંઠ વર્ણી કોઈપણ ભય વિના આત્મચિંતન અને મૌન ધારણ કરીને આ ભયાનક પ્રદેશોમાંથી પસાર થયા.

પ્રચંડ હિમપાત વચ્ચેથી અનેક ઝરણાંઓ ઓળંગીને તેઓ કૈલાસ પર્વતના મૂળ સુધી પહોંચ્યા. ૧૮,૬૦૦ ફૂટની ઊંચાઈએ આવેલા ગૌરીકુંડની મુલાકાત લીધી. ત્યારબાદ તેઓ કૈલાસ પર્વતથી લગભગ ૨૦ કિલોમીટર દૂર આવેલા વિરાટ માનસરોવર પહોંચ્યા. શિયાળામાં આખું માનસરોવર થીજી ગયેલું હોવા છતાં નીલકંઠ વર્ણીએ પોતાની યોગશક્તિ અને દિવ્ય સામર્થ્યથી આ તમામ કષ્ટોને સહજતાથી પાર કર્યા.

સામાન્ય પ્રવાસીઓ આજે પણ અનેક સાધનો, દવાઓ, ગરમ વસ્ત્રો અને વાહનોની મદદથી આ યાત્રા પૂર્ણ કરે છે. તેની સામે માત્ર ૧૧ વર્ષના સુકોમળ બાળકેએ કોઈપણ સાધન-સામગ્રી વિના આ અશક્ય યાત્રા પૂર્ણ કરી હતી.

આમ, બાળયોગી નીલકંઠ વર્ણીની માનસરોવર યાત્રા વિશ્વના ઇતિહાસની એક અજોડ અને અલૌકિક ઘટના છે. આ યાત્રા તેમની અમાનુષી સહનશક્તિ, દૃઢ સંકલ્પ, યોગબળ અને સર્વોપરી દિવ્ય સામર્થ્યની પ્રતીતિ કરાવે છે. તેથી નીલકંઠ વર્ણીનું જીવન આજેય લાખો મુમુક્ષુઓ માટે પ્રેરણાસ્ત્રોત બની રહ્યું છે.

0 comments

સત્સંગ પ્રવીણ – પેપર 2 - સત્સંગ શિક્ષણ પરીક્ષા (પૂર્વ કસોટી - ૨૧-૦૬-૨૦૨૬) - SOLUTION

પ્ર.૧ જવાબો “બહુ જ અદ્ભુત કહેવાય. તમે ક્યાંથી જાણી લાવ્યા ?” વૈરાગી તીર્થવાસી – પરસ્પર (એકબીજાને) બંગાળના એક ગામના આશ્રમની ઓસરીમાં વૈરાગી તી...