પ્રાજ્ઞ -૧ ધાર્મિક વિધાનો અને ભાવનાઓ ઓનલાઈન પરીક્ષા સોલ્યુશન

નીચે આપેલા પ્રશ્નોના એક (સંપૂણ) વાક્યમાં જવાબ લખો. (કુલ ગુણ ૫)
૧. કંઠી ધારણ કરતાં પહેલાં ક્યો મંત્ર બોલવામાં આવે છે ? (૫/૪૭)
જ. કાલ માયા પાપ કર્મ યમદૂત ભયાદહમ્‌। સ્વાર્મિનારાયણં શરણં પ્રપન્નોડસ્મિ સ પાતુ મામ્‌॥
૨. દંડવત્‌ પ્રણામમાં કેટલાં અંગો ભળે છે ? (૩/૩૨)
જ. દંડવત્‌ પ્રણામમાં આઠ અંગો ભળે છે.
૩. બાળકની પ્રગતિનાં છ સોપાન જણાવો (૯/૬૩)
જ. (૧) શારીરિક વિકાસ (૨) બૌદ્ધિક વિકાસ (૩) માનસિક વિકાસ (૪) મનોસામાજિક વિકાસ (૫) નૈતિક વિકાસ (૬) આધ્યાત્મિક વિકાસ
૪. આપણે શાને લઈને દુઃખ ઊભાં કરીએ છીએ ? (૧૦/૦૭)
જ. આપણે આસક્તિને લઈને દુઃખ ઊભાં કરીએ છીએ.
પ. સત્સંગ સભાથી જીવનની કિતાબમાં શાના પૃષ્ઠ ઉમેરાતાં જાય છે ? (૮/૫૭)
જ. સત્સંગ સભાથી જીવનની કિતાબમાં એક પછી એક ભક્તિમય, જ્ઞાનમય, વૈરાગ્યમય, ધર્મમય પૃષ્ઠ ઉમેરાતાં જાય છે.
નીચે આપેલા પ્રશ્નોમાંથી કોઈ પણ એકનો મુદ્દાસર જવાબ લખો. (દસેક લીટીમાં) (કુલ ગુણ ૩)
૧. શ્રીજીમહારાજે દર્શાવેલ પૂજા એટલે પૂણ પૂજાવિધિ : કેવી રીતે ? (૨/૧૬) ગીતામાં કહ્યું છે : “બ્રહ્મભૂતઃ પ્રસન્નાત્મા ન શોચતિ ન કાંક્ષતિ | સમઃ સર્વેષુ ભૂતેષુ મદ્ભક્તિં લભતે પરામ્‌ ।' (૧૮/૫૪) અર્થાત્‌ બ્રહ્મરૂપ થાય છે તે મારી ભક્તિનો અધિકારી થાય છે. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં કહ્યું છે : નિજાત્માનં બ્રહ્મરૂપ દેહત્રયવિલક્ષણમ્‌ | વિભાવ્ય તેન કર્તવ્યા ભક્તિઃ કૃષ્ણસ્ય સર્વદા ।૧૧૬।। - પોતાના આત્માને બ્રહ્મ કહેતાં અક્ષર સાથે એકતા કરી, અક્ષરરૂપ થઈ પુરુષોત્તમ નારાયણની ભક્તિ કરવી. ઉપાસનામાં ઉપાસ્ય સ્વરૂપની શુદ્ધિ તથા ઉપાસકની શુદ્ધિ બન્ને મહત્ત્વનાં પાસાં છે. ઉપાસ્ય સ્વરૂપને સર્વોપરી, સર્વાવતારી, સર્વકર્તા, પ્રગટ દિવ્ય સાકાર સમજવું - એ તેનો મહિમા છે, તેની શુદ્ધિ છે. ઉપાસક પોતે દેહભાવે વર્તે ત્યાં સુધી ભક્તિ શુદ્ધ નથી, ભક્તિનો આનંદ આવતો નથી. શ્રીજીમહારાજ કથિત નિત્યપૂજા વ્યક્તિ કે ઉપાસકને માટે શુદ્ધ થવાની, ભક્તિના પાત્ર થવાની તથા ઉપાસ્ય સ્વરૂપને પામવાની સોપાન શ્રેણી છે. નિત્યપૂજાની પદ્ધતિમાં આસન પ્રાણાયામ - એ યોગદર્શનની પ્રક્રિયા છે. જેમાં કદાચ ઇન્દ્રિયોનો સંયમ-નિગ્રહ પણ નિર્દિષ્ટ છે. ધ્યાનમાં સંકલ્પોના ત્યાગ દ્વારા દેહના વિચારો, દેહભાવનો ત્યાગ કરી આત્મવિચાર કરી આત્મજ્ઞાન-અક્ષરભાવ પામી માનસી પૂજા દ્વારા પરમાત્માની પૂજા-ભક્તિ કરીએ છીએ. મંત્રજાપ-પ્રદક્ષિણા દ્વારા ધ્યેયની દઢતા કરીએ છીએ. તપની માળા દ્વારા વૈરાગ્યની ખુમારી જગાવીએ છીએ અને શિક્ષાપત્રી વાંચન દ્વારા ધર્મનું પાન કરીએ છીએ. અંતમાં, પ્રાર્થના દ્વારા પુનઃ ધ્યેયની દઢતા તથા ભગવાનનું સામીપ્ય તથા ભક્તિ ઇચ્છીએ છીએ અને ભૂલોની ક્ષમાપના પણ વાંછીએ છીએ. આમ, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ - ચારેયના સમન્વયરૂપ એકાંતિક ધર્મયુક્ત વ્યક્તિગત નિત્યપૂજા છે.
2. ઇષ્ટદેવની, પરમાત્માની મૂર્તિપૂજા શા માટે ? (૧/૩-૪) આપણા ઇષ્ટદેવ-પરમાત્માના આપણા પર અગણિત ઉપકાર છે. આથી, પરમાત્મા પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરવા, આદર આપવા કહો ને કે એમની પૂજા કરવા આપણે ઉત્સુક બનીએ છીએ, પરંતુ પ્રશ્ન એ થાય કે પરમાત્માની પૂજા કરવી કઈ રીતે ? એ તો બધે જ છે. તો જેમ રાષ્ટ્રવીર, રમતવીર કે પોતાના પ્રિય નેતાને પૂજવા એની ચિત્રપ્રતિમા કે મૂર્તિને આપણે પૂજીએ છીએ, તેમ પરમાત્માની પૂજા કરવા આપણે પરમાત્માની મૂર્તિને પૂજીએ છીએ. એ પરમાત્માની જ પૂજા છે. સામાન્ય લોકનેતાની મૂર્તિમાંથી પણ પ્રેરણા મળે છે, તો ઇષ્ટદેવની, પરમાત્માની મૂર્તિથી, એમણે કરેલ આપણા પરના અનંત ઉપકારો તથા દયા, સ્નેહ, પવિત્રતા, સત્ય, અહિંસા વગેરે દિવ્ય સદગુણોની અમીટ છાપ આપણા અંતરમાં સહેજે ઊપસી આવે છે. પરમાત્માના ઉપકારોને ભૂલી જઈ આપણે ઘમંડી બની અધોગતિના પંથે લપસી પડીએ છીએ. આ ન થાય એ માટે પરમાત્માના અનંત ઉપકારોનું સતત અનુસંધાન રાખી જીવનમાં નમ્ર બનવા તથા પરમાત્માના દિવ્ય ગુણોને જીવનમાં પ્રગટાવવા માટે જ પરમાત્મા-ઇષ્ટદેવની મૂર્તિપૂજા અત્યંત આવશ્યક છે.
નીચે આપેલા વિષયોમાંથી કોઈ પણ એક ઉપર ટૂંકનોંધ લખો. (પંદરથી વીસ લીટીમાં) (કુલ ગુણ ૬)
૧. તિત્યપૂજા પ્રાતઃકાળે જ શા માટે ? (ર/૧૦-૧૧) પ્રાતઃકાળે આપણી આંખો ખૂલતાં જ જીવનમાં એક નવો દિવસ સામે આવે છે. જીવનનું એક નવું કોરું પાનું ખૂલે છે. એનો આરભ શુભ હોય, માંગલિક હોય, સુખમય હોય એવું જ આપણે સૌ ઈચ્છીએ. સવારે રાવણને યાદ કરીએ તો આપણને પણ કો'કનું પડાવી લેવાના વિચારો આવશે. ધન અને સત્તાની સર્વોપરીતા સિદ્ધ કરવાના વિચારો આવશે. ઈર્ષ્યા, રાગ-હૅષ, અભિમાનમાં આપણે જ અથડાઈશું, પરંતુ ભગવાન અને સંતને યાદ કરીએ તો? અંતરમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ જાગશે. દયા, કરુણા, પ્રેમ, ક્ષમા, ઉદારતા વગેરે શુભ ગુણોથી હૈયું તરબતર થઈ જશે, અંતરમાં શાંતિ ઊભરાશે. વળી, શાસ્ત્રોમાં પણ બ્રાહ્મમુહૂર્તનો ઘણો મહિમા કહ્યો છે. એ સમયે આળસ છોડી પ્રભુસ્મરણ કરવા ચેતવણી આપતાં મનુસ્મૃતિમાં કહેવાયું છે. : બ્રાહ્મે મુહુર્ત યા નિદ્રા સા પુણ્યક્ષયકારિણી ॥ બ્રાહ્મમુહ્તની નિદ્રા આપણાં પુણ્યનો નાશ કરનારી છે. સવારથી જ આળસ ધરાવતો માનવી પ્રગતિ શું કરવાનો ? બ્રાહ્મમુહૂતમાં ભગવાનની પૂજા જેવો દિવસનો મંગળ પ્રારંભ બીજો ક્યો હોઈ શકે ? સવારે મન અન્ય કાર્યોમાંથી નિવૃત્ત થયેલું, સંકલ્પ-વિકલ્પ રહિત હોય. આથી, પરમેશ્વરની પૂજાવિધિમાં સહેજે એકાગ્ર થવાય. મંત્રજાપ પણ સારી રીતે થઈ શકે. શાંત મનમાં પરમાત્માનો વિચાર સ્થિર થતાં મન વધુ પવિત્ર અને શાંત બને છે. જીવનનું ધ્યેય વધુ સ્પષ્ટ બને છે, પરમેશ્વર અને સંતમાંથી મળતી પ્રેરણાઓ પણ વધુ સ્પષ્ટ થાય છે, જેથી દૈનિક ક્રિયાઓમાં પણ એનું સહેજે અનુસંધાન રહે છે. પરમાત્માના વિચાર સાથે થતી અન્ય સર્વ દૈનિક ક્રિયાઓ પણ ભક્તિમય બની રહે છે. કહો ને કે દિવસ ભક્તિમય, સુખમય પસાર થાય છે. દિવસ ઉત્સવ બની જાય છે. દિવસને ભક્તિમય બનાવવા માટે, ઉત્સવ બનાવવા, આનંદ સાથે પ્રવૃત્તિ કરવા, અશુભ કાર્યોથી દૂર રહેવા માટે જ પ્રાતઃકાળે પૂજા કરવી આવશ્યક છે. વળી, પ્રાતઃપૂજાના પરિણામે, ભગવાન અને સંતના દિવ્ય ગુણોથી આચ્છાદિત શાંત મન કૌટુંબિક, વ્યાવહારિક, સામાજિક વિટંબણાઓમાં પણ યોગ્ય નિર્ણયો લઈ શકે છે. ભગવાનને ભેટવા માટે પ્રાતઃપૂજા. મનની શાંતિ માટે પ્રાત:પૂજા.
ર. મોટાં ભવ્ય મંદિરોની રચના શા માટે ? ખર્ચ શા માટે ? (૬/૫૦) જુગારખાનાં, સિનેમાગૃહો, ક્લબો જેવાં સ્થાનો પાછળ કરોડો રૂપિયા ખર્ચાય છે એનો પ્રશ્ન આપણે ક્યારેય ઉઠાવ્યો છે ? જ્યાંથી બહુધા દુરાચારની દુર્ગંધ જ વહેવાની છે, માનવીનું પતન કહેતાં સમાજનું પતન જ થવાનું છે એ માટે ક્યારેય કોઈને પ્રશ્ન થાય છે ? નથી થતો. કારણ માનવીમાં ઊંડે ઊડે રહેલો દુરાચાર એને મૌન બનાવી દે છે. “મંદિરો શા માટે ? એમ પૂછનાર, કહેનાર આવાં પાપ-સ્થાનોનાં સભ્ય હોય છે, મુલાકાતી હોય છે. હા, ક્યારેક આપણે સમાજોપયોગી શાળાઓ, હોસ્પિટલો, અનાથાશ્રમો વગેરે કાર્યોને આગળ ધરીએ છીએ. આ બધાં જ કાર્યો જરૂરી છે. પણ શાળાનું કાર્ય હોસ્પિટલ કરી શકશે ? હોસ્પિટલનું કાર્ય અનાથાશ્રમ પૂરું કરશે ? પ્રત્યેકનું કાયક્ષેત્ર અંગત છે. સમાજને આ બધાની જરૂર છે. આપણે એ ભૂલીએ છીએ કે આવાં કાર્યો, કાર્ય કરનાર માનવી પર અવલંબે છે. અને એ માણસને સીધી રીતે કે પરંપરા દ્વારા પણ ઘડનાર કોઈ શાળા હોય તો તે છે મંદિર. આવી અત્યંત જરૂરી, માનવઘડતરની શાળા કહેતાં મંદિર પાછળ ખર્ચ થાય છે તે શું બિનજરૂરી છે ? આ મંદિરો પણ અગત્ય છે, એની ભવ્યતાની પણ અસર છે. વળી, સમાજના ધનકૂબેરો, રાજવીઓનાં આવાસો કેવા ભવ્ય હોય છે ? વર્તમાન યુગમાં રાષ્ટ્રપ્રમુખ, વડાપ્રધાન વગેરે દેશની પ્રમુખ વ્યક્તિ ગણાય. એ સૌની વ્યવસ્થા પણ આપણે કેટલી સુંદર જાળવીએ છીએ. દેશના મોભા પ્રમાણે એમનાં આવાસસ્થાનો હોય છે. તો પછી સર્વના સ્વામી એવા પરમેશ્વરનો પ્રાસાદ પણ ભવ્યાતિભવ્ય હોય એવી ભક્તોની ભાવના રહે એ સ્વાભાવિક છે. પૂર્વે ભક્તહૃદયના રાજા-મહારાજાઓ, રાષ્ટ્રના સ્વામી પરમેશ્વરને સ્વીકારતા. આથી જ, તેઓ પરમેશ્વરના અતિ મહાન પ્રાસાદો-મંદિરોનું નિર્માણ કરતા અને તેમાં ભગવાનના અર્ચનસ્વરૂપની મૂર્તિની પ્રાણ-પ્રતિષ્ઠા કરાવતા. વર્તમાનકાળે ભક્તોનો સમૂહ એકત્ર થઈ આવાં ભવ્ય મંદિરોની રચના કરે છે, જે સૌ જન માટે ઉપયોગી, લાભદાયી હોય છે.
નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો. (ચાર થી પાંચ લીટીમાં) (કુલ ગુણ ૬)
૧. આરતી પૂણ થયા પછી શંખપૂરિત જળનું આવતન શા માટે કરવામાં આવે છે ? (૪/૪૩)
જ. પૌરાણિક માન્યતા છે કે ચોકી તો વરુણદેવની. એને કોઈ ઉલ્લંઘી ન શકે. આરતીની જ્યોત ભગવાનના દિવ્ય વિગ્રહ પર ઘૂમી હોઈ તેમાં ભગવાનની દિવ્ય શક્તિનો પ્રવેશ થયેલો મનાય છે. આ રીતે આરતીની જ્યોતમાં પ્રવેશેલી દિવ્યતા વરુણદેવની પ્રદક્ષિણા દ્વારા અકબંધ રહે તે હેતુથી શંખપૂરિત આવર્તન કરવામાં આવે છે. આ જ્યોતને પ્રત્યેક ભક્ત પોતાની દૃષ્ટિમાં ઉતારે છે. બે હાથ વડે આસ્કા લઈને મસ્તક પર ધારે છે, જેથી ભગવાનની દિવ્ય જ્યોતની દિવ્યતા અંતરમાં પ્રગટે. વળી, શંખપૂરિત જળને પણ પવિત્ર માનવામાં આવે છે, જે જળનો અંતે ભક્તો પ૨ છંટકાવ કરવામાં આવે છે.
૨. સમજાવો : એક યા બીજા સ્વરૂપે મૂર્તિપૂજા સૌ કોઈ કરે જ છે. (૧/૩) માતાપિતાની ચિત્રપ્રતિમા પાસે જતાં માની મમતા, પિતાનું વહાલ અને એમના સદદગુણોની મહેક અંતરમાં શું નથી ઊઠતી ? ગામના પાદરના\ પાળિયાથી, શહીદસ્મારકથી જનમાનસમાં દેશ માટે બલિદાનનાં બીજ વવાય છે. રાષ્ટ્રપિતા ગાંધીજીના પૂતળાથી કે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાથી લોકોના અંતરમાં રાષ્ટ્રીય ભાવના, લોકચાહના જાગ્રત થાય છે. વ્યક્તિની પ્રત્યક્ષ અનુપસ્થિતિમાં ચિત્રપ્રતિમા કે મૂર્તિ એ વ્યક્તિના સદ્‌ગુણોની સુવાસ ફેલાવી રહે છે. મૂર્તિની આવી અદ્ભુત શક્તિ સૌએ અનુભવી છે. આથી જ લોકો, દેશમાં કે વિદેશમાં પોતાનો આદર વ્યક્ત કરવા પુષ્પમાળા અર્પે છે અને દીવો પ્રગટાવે છે. વિદેશમાં ઘણી જગ્યાએ શહીદોના સ્મારક પાસે અખંડ જ્યોત પ્રગટતી રાખવામાં આવે છે. જેની મૂર્તિમાંથી પ્રેરણા પામ્યા, સદગુણો પામ્યા તે મૂર્તિ પ્રત્યે આદર વ્યક્ત કરીએ એજ મૂર્તિપૂજા. આમ,એક યા બીજા સ્વરૂપે મૂર્તિપૂજા સૌ કોઈ કરે જ છે.
૩. સ્વામિનારાયણ સંપ્રદાયમાં કંઠીની બે સેર શા માટે હોય છે ? (૫/૪૬) ભગવાન સ્વામિનારાયણે ભક્તરૂપ થઈને ભગવાનની સેવા કરવાનું જણાવ્યું છે. (વચનામૃત વર. ૫) આમ, ભક્તે યુક્ત ભગવાનની ઉપાસના શ્રીજીમહારાજને અભિપ્રેત છે. આથી જ, કંઠીમાં બે સેર રાખવામાં આવે છે. શિક્ષાપત્રીની અર્થદીપિકા ટીકામાં શતાનંદ સ્વામીએ પણ આ જ વાત કરી છે : નનુ માલાદ્ધયધારણે કો હેતુઃ ? ઇતિ ચેત્‌ શ્રી રાધાકૃષ્ણસ્ય યુગલસ્વરૂપોપાસકત્વસૂચનાર્થમ્‌ ઇતિ અવગમ્યતામ્‌ । અર્થાત્‌ કંઠીની બે સેર પહેરવી, તેનું શું કારણ ? તો રાધાએ યુક્ત કૃષ્ણની અર્થાત્‌ ભક્તે યુક્ત ભગવાનની ઉપાસના સૂચવવા માટે જ છે, એમ સમજવું.

0 comments

પ્રાજ્ઞ -1 / પેપર – 1 - 13 JULY -2025 PAPER AND SOLUTION

  વિભાગ – ૧ : વચનામૃત (કુલ ગુણ : ૨૫) પ્ર.૧ નીચે આપેલા પ્રશ્નોના એક (સંપૂર્ણ) વાક્યમાં જવાબ લખો. (કુલ ગુણ : ૪) કુશાગ્રબુદ્ધિવાળો કોને...